Baal Sahitya Gujarati

Children Inspirational

0  

Baal Sahitya Gujarati

Children Inspirational

ગમે તેને ભાઈબંધ ન બનાવાય

ગમે તેને ભાઈબંધ ન બનાવાય

2 mins
1.1K


જંગલમાં એક શિયાળ અને એક હરણ રહે. શિયાળ રોજ મનમાં વિચારે, આ હરણને મારીને ખાઈ જાઉં. પણ તે હરણના જેટલી ઝડપે દોડી શકે નહિ. આથી તેની ઈચ્છા પૂરી થતી નહિ.

એક વાર શિયાળે એક યુક્તિ કરી. હરણના જવા આવવાના રસ્તે બેસીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યું. હરણે શિયાળને રડતું જોયું. એણે શિયાળને રડવાનું કારણ પૂછ્યું. શિયાળ કહે, "મારે કોઈ ભાઈબંધ નથી. હું એકલો કેવી રીતે જીવું? મારે હવે નદીમાં ડૂબી મરવું છે."

હરણને શિયાળ પર દયા આવી. તે શિયાળને કહે, "તને મરી ગયા પછી ભાઈબંધ કેવી રીતે મળવાનો? જીવીશ તો ભાઈબંધ મળશે. કોઈ ન હોય તો હું આજથી તારો ભાઈબંધ, બસ !"

શિયાળની યુક્તિ સફળ થઈ.

પછી તો હરણ અને શિયાળ સાથે સાથે ફરવા લાગ્યાં. એ જંગલમાં એક કાગડો હરણનો મિત્ર હતો. તેણે હરણને શિયાળ સાથે જતું જોઈને પૂછ્યું, "દોસ્ત, દોસ્ત, તારી સાથે આ નવું કોણ છે?"

હરણ કહે, "એ મારો નવો ભાઈબંધ છે."

કાગડો કહે, "કોઈને પૂરેપૂરો ઓળખ્યા વિના ભાઈબંધ બનાવાય નહિ." આ સાંભળી શિયાળે કહ્યું: "કાગડાભાઈ, ભાઈબંધ થયા પછી જ એકબીજાને ઓળખીએ ને ! તમે પણ પહેલાં હરણને ક્યાં ઓળખતા હતા ?"

પણ કાગડાને શિયાળમાં વિશ્વાસ બેઠો નહિ. એક દિવસ શિયાળ હરણને એક ખેતરમાં લઈ ગયું. ત્યાં તેને સારું સારું ખાવાની ખૂબ મજા પડી ગઈ. પછી તો બંને ભાઈબંધો રોજ એ ખેતરમાં જવા લાગ્યા. ખેતરમાં પાકનો બગાડ થતો જોઈ ખેતરના માલિકે એક દિવસ ખેતરમાં જાળ નાખી. હરણ એમાં ફસાઈ ગયું. શિયાળની યુક્તિ સફળ થઈ. હરણ જાળમાં જ મરી જાય એની રાહ જોતું શિયાળ થોડે દૂર સંતાઈને બેસી ગયું.

કાગડાએ હરણને જોયું નહિ તેથી તેને ચિંતા થવા લાગી. તે હરણને શોધવા નીકળી પડ્યો. ઊડતાં ઊડતાં એણે પેલા ખેતરમાં હરણને જાળમાં ફસાયેલું જોયું. કાગડાએ હરણને હિંમત આપતાં કહ્યું: "ભાઈબંધ, તું ફિકર કરીશ નહિ. તું મડદા જેવો થઈને પડ્યો રહેજે. હું ‘કા કા’ બોલું એટલે તું દોડવા માંડજે." થોડી વાર પછી ખેતરનો માલિક ત્યાં આવ્યો. તેણે જાળમાં મરેલા હરણને જોયું તેણે જાળ ઉપાડી લીધી. તે જ વખતે કાગડો ‘કા કા’ કરવા લાગ્યો. કાગડાનો અવાજ સાંભળી હરણે ઊભા થઈને દોડવા માંડ્યું. ખેતરના માલિકે આ જોયું એટલે તેણે હાથમાંની લાકડી હરણ પર ફેંકી. પણ હરણ દૂર નીકળી ગયું હતું એટલે બચી ગયું. શિયાળ બાજુમાં જ સંતાઈને બેઠું હતું. હરણ ભાગ્યું એટલે શિયાળ પણ ભાગવા માંડ્યું. ત્યાં તો ધડામ કરતી ખેડૂતની લાકડી વાગી શિયાળના માથા પર અને શિયાળના ત્યાં જ રામ રમી ગયા.

પછી હરણ અને કાગડાએ ખાધું, પીધું ને મોજ કરી.


Rate this content
Log in

Similar gujarati story from Children