CM Sarkaar

Children Inspirational

3  

CM Sarkaar

Children Inspirational

ચૉક-ડસ્ટર, બ્લૅકબૉર્ડ

ચૉક-ડસ્ટર, બ્લૅકબૉર્ડ

3 mins
532


ચૉક*: "અરે સાહેબ ! આ લેશન કરવાનો કંટાળો આવે છે."

બ્લૅકબૉર્ડ*: આ વાક્ય ભાગ્યે જ કોઈ શિક્ષકે નહીં સાંભળ્યું હોય ! ને વાલીઓ તો લગભગ રોજ સાંભળતાં હોય. એકવાર એવો વિચાર આવ્યો કે કાયમ બોલાતા આ વાક્યની "મ્યુઝિક થેરાપી" જેવી કોઈના પર અસર કેમ નથી થતી ? પછી તો આ ચિંતન ખૂબ ચાલ્યું. એનું થોડું નવનીત રજૂ કરું છું.

ગૃહકાર્ય કરવું વિદ્યાર્થીને માટે કાયમ કંટાળાજનક જ હોય. દફતરની રામાયણો સાંભળ્યા પછી એમ લાગે છે કે એક સમયે સરકાર જ હુકમ કરી દેશે કે અમુક-તમુક પાનાં ભરાય એટલું જ લેશન વિષય-શિક્ષકે આપવું. ખેર, સરકારની વાત સરકાર જાણે. આપણે વર્ગમાં પાછા ફરીએ.

એક છેલ્લી પાટલીના વિદ્યાર્થીએ ઉપરનું વાક્ય કહ્યું ને છેક અંદર સુધી ઉતરી ગયું. ખૂબ વિચારને અંતે એક ઉપાય મળ્યો, તે એવો કે મહિનામાં એક કે બે વાર વિદ્યાર્થીઓને એવું ગૃહકાર્ય આપવું કે એ હોંશે હોંશે લખે. વિચાર આવી ગયો, પુષ્ટ પણ થઈ ગયો. પણ, અમલવારી અઘરી હતી. વિદ્યાર્થીઓને રુચે એવા વિષયો સાવચેતીથી પસંદ કરવા પડે. ખૂબ ગડમથલને અંતે કામ શરૂ થયું. પહેલા જ મહિને પહેલીવાર ધોરણ ૧૦ના વર્ગમાં કામ સોંપ્યું કે એક નિર્જીવ ચીજ બીજી નિર્જીવ ચીજને સજીવારોપણ ભાવે પત્ર લખે, એવું કશું તમારે કલ્પનાતીત લખી લાવવું. થોડો ડર હતો કે વિદ્યાર્થીઓ આ વિષયને કેવો ને કેટલો ઝીલી શકશે ? ડર ખોટો સાબિત થયો. એનો પ્રત્યક્ષ નમૂનો એક વિદ્યાર્થીનીનો પત્ર અહીં અક્ષશઃ રજૂ કરું છું. એની કક્ષા-ગુણવત્તા આપ ભાવકો નક્કી કરશો તો ગમશે.

હિરલબા નરેન્દ્રસિંહ રાઠોડ(ધોરણ ૧૦)

"મારી પ્રિય ગાડી,

હું અનંત છું. મારી ઉપર દરરોજ તારા જેવી હજારો ગાડીઓ સફર કરે છે. તું પણ મારી સાથે - મારી ઉપર આમ જ ચાલ્યા કરે-કરજે. હું ક્યારેય તમારા બોજથી થાકતો નથી કે કંટાળતો નથી. હું હંમેશાં એક જ લક્ષ્ય રાખું છું કે તમે તમારી મંજિલ સુધી પહોંચો. મારી ઉપર ખાડા પણ છે અને ટેકરા પણ છે અને ક્યાંક-ક્યાંક ઢાળ તો ક્યાંક હું સીધો છું પણ છતાંય હું તમને સલામત રાખવાનો પ્રયાસ કરું છું.

"દુઃખની એક માત્ર દવા અમારું આત્મબળ છે,

જીવનના દરેક જખમને નજરથી ટાંકા ભરી જવાના"(અમૃત ઘાયલ)

અર્થાત જીવનના દરેક જખમને અમી નજરથી રૂઝાવી દેવાના !!

ક્યારેક અકસ્માતો પણ સર્જાય છે. ત્યારે મને બહુ દુઃખ થાય છે. અફસોસ થાય છે કે હું નુકસાન થતાં અટકાવી શકતો નથી. ગાડી, તું હંમેશાં મારી સાથે - મારા પર શાંતિથી ચાલજે.

હું તડકો, વરસાદ, ટાઢ બધું જ સહન કરું છું અને તને તારી મંઝિલ સુધી પહોંચાડું છું. અર્થાત ઉનાળામાં હું સૂર્યની ગરમીને કારણે ખૂબ ગરમ થઈ જાઉં છું. એના કારણે તારા ટાયર ફાટવાની પણ શકયતા રહે છે પણ છતાંય મારો ઈરાદો તારે જ્યાં જવું હોય ત્યાં સલામત લઈ જવાનો હોય છે.

તને ખબર છે કે હું જ્યારે સુમસામ હોઉં છું ત્યારે ખૂબ જ એકલો અને અટૂલો હોઉં એવું અનુભવું છું. પણ, તું મને એકલો પડવા દેતી નથી. મને તમારા બધાની આદત પડી ગઈ છે.

"मंज़िलों से अपनी डर न जाना,

रास्ते की परेशानियों से टूट न जाना,

मैं तो हूँ अनंत तक,

बस तुम अपनी सही राह ढूंढ जाना ।।"

બસ એ જ

તારો વ્હાલો રસ્તો"

વિદ્યાર્થીઓને લેશન ગમતું થાય, એના દ્વારા વિષયને છેવટે શિક્ષણ ગમતું થાય એ માટેનો એક વિનમ્ર પ્રયાસ હતો. શિક્ષણજગતના મર્મી કલમકાર શ્રી જ્યોતીન્દ્ર ભ. લેખડિયા સાહેબ એક લેખમાં નોંધે છે : "નવમા ધોરણમાં હતો ત્યારે અંગ્રેજી કવિતાનો પિરિયડ દેસાઈ નામના શિક્ષક લેતા. કવિતામાં ફૂલનું વર્ણન હતું. શિક્ષક ભણાવતાં ત્યારે ફૂલ નહીં, પણ આખું ગાર્ડન અમારી સમક્ષ મ્હેંકતું કરીને રજૂ કરતા. આ શિક્ષણની કળા છે."

આ કળા સહુ શિક્ષકોને હસ્તગત થાય એવી ઉમેદ અને અપેક્ષા સાથે આ લેખમાળાનો પ્રથમ લેખ મારા સહુ વિદ્યાર્થીઓને હૃદયપૂર્વક અર્પણ...

ડસ્ટર : "એક સફરની વાત છે કે રાહમાં આંધળા અડફટમાં આવી જાય છે ! એક નજરની વાત છે કે પ્રેમમાં આંધળા રસ્તો બતાવી જાય છે !"

-ભીખુભાઈ ચાવડા "નાદાન"


Rate this content
Log in

Similar gujarati story from Children