STORYMIRROR

Mitra Writes

Inspirational Classics

4  

Mitra Writes

Inspirational Classics

કાંચી - ૫

કાંચી - ૫

7 mins
28.1K


“સો યુ આર બેંગોલી... રાઇટ !?” ઓફીસ બહાર નીકળતાં મેં તેની સરનેમ ‘બેનર્જી’ પરથી વાતનો દોર માંડતા પૂછ્યું.

“યસ, પણ છેલ્લા થોડાક સમયથી મુંબઈમાં જ રહું છું...!”

“હું પણ મુંબઈમાં જ રહું છું... એન્ડ બાય ધ વે, તમારું ગુજરાતી પણ ખુબ સરસ છે...!”

“થેંક યુ... મને એ સિવાય પણ ઘણી ભાષાઓ આવડે છે...!”

“જેમ કે...?”

અને એ એને આવડતી ભાષાઓની ગણતરીમાં પડી...

અમે બંને કાર પાસે પહોંચ્યા...

“તમે હજી તમને આવડતી ભાષાઓ ગણી રહ્યા છો... !? એટલી તો કેટલી ભાષાઓ આવડે છે તમને...?”

“યા, એક્ચ્યુલી હું ગણી જ રહી હતી. મને હિન્દી, ગુજરાતી, બંગાળી, મરાઠી, અંગ્રેજી તો આવડે જ છે, એ ઉપરાંત થોડી થોડી ફ્રેંચ અને સ્પેનીશ પણ આવડે છે...”

હું મોઢું ફાડી એને જોઈ રહ્યો. મૂળ બંગાળી અને છેક ફ્રેંચ, સ્પેનીશ સુધીનું જ્ઞાન...!? વાત ગળેથી ઉતરી નહીં !

“તમને વાંધો ન હોય તો હું તમને ડ્રોપ કરી દઉં...”

“હું તો એરપોર્ટ જાઉં છું... કોલકત્તા જવા માટે ! તમારે તમારું કામ પણ તો હશે જ ને...”

“જી ના... હું મારા કામથી જરા આરામ પર છું હમણાં....”

“ઓકે તો વાંધો નહિ... એન્ડ યસ, થેન્ક્સ અગેઇન...”

“જેમ કારમાં સોરી કેહવાની ના પાડી હતી, એમ થેંક યુ ન કહેવાનો નિયમ બનાવી લો...” મેં મજાકમાં કહ્યું અને આગળની સીટનું બારણું ખોલી એને અંદર બેસવા કહ્યું.

ડ્રાઈવર સીટ પર ગોઠવાતાં પહેલાં હું દરવાજા પાસે ઊભો રહી ફોન સ્વીચ ઓન કરવામાં પડ્યો. સ્વીચઓન થતાં, સ્ક્રીન લીના અને મી. બંસલના મીસ્કોલ્સથી ભરાઈ ગઈ.

મેં લીનાને કોલબેક કર્યો, અને તેની સાથે વાત કરવામાં પડ્યો. થોડીવારે વાત પૂરી કરી, હું ગાડીમાં ગોઠવાયો અને ગાડી બહાર કાઢી, રસ્તા પર દોડાવવા માંડ્યો.

થોડીવાર અમે બંને ચુપ રહ્યા... અને પછી એ બોલી.

“તો, તું લેખક બનવા માંગે છે એમ ને...?” એના અચાનક એવા પ્રશ્નથી હું ચમક્યો અને અચાનકથી જ એ મને ‘તું’ કહી એકવચનમાં સંબોધવા લાગી હતી !

હું પ્રશ્નાર્થભરી નજરે એને જોઈ રહ્યો... એણે પગમાં મુકેલ મારા બેગ તરફ આંખેથી ઈશારો કરતા કહ્યું, “સોરી, મેં એમાં પડેલ કાગળ વાંચ્યા... પણ એક સવાલ પૂછું...?”

“હા, પૂછો...”

“તમે લેખક હંમેશા નાયિકાને સુંદર જ કેમ વર્ણવો છો...? કેમ એ હંમેશાં ગોરી જ હોય છે? કેમ એના નેણ ધારદાર જ હોય છે? કેમ એના હોઠની લાલીને લોહી સાથે સરખાવો છો...? કેમ એના સ્વરમાં હંમેશાં મધ રેડો છો...? કેમ કોઈ નાયિકા કાળી, કે ન ગમે એવી હોય, એવી કેમ નથી ચીતરતા?”

એના એક પણ પ્રશ્નનો મારા પાસે કોઈ જવાબ ન હતો. એ કાગળ પર શબ્દો થકી ઉપજાવેલ સ્ત્રી પાત્ર એકાએક મને, ધ્રુણા ઉપજાવતું હોય એવું લાગ્યું !

“બેશક, બધાંને સારું જ ગમતું હોય છે... પણ તમે જો લેખક છો, તો તમારે સારું નહી પણ સાચું હોય એ લખવું જોઈએ...!”, એણે જ મારા પ્રશ્નોનો જવાબ આપ્યો.

“ક્યારેક મન નહિ થતું કે કોઈ કાળી છોકરી વિષે લખીએ? કેમ કોઈ કાળી છોકરી ને તેના મુખ્ય પત્ર તરીકે નથી રાખતું?” એ જાણે ખરેખર ઉદાસ થઇ ગઈ હોય એવા સ્વરે બોલી.

એ ક્ષણે મારે શું કહેવું જોઈએ, એ મને સમજાતું ન હતું. હું મૌન રહ્યો.

એ બારી બહાર દેખી રહી, ચુપચાપ બેસી રહી. કદાચ કોઈ ઊંડા વિચારમાં !

મારી નજર વારંવાર એની તરફ જોવા લલચાતી હતી ! એ પણ શ્યામ હતી, થોડીક પુખ્ત હતી ! એના હોઠ રક્તની લાલી જેવા ન હતા, કે ના એના નેણ દરિયા જેવા ઊંડા હતા ! પણ એની આંખમાં એક ગજબનો આત્મવિશ્વાસ દેખાતો હતો ! એનું શરીર પણ ફિલ્મોની નાયિકાઓ જેવું સાવ સુકાયેલું ન હતું, માંસલ હતું. ભરાવદાર હતું... ! જોવું ગમે તેવું હતું ! એનામાં દેખાવ બાબતે કંઈ ખાસ જલદ ન હતું, જે દેખતાની સાથે જ ગમી જાય... ! પણ એના વ્યક્તિત્વમાં એક અજાણ્યું આકર્ષણ હતું ! અને હમણાં હું, એ આકર્ષણ ના પ્રભાવમાં આવી ચુક્યો હતો !

“એમ શું જુએ છે....?”, બારી બહાર જ નજર સ્થિર રાખી એણે મને પૂછ્યું.

મેં તરત નજર ફેરવી લીધી, કદાચ એણે સ્ત્રીઓની સિકસ્થ સેન્સ થકી, મને એનું નીરિક્ષણ કરતા જોઈ લીધો હશે.

હું જવાબ આપ્યા વિના રસ્તા પર જોઈ રહ્યો. મને મારા કૃત્ય પર ભોંઠપ અનુભવવાતી હતી !

“જાણું છું તું એક લેખક બનવા માંગે છે, માટે દરેક વ્યક્તિમાં એક વાર્તા દેખાવી એ સ્વાભાવિક વાત છે... ! અને તું એ રીતે મારું નીરીક્ષણ કરતો રહે તો પણ મને વાંધો નથી... !”

મેં એક નજર એના ચેહરાના હાવભાવ પર ફેરવી લીધી. એ તદ્દન સ્વસ્થ લાગી રહી હતી !

“હું એવું કઈ ન’હોતો કરતો...” મેં નજર ફેરવી લીધી અને જૂઠું બોલ્યો.

“રેહવા દે... તને તો જુઠું બોલતા પણ નથી આવડતું ! નહિતર સાહજીકતાથી વાત કેહવા માટે સ્ટીયરીંગ પર પકડ મજબુત ન કરવી પડે...”

એ વાક્ય સાથે, હું બસ એને જોઈ રહ્યો ! આ કદાચ મારી નાનપણની આદત હતી, કે જયારે જયારે હું જૂઠું બોલતો, ત્યારે આજુબાજુની કોઈ વસ્તુ પર એક મજબુત પકડ જમાવી લેતો. અને આ સ્ત્રીએ એને બે જ સેકન્ડમાં પકડી લીધી હતી. ખરેખર ગજબની ઓબ્ઝર્વર હતી એ !

“અરે એમાં ખોટું પણ શું છે...” એ બોલી, “તું મને જોવે, એક કાળી છોકરીને જોવે, અને તને એમાં એક પાત્ર દેખાય તો એમાં ખોટું પણ શું છે...! કોઈકે તો આવું કંઇક અલગ લખવાની શરૂઆત કરવી જ પડશે ને...!”

હું કંઈ ન બોલ્યો, મનનો એક ખૂણો તો કહી રહ્યો હતો કે એને જણાવી દઉં કે હું કોઈ નવોસવો લેખક નથી... હું પાંચ બુક લખી ચુક્યો છું, અને એમાંથી ત્રણ બેસ્ટ-સેલર રહી છે. પણ પછી થતું, કે એ બધું કહેવું એ પોતાની જ બડાઈ હાંકવા જેવું થશે ! અને જો હજી પણ મારે જ મારો પોતાનો પરિચય આપવો પડતો હોય, તો પછી એનો શું મતલબ? અને એનો અને મારો સાથ પણ કેટલો? માત્ર એરપોર્ટ સુધી જ તો... પછી શું કામ મારે એને બધી ચોખવટ કરવી પડે...!

પણ એક વાત નક્કી હતી... એણે એની વાત થાકી મને વિચારતો કરી મૂક્યો હતો ! હું પણ એ જ વિચારમાં હતો, કે શા માટે સુંદર દેખાતા છોકરા-છોકરીઓ જ વાર્તાના મુખ્ય પાત્રો બને છે...? શું સામાન્ય દેખાતા લોકોને પોતાની કહાની ન હોઈ શકે...?

“બાય ધ વે, તું લેખક જેવો લાગતો નથી હોં...!” કહેતા એ હસી પડી.

“શું મતલબ, કે લેખક નથી લાગતો...”

“ટીપીકલ લેખક કેવો હોય? જેના વાળ લાંબા હોય, દાઢી વધી ગઈ હોય, પેટ સહેજ ફૂલેલું હોય, અને પહેરવેશે લેંઘો-ઝબ્ભો પહેરતો હોય...! આવો કંઇક...” એ ફરી હસવા માંડી. હસતી વખતે એ વધુ સુંદર લાગી રહી હતી. એને હસતી જોઈ હું પણ હસી પડ્યો.

અનાયસે જ મારી નજર મારા દેખાવ પર ફરી ગઈ. કલીનશેવ ચેહરો, મજબુત બાંધાની કાયા, પહેરવેશમાં ટી-શર્ટ અને જીન્સ ! ખરેખર કોઈ પહેલી વખતે મને જોઇને માને જ નહી કે, હું લેખક પણ હોઈશ ! મને પણ મારી પર હસવું આવી ગયું.

“એમ તો તમે પણ દેખાવે સમાજ-સેવિકા નથી જ લાગતા...” મેં એને જોતા કહ્યું.

“હું સમાજ-સેવિકા નથી જ... આ તો સમય સાથે બદલાવ આવે એમ બની જવાયું ! હું મૂળ તો એર-હોસ્ટેસ હતી...!”

એની વાત સાંભળી, મને સ્ટીયરીંગ પરથી હાથ હટાવી, આંગળી મોઢામાં નાખી દેવાનું મન થઇ આવ્યું ! આત્મવિશ્વાસુ, ધારદાર વિચારક, સ્વાભિમાની, લોકોની મદદ માટે ખડેપગે ઊભી રેહતી, આટલી ભાષાની જાણકાર, અને ઉપરથી એર-હોસ્ટેસ પણ...! આ ખરેખર એક અલગ જ વ્યક્તિત્વની સ્ત્રી હતી ! અને એની એ વાત જ મને આકર્ષી રહી હતી !

“પહેલા એર-હોસ્ટેસ હતી, ને હવે સમાજસેવિકા...? બે પ્રોફેશન વચ્ચેનું આટલું મોટું અંતર... !? વાત કઈ સમજાઈ નહીં!” મેં મૂંઝાતા રહી એને પૂછ્યું.

“હા, એ બધું સમય સમયની વાત છે...! જીવનમાં કેટલાય એવા કિસ્સાઓ બને છે, જે તમને અણધારી જગ્યાએ લાવીને ઊભા કરી દે છે ! હું પણ હમણાં એવી જ કોઈક જગ્યાએ છું, જ્યાં હું ક્યારેય પોતાને કલ્પી પણ ન શકું !” એની વાતમાં અચાનક ફિલોસોફી ભળવા માંડી.

એણે બારી બહાર નજર જમાવી લીધી. એને શું પૂછવું અને પૂછવું પણ કે નહીં? એ મને ન સમજાયું.

થોડીવારમાં જ અમે એરપોર્ટ પહોંચી ગયા.

“સો થેન્ક્સ અગેઇન...” કહી એ કારમાંથી ઉતરી.

મેં એને ‘બાય’ પણ ન કહ્યું. એ ચાલતી ચાલતી એરપોર્ટ તરફ આગળ વધી ગઈ !

હું એના અંતિમ વાક્યો પર વિચારતો રહી ગયો, ‘હું હમણાં એવી જગ્યા એ છું, જ્યાં હું પોતાને કલ્પી પણ નથી શકતી !’

શું મતલબ હતો એની એ વાત નો? અને શા માટે એનું એ વાક્ય મારા માનસપટ પર છવાઈ ચુક્યું હતું ! શું હતું એ, જે મને એના તરફ આકર્ષી રહ્યું હતું ?

અચાનક મારા મનમાં એક શબ્દ આવ્યો અને પસાર થઇ ગયો - ‘તારી નવી વાર્તા... !’

હું આચર્ય થી એરપોર્ટ પરત જોઈ રહ્યો. એ અંદર પ્રવેશવાની લાઈનમાં જોડાઈ ચુકી હતી ! અને થોડી જ ક્ષણોમાં દુર પણ ચાલી જવાની હતી... !

મારી વાર્તા મારાથી દુર ચાલી જવાની હતી !


Rate this content
Log in

Similar gujarati story from Inspirational