Mitra Writes

Inspirational Classics

2.4  

Mitra Writes

Inspirational Classics

કાંચી - ૧૩

કાંચી - ૧૩

6 mins
14.1K


“મા ના ગયા બાદ, અને અંશુમને બીજું સંતાન કરવાની ના પાડયા બાદ, અમારા બંને વચ્ચે તનાવ વધતો ચાલ્યો ! અને ક્યારેક એ નાના મોટા ઝઘડાનું પણ સ્વરૂપ લઇ લેતું ! અને એવા સમયે ચાંદ આવીને અમને શાંત પાડતો, અમને સમજાવતો. અને અંશુમન એને મોઢા પર કહી દેતા, “આ અમારો ઘરનો મામલો છે... એક પતિ-પત્નીનો પ્રશ્ન છે... તું આમાંથી દુર રહે તો જ બહેતર રેહશે...!” અને એ સાંભળી ચાંદ ચુપ થઇ જતો. અને અંશુમન પણ નારાજ થઇ, દિલ્હી ચાલ્યા જતા !

હવે તેમણે વિદેશોના પ્રવાસ વધારી દીધા હતા અને હવે બસ જાણે કામ જ બધું હોય એમ કામની પાછળ પડી ગયા હતા !

ક્યારેક જ ઘરે આવતા... અને આવતા ત્યારે માત્ર મારા શરીરનો ઉપયોગ કરતા ! તેમની માટે હવે હું, જાણે માણસ નહીં, પણ એક વસ્તુ હતી ! પોતાની હવસ સંતોષવાની વસ્તુ ! અને હું પણ એમને તેમ કરવા દેતી... વિચારતી કે, એ ભલે એ જ બહાને, પણ એ મને મળવા તો આવે છે !

આ અરસામાં ચાંદે મને ખૂબ સાથ આપ્યો હતો. એણે જ મને સાચવી હતી એમ કહ્યું તો પણ કોઈ અતિશયોક્તિ ન જ કહેવાય ! અને કદાચ એમ જ મારી જિંદગી ત્યાં જ પૂરી પણ થઇ જાત...!

પણ એક દિવસે મને ખબર પડી, કે અંશુમનના વિદેશ પ્રવાસ વધારવા પાછળ હેતુ બીઝનેસ નહીં પણ તેમના ‘અંગત સંબંધો’ હતા ! તેઓ ત્યાં કેટલીય છોકરીઓને મળવા દોડી જતા હતા !

આ સમયે ચાંદે મને શાંતિથી કામ લેવા સમજાવ્યું હતું. એને ડર હતો કે ક્યાંક હું કોઈ ઉતાવળ કરું, અને અમારો સંબંધ બગડી ન જાય ! એ ખબર મળ્યા બાદ, અંશુમન જ્યરે ઘરે આવ્યા ત્યારે મેં એમને આખી વાત કરી... અને તેઓ એ ખૂબ શાંતિથી જવાબ આપ્યો,

“કે શા માટે હું બહાર સંબંધ ન બાંધુ...? મને પૂરો હક છે એ માટે...!”

“અંશુમન તમે શું કહી રહ્યા છો, એનો તમને અંદાજ પણ છે..!? આ કેવો હક..? અને ક્યારથી ચાલુ છે આ બધું...?”

“ઘણાં સમયથી...!” તેમનો પારો ઊંચો ચઢી આવ્યો, “અને તું છે કોણ મને આ વિષે પૂછવા વાળી...? શું મેં તને ક્યારેય પૂછ્યું, કે તારા અને ચાંદ વચ્ચે શું ચાલી રહ્યું છે...!?”

એ સમયે મારી હાલત, વાઢો તો લોહી પણ ન વહે તેવી થઇ આવી હતી !

“અંશુમન... એ મારો ભાઈ છે...!”

“ભાઈ-બહેનના નામ પર મારી પીઠ પાછળ શું કારસ્તાન કરે છે, એની મને ખબર છે...!” અને એ જ ક્ષણે ચાંદ ઘરે આવ્યો.

અને એને જોઈ અંશુમન વધુ ગુસ્સે થયા અને બોલ્યા...

“લે, આવી ગયો તારો આશિક ! ઓય ચાંદ... લઇ જા તારી રખેલ ને...!”

અને એ સાંભળતા જ ચાંદ, અંશુમન પર તૂટી પુડ્યો. એણે લગભગ બેથી ત્રણ તમાચા અંશુમનને ઠોકી દીધા ! એ પછી, અંશુમન ઘર છોડી ચાલ્યો ગયો.

“કાંચી... મને ડર હતો કે તું, તારા ગુસ્સામાં આ સંબંધ બગાડીશ ! પણ ના, હું ખોટો હતો કાંચી ! આ માણસ જ તારા માટે લાયક નથી...! અને જો હજી પણ તું એની સાથે રેહવા માંગતી હોય, તો આજ પછી મને તારો ભાઈ ન કહેતી !”, કહી ચાંદે મને બાબા ના ઘરે લઇ જવાની વાત કરી.

બાબા હવે રીટાયર્ડ થઇ ચૂક્યા હતા, અને હવે કલકત્તા જ સ્થાયી થયા હતા. ચાંદ મને છેક કલકત્તા સુધી મુકવા પણ આવ્યો !

મેં બાબાને આખી વાત કરી... અને હું લગભગ તૂટી પડી ! એ સમયે એમણે મને કહ્યું કે,

“કાંચી, દીકરા... આમ રડવાથી કંઇ નથી થવાનું ! એ ના ભૂલીશ, તું એક સ્ત્રી છે... જો તું દયાની મૂર્તિ છે, તો પ્રકોપ વરસાવતી દુર્ગા પણ છે ! અને જે પુરુષ પોતાની પત્નીના ચરિત્ર પર પ્રશ્ન કરે, એ તો ‘પુરુષ’ કહેવાવાને લાયક પણ નથી ! અને જો તું એને કોર્ટ સુધી ઢસડી ન જાય, તો મને તારા બાપ હોવા પર શરમ આવશે કાંચી....!”

એ સમયે ચાંદ અને બાબા મારા માટે જાણે કરોડરજ્જુ સમાન હતા ! અને તેમણે જ મને ડિવોર્સ માટે, અંશુમનને કોર્ટ સુધી ઘસડવાની હિંમત આપી ! કદાચ એ બંને ન હોત, તો હું આજે આટલી મજબુત પણ ન હોત... !”

અને એ સાથે મેં અંશુમન પાસેથી ડિવોર્સ માટે કોર્ટમાં અપીલ કરી !

“કાંચી... મને સહેજ પણ અંદાજ ન હતો, કે તારી સાથે આટલું બધુ ઘટી ચુક્યું હશે...” મેં કહ્યું.

“હજી ઘણું છે...” કાંચી એ નિસાસો નાખતા કહ્યું.

“કાંચી, તું વાત આગળ વધારે એથી પહેલા મારે તને કઈ કહેવું છે...!”

“હા, બોલ...”

“કાંચી, જો મારી આ વાત જાણવાની ઝીદ ના કારણે, મેં તારા ભૂતકાળના ઘા વખોડીને તાજા કર્યા હોય, તો આઈ એમ રીયલી સોરી... મારો આશય એવો ન હતો...!”

“તારે સોરી કહેવાની કોઈ જરૂર નથી. મને આદત છે આ બધું યાદ કરવાની... અને હું કંઈ કાચા-પોચા હૃદય ની છોકરી થોડી છું...!”

“એ તો તારા સ્મિત પરથી જ સમજી શકું છું... આટલું દર્દ જોયેલ વ્યક્તિ, આટલું નિખાલસતાથી હસી પણ શકે, એ જ એક મોટું આશ્ચર્ય છે...!” મારી વાત સાંભળી, એ હસી પડી.

“દેખ વાત વાતમાં સાંજ પણ પડી ગઈ. ક્યારેક વિચારું છું, તારા સાથે સમયની ખબર કેમ નથી પડતી...?”

“એ જ તો મારો જાદુ છે, લેખક સાહેબ...” કહી એ પોતાની જાત પર ઇતરાઈ !

હા, એનામાં કંઇક તો એવો જાદુ હતો જ... જેના કારણે મને એની સાથે સમયનું ભાન નહોતું રેહતું ! જાણે એમ લાગતું કે કાંચી પાસે એવી આવડત હતી, કે એ સમય ને ઝડપથી વહાવી દેતી, અને ક્યારેક રોકી પણ લેતી !

“કાંચી, જો તને ખબર પડે કે મેં તારી પાસે કંઇક છુપાવ્યું છે, તો તું મારા વિષે શું અનુમાન બાંધે...?” મેં એને પૂછ્યું.

“કંઈ નહી... એમ ધારી લઉં કે એમ કરવા પાછળ કોઈક કારણ હશે... જેના કારણે એવું કરવું અનિવાર્ય હશે...!” એ હસવા માંડી.

એણે વાત મજાકમાં ઉડાવી મૂકી, પણ હું ખરેખર જાણવા માંગતો હતો, કે ‘એ શું કરે?’ કારણકે મેં એની પાસે ઘણું છુપાવ્યું હતું... મારી સાચી ઓળખ વિષે હજી એને લેશમાત્ર ખબર ન હતી !

“મતલબ તેં કંઇક છુપાવ્યું છે ખરું, એમ ને...!”

“હા..., તું કહે તો હમણાં જ કહી દઉં...!”

“ના ચાલશે... એમ પણ લગભગ કાલ સુધીમાં તો આપણે છુટ્ટા પણ પડી જઈશું...!”

“હમેશા માટે...” મેં ઉમેર્યું !

એ સાંભળી, એણે મારી સામે જોઈ આંખ મારી અને કહ્યું...

“જો જે... ધ્યાન રાખજે ! મારી સાથે અટેચ ન થઇ જતો...!”

“ના ના... એવું તો કંઇ નહી...!” પણ આ વાત કહેતી વખતે મારી પકડ સ્ટેયરીંગ પર મજબુત થઇ હતી, એનું મને પણ ભાન ન હતું !

“ચાલ, આજે તને મેં બહુ હેરાન કરી હશે... તારા ભૂતકાળ ને વખોડતાં તું માનસિક રીતે થાકી ગઈ હોઈશ ! હવે આજ ની વાત ત્યાં જ પૂરી કર. આપણે કાલે આગળ વાત કરીશું.”

“જેમ તું કહે...”

અને એ સાથે અમારી વચ્ચે શાંતિ છવાઈ ગઈ. થોડીવારે અમે સંબલપુર પહોંચી ગયા. અને એક હોટલ પર ઉતર્યા.

આજે અમને એક રૂમમાં રહેવામાં પણ વાંધો ન હતો, કારણકે હવે એ વાત નવી નહોતી લાગતી ! રૂમ સરસરીતે સાફ કરેલ, અને વ્યવસ્થિત લાગતો હતો. થોડીવારે અમે ફ્રેશ થયા, અને સાથે જમ્યા.

પણ આજે કાંચી ને પણ ઊંઘ નહોતી આવતી... એટલે અમે આડી અવળી વાતોએ વળગ્યા હતા. અને કાંચીએ જમવાની સાથે, ડ્રીંકની પણ એક બોટલ મંગાવી હતી. અને અમારો ઈરાદો એ બોટલ જોડે પૂરી કરવાનો હતો !


Rate this content
Log in

Similar gujarati story from Inspirational