ગામડાની હોળી
ગામડાની હોળી
ઋતુઓનો રાજા ફાગણ મહિનો શરૂ થાય અને બાળકોના ચહેરા પર જાણે રંગ ખીલી ઊઠે. ફાગણ મહિનો ચાલુ થતા જ ગામના યુવાનો દાતરડા અને કુહાડી લઈને નજીકમાંથી ઝાડના મોટા મોટા ડાળા કાપી લાવે અને પાદરમાં ભેગા કરે. જે પંદર દિવસ સુધીમાં સૂકાઈ જાય. તે દરમિયાન નાના બાળકો છાણના નાના નાના છાણા બનાવે અને વચ્ચે કાણું પાડી અને રોજ તે આઘાપાછા કરે અને સૂકવે પછી દોરાથી બાંધીને તેનો હાર બનાવે અને તે આનંદ ફાગણ મહિનો બેસે ત્યારથી જ શરૂ કરી દે મોટી છોકરીઓ હોય તે માથા પર તગારુ તગારામા જુવાર અને મોટી કોથળી અને તેની ઉપર ભાંગાનો ભારો (એક જાતનું બળતણ) લઈને ભાડભુજા ને ત્યાં પહોંચી જાય. ભાડભૂંજો ધાણી ફોડે અને છોકરીઓ ચૂલામાં બળતણ નાખે જ જાય. બે ત્રણ સ્ત્રીઓ ભેગી થઈને કુંભારના ઘરેથી સંચો લાવી અને ઘઉંના લોટની બપોરે સેવો પાડે. આમ ધાણીની કોથળી અને ઘઉંની સેવો તૈયાર થઈ જાય ખજૂર ના ટોપલા અને હારડાઓનો હાર બજારમાંથી તૈયાર આવે.
હોળીના દિવસે હોળી તૈયાર થાય ત્યારે બાળકો તેમના હોળિયાના હાર (નાના-નાના છાણાના હાર )તેના પર લગાવે અને હોળી પ્રગટાવ્યા પછી તે હાર ના છાણાને દિવેલાના લાકડા કે કોઈ લાકડા પર સળગતો લઈ લે અને બોલ્યા ચાલ્યા વિના તેનો ધુમાડો આખા ઘરમાં ફેરવી આવે. તેનો પણ આનંદ લે જે લોકોના ઘરે પશુધન હોય તે બાજરી કે જારના પૂળા લાવીને આગળ થોડા હોળીની જ્વાળાથી સળગાવે અને પછી તે પશુઓને નીરે તેથી પશુઓ નરવા રહે સારું રહે તેવી માન્યતા હતી. જે બાળકની પહેલી હોળી હોય તે બાળકના કાકા તેને હાથમાં લઈને તેને હોળીની પ્રદક્ષિણા કરાવે અને પાછળ તે ના ઘરના કોઈ સભ્ય નાળિયેર પર પાણી રેડતા જાય. અને આમ તેને પગે લગાડાય અને હોળીની જ્વાળા પરથી વરસાદ કેવો પડશે વરસ કેવું જશે તેની ચર્ચા મોટા લોકો કરે. રાત્રે હોળી સળગી રહ્યા પછી જ અંગારા પડે તેમાં બાળકો ઘરેથી બટાટા લાવીને તેમા શેકે. આમ ફાગણ મહિનો ચાલુ થાય ત્યારથી હોળી સુધી પંદર દિવસ ગામડાના બાળકો આનંદ માણતા.
હોળીનાં બીજા દિવસે નાના નાના બાળકો પિચકારી અને કલર લઈને નીકળી પડે નાના-મોટા વાહનોને રોકે અને તેમની પાસેથી (એક બે રૂપિયા) હોળીનો પૈસો માગે. અને તેમને રંગી નાખે. ગામના કોઈ માણસને કોરા ના જવા દે. કોઈ બાળકો ઓળખાય નહીં તેવા થઈને આવે. જો કોઈ વહુ પરણીને પહેલીવાર સાસરીમાં આવી હોય તો તેને પણ છોકરાઓ બાકીના રાખે તેને પણ રંગી નાખે. આવી હતી ગામડાની હોળી અત્યારે ટેકનોલોજીના યુગમાં અને મોબાઈલના યુગના બાળકોને હોળી વિસરાઈ ગઈ છે.
