જો હું શિક્ષક ન હોત તો ?
જો હું શિક્ષક ન હોત તો ?
જો હું શિક્ષક ન હોત તો ...હું બાળકો અને શાળાથી કેટલી વંચિત રહી ગઈ હોત ? હું શિક્ષક છું માટે હું શિક્ષણના નિત નિત નવા પ્રયોગોથી આટલી ઉજળી ન બની શકી હોત. હું નિત નવા પ્રયોગોથી બાળકોને યોગ્ય શિક્ષણ આપી શકતી નથી. તેનો મને ઘણો અફસોસ થાય છે, આટલો અફસોસ જો શિક્ષણ વિભાગને થયો હોત તો મારા શિક્ષણ ભૂખ્યા બાળકોના અચ્છે દિન ક્યારના આવી ગયા હોત.
દર વર્ષે ચૂંટણી કોઈ વખત વિધાનસભાની, કોઈક વખત લોકસભાની, કોઈક વખત જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને સરપંચની ચૂંટણી આવે એટલે અમે ચૂંટણી માં તો પાવરધા બની ગયા. અને પાછી ઉપરથી બી.એલ.ઓ.ની કામગીરી પણ ખરી, તેમાં ફોર્મ નંબર -6, ફોર્મ નંબર -7, ફોર્મ નંબર- 8, ફોર્મ -નંબર 8, (અ ) બધાની જાણકારી જો હું શિક્ષક નહોત તો આ બધી જાણકારી ન મળત. જો ચૂંટણી વિશેનું નોલેજ જોઈને જો ચૂંટણી કમિશનર બનવાનું હોય તો ચૂંટણી કમિશનર બની જઈએ એટલું જ્ઞાન ઘેરબેઠાં ક્યાંથી મળે ? કામ કરતી વખતે ગામડાના લોકોને મળવાનું, વાતો કરવાની અને તેમનો પ્રેમ આપણને જુએ ત્યારે બોલાવે. ખાટલા પર ગોદડી પાથરી બેસાડે, પાણી આપે અને આપણને પૂછ્યા વિના જ ચા આવી જાય તેનો લ્હાવો જો હું શિક્ષક નહોત ન મળત...
ચૂંટણી સિવાય દર દસ વર્ષે વસ્તી ગણતરીમાં પણ ગામડામાં ઘેર ઘેર ફરવું અને માહિતી એકત્ર કરવાની તે પણ લ્હાવો લેવાનો.
હાલની કોવિડ-19 ની પરિસ્થિતિમાં પણ અનાજની દુકાને બેસવાનું, મોબાઈલ દ્વારા વર્ચ્યુઅલ ક્લાસ લેવાનો, શેરી શિક્ષણમાં જવાનું બાળકોને દિક્ષા, જી શાળા, માઇક્રોસોફ્ટ ટીમ કેમ વાપરવી તેની માહિતી આપવાની, દીક્ષા પર સેલ્ફ ડિફેન્સની તાલીમ કેમ લેવી તે બધાનું જ્ઞાન શિક્ષક પાસે મળે ને પાછા કોરોના વોરીયર્સ તો ખરા જ. ગામમાં રસીકરણની ઝુંબેશ ચલાવવી વગેરે જેવી કામગીરી જો હું શિક્ષક ન હોત તો ન મળત...
આ બધું કામ કરતા કરતા....
હસી લઉં છું રોજ બાળકો સાથે
રમી લઉં છું રોજ બાળકો સાથે
નાચી લઉં છું રોજ બાળકો સાથે
ગાઈ લઉં છું રોજ બાળકો સાથે
આમ હું મારું બાળપણ વારંવાર જીવી લઉં છું કદાચ એટલે જ હું શિક્ષક બની હોઈશ. જો હું શિક્ષક નહોત તો મારું બાળપણ પણ યાદ ન આવત.
આમ એક ટકા અધિકાર વગર સો ટકા જવાબદારીવાળી પદવી આજે કોઈ ધરાવતું હોય તો તે શિક્ષક છે.
મનુષ્યનો અવતાર મળવો અને એમાં પણ શિક્ષકનો વ્યવસાય મળવો એનાથી મોટી બીજી કોઈ ઘટના આ સૃષ્ટિ પર હું જોતી નથી.
અસ્તુ
જય હો શિક્ષકની
