ભલાઈનું ફળ
ભલાઈનું ફળ
રામપુર નામના એક ગામની આ વાત છે. આ ગામમાં સુખ અને શાંતિની ગંગા વહેતી હતી. રાજા અને પ્રજા બધા સુખેથી જીવન જીવતા હતાં. આ નગરમાં પ્રેમચંદ નામનો એક પ્રધાન હતો. આ પ્રધાન પોતાના નામ મુજબ જ ખુબ જ પ્રેમાળ અને ઈમાનદાર હતો. તેની વ્યવહાર કુશળતાને લીધે રાજા પણ નિશ્ચિંત રહેતા હતાં અને પ્રજાને પણ કોઈ જાતનું દુ:ખ ન હતું.
સમય જતાં આ પ્રેમચંદ પ્રધાન વૃધ્ધ થયા. એટલે તેમણે રાજાને કહ્યું, ‘મહારાજ હવે મારી ઉંમર થઈ છે. મારાથી રાજનો કારભાર હવે સંભાળી શકાતો નથી. તેથી હું નિવૃત્ત થવા માંગું છું. આ સાંભળી રાજાજી ઉદાસ થયાં. પણ પ્રધાનની લાગણીને માન આપી તે તેમને નિવૃત્ત થવાની સંમતિ આપે છે, પણ તેમની જગ્યાએ નવા પ્રધાન નિમવાની જવાબદારી પણ આ પ્રેમચંદને જ આપે છે.
પ્રેમચંદ રાજ્યમાં નવા પ્રધાન નિમવાની ઘોષણા કરે છે. રાજ્યમાંથી પ્રધાન બનવા માટે અનેક યુવાનો આવવા લાગ્યા. આ બધા જ યુવાનો પ્રધાન બનવાની પરીક્ષામાં ઉત્તીર્ણ થવા માટે તૈયારીઓ કરવા લાગ્યા. કસોટી માટે આવેલ યુવાનોને રોકવા માટેની વ્યવસ્થા રાજ્યમાં જ એક મોટા હોલમાં કરવામાં આવી હતી.
બીજા દિવસે સવારે દસ વાગે તેમની કસોટી લેવાનું નક્કી થયું. જે યુવાન દસ વાગ્યા પછી આવશે તેણે કસોટીમાં નહિ બેસવા દેવામાં આવે તેવું નક્કી થયું. બીજા દિવસે બધા જ્વાનો સમયસર કસોટીની જગ્યાએ પહોંચી ગયા. બધા યુવાનો સભાખંડમાંથી રાજ દરબાર તરફ જઈ રહ્યા હતાં. રસ્તામાં તેમને એક અપંગ માણસ મળે છે. તે બિમાર પણ હોય છે. તેનાથી કોઈના સહારા વગર ચાલવું શક્ય ન હતું. તે વૃદ્ધ માણસ આ યુવાનો પાસે પોતાના ઘરે મૂકી જવા માટે મદદ માંગે છે. તેનું ઘર ઘણું દૂર હતું. જો કોઈ તે વૃદ્ધને ઘરે મુકવા જાય તો પાછા આવવામાં મોડું થઈ જાય. અને કસોટીના સમયમાં પહોંચવું શકય નહિ. એટલે કોઈ યુવાન તેમની મદદ કરવા તૈયાર ના હતું.
પણ આ બધા યુવાનોમાં એક યુવાન સાવ નોખો જ હતો. તેનું નામ મનુ હતું. તેણે આ વૃદ્ધની દયા આવી. તે પેલા ગરીબ, બિમાર અને વૃદ્ધ માણસની મદદ કરવા રોકાઈ ગયો. તે પેલા માણસને લઈને તેના ઘર સુધી મુકવા ગયો. પેલો વૃધ્ધ માણસ સહી સલામત ઘરે પહોંચી ગયો. ઘરે જઈને તેણે પોતાની મદદ કરી મુકવા આવનાર મનુનો આભાર માન્યો અને દુવા આપતા કહ્યું, ‘તું જે કામ માટે આવ્યો હોય તે કામ સફળ થશે.’ મનુ ત્યાંથી નીકળી ગયો. અને કસોટીની જગ્યાએ પાછો આવ્યો.
બીજા દિવસે રાજાએ બધા જ યુવાનોને દરબારમાં બોલાવ્યા. મનુને પણ બોલાવવામાં આવ્યો. હવે યુવાનોની કસોટીનું પરિણામ જાહેર કરવાનું હતું. બધા યુવાનોનું મન વ્યાકુળ હતું. રાજાજી કોણે પસંદ કરશે તેની બધાને ઇન્તેજારી હતી. ત્યાંજ પેલા જુના પ્રધાને જાહેરાત કરી.
‘જુના પ્રધાન નિવૃત્ત થતા તેમની જગ્યાએ નવા પ્રધાન તરીકે મનુની પસંદગી કરવામાં આવે છે.’ આ સંભાળીને બધાને નવાઈ લાગી. કે મનુ તો કસોટીમાં હાજર પણ ન હતો. તો તેની પસંદગી કેવી રીતે થઈ. ત્યારે જુના પ્રધાને ખુલાસો કર્યો કે 'કાલે જે વૃદ્ધ, ગરીબ માણસ તમને રસ્તામાં સામે મળ્યા હતાં. તે હું જ હતો. તમારી સેવા ભાવના જોવા માટે તમારી કસોટી માટે જ આ નાટક કરવામાં આવ્યું હતું. અને તેમાં મનુ પાસ થયો છે. ગરીબ અને અશક્ત નાગરિકની સેવા કરવી તે જ રાજ અને પ્રધાનનો ધર્મ છે.
આમ મનુની રાજના નવા પ્રધાન તરીકે નિમણુંક કરવામાં આવી.
