Nikunj Patel

Children Inspirational

3  

Nikunj Patel

Children Inspirational

બર્થડે બોય

બર્થડે બોય

4 mins
14.4K


પુત્રના બર્થડે પર પિતા તેને સાંજે જમીને મેળો જોવા લઈ ગયા.

મેળામાં ફરતા-ફરતા છોકરાની આંખો રિમોટ કંટ્રોલવાળી કાર પર પડી. એણે એના પપ્પાનો હાથ ખેંચીને કહ્યું, “પપ્પા પપ્પા, મારે પેલી રિમોટ કંટ્રોલવાળી કાર લેવી છે. લઈ આપોને ! અને આજે તો મારો બર્થડે પણ છે !” પિતાએ તરત એ કાર ખરીદી આપી. છોકરાએ ખુશ થઈને એ રમકડું બેગમાં મૂકી દીધું.

મેળામાં તેઓ થોડાક આગળ ચાલ્યા. છોકરાની આંખો ત્યારે પણ બીજા રમકડાંની શોધમાં ફરી રહી હતી. એની બાજ નજર બીજા રમકડાં પર પડી ! તરત જ તેણે એના પપ્પાનો હાથ ખેંચી, દુકાન તરફ આંગળી ચીંધી, “પપ્પા પપ્પા, પેલું લાઇટ લબુકઝબુક થતું પ્લેન...! કેટલું મસ્ત છે...! પ્લીઝ પપ્પા, લઈ આપોને...!”

પિતાએ તેને એ રમકડું પણ ખરીદી આપ્યું. પ્લેન અને કાર – બબ્બે રમકડાં બેગમાં મૂકીને તેનો ઉત્સાહ ફૂલ્યે સમાતો નહતો. ખભા પર બેગ ભરાવી, પિતાની આંગળી પકડી આનંદથી ઠેકડા મારતો ચાલવા લાગ્યો.

આગળ જતાં એક દુકાનમાં તેના ફેવરિટ સુપરહીરોનું રમકડું જોઈ તેની કાળી કીકીઓ ખુશીથી ચમકી ઉઠી ! તે જરાક ખચકાટ અનુભવી, પિતાનો હાથ ખેંચતા બોલ્યો, “પપ્પા, મારે મારા ફેવરિટ સુપરહીરો, સ્પાઇડરનું રમકડું લેવું છે ! જુઓને કેટલું મસ્ત છે...! પ્લીઝ પપ્પા...!”

“બેટા, આટલા બધા રમકડાં ના લેવાય. રમકડાં જ રમીશ તો પછી મારી સાથે ગાર્ડનમાં બેડમિન્ટન પછી કોણ રમશે ?”

“પ્લીઝ પપ્પા... મારે એ લેવું જ છે, બસ ! નહિતર હું ઘરે નઇ જાઉં...” રડમસ ચહેરે મગરનાં આંસુ સારવા લાગ્યો.

“સારું સારું હવે ! રડવાનું બંધ ! હવે બીજા રમકડાની જીદ નહિ કરતો ! શું કહ્યું ?” પિતાએ જરાક કડક સ્વરે કહ્યું.

દયામણું મોઢું કરી તેણે માથું ડોલાવ્યું. એ રમકડું ખરીદીને તેની બેગમાં મુકાવ્યું. સ્પાઇડર મેનનું પ્રિય રમકડું થેલીમાં જોઈને તેનો ચહેરો ગલગોટાની જેમ આનંદથી ખીલી ઉઠ્યો હતો, સાથે થોડોક ગુસ્સો પણ નાક પર ચડેલો હતો.

“થેલી બરોબર પકડીને ચલો હવે, સામે પેલો જોકર ખેલ કરીને હસાવે છે ત્યાં જઈએ... ચલ હવે, મારી આંગળી પકડી લે...!”

“ના. નઇ પકડું ! હું જાતે ચાલીશ...” મોઢું ફુલાવી બોલ્યો.

પિતા એ બાબતમાં કશું બોલ્યા નહીં. બંને એ તરફ સર્કસ જોવા ચાલ્યા.

જાતજાતના ખેલકૂદ કરી હસાવતો જોકર જોવા બંને લોકોની ભીડભાડમાંથી પસાર થયા. ખભે કરેલી બેગમાં મૂકેલા કિંમતી રમકડાં સાચવવા છોકરાનું મુખ્ય ધ્યાન બેગ પર રહેતું. કોઈકનો ધક્કો વાગતા તે કોઈક અજાણી વ્યક્તિને પપ્પા સમજી એની સાથે-સાથે ચાલવા લાગ્યો. એને ખબર નહતી કે તે કોઈ બીજાની બાજુમાં ચાલી રહ્યો છે. એતો તેના પ્રિય રમકડાંની બેગ પકડીને ખુશહાલ અવસ્થામાં મસ્ત હતો.

ચાલતા ચાલતા તેણે બુદ્ધિના બાલ વેચતો એક વ્યક્તિ જોયો. એણે તરત જ બાજુમાં ચાલતા વ્યક્તિને પપ્પા સમજી એમનો હાથ ખેંચીને કહ્યું, “પપ્પા, મારે બુદ્ધિના બાલ ખાવા–” બોલતા તેણે ઉપર જોયું. અજાણ્યો ચહેરો દેખાતા જ તેનું નાનકડું હ્રદય ખોવાઈ ગયાના ભયથી થડકી ઉઠ્યું ! મૌન થઈ તેણે આજુબાજુ બેબાંકળી નજર દોડાવી. પોતે ખોવાઈ ગયો એ બીકથી તેની આંખોમાંથી આંસુ ટપકવા લાગ્યા. રડમસ બોદા અવાજમાં ‘પપ્પા...’ બોલી રડી પડ્યો.

“શું થયું બેટા ?” અજાણ્યા વ્યક્તિએ સહાનુભૂતિભર્યા સ્વરે પૂછ્યું.

“મારા પ-પપ્પા... હું ખોવાઈ ગ-ગયો છું... મારે પપ્પા જોઈએ... મારે મારા પપ્પા જોડે જવું છે...” હીબકાં ભરતા-ભરતા તેના ગાલ આસુંથી ભીંજાઇ ગયા.

“રડીશ નઇ બેટા. હમણાં આપણે તારા પપ્પાને શોધી લઈશું...હોં... અહીં જ ક્યાંક હશે તારા પપ્પા...”

ઉભડક બેસી તેના ભયભીત બાળમનને દિલાસો આપ્યો.

“ના... મારે હાલ જ મારા પપ્પા જોડે જવું છે. મારે મારા પપ્પા જોઈએ...” કહી ચોંધાર આસું વહાવી રડવા લાગ્યો.

“રડીશ નઇ બેટા. બહાદુર છોકરા રડે નઇ... તારે પેલા બુદ્ધિના બાલ ખાવા છે ? ત્યાં સુધી હું તારા પપ્પાને શોધી લઉં...” મન બીજે વાળવા તેમણે લાલચ બતાવી.

“ના મારે કશું નથી જોઈતું. મારે બસ મારા પપ્પા જોઈએ. આ બધા રમકડાં તમે લઈ લો, પણ મને મારા પપ્પા જ જોઈએ...” રમકડાની બેગ એ વ્યક્તિ સામે મૂકી દઈ જોરથી બૂમ પાડી, “પપ્પા...? ક્યાં છો તમે...?”

થોડે દૂરથી એક ઓળખીતો અવાજ તેના કર્ણપટલ પર અથડાયો...ને ખુશીથી બેબાંકળી થતી ભીની આંખો તેણે તરત લૂછી લઇ, ફરી રડમસ સ્વરે બૂમ પાડી, “પપ્પા.... હું અહીં છું....” કહી પિતાનો ચહેરો આંખની કીકીમાં જડી લેવા તેની અધીરાઇ છૂટી પડી.

“બબલું બેટા...!” ભીડમાંથી નીકળતા જ તેમની નજર રડતાં દીકરા પર પડી.

છોકરાની ઝળઝળી રહેલી નજર પિતાના ચહેરા પડતાં જ તેના ચહેરા પર રડમસ સ્મિત ખીલી ઉઠ્યું. બંનેના પગ વેગીલી ગતિએ એકબીજાને આલિંગી લેવા ઉત્કંઠિત બની દોડ્યા. પ્રિય રમકડાંની બેગની પરવા કર્યા વિના તે દોડતો પિતાની છાતીએ વળગી પડ્યો. પિતાએ તેના ભીના ગાલ પર સ્નેહભીની ચૂમ્મીઓ વરસાવી છાતીમાં સમાવી લીધો.

“આઈ એમ સોરી, પપ્પા. મેં તમારો હાથ ના પકડ્યો. હવે હું તમારો હાથ ક્યારેય નઇ છોડું. હું બહુ ડરી ગયો તો, પપ્પા.”

“પપ્પા તને ગમે ત્યાંથી શોધી લેત, બેટા. ચલ હવે, રડીશ નઇ. આઈસક્રીમ ખાઈને ઘરે જવું છે ને !” કહી તેને રડવાનું ભૂલાવ્યું.

આઈસક્રીમ સાંભળીને તેનો ચહેરો ફરી ગલગોટાની જેમ ખીલી ઉઠ્યો. જેમાં તે ખુશી શોધતો હતો એ રમકડાની થેલી તો રસ્તામાં ક્યાંય કચરાની જેમ પડી હતી, જ્યારે જે સાચી ખુશી અને કિંમતી હતું એને તો એ તેના બંને નાનકડા હાથ કસ્સીને પિતાની છાતીએ વીંટાળી ખિલખિલાટ હસતાં ચહેરે બાઝી પડ્યો હતો.

તમે પણ અનુભવ્યું જ હશે, કે જે આપણાં જીવનમાં અમૂલ્ય હોય એની કદર અને કિંમત એને ગુમાવ્યા બાદ જ સમજાતી હોય છે. ખરું કે ખોટું ?


Rate this content
Log in

More gujarati story from Nikunj Patel

Similar gujarati story from Children