લક્ષ્મણ રેખા
લક્ષ્મણ રેખા


"વૈદેહી, તું કેમ સમજતી નથી તારે કેન્સરનો રિપોર્ટ આવ્યો છે તારે કીમોથેરપી લેવી જ પડશે. છોકરાં ઓનો તો વિચાર કરીને કંઈક નિર્ણય લે." સમીર ગુસ્સામાં રૂમમાંથી બહાર જતો રહે છે.
વૈદેહી શુક્લ ખૂબ જ મોટા સાહિત્યકાર તેમની કૃતિઓ ખૂબ જ પ્રખ્યાત પણ સ્વભાવના પણ એવા જીદ્દી....પોતે પોતાના પરિવારને પણ બહુ સાચવે.. એક સફળ લેખિકા સફળ ગૃહિણી અને સફળ માતા એવી વૈદેહી પોતાની જાતને ક્યાંક ને ક્યાંક અધૂરી સમજતી હતી.
વૈદેહીની તબિયતની છોકરાઓ બહુ ચિંતા કરતા હોય છે.તેને બે દિકરાઓ હોય છે આરવ અને અખિલ. બંને મમ્મીની તબિયત બાબતે પપ્પા સાથે વાત કરવા જાય છે. પપ્પા કમ્પ્યુટરની સામે ફેસબૂક ખોલી બેઠા હોય છે. છોકરા વિચારમાં પડી જાય છે કે પપ્પા ક્યારેય સોશ્યિલ સાઈટનો ઉપયોગ નથી કરતા તો આજે કેમ મમ્મીની તબિયત સારી નથી અને પોતે ફેસબૂક ખોલી બેઠા છે.
આરવ ગુસ્સામાં તેના પપ્પા પાસે જાય છે, " પપ્પા તમે મમ્મીને સમય આપવાને બદલે ફેસબુક ખોલી બેઠા છો અત્યારે જ મમ્મીને તમારી વધુ જરૂર છે".
"આરવ, મારા દિકરા તારી મમ્મીની ખુશીને જ ફેસબુક પર શોધું છું". બંને ભાઈઓ અચરજ ભરી નજરે તેના પપ્પા સામે જોઈ રહે છે.
આજથી પચ્ચીસ વર્ષ પહેલાં હું તારી મમ્મીને જોવા આવેલો અને મને તે પહેલીજ વખતમાં ગમી ગઈ. તારી મમ્મીએ પણ મારા પર પસંદગીની મહોર મારી દીધી...તે પહેલે થી જ સ્વતંત્ર વિચાર ધારા ધરાવતી હતી.અમારા સમયમાં તમારા જેવું નહોતું કે સ્ત્રી મિત્રો પણ હોય. હું પોતે તારી મમ્મી સાથે વાત કરવામાં પણ શરમાતો. તારા મમ્મી અને અવિનાશ. બંને એકબીજાના પાકા મિત્રો....શરૂઆતમાં મને તે બધું ગમતું. અવિનાશ અને તારા મમ્મી બાળપણના મિત્રો હતા. બચપણ થી કોલેજ સુધી બંને સાથે જ ભણ્યા હતા. બધા ઘરમાં પણ એવું જ સમજતા કે આ બંને એકબીજા સાથે જ લગ્ન કરશે પણ તે બાબતે બંને ક્લિયર હતા કે તે એકબીજાને પ્રેમ નહોતા કરતા માત્ર બેસ્ટ મિત્રો જ હતા.
અમારા લગ્નની ખરીદીમાં પણ તે બંને સાથે જ હોય બંને એકબીજાને બહુ સારી રીતે સમજતા. લગ્ન પછી તે આપણા ઘરે પણ આવતો જતો એક વાર તારા દાદીમા એ ગુસ્સામાં સાંભણાવી પણ દીધું હતું કે આ છોકરો મિત્ર શેનો? છોકરો છોકરી ક્યારેય મિત્ર ના હોય, સમીર તું તારી ઘરવાળી ને કંટ્રોલમાં રાખતા શીખ.
એક દિવસ તો બહુ ભારે થઈ તારા મમ્મીને બહુ તાવ આવ્યો હતો. અવિનાશ ને ખબર પડી તે પોતાનું બધું કામ છોડી ઘરે આવી ગયો અને તે તારા મમ્મીના માથે મીઠાના પાણીના પોતા કરી રહ્યો હતો. મારા આવતા જ અવિનાશ બોલ્યો જોને સમીર વૈદેહી હોસ્પિટલ જવાની ચોર છે કેમેય કરી સમજાવી સમજાવી મનાવવી પડે હમણાં હજુ દવા પીવડાવી છે. તે દિવસે મારાંથી પણ રહેવાયું નહી અને હું અવિનાશનું અપમાન કરી બેઠો. તારા મમ્મીને પણ ઘણું બધું બોલી બેઠો. હું મુરખ તે બંને ની પવિત્ર મિત્રતાને સમજી ન શક્યો.
આપણે જ સમાજના લોકોએ સ્ત્રી માટે એક લક્ષ્મણ રેખા બનાવી લઈએ છીએ. હું પણ ત્યારે કેવો મૂરખ હતો. તે દિવસ પછી અવિનાશ અમારી દુનિયાથી બહુ દૂર જતો રહ્યો. તારા મમ્મીએ આજ સુધી પોતાની બધી ફરજો બખૂબી નિભાવી છે તેને ક્યારેય મને કાઈ પૂછ્યું નથી બસ પોતાની મિત્રતાજ ના નિભાવી શકી. તેને પણ અંદરથી એ વાતનો અફસોસ છે જ.
હું અવિનાશને શોધી તેની માફી માંગવા ઈચ્છું છું. પંદર દિવસ પહેલા મેં અવિનાશને ફેસબુક પર ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી છે. પણ હજુ તે એમજ છે.
બંને છોકરાઓ અવિનાશ નો કોન્ટેક્ટ કરવાનું વિચારે છે. તે ક્યાં નોકરી કરતાને ત્યાંના નંબર ને બધું લઇ લે છે.
ત્યાં જ બીજા દિવસે સવારમાં ડોરબેલ વાગે છે. સમીર દરવાજો ખોલવા જાય છે તો સામે અવિનાશ ઊભો હોય છે. સમીરની ખુશીનો કોઈ પાર રહેતો નથી તે અવિનાશને વૈદેહી પાસે લઈ જાય છે બંને મિત્રો એકબીજાને જોઈ રડી પડે છે છોકરાવ પણ બંને ની પાકી મિત્રતા જોઈ ગદ ગદ થઈ જાય છે.
અવિનાશ વૈડેહીને કીમોથેરાપી માટે તૈયાર કરે છે જ્યાં સુધી તેનો ઈલાજ થાય છે ત્યાં સુધી તેની પાસે રોકાય છે. રોજે બાળપણની વાતો કરી વૈદેહીને હસાવે રડાવે મજાક કરે. તેના બીમારી ના દિવસોમાં તેને વૈદેહી નો પૂરો સાથ આપ્યો.
"અવિનાશ મને ક્યાંકને ક્યાંક મન માં ડંખ્યાં કરતું કે તે સમયે હું કઈ બોલી ના શકી અને સમાજ સામે હારી મેં એટલો સારો મિત્ર ખોઈ બેઠી, આ સમાજ માં શુ એક સ્ત્રી પુરુષ ની મિત્ર ના બની શકે કે કોઈ પુરુષ સ્ત્રી નો મિત્ર ના બની શકે તેના માટે પતિ ભાઈ જેવા લેબલ લગાડવા જરૂરી છે. આ બધી લક્ષ્મણ રેખાઓ આપણે જ બનાવીએ છીએ અને જો કોઈ સ્ત્રી આ લક્ષ્મણ રેખા થી બહાર વિચારે થોડું તો સમાજ નામનો રાવણ તેની સામે હાવી થઈ જાય છે ખરેખર અવિનાશ હું મિત્રતા ના સંબંધ ને ના નિભાવી શકી તે મન માં ખૂંચતુ'તું એટલે કદાચ હું ક્યાંક તો અધૂરી હતી જ.....!"
વૈદેહી આટલું બોલતા તો રડવા લાગે છે...
અવિનાશ તેને સમજાવે છે આપણે જિંદગીભર સારા મિત્રો રહીશું. મારે જરૂરી કામથી જવું પડે તેમ છે. તબિયત સાચવજે તું હંમેશા પૂર્ણ જ છો..
અવિનાશ જતો રહે છે ત્યાંજ તેનો પુત્ર આરવ દોડતો દોડતો તેના પપ્પા પાસે આવે છે...
તેને ડરેલો જોઈ તેના પપ્પા પણ ગભરાઈ જાય છે બોલતો ખરી થયું છે શું?
"પપ્પા અવિનાશ અંકલની ઓફિસ માં આપણે તેમનો કોન્ટેક્ટ કરવાની કોશિશ કરતા હતા ત્યાંથી ઈમેલ આવ્યો છે "
"તો ગભરાવાની શુ જરૂર છે ", સમીર ફરી છાપું વાંચવા લાગે છે
અવિનાશ અંકલ એક મહિના પહેલા જ કાર એક્સિડન્ટમાં મૃત્યુ પામ્યા છે.
....