દુખની માંગણી
દુખની માંગણી
મહાભારતનું યુદ્ધ પૂરું થયું. શ્રી કૃષ્ણ પાંડવોની રાજા લઇ દ્વારિકા જવા નીકળ્યા. એમને અચાનક કુંતાજી યાદ આવ્યા. ‘જો મે કુન્તાજીને કશું આપ્યું નથી, લાવ આજે હું એમને જે ઈચ્છા હીય તે માંગવા કહું.’ એમ વિચારી કૃષ્ણ પોતાનો રથ કુન્તાજીના આવાસ તરફ લઇ ગયા.
કુંતાજી પાસે જઈ શ્રી કૃષ્ણ કહેવા લાગ્યા, ‘ફઈબા મે તમને કશું આપ્યું નથી, આજે તમે મારી પાસે કશુંક માગો.’
કુંતાજીએ કહ્યું, ‘પ્રભુ જો આપ મારા પર પ્રસન્ન હોવ તો મને દુ:ખ આપો. દુ:ખે અમને ઘણું આપ્યું છે. ઘણું શીખવ્યું છે. આપનો નિત્ય સહવાસ આપ્યો છે. અમારી ભીતર પડેલી શક્તિઓને ખીલવી છે. અમને ભવ્ય વિજય અપાવ્યો છે. અમને મહાન કર્યા છે. માટે પ્રભુ પ્રસન્ન થઈ અમને દુખ આપો. દુઃખમાં અમે આપને ભજતા રહીએ.’
જગતની આ વિરલ ઘટના છે કે ભગવાન પાસે દુ:ખ માંગનાર કુંતાજી પ્રથમ હશે અને છેલ્લા પણ એ જ હશે.
