કર્યા ભોગવવા અને દીધા પામવા
કર્યા ભોગવવા અને દીધા પામવા
ઘરના એક ઓરડામાં એકલતાની પીડા ભોગવતા કાશીબા આજે દરેક સેકન્ડે બે હાથ જોડીને પ્રભુ પાસે પોતાના મોતની પ્રાર્થના કરે છે. હવે આ દોખઝ ભરેલી જિંદગી નથી એનાથી નથી જીરવાતી.
એક નકામા ફર્નિચરની જેમ એની વહુ મધુએ એને આ રુમમાં ફેંકી દીધી છે. એક બાઈ રાખી દીધી છે. જે પગારને કારણે એની સગવડ સાચવે છે. એ પણ એને જરૂર હોય ત્યારે. નહીંતર તો એ પણ રુમની બહાર જ રહે છે. એને પોતાના રુમમાં રહેવું ગમતું નથી. કારણ, એના કહ્યા પ્રમાણે કાશીબા પાસેથી ખૂબ વાસ આવે છે જે એનાથી સહન નથી થાતી.
વાસ? અને મારી પાસેથી ? કાશીબાનું આત્મસમ્માન ઘવાઈને ચકનાચુર થઈ જાય છે. પણ, હવે શું થાય ? ઉંમરની લાચારી ભોગવ્યા વગર છૂટકો છે ?
કાશીબાને પોતાનો ભુતકાળ વારેવારે યાદ આવી જાય છે. કેવો દબદબો હતો પોતાનો ! ત્રણ દેરાણી જેઠાણીમાં પોતે સૌથી મોટી એટલે બંન્ને દેરાણીને પોતાની આંગળી પર નચાવતી. પોતાના પતિની આવક પર આખા ઘરનો નિભાવ હતો એ વાતે પણ એના પગ ધરતી પર ન'તા રહેતા. અને માધવ ? એતો પોતાના રુપથી એટલા અંજાઈ ગયેલા કે બીજા કોઈનું ક્યાં કશું સાંભળતા ! બસ, કાશી કહે એ જ સાચું. સસરાને પણ ઘણી વખત ઉકળાટ થાતો પણ માધવની આગળ કશું ચાલતું નહીં.
ધીરેધીરે આ બધું સ્વભાવમાં વણાવા લાગ્યું.
કાશીબા કોઈનું સાંભળતા નહીં. બસ, હું જે કહું એ જ સાચું. એમની બંન્ને દેરાણીઓ રીતસર ત્રાસી ગયેલી. એટલે બંને દીયર બાપુજીની રજા લઈને જુદા થઈ ગયા.
કાશીબાના અહમને ફટકો લાગેલો પણ, એ કશું બોલ્યા નહીં. પણ, ત્યારપછી એમણે માધવને ચોખ્ખા શબ્દોમાં કહી દીધેલું કે હવે એ બંન્નેનું જે થાવું હોય તે થાય તમારે એને રાતીપાઈ જેટલી પણ મદદ કરવાની નથી. અને માધવે પણ પોતાની પત્નીની વાતને આજ્ઞા સમજીને પોતાના ભાઈ ઓ સામે ક્યારેય જોયું ન હતું.
કાશીબાની આંખમાં અત્યારે આંસુડાની ધાર થઈ ગઈ. કેટલા હેરાન થયા હતા બેય દેરના પરિવાર... અને પોતે જલસા કરતી હતી. અને જ્યારે પોતાનો દીકરો પરણ્યો ત્યાર પછી મધુ ઉપર પણ વીતાવવામાં ક્યાં પાછું વાળીને જોયું હતું !
હે ભગવાન, ત્યારે થોડીક બુધ્ધિ સુધારી દીધી હોત તો ? એક કોડીલી કન્યાને આટલી હેરાન કરી એના જ ફળ આજે ભોગવી રહી છું ને ?
મારે આવી હડધૂત જેવી જિંદગી પસાર કરવી પડે છે. મારો દીકરો પણ નથી આવતો મારી પાસે ! મહિનામાં બે વાર ડોક્ટરની સાથે આવે છે. મારા રિપોર્ટ વિશે ડોક્ટરની સાથે વાત કરે છે. અને મને તબિયત સાચવવાની ઉપરછલ્લી સલાહ આપી ને જતો રહે છે !
હવે, સમજાય છે સંતાનનો વિયોગ શું કહેવાય ! મેં પણ એને પૂરા બે વરસ એના રવિથી આઘો કરી દીધો હતો ને ! મધુ બધું ચુપચાપ સહન કરતી હતી કદાચ એટલે મારો અત્યાચાર કરવાનો પારો રોજે રોજ વધુને વધુ ચડતો હતો. સમર મારો દીકરો, એ પણ મને કેટલું માન આપતો હતો. કાયમ મધુને કહેતો બાનો સ્વભાવ એવો જ છે. તું સમજે છે ને ?
અને, બસ મને ભાવતું જડી જાતું. સમરના પપ્પા અને સમર બંને મારી જ તરફદારીમાં હતાં. મોટો દીકરો બાઈડીનો કહ્યાગરો હતો પણ, એ તો પહેલેથી જ નોકરીના નામે નોખો હતો. અને મને એની ક્યાં પડી હતી !
મારું સઘળું સાસુપણું સહેવા માટે મધુ હતી ને ? અને કોઈ દિવસ સામે એક શબ્દ ઉચ્ચારતી નહીં. પણ, આજે એને બોલાવી થાતી નથી. એમાં હું એને ક્યાં દોષ આપું ?
મારા અતિ જુલમના કારણે જ એ રવિને લઈને એના પપ્પાના ઘરે ચાલી ગયેલી ને ? ત્યારે પણ મેં એને જ આંખે કરેલી ને ? બે વરસ સુધી સમર એના રવિથી દૂર રહેલો ને ? આ એ જ પાપનુ ફળ ભોગવી રહી છું ને ?
અંતે મોટી વહુએ રસ્તો કાઢેલો. બાજુ બાજુમાં બે મકાન લઇને નોખા રહેવાનું.
ત્યારે પણ, ઘરે ઘરે જઈને મધુનું નામ વગોવેલું ને કે જુઓ આ આજકાલની વહુના સંસ્કાર. પાંચ વરસમાં તો ધણીને લઈને નીકળી ગઈ. અમને ઘરડાંવને આ ઉંમરે નોખા કરી દીધા.
પણ, ત્યારે કોઈ એ મનેના કહ્યું કે મારે મારો સ્વભાવ બદલવાની જરૂર છે. પણ, કોનામાં હિંમત હોય એટલી કે મને સલાહ આપે ?
આ મારી બેઈ દેરાણી કેવી પોતાના પરિવાર સાથે રાજીખુશીથી રહે છે. એ
ના પૌત્ર અને પૌત્રી, નાતી બધા કેવા ચાહે છે એને. કાલે જ નાની દેરાણી આવેલી કેવી સુખી છે એની વહુ અને દીકરામાં એનું કેટલું માન છે. હા, પણ એણેય એની વહુઓને એટલાં જ માન સન્માનથી રાખી હતી ને ?
અને મેં મધુનું અપમાન કરવાનો એક મોકો છોડ્યોન હતો. અરે ! મધુ અને સમરને ક્યાંય એકલાં ફરવા પણ નથી જાવા દીધાં. જ્યાં ફરવા જાય ત્યાં હું અને સમરના પપ્પા પણ સાથે જ જાતાં ? હે ભગવાન કેવો વ્યવહાર કરતી હું ? પણ, સમરના પપ્પા પણ મને છાવરતા ને ?
હા, હવે સમજાય છે મને, પતિ પત્નીના પવિત્ર સંબંધને પણ મેં જો અને તો સાથે જોડી દીધા હતા ને ! જો મારી વાત રહેશે તો જ તમારી વાત રહેશે. એટલે જ તો સમરના પપ્પા પાસે મારી હા એ હા કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ ક્યાં હતો ?
એટલે તો પોતે ક્યાં કોઈનું સાંભળતી ?
મધુના મમ્મી પપ્પાનું પણ કેવું અપમાન કર્યું છે એ તો એ ખરેખર સજ્જન માણસો છે કે આજે પણ મને મળવા આવે છે. બાકી પહેલાં તો એ આવતાં ત્યારે સમરના પપ્પાના મોઢે જ એને કહેવડાવ્યું હતું કે કેવા છો તમે લોકો ? આમ હાયલા આવો છો. તમને એટલીય ભાન નથી પડતી કે પરણેલી દીકરીના ઘરનું પાણી પીવું એ પણ આપણા શાસ્ત્રોમાં પાપ કહ્યું છે ! અને મધુની મા બેઠી બેઠી રોવા મંડતી. એ જોઈને પોતાને કેવી મજા આવતી !
અને આજે ? એક એક કોળિયે મારે સાંભળવું પડે છે. અને આજે મને સાંભળનાર કોઈ નથી.
મધુ, એને તો હવે બોલાવી નથી થાતી. જરીક ભૂલમાં કાંઈક કહેવાય જાય છે, તો પરણીને આવી ત્યારથી શરૂ કરીને મારા બધા કરમ મને સંભળાવવા લાગે છે. એનેય શું કહું મને જ પાવર હતો મારા રૂપનો, મારા ધણીના મોટા હોદ્દાની નોકરીનો ! પણ, હું ભુલી ગયેલી સવારે તાજુ ખીલેલું ફૂલ પણ સાંજ સુધીમાં કરમાઈ જાય છે. ડાળીએથી ખરી જાય છે. આપણે જે ફૂલને શ્રધ્ધાથી ચડાવેલા હોય એ ફૂલને આપણે રાતે ભગવાનની છબી પરથી ઉતારી લઈ એ છીએ ને ?
તો પછી એવો વિચાર ત્યારે કેમના આવ્યો કે શરીરને પણ એક દિવસ કરમાવાનું છે. આ હાડકા એક દિવસ ગળવાના છે.
ઘડપણ એક દિવસ ડોકું કાઢીને પૂછવાનું જ છે કે કેવી તૈયારી કરી છે ? હું આવું છું હો ! અને એક દિવસ આવીને ઊભું રહી જાય છે. જો મને મારી જુવાનીનો તોર હોય તો મારી વહુને પણ હોય જ ને ! મેં જો એની સાથે સારું વર્તન કર્યું હોય તો જ હું આશા રાખું ને કે એ મને સાચવે!
હવે હું એને અસંસ્કારી સ્થાપિત કરી દઉં તો મારો માયલો મને પૂછે છે કે તે જે વર્તન કર્યું હતું એ શું સંસ્કારી હતું ? હા, મારા કરમ છે તો મારે ભોગવવા પડશે ને ?
સમર પણ કદાચ બે વરસના પત્ની અને દીકરાના વિયોગ પછી ડરી ગયો હશે કે એની પત્ની એને કાયમ માટે છોડીને જાતી તો નહીં રહેને? અને કદાચ ધીરે ધીરે એને મારા સ્વભાવની ક્રુરતા દેખાવા લાગી હોય. જે હોય તે પણ જુદા થયા પછી સમરનું વર્તન પણ ઘણું બદલાઈ ગયું હતું. હવે એ મને શાંતિ રાખવાનું ભારપૂર્વક કહેવા લાગ્યો હતો. સમરના પપ્પા પણ મને ક્યારેક ચૂપ રહેવાનું કહી દેતા હતા. પણ, જ્યારે સમરના પપ્પા એ વિદાય લીધી ત્યાર પછી મારી જિંદગીનો નરકિયો પ્રવાસ શરૂ થયો. મોટો દીકરોને વહુ તો આમેય પહેલાથી જ પોતાની રીતે રહેતા હતા. એણે તો ક્યારેય મને કે એના પપ્પાને સાચવ્યા ન હતા. અને હવેના છૂટકે મારે મધુની સાથે રહેવા આવવું પડ્યું. જાણે કે એ એની આટલા વર્ષોની દાઝ કાઢી રહી હોય એવું વર્તન છે એનું મારી સાથે. આખું કુટુંબ હવે મને કહે છે કે ભાભી તમે થોડાક હળીમળીને અને પ્રેમભાવથી રહ્યાં હોતને, તો તમારી આ દશાના થઈ હોત. પણ, હવે શું? હવે મારા હાથમાં બાજી રહી નથી.
જે હાલત મેં મધુની કરી હતી, એ જ હાલત અત્યારે મારી છે. અને મારે ભોગવ્યા વગર છુટકો નથી. કોઈ એ સાચું જ કહ્યું છે કે સો દા'ડા સાસુના ને એક દા'ડો વહુનો...
આજે તો કોઈ મધુને એમ કહે છે કે તમારા સાસુનું ધ્યાન રાખવું તો મધુ એને કહી દે છે કે જાવ તો તમે એને તમારી સાથે લઈ જાવ. રાખો તો ખબર પડે...
હશે...
કરેલા ભોગવવા અને દીધા પામવા...
કરેલા કરમના બદલા દેવા જ પડે છે...