હેપ્પી વેલેન્ટાઈન ડે
હેપ્પી વેલેન્ટાઈન ડે


સવારે લાલ દરવાજા,ખંભાત સ્થિત મારી શાળામાં જઈ રહ્યો હતો.
આજે વેલેન્ટાઈન ડે હોઈ મોટાભાગે વહેલી સવારથી જ યુવક યુવતીઓની ચહલ પહલ શરૂ થઈ ગઈ હતી. મારું ઘર અને સ્કુલ કોલેજ રોડ ઉપર એટલે દર વર્ષની જેમ વેલેન્ટાઇનની સવાર અનોખી. માર્ગ ઉપર લાલ વસ્ત્રોમાં સજ્જ યુવાન હૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. સડસડાટ બાઈક દોડાવતો યુવાન હોય કે ઝપાટાભેર ચાલતી યુવતીઓ સહુના ચહેરાઓ ઉપર લાલીમાં પથારયેલી. કૈક પામી લેવાની ઉતાવળ સ્પષ્ટ વર્તાતી.
સ્કુલ જતાં રસ્તામાં સાયન્સ કોલેજ આવે. કોલેજના ગેટ ઉપર દૂરથી જ મેં એક યુવાનને ઉભેલો જોયો. અમારી આંખો મળી. ધીમું સ્મિત ફરક્યું. એકમેકને ઓળખતા હોવાનો અહેસાસ થયો. ભૂતપૂર્વ વિધાર્થી હશે તેવી અનુભૂતિ સાથે હું નજીક પહોચ્યો તો તે હાથમાં ગુલાબ લઈ મારી પાસે આવ્યો. હું તેના તરફ વળ્યો. મે બાઈક ઊભું રાખ્યું. તેણે ગુલાબ ધર્યું. આનંદવિભોર બની ગુલાબ સ્વીકાર્યું અને મે કહ્યું,"થેન્ક યુ, હેપ્પી વેલેન્ટાઈન ડે"
ત્યાં યુવક બોલ્યો,"સર,દસ રૂપિયા. "
મારી ધારણા ખોટી પડી. હું આશ્ચર્ય સાથે તેને ઓળખવા મથી રહ્યો.
પછી તે દોડી કોલેજના ગેટ ઉપર લટકાવેલી બીજા ગુલાબોની થેલી લઈ મારી પાસે આવ્યો.
હું સ્મરણમાં સર્યો. અરે!આ તો પ્રેમ. આંખે ઓછું દેખાઈ તો પણ ભણવાની અનોખી આશ. જેના પિતાના અવસાન પછી બે બહેનોને ભણાવવાની જવાબદારી માટે ઘરે પતંગ બનાવવાનું શરૂ કર્યું હતું. માતાને ટીબી હોઈ દવાઓનો ભાર પણ પ્રેમને માથે.
"પ્રેમ!. . . "જાડા કાચના ચશ્મામાંથી મને ઓળખવા મથી રહ્યો.
મે વધુ 56 ગુલાબ માંગ્યા. તેને આશ્ચર્ય થયું.
તે ગુલાબ આપી પૈસા ગણી રહ્યો અને મને પણ તે ઓળખી રહ્યો. તે ઓળખી ગયો પણ તેના હાસ્યમાં ઘરનો ભાર હતો.
તે બોલ્યો,"મમ્મી નથી રહી પણ એક બહેન મેડીકલના છેલ્લા વર્ષમાં અને બીજી ટી. વાય. બી એસ. સી માં છે. "
તેણે થેલીમાં ઊંડે હાથ નાખ્યો અને એક સુંદર ગુલાબ મને આપતા બોલ્યો,"સર! હેપ્પી વેલેન્ટાઇન! મારા ઘરના ક્યારાનું દેશી પણ સુવાસિત ગુલાબ છે. "
મારા રોમે રોમમાં સુવાસ પ્રસરી ગઈ. હું બેવડા આનંદ સાથે સ્કૂલે પહોચ્યો અને સ્કૂલમાં જઈ દરેક બાળકને પ્રેમની ભેટ આપી.