Sapan Pathak

Inspirational Others

3  

Sapan Pathak

Inspirational Others

કાંચળી ઉતરતી વેળાએ

કાંચળી ઉતરતી વેળાએ

3 mins
14.6K


ટેલિવીઝનનાં કર્કશ અવાજ વચ્ચે અચાનક વાંસળીના મધુરા સૂર સંભળાયા અને હું ટેલિવીઝન બંધ કરીને ડ્રોઈંગ રૂમમાંથી ઓટલા પર આવ્યો. આમ તો શનિવારની બપોર એટલે વામકુક્ષિ કરવાનો દિવસ, પણ આજના આ વરસાદી અહલાદક વાતાવરણમાં કોણ જાણે કેમ ઊંઘ જ ન્હોતી આવતી! આજે તો પાછી અષાઢી બીજ, સવારથી જ ઘર જગન્નાથમય બની ગયું હતું. ટેલિવીઝન પર સમગ્ર પરિવાર રથયાત્રાનું જીવંત પ્રસારણ નિહાળી રહ્યો હતો.

‘પપ્પા, આપણાં ઘરે પણ ભગવાન રથમાં બેસીને આવશે કે?’

નાનકડી કૈરવીએ પૂછેલા પ્રશ્નનો શું ઉત્તર આપવો એ મનમાં વિચારી રહ્યો હતો અને ત્યાં જ પેલા વાંસળીના સૂર રેલાયા. જાણે ખુદ જગન્નાથ જ વાંસળી નહીં વગાડતા હોય! બહાર આવીને જોયું તો એક 30-35 વર્ષનો થોડો ઝાંખા વર્ણનો (શામળિયા જેવો જ સ્તો) ફેરિયો શેરીને નાકે વાંસળી વેચી રહ્યો હતો, વરસતા વરસાદમાં. એક કલાકારની આવી દશા જોઈ મનમાં થોડો દયાભાવ જાગ્યો. વરસાદનું જોર પણ વધી રહ્યું હતું અને એ થંભે એવા અણસાર પણ ન્હોતા જણાતા.

‘ભાઈ, વરસાદ વધુ છે. થોડીવાર વિસામો લો પછી જજો.’

આમ તો કોઈ અજાણ્યા વ્યક્તિ ઉપર આ જમાનામાં ભરોસો કરી એને ઘરમાં બોલાવવો એ કંઈ ડહાપણ ભર્યું કામ તો ન જ હતું, પણ અષાઢી બીજ‌‌,રથયાત્રા અને એ વાંસળીના સૂર. જાણે જગન્નાથ જ આંગણે ન આવ્યા હોય...! ખેર એ તો ઠીક, પણ વરસાદમાં પલળતા એ કલાકારની સ્થિતિ જોઈ હું મનને રોકી શક્યો નહીં અને એ ભાઈને ઘરમાં આવવાનું આમંત્રણ આપ્યું. જે એણે સ્વીકાર્યું પણ. પછી તો થોડી અલક મલકની વાતો...તમે ક્યાંથી? વાંસળી વગાડવાનું ક્યાંથી શીખ્યા? વાંસળીઓ જાતે બનાવો છો? વગેરે વગેરે...

એ ભાઈએ પણ રસપૂર્વક મારી જિજ્ઞાસા સંતોષી, અલબત્ત હિંદીમાં જ સ્તો. પછી તો એણે વાંસળી હોઠે લગાવી અને મધુર સૂરાવલિ રેલાવી. આહાહા...! આજે તો જાણે સોનાનો સૂરજ ઊગ્યો.

‘ચાય લોગે?’

બપોરનો સમય અને વરસતો વરસાદ હોય તો તો ‘ચા’ એ ફક્ત પીણું ન રહેતા જાણે ‘અમૃત’ બની જાય! પછી કોઈ ચા માટે ના પાડે ખરું? મસ્ત કડક મીઠી ચાની ચૂસ્કીઓ લગાવતા અમે બન્ને તો જાણે જૂના મિત્રો હોય એમ ગોષ્ઠીએ ચડ્યા. હું કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે કોઈ દિવસ આટલો હળ્યો ભળ્યો હોઉં એવું મારી સ્મૃતિમાં તો નથી જ. હાથમાં ચાનો કપ, વરસતો વરસાદ અને વાંસળીના સૂર...’આવો લ્હાવો તો ભાગ્યેજ કોઈને મળે,’ હું મનોમન વિચારી રહ્યો હતો. ત્યાં જ મનમાં આજે સવારે જ વોટ્સએપ પર સાંભળેલું ગીત ગૂંજી ઊઠ્યું...

‘સૂર હી રાધા, સૂર હી મીરાં, સૂર હી કૃષ્ણ હૈ...’

અને જાણે મારી સામે તો સાક્ષાત કૃષ્ણ જ વાંસળીના સૂર રેલાવી રહ્યા હોય એમ લાગ્યું. અમારી વાત આગળ ચાલી.

‘આપકા નામ?’

‘ઉસ્માન.’

નામ સાંભળતા જ મારો ભરોસો ડગવા માંડ્યો. મારી સામે વાંસળી વગાડતા કૃષ્ણ જાણે અદૃશ્ય થઈ ગયા. કોઈ અજાણ્યા વિધર્મી પર ભરોસો કરીને ઘરમાં આશરો આપવો કેટલે અંશે યોગ્ય ગણાય? મારા મુખ પરના ભાવો તો જળવાયેલા રહ્યા, પરંતુ ખબર નહીં કેમ ભીતરમાં ક્યાંક ક્ષણિક ભાવપલટો થઈ ગયો. વાંસળી પણ એજ અને વગાડનાર પણ એજ, છતાં સૂર બદલાયેલા લાગી રહ્યા હતા. આ મનોસ્થિતિ પળભર માટે જ હતી અને એનું કારણ હું સારી રીતે સમજી શકતો હતો, પણ એ સ્વીકારવું કઠિન હતું. આપણે ગમે એટલા પ્રગતિશીલ હોવાનો દાવો કરીએ, પરંતુ ઘર, સમાજ, વાતાવરણનો આપણી ઉપર પડેલો પ્રભાવ ફગાવાવો કઠિન તો હોય જ છે. આ પ્રભાવોની કાંચળી તો ઉતારવી જ રહી. કાંચળી ઉતરવાની વેદના સહન કર્યા બાદ જ તો અસલ રૂપ નિખરે. ભીતરમાં ક્ષણિક થયેલો ભાવપલટો, મને મારા પ્રભાવોની કાંચળી ઉતારવા માટે ઝંઝોળી રહ્યો હતો. ખેર, તોફાની વરસાદ હવે થંભી ગયો હતો, બહાર પણ અને મારી ભીતર પણ. વાદળ વિખેરાઈ ગયા અને બધું એક્દમ ચોખ્ખું થઈ ગયું. ‘ઉસ્માનભાઈ’એ મારો આભાર માની જવાની તૈયારી બતાવી.

‘આપકા બહોત બહોત શુક્રિયા, તુફાની બારિશસે બચાને કે લિયે.’

‘આપકા ભી, મુઝેભી બચાને કે લિયે.’

ઉસ્માનભાઈ મારી વાતને સમજવાની મથામણ કરે એ પહેલાં તો હું એમને વળગી પડ્યો. મારી કાંચળી ઉતરી ગઈ હતી. ભીતરથી શબ્દો સરી પડ્યા...

‘ભરોસાને વળી ક્યાં કોઈ નામ હોય છે…?’


Rate this content
Log in

Similar gujarati story from Inspirational