Sheetal Maru

Classics Inspirational

4  

Sheetal Maru

Classics Inspirational

ઘડપણ

ઘડપણ

2 mins
244


"પ્રિયાંશ, સાંભળ... કાલે મારી ફ્રેન્ડ્સ આવવાની છે, આપણા ઘરે કીટીપાર્ટી છે. લે... આ સામાનનું લિસ્ટ, સાંજે ઓફિસેથી આવતાં ભૂલ્યા વગર બધો સામાન લેતો આવજે." હેતવીએ લાંબુલચક લિસ્ટ પ્રિયાંશના હાથમાં પકડાવી દીધું.

"જો હુકમ મેરી જાન..., ચાલ, હવે જલ્દીથી બ્રેકફાસ્ટ આપી દે, મને લેટ થાય છે." હેતવીના ગાલે કિસ કરી પ્રિયાંશ ડાઇનિંગ ટેબલ પર ગોઠવાયો. ફટાફટ બ્રેડ-બટર ખાઈને કારની ચાવી લઈ બહાર નીકળવા ગયો.

"બેટા... પ્રિયાંશ...." પોતાના બખોલ જેવડા બેડરૂમમાંથી અવનીબેન બહાર નીકળ્યા.

"ઓહઃહઃહ મમ્મી, કેટલી વાર તને કીધું છે કે નીકળતી વખતે ટોક-ટોક નહિ કર મને, પણ એક તું છે કે સમજતી જ નથી. બોલ, શું છે હવે ?" પ્રિયાંશે છણકો કર્યો.

"દીકરા, મને પણ કેટલોક સામાન જોઈએ છે, સાંજે લેતો આવીશ ?" અવનીબેને એક ચિઠ્ઠી એના હાથમાં પકડાવી.

"જોયું...હજી તો હું એક વસ્તુ મગાવું ત્યાં તારી મમ્મી ચાર ચીજોનું લિસ્ટ તૈયાર જ રાખે. લેતો આવજે એમને જે જોઈએ એ," હેતવી મોઢું મચકોડી ફ્લેટની બહાર જતી નીકળી કાર પાસે ઉભી રહી.

"ગયા મહિને શ્રુતિએ વૃદ્ધાશ્રમમાં કપડાં ડોનેટ કર્યા અને વૃષાલીએ અનાથાશ્રમમાં બાળકોને કલર કિટ ડોનેટ કરી. મારે પણ એવું કંઈક કરવું છે એટલે કાલે કિટી આપણા ઘરે રાખી છે, બધા સાથે ડિસ્કસ કરી અમે નેક્સટ ચેરિટી પ્રોગ્રામ નક્કી કરશું." હેતવી પ્રિયાંશની ટાઈ સરખી કરતાં કહી રહી હતી.

"ઓકે ડિયર... હવે હું મોડું કરીશ તો ઓફિસમાં બોસ મારી સાથે ડિસ્કસ કર્યા વગર જ મને ડિસમિસ કરી નાખશે. બાય..." પ્રિયાંશ ગાડીમાં બેઠો અને હેતવી અંદર જતી રહી.

"જોઉં તો ખરો, મમ્મીએ શું મગાવ્યું છે," મનોમન બડબડી પ્રિયાંશે ખિસ્સામાંથી અવનીબેને આપેલી ચિઠ્ઠી બહાર કાઢી.

"આ....ટ...લું....લાં.....બું.....લિસ્ટ," લાંબી ચિઠ્ઠી જોઈ મનોમન ધૂંધવાતો પ્રિયાંશ ચિઠ્ઠીની ગડી ખોલી વાંચવા લાગ્યો.

"પ્રિયાંશ... બેટા... મને બીજું કાંઈ નથી જોઈતું, મને જોઈએ છે તારી થોડી પળ. એ પળ મને પાછી લાવી દે જે મેં તારા જન્મ માટે બાધા-આખડીઓ માંગવામાં વિતાવી. એ પળ, જે તારા જન્મ પછી તારા માટે રાતોની રાતો ઉજાગરામાં વિતાવી. એ પળ, જેમાં તું મારા ખોળામાં માથું મૂકી સુઈ જતો અને કેટલીય વાર સુધી હું તારા માથે હાથ પસવારતી રહેતી. એ પળ, જે મેં મારી જાત ઘસાવીને તને એન્જીનીયર બનાવવા માટે ખર્ચી નાખી એ પળ, જે તારા આંસુઓ લુછવામાં મારા ભીના પાલવમાં ખોવાઈ ગઈ."

જેમ-જેમ પ્રિયાંશ ચિઠ્ઠી વાંચતો ગયો, એની આંખોમાંથી નીકળેલા આંસુઓની ધાર એના ગાલ પરથી વહીને એના હૃદય સુધી પહોંચી રહી હતી અને કારનો દરવાજો ખોલી એણે દોટ મૂકી અને સીધો જઈને અવનીબેનના પગમાં પડી ગયો.

કોણે કહ્યું મોજા દરિયામાં જ હોય છે, કંઈ કેટલા વમળ હૈયાના તળિયામાં પણ હોય છે.*


Rate this content
Log in

Similar gujarati story from Classics