Kalpesh Parmar

Inspirational

2.5  

Kalpesh Parmar

Inspirational

હૂરટી અનુભવ

હૂરટી અનુભવ

3 mins
14K


સંસ્કારનગરી વડોદરાના વૈષ્ણવજન મીતકુમારે યુવાનીના ઉંબરે પગરણ માંડયાં. કન્યાઓ જોવાનું શરૂ કર્યું. બેટર ચોઈસ અને વાઈડ સિલેક્શન માટે એમણે 'ડક્સીન ગુજરાટ'ના સુરત શહેર તરફ નજર દોડાવી. 

કુંડળી મેચ થઈ. પરિવારો અનુકૂળ હતા એટલે મીતકુમાર કન્યાને સુરત જોવા જવા નીકળ્યા.

સરનામું કતારગામ રોડનું હતું. પણ રિક્ષાવાળાને 'ટ્રનેક' વાર સમજાવ્યું ત્યારે એ બોલ્યો, "એમ કેવની ટારે કે કટાળગામ રળોડ પર જવું છ." છેવટે રિક્સાવાળાએ બરાબર 'થેકાને' પહોંચાડયા<.

ભાવિ સસરાની એક જ શરત હતી, "પોયરો કાંડા-લહણ ખાટો ની જોઈએ." એટલે મીતકુમારે પોતે કાંદા લસણ ખાય છે એ છુપાવવાનું હતું.

ભાવિ સસરાના ઘરે ડોરબેલ વગાડતાં બારણાના જાળિયાનું તાળું ખોલી જમાઈને આવકારવામાં આવ્યા. સસરા તાડુક્યા "બાન્ને ટાલું મારી ડે. ભિખારી અંડર ઘૂસી આવે ચ. બીજા ભિખારી ની આવી જાય."

આવા સન્માન પછી સસરાએ ઘરનોકરને કહ્યું, "હોફા હાફ કર ની ટો જમાઈરાજન બઢી હૂરટની ઢૂલ લાગી જહે." હોફા હાફ થીયો એટલે જમાઈએ પૂંઠ ટેકવી.
સસરાએ કિચન તરફ જોઈ બૂમ પાડી, "ઈંડુ ટૈયાર છે?"

મીતકુમાર હચમચી ગયા. વાત તો થઈ હતી કે કાંદા લસણનો બાધ છે અને આ લોકો સવારની પહોરમાં ઇંડુ પીરસવાની વાત કરતા હતા.

મીતકુમારને થયું કે સસરા એની પરીક્ષા લઈ રહ્યા છે એટલે મીતકુમાર બને તેટલી શાંતિથી બોલ્યા,
"ઈંડુ મને પસંદ નથી. એક્ચ્યુઅલી અમારા આખા પરિવારમાં કોઈને ઇંડુ ન ચાલે!"

સસરા 'અકરાયા', "અરે! ઇંડુ પસંડ ની મલે તો હું કામ હૂરટ હુઢી લામ્બા ઠિયા?" આ સંવાદ સાંભળી સાસુજી બહાર ઘસી આવ્યાં, "ફોતો ને કુન્દલી જોઈને ના ની પાળી ડેવાય? આ રીટે અમારા પળિવાળની ફજેટી કળવાની?"

મીતકુમારને સમજાયું નહીં કે સવારની પહોરમાં ઇંડુ ખાવાની ના પાડવાથી કોઈ પરિવારની ફજેતી કેવી રીતે થાય! છતાં મીતકુમાર બોલ્યા, "સોરી!"

સસરા હજુ ગુસ્સામાં હતા, "તમારી સોળીની હું અમારે હોળી કરવાની? ગ્નાટીના મેરામાં અમે કેયું કે અમને 'મીટ' ચાલહે તો ટમારાં મમ્મી પપ્પાએ બી કેયું કે અમારે 'ઇંડુ' ચાલહે, પછી હવે હેના પલટી મારો!"

બે વૈષ્ણવ વેવાઈએ વચ્ચે એગ અને મટન ચાલે એવો સંવાદ થાય એ મીતકુમારની અલ્પબુદ્ધિ માટે કલ્પના બહારનું હતું. સસરાએ હાથ જોડયા, "ઇંડુ તૈયાર છે હવે જોઈ ટો લેવ!"

મીતકુમારને થયું કે ઇંડુ ખાવામાં બાધ છે, જોવામાં નથી. એટલે હકારસૂચક હા પાડી. સસરાને 'શાન'ના શાકાલની જેમ 'ત્રન ટાલી' પાડી એટલે એક સુંદર કન્યા ટ્રે લઈ આવી.

ટ્રેની અંદરનો ખાદ્ય પદાર્થ જોતાં મીતકુમારને થયું કે ઇંડા લંબગોળને બદલે ગોળ કેમ છે?
ત્યાં જ સાસુ બોલ્યાં, "મોં મીથું કરો!"
ચોંક્યા, 'સ્વીટ એગ્સ?'
સૂગ કરતાં ક્યુરિયોસિટી વધી જતાં મીતકુમારે એ
ગોળાકાર'ઇંડા'ને પકડી સૂંઘી જોયું.
સસરાએ ખુલાસો કર્યો, "રસગુલ્લા છે."
બોલ્યા, "તમે તો ઈંડુ ઇંડુ કરતાં હતા ને!"

સાસુએ કહ્યું, "ટે આ રેઈ અમારી ઇંડુ ઉર્ફે ઇંડ્રાવટી,
ટમે જેને નિહારવા આવ્યા ટે ટમારી હામ્મે ઊભી!"
મીતકુમારે આદુંવટી અને ઘનવટી જોઈ હતી પણ ઇંડ્રાવટી પહેલીવાર જોઈ. એ ઇંદ્રાવતીના રૂપના પ્રકાશમાં એકસાથે બધી ટયુબલાઇટ ઝબકી.

સસરાજી 'ઇંડુ તૈયાર છે?' નહીં પણ'ઇન્દુ તૈયાર છે?' એમ પૂછતા હતા. અને પોતે એમ કહ્યું કે અમારા પરિવારમાં 'ઇંડુ' ન ચાલે ત્યારે આ હૂરટીઓ 'ઇન્દુ' ન ચાલે એમ સમજ્યા હતા અને સસરા અમને 'મીટ' ચાલહે એમ કહીને 'મીત પસંદ છે' એવું કહેવું હતું!

કેટરીના અને દીપિકાને હંફાવે એવી ઇન્દુને જોઈને અને આ સ્પષ્ટતા થતાં મીતકુમારનો શ્વાસ હેઠો બેઠો. ત્યાં જ સસરાજી બોલ્યા, "તમારા શાળા ટુસાર સાળામાં ભનાવવા ગિયા છે, સીકસક છે. એ આવી જાય એટલે ચીકનપૂરી ખાઈ લઈએ."

મીતકુમારે ચીકનપૂરી નામની વાનગી લંચમાં ખાવાની કલ્પના નહોતી કરી. પણ ના કેવી રીતે પાડવી? એ તો શીખંડપૂરી પીરસાયાં ત્યારે જ ખબર પડી કે વાનગી પ્રાણીજન્ય હતી પણ વર્જ્ય નહોતી.

અંટે મીટે કહી ડીઢુ કે મને ઈંડુ પસંડ છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational