Kalpesh Parmar

Others

2.1  

Kalpesh Parmar

Others

પપ્પા એટલે.....

પપ્પા એટલે.....

3 mins
3.0K


આ પપ્પા એટલે?
પપ્પા એટલે ખાલી એક નામ?
પપ્પા એટલે ખાલી એક દેખાવ?
પપ્પા એટલે ખાલી એક પદ?
પપ્પા એટલે ખાલી બાયોડેટામાં જોડવું પડતું એક નામ?

ના, પપ્પા એટલે પરમેશ્વરના પુરાણો કરતા પણ વધુ પ્રેકટિકલ પ્રેરણાદાયી પુસ્તક.

આપણી સૌથી મોટી તકલીફ એ છે કે આપણા માંથી ઘણા પુરાણો વાંચવાની અને સમજવાની વાતો કરે છે પણ ઘરમાં બેઠેલા પપ્પાને નથી વાંચી શકતા.

આ પપ્પા નામે પ્રોફાઈલને ક્રેડિટ સાથે બહુ લેવાદેવા નહી.. મા ને ઈશ્વર માની લેનાર સમાજ પપ્પાને પપ્પા જ સમજે કારણકે આ પપ્પાએ કોઈ દિવસ પોતાની જાતને એ કેટેગરી માંટે નોમીનેટ કરી જ નથી.

"ખબરદાર જો આમ કર્યુ છે તો... આવવા દે તારા પપ્પાને.. બધ્ધું જ કહી દઈશ" આવા વાક્યો દરેકમાં એ કયારેક ને કયારેક પોતાના બાળકને નાનપણમાં કહ્યાં જ હશે. અને ન છૂટકે પણ પેલો ઓફિસમાં ફેમીલી માટે કમાતો બાપ બાળકનો અજાણ્યો દુશ્મન બની ગયો હોય છે અને બાળક સાથેનું આ છેટું ઘણું લાંબુ ચાલે છે.

ઘણા કિસ્સાઓમાં તો બાપની ખરી કિંમત સમજાય છે ત્યાં સુધીમાં બાપ ખીલ્લી પર ટાંગેલ ફોટો બની ગયો હોય છે.

બાકી પપ્પા તો એવા પરમેશ્વર છે જેને પામવા વ્રત, ઉપવાસ કે અઘરા શ્ર્લોનાં ગાન કરવા નથી પડતા. આપણી તકલીફમાં આપણા ખભાને ટેકો દેવા એ જીવતો દેવ હાજરાહજૂર જ હોય છે.

ડૉ.નિમિત્ત ઓઝાએ લખેલ એક સરસ વાત યાદ આવે છે કે ઘરની બહાર નીકળતા ખાડો આવે ને પડી જવાય તો "ઓ મા" બોલાય છે પણ અજાણ્યા જ રસ્તો ક્રોસ કરતા ટ્રક છેક પાસે આવી જાય ત્યારે તો મ્હોં માથી "ઓ બાપ" જ સરી પડે છે. જે એ વાતની સાબીતી છે કે નાની નાની તકલીફોમાં મા યાદ આવે સાહેબ પણ જીવનની અધરી અને મોટી તકલીફોમાં તો બાપ જ યાદ આવે છે.

પપ્પા નામના પરમ મિત્રને ઓળખવાની કળા મોટા ભાગે યુવાનીમાં કેળવાતી જ નથી બાકી એ વાત ખરી કે આ ઉંમરમાં પપ્પા ભણાવા કરતા ગણાવે છે વધુ.

કોઈ બાપ પાર્ટ ટાઈમ નોકરી કરતો હશે પણ પિતૃત્વતો ફુલ ટાઈમજ કરતો હશે.. કારણકે ખેતરમાં હળ ચલાવતો કે પછી ઓફિસમાં ઓવરટાઈમ કરતો બાપ આખરેતો દિકરા કે દિકરીને સઘળી સવલતો આપવા જ સજ્જ થતો હોય છે.

આપણી યુવાનીમાં કરેલી ભૂલોથી ટાયર્ડ થઈ જતો બાપ ચીડાઈને પિતૃત્વથી રીટાયર્ડ નથી થઈ જતો. એને પળે પળ આપણને કશું એટલા માંટે શીખવાડવું છે કારણકે જીવનમાં જ્યાં જ્યાં એણે પીછે હટ ભરી છે ત્યાં ત્યાં આપણે ન ભરી દઈએ. બુદ્ધિનું બજેટ ખોરવ્યા વિના આપણી બાહોશતા અકબંધ રહે તેવા પ્રયત્નો એ સતત કરતો રહે છે. આ કારણોસર એ મોટાભાગે કડક વલણ અપનાવે અને એટલેજ એ છપ્પનની છાતીમાં રહેલું લીસ્સું માખણ આપણને મોટાભાગે ઓળખાતું નથી.

આ પપ્પા એટલે નવ વાગે ટીવી બંધ કરીને જબરજસ્તી ભણવા બેસવાનો ઓર્ડર નહીં પણ ભણતરની કિંમત સમજાવતું સુવાક્ય.

આ પપ્પા એટલે અકબર બાદશાહની વાતોમાં રહેલી પેલી બીરબલની શીખ. જે જીવતા શીખવાડે.

આ પપ્પા એટલે રાત્રે જ્યાં સુધી ઘરે ન આવીયે ત્યાં સુધી સતત ચાલતો હિંચકાનો કિચુડ કિચુડ અવાજ..

આ પપ્પા એટલે મમ્મી કરતાં પણ વધુ વ્હાલની ઉપર પહેરેલું કડકાઈનું મ્હોરું. આ પપ્પા એટલે એકવાર ખાઈ લીધા પછી મમ્મીથી સંતાડીને બીજી વાર અપાતી ચોકલેટ.

આ પપ્પા એટલે એવી પર્સનાલીટી જે ફેશન ન કરતી હોવા છતાંય આપણા સ્ટાઈલ આઈકોન બની જાય આ પપ્પા એટલે આપણને કદીયે પડી ન જવા દેતો સાઈકલની સીટની પાછળથી પકડેલો મજબુત હાથ.

આખરે પપ્પા ટલે પપ્પાબસ આમ જુવો તો કશું જ નહી અને આમ જુવો તો બધુંજ...

હજીયે સમય છે. જો પપ્પા નામનું લાગણીનું સરનામું જીંવત બનીને ઘરમાં પોતાની મીઠાશ ફેલાવતું હોય તો આ લેખ પુરો કરીને એને જઈને એક વાર કોઈજ કારણ વગર ભેટી જોજો. એ પપ્પા નામના પુસ્તકમાં એવુ સરસ મઝાનું પાનુ જોડાશે જે જીવનભર વાંચવું ગમશે.


Rate this content
Log in