Sapan Pathak

Inspirational

3  

Sapan Pathak

Inspirational

આવું મારી સાથે જ કેમ ?

આવું મારી સાથે જ કેમ ?

3 mins
7.6K


પોતાના બેડરૂમમાં આયના સામે બેઠી બેઠી આભા આયનાની ભીતર કંઈક શોધી રહી હતી, પણ ત્યાંતો હુંફાળા આંસુઓ એના શ્વેત ગાલોની ખરબચડી ત્વચાને પાર કરી છેક ભોંય પર ટપકી રહ્યાં હતાં...ફરીથી રૂંધાયેલા કંઠે અને એક ઊંડા નિ:શ્વાસ સાથે આભાથી આયનામાં દેખાતા પોતાના પ્રતિબિંબને જ પ્રશ્ન પૂછાઈ ગયો, ‘આવું મારી સાથે જ કેમ?’

આભાના આ આંસુઓ અને નિ:શ્વાસ વ્યાજબી જ હતાં. લગ્ન માટે તેને જોવા આવેલા આ દસમાં છોકરાએ આભા પર અસ્વીકૃતિની મહોર લગાવી હતી. ફરીથી ઘરના વાતાવરણમાં ગમગીની છવાઈ ગઈ હતી. આભાને ‘પોતાના લગ્ન ક્યારેય નહીં થાય’ એ દુ:ખ કરતાં પોતાને કોઈના દ્વારા અસ્વીકારાયા હોવાનું દર્દ અસહનીય લાગતું. એનું સમગ્ર અસ્તિત્વ જાણે નકારાયું હોય એવું એને લાગ્યાં કરતું. એને પોતાના બધાય ગુણો અને સંસ્કારો પોતાનાં રૂપ આગળ વામણાં લાગતાં.

‘શું વ્યક્તિનું રૂપ જ એની સ્વીકૃતિ કે અસ્વીકૃતિનો આધાર છે?’ આ પ્રશ્ન સતત એના મનમાં પડઘાયા કરતો.

આભા નાની હતી ત્યારે દિવાળીની એક પ્રકાશમય સંધ્યાએ એના જીવનમાં અંધકાર સ્થાપી દીધો હતો. ફટાકડા ફોડવા જતાં આભાના ચહેરાનો કેટલોક ભાગ ગંભીર રીતે દાઝી ગયો હતો. ફટાકડાનો એ ધ્વનિ તો ક્યારનોય સંભળાતો બંધ થઈ ગયો હતો, પણ એનો પડઘો આભાના જીવનમાં હરેક પળ ગૂંજ્યા કરતો. દાઝ્યાનો ઘા તો થોડાં દિવસોમાં જ રુઝાઈ ગયેલો પણ તેના ડાઘને કારણે આભાનો ચહેરો તેની સુંદરતા કાયમ માટે ગુમાવી ચૂક્યો હતો.

આભાનાં દાદી તો કાયમ કહેતાં કે, ’મારી રૂપાપરીના રૂપને કોઈની નજર લાગી ગઈ. અરે! ચંદ્રનું ગ્રહણ પણ ઘડીભરમાં પૂરું થઈ જાય, પણ મારી ઢિંગલીના ચંદ્ર જેવા રૂપકડા ચહેરાને લાગેલું ગ્રહણ તો આજીવન રહેવાનું.’

આભાના માતા-પિતા પણ પોતાની દિકરીની આ પરિસ્થિતિ જોઈને ખૂબ વ્યથિત થઈ જતાં. સર્વગુણ સંપન્ન અને ભણવામાં પણ હોશિયાર પોતાની દીકરીનું વેવિશાળ ક્યાંય થતું ન હોવાથી એમની મનોસ્થિતિ દયનીય બની ગઈ હતી. આભાના ભવિષ્યની ચિંતા રાતદિવસ એમને સતાવતી હતી. હવે તો એમની પાસે દીકરીને આશ્વાસન આપવા માટે શબ્દો પણ ખૂટી રહ્યા હતા. તેઓ આભાને ઘણીવાર પ્લાસ્ટિક સર્જરી કરાવવા માટે કહેતાં, પણ આભા એવી બાહ્ય લીપાપોતિને ક્ષુલ્લ્ક ગણતી. એને મન તો આંતરિક સૌંદર્યનું મહત્વ બાહ્ય સૌંદર્ય કરતાં અનેક ગણું વધારે હતું. આભાના માતા-પિતાની નજર સમક્ષ એ બાળ આભાનો સુંદર ચહેરો છવાઈ જતો અને જાણે પોતાનું રૂપ પાછું મેળવવા માટે આજીજી કરતો. આભાની માતા કાયમ પોતાની દીકરીનું માથું પોતાના ખોળામાં મૂકી માથે હાથ ફેરવતા અને એને કહેતાં, ‘દીકરા, ભાગ્ય આગળ આપણું શું ચાલે? તારા ભાગ્યમાં કદાચ ઈશ્વરે આજ લખ્યું હશે. પોતાના ભાગ્ય પર રડવાને બદલે તું હિંમત રાખ. જરૂર સૌ સારા વાના થશે જ.’ આભા પણ જાણતી હતી કે પોતાની માતાનું આશ્વાસન માત્ર ઠાલા શબ્દો જ છે.

આભાના પિતા દરવાજા પાસે ઊભા ઊભા પોતાની દીકરીને આંસુ સારતી જોઈ રહ્યા હતા. ત્યાંજ એમનો મોબાઈલ રણક્યો...

‘હલ્લો, મિસ્ટર દેસાઇ?’

‘હા, પ્રભાકર દેસાઈ જ બોલું છું. તમે કોણ?’

‘હું, ડૉક્ટર વ્યાસની ક્લિનીકમાંથી બોલું છું. તમે તમારી દીકરી આભા માટે પ્લાસ્ટિક સર્જરીની જે વાત કરી હતી તે માટે તમને આવતી કાલે સાંજે 4:00 વાગ્યાની એપોઈન્ટમેન્ટ મળેલ છે. તો તમે આભાને લઈ સમયસર ક્લિનીક પર આવી જજો.’

‘ઓહ! ચોક્કસ...ચોક્ક્સ અમે જરૂર ત્યાં આવી જઈશું.’

શહેરના ખૂબ જ જાણીતા પ્લાસ્ટિક સર્જન ડૉ.વ્યાસે આભાના ઓપરેશનની તૈયારી બતાવી હતી એટલે આભાના પિતાની ખુશીનો કોઈ પાર ન હતો.

‘જો દીકરા, હવે સૌ સારા વાના થશે. ડૉ.વ્યાસ પોતાના કાર્યમાં ખૂબ જ કુશળ છે. એ ફરીથી તને તારા બાળપણ જેવો સુંદર ચહેરો મેળવી આપશે.’

આભાના ચહેરા પર પોતાના પિતાની વાત સાંભળી ક્ષણિક હાસ્ય મલકી ઊઠ્યું, પણ ફરીથી એક ઊંડા નિ:શ્વાસ સાથે એ બોલી ઊઠી...

‘આંતરિક સુંદરતાની બાહ્ય સુંદરતા આગળ શરણાગતિ.’

આભા ફરીથી આયનામાં પોતાનું પ્રતિબિંબ જોવા લાગી...છેક ભીતર સુધી...



Rate this content
Log in

Similar gujarati story from Inspirational