જ્યોતિષ- અનોખું વિજ્ઞાન
જ્યોતિષ- અનોખું વિજ્ઞાન
આજે એક નવા વિષય પર ચર્ચા કરવી છે. ભારત દેશ પાસે ઘણી અમૂલ્ય વિદ્યાઓ એક સમયે હતી પણ કા તો એ ગલત હાથમાં જવાના કારણે અથવા તો એના યોગ્ય જાણકાર કે જે તેનો વ્યવસ્થિત ઉપયોગ કરી શકે ના અભાવે આજે મૃતપ્રાય થઈ ગઈ છે.
આજે એક એવી જ વિદ્યા એટલે કે જ્યોતિષની ચર્ચા કરવી છે. બધી જ વાત કેવળ વૈજ્ઞાનિક રીતે કરવી છે, કોઈ પણ વાત તમને માનવાની નહીં કહું. એમ માનતા નહીં કે હું તેના પક્ષમાં બોલું છું, હું ના તેના પક્ષમાં છું કે ના વિપક્ષમાં.કેવળ સત્ય મારી જિંદગીમાં અનુભવેલ છે તે અહીં મૂકું છું.
સ્વાભાવિક છે કે પ્રશ્ન થાય કે દૂર હજારો કિલોમીટર રહેલા ગ્રહો કેવી રીતે માણસને પ્રભાવિત કરી શકે ? ખરું ને ? તો ચંદ્ર માં જયારે પૂનમ નો હોય ત્યારે દરિયામા ભરતી આવે છે અને અમાસના દીવેસે ઓટ આવે છે. આપણે જાણીએ છીએ કે આ બધું ચંદ્રમા ના કારણે જ થાય છે. તો વિચાર કરો કે માણસના શરીરમાં ૭૦ % પ્રવાહી છે, લોહી એન્ડ બીજા પ્રવાહી મળીને...જો દરિયા ના પાણીમાં પૂનમ ની અસર થાય તો માણસના શરીરમાં રહેલ પ્રવાહી પર ના થાય ? ચંદ્રમા નું એક નામ લ્યુનર છે. તેના પરથી લ્યુનેટિક શબ્દ આવ્યો છે. તમે ગુગલ માં સર્ચ કરશો તો જણાશે કે દુનિયામાં સૌથી વધુ આત્મહત્યા પૂનમની આસપાસ થાય છે. પાગલખાનામાં રહેલા પાગલ પર સૌથી વધુ પાગલપનના હૂમલાઓ પૂનમની આસપાસ થાય છે. શા માટે ?...માનવાની કશી જરૂર નથી તમે ખુદ આ બાબતની ખાતરી કરી શકો છો. આવા વ્યક્તિઓને લ્યુનેટિક કહેવાય છે.
બીજો પ્રશ્ન, ઘણા જ્યોતિષો અમુક તમુક નંગ ની વીંટી પહેરવાનું કહે છે, ખરું ને ? તો આપણે જાણીએ છીએ કે દરેક પદાર્થ આ દુનિયામાં પોતાનું એક આગવું મેગ્નેટિક ફિલ્ડ ધરાવે છે. દરેક પદાર્થમાંથી એક ચોક્કસ પ્રકારના તરંગો નીકળતા હોય છે, સાથે સાથે અમુક પ્રકારના તરંગો તે શોષી લે છે. આ પણ તમે વૈજ્ઞાનિક રીતે ચેક કરી શકો છો. પદાર્થની જેમ માનવ દેહ પણ અમુક ચોક્કસ તરંગ ને શોષે છે અને અમુક તરંગ ને બહાર ફેંકે છે. હવે જે વ્યક્તિનો બુધ કે ગુરુ નબળો હોય તેનો મતલબ તેના શરીરમાં એ તરંગ ની ખામી છે. તેથી હજારો વર્ષોના સંશોધાન બાદ આપણા ઋષિમુનિઓને જાણ માં આવ્યું કે અમુક પથ્થરો બુધના તો અમુક પથ્થરો ગુરુના મેગ્નેટિક ફિલ્ડ ને શોષી લે છે. તેથી જે વ્યક્તિમાં આ પ્રકારની ખામીઓ હોય તેને જો આવા પથ્થર એટલે કે જ્યોતિષની ભાષામા ગ્રહના નંગ પહેરવામાં આવે તો જયારે આ પથ્થર પર વાતાવરણમાં રહેલ પ્રકાશ તેમ જ ગુરુ કે બુધના ફિલ્ડ ને શોષી લે છે અને પહેરનાર વ્યક્તિના શરીરમાં દાખલ કરે છે. આમ, વ્યક્તિમાં રહેલ ચોક્કસ પ્રકારની ઉણપ દૂર થાય છે. જેમ, માણસ બીમાર હોય અને બહારથી દવા લઈએ તેમ. આથી જ ગ્રહની વીંટી પહેરતી વખતે એ ખાસ સાવચેતી રાખવામાં આવે છે કે તે પથ્થર વ્યક્તિના શરીરને સ્પર્શ કરતો હોય, અન્યથા તેનો પ્રભાવ જોવા ના મળે.
વધુ એક વાત નો પ્રયોગ પણ જાતે કરવા જેવો છે. તમે રોજ તમારા મૂડની નોંધ એક ડાયરીમાં લખતા જાવ કે આજે મન ઉદાસ છે કે કારણ વગર ગુસ્સો આવે છે કે આજે ખુબ મોજ આવે છે. સામે તારીખ પણ લખો. ત્રણ મહિના સુધી મિનિમમ લખો જેથી તારણો વ્યવસ્થિત અને મજબૂત મળે. આ સમય દરમ્યાન ડાયરી ને વાંચવાની નહીં એ ખાસ આવશ્યક શર્ત છે. ૩ મહ
િના પછી વાંચો અને તિથિ કે તારીખ મુજબ જોશો તો તમને આશ્ચર્ય થશે કે ગયા મહિનાની ચોક્કસ તારીખ અથવા તિથિના દિવસે પણ તમે આજ કરેલ. ૯૦ થી ૯૫ % પરિણામ સમાન જ હશે. આ બધું શું ઉપર ગ્રહની ગતિ સાથે સબંધિત હશે ખરું ? બીજું આ પ્રયોગ જો તમે ૬ મહિના કરો તો તમે ચોક્કસ તમારી જાત વિષે થઈ જશો કે અમુક તારીખે તમને ગુસ્સો આવે છે તો તમારા ઘરના લોકોને પણ અગાઉથી કહી શકો કે મારી વાતનું ખોટું ના લગાડશો અથવા તો આ ચોક્કસ દિવસોમાં મને ના વતાવતા.
ખેર, સવાલ અહીં એ થાય કે આ અદ્ભૂત શાસ્ત્રની શોધ શા કારણે કરવામાં આવી હશે ? વ્યાકરણ શાસ્ત્ર, નીતિ શાસ્ત્ર કે અસ્ત્ર શસ્ત્ર, ના શાસ્ત્રોનો તો હેતુ સમજાય છે પણ જ્યોતિષ શાસ્ત્રનો માનવ જીવનમાં શું ઉપયોગ હતો ? એક બહુ જ વિશિષ્ટ હેતુ માટે આ ની શોધ કરવામાં આવેલ હતી. મેં અગાઉ ઘણા લેખમાં કહેલ કે દરેક વ્યક્તિની પ્રકૃતિ અલગ હોય છે અને જીવન ભર તેને જ અનુસરે છે. તો આ શાસ્ત્રની મદદથી એ પ્રકૃતિને ઓળખવામાં આવતી અને તેને અનુરૂપ જ વ્યક્તિને શિક્ષણ અપાતું જેથી એ શિક્ષણ એની ભીતરની સંભાવનાઓને પ્રગટ કરવામાં મદદરૂપ બને. શિક્ષણ જે બોજ આજે બની ગયું છે તે ના થાય. સૈનિક થવા સર્જાયેલ વ્યક્તિને સૈનિક જ બનાવામાં આવતો અને જે ને અનેક પ્રકારની વિદ્યા માં રસ હોય તેને એ જ વાતાવરણ મળતું. આથી આપણે આજે પણ કહીએ છીએ કે અગાઉના માણસો સરળ હતા એનો કુલ મતલબ ખાલી એટલો જ કે તેઓ પોતાની ભીતરની પ્રકૃતિ ને અનુરૂપ જીવતા હતા અને તેથી જ કઈ દંભ કે અસંતોષ તેના જીવનમાં ના હતો.
બીજું, સાધનાની નજરે પણ આ શાસ્ત્રનો ભરપૂર ઉપયોગ થતો. જે વ્યક્તિની પ્રકૃતિ બુદ્ધ ભગવાનની જેમ સ્થિર બેસવાની હોય તેને મીરાની જેમ નાચવાનું ના કહેવાય. એવા વ્યક્તિઓને ધ્યાન કરવાનું કહેવામાં આવતું અને જે લોકો મન મૂકીને નાચી શકે છે એવા લોકોને ચૂપચાપ રહી ધ્યાન કરવાનું ના કહેવાય પણ તેમને મીરાના રસ્તે દોરી જવામાં આવતા.
આમ, આ એક અદ્ભૂત વિજ્ઞાન છે. સંપૂર્ણ ગણિત જ છે. જેમ એક કલાસમાં રહેલ બધા વિદ્યાર્થીઓ ગણિતનું પેપર આપે અને બધાને અલગ અલગ માર્ક આવે છે કારણકે દરેકની ગણવાની ક્ષમતા અલગ હોવાની. કોઈક ને જીરો માર્ક પણ આવે. તો એનો મતલબ એ ના કરી શકાય કે ગણિત ખોટું છે. ગણિત નહીં પણ ગણનાર ખોટો છે. તેથી જ આજે અલગ અલગ જ્યોતિષ અલગ અલગ વાત કરે છે કારણ કે તેમની ક્ષમતા અલગ અલગ છે.
બાકી મારા લગ્ન ક્યારે થશે ? બંગલો કે મોટર કયારે મળશે ? પરીક્ષામાં પાસ થઈશ કે નહીં ? આવા વાહિયાત સવાલો માટે આ વિદ્યા નથી. એ તો અભણ વ્યક્તિ પણ કહી શકે કે તમે આખું વરસ મહેનત ના કરી હોય તો પરીક્ષામાં નાપાસ જ થવાય. એમાં ગમે તેટલા ગ્રહની વીંટી પહેરો તો પણ કઈ ના થાય. પણ ફૂટપાથ પર બેઠેલ જ્યોતિષીઓ કે પિંજરામાં પોપટ રાખી બેસતા આલ્યા માલ્યા લોકો એ જ આની દુર્દશા વધુ કરી છે.
ખેર, આ મારા વિચારો છે, ખોટા હોઈ શકે. તમે માની જ લો એવો કોઈ આગ્રહ નથી. પણ તમે આ બધી વાત પર વિચાર કરો અને ખુદ ના ભીતરમાંથી સત્યને મેળવો જે કેવળ અને કેવળ તમારું સત્ય હશે. હું ખાલી પ્રશ્નો આપું છું, જવાબ નહીં. મારુ કામ શાંત પાણી માં પથ્થર નાખી વમળ પેદા કરવાનું છે. જવાબો તમારે જ તમારી ભીતરમાંથી શોધવાના છે.