ચકલી અને કાગડો
ચકલી અને કાગડો
એક જંગલ હતું. તે જંગલમાં ઘણા બધા ઝાડ હતાં. આવા ઝાડવાઓ પર બધા પક્ષીઓ પોતાનો માળો બનાવીને આનંદથી રહેતા હતાં. આ જંગલમાં જ એક ચક્લીબેન રહેતા હતાં અને એક કાગડાભાઈ પણ રહેતા હતાં. ચક્લીબેન ખુબ જ સંસ્કારી અને ભવિષ્યની ચિંતા કરવાવાળા હતાં. કાગડાભાઈ તો છેલબટાઉ અને રખડું તથા આળસુ હતાં.
એક સમયની વાત છે. ચકલીબેન એક એક તણખલું ભેગું કરી પોતાનો માળો બનાવી રહ્યા હતાં. ત્યારે કાગડા એ આવીને પૂછ્યું, ચકીબેન ચકીબેન આ શું કરો છો. તો ચકીબેન બોલ્યા. કાગડાભાઈ હું તો માળો બનાવું છું. તમે પણ બનાવો આગળ ચોમાસું આવે છે તો રહેશો ક્યાં ! કાગડો બોલ્યો માળો બનાવવો એમાં વળી શું, બે સળીઓ આમ મૂકી અને બે સળીઓ તેમ મૂકી એટલે બની ગયો માળો. ચકીબેને ભૈને સમજાવ્યું કે ‘કાગડાભાઈ ચોમાસામાં તો વરસાદ પડે, પાણી પડે વાવાઝોડું આવે. આપનો માળો મજબુત અને વ્યવસ્થિત હોવો જઈએ. પણ કાગડાએ તો ચકીબેનની વાત હસવામાં જ ઉડાડી દીધી. અને પોતાનો માળો બનાવ્યો જ નહિ.
એમ કરતાં કરતાં સમય પસાર થવા લાગ્યો. ઉનાળો પુરો થયો અને હવે ચોમાસું આવી ગયું. ધીમે ધીમે વરસાદ પડવાની શરૂઆત થઈ. ચકીબેન તો પોતાના બચ્ચાને લઈને પોતાના માળામાં જતાં રહ્યા. તેમનો માળો તો મોટો અને મજબુત હતો. અંદર સહેજ પણ પાણી ન પડે. બીજું બાજુ કાગદાભૈનો માળો તો સાવ તકલાદી હતો. પહેલા જ વરસાદમાં પલળી ગયો. અને તૂટી ગયો. કાગડાભાઈ અને તેમના બચ્ચા તો વરસાદમાં ભીંજાવા લાગ્યા. ઠંડીથી ઠરવા લાગ્યા.
ધીમે ધીમે વરસાદ વધ્યો. પવન પણ વધવા લાગ્યો. અને કાગદાભૈનો માળો તો નીચે પડી ગયો અને તૂટી ગયો. આ કાગડાને બચ્ચોને વરસાદમાં પલળતા જોઈને ચકીબેનને દયા આવી. તેમને ભૈને ઠપકો આપ્યો. આખો ઉનાળો રખડ્યા એના કરતાં સારો માળો બનાવ્યો હોત તો ! કાગડાભાઈ તો લાચાર પડ્યા. પછી ચકીબેનને કાગડાભાઈના નાના નાના બચ્ચાની દયા આવી. અને તેમને કાગડાભૈને પોતાના બચ્ચા લઈને ચકીબેને પોતાના ઘરમાં બોલાવી લીધા. ચકીબેનનો માળો તો મોટો અને મજબુત હતો. બધાનો સમાવેશ થઈ ગયો, અંદર સહેજ પણ પાણી ન પડે કે પવન પણ ન આવે. કાગડાભાઈએ ચકીબેનનો અભાર માન્યો અને વચન આપ્યું કે વરસાદ બંધ થશે એટલે તે પણ મજબુત માળો બનાવશે.
આપણે હંમેશા ભવિષ્યમાં આવવાવાલી મુસીબતોનો વિચાર કરી જ રાખવો જોઈએ.