ભિખારણ માં
ભિખારણ માં
આધુનિક માતા પિતા હોવાના આર્થિક અને સામાજિક ફાયદા ઘણા છે. પણ સાથે સાથે ઊંડે ઊંડે એક અફસોસ હંમેશ રહેતો હોય કે તમે તમારા બાળક ને સમય નથી આપી શકતા. કારણ કે મોર્ડન માં કે જે સવારે ઉઠે ત્યારથી જ એને ઓફિસમાં ન્યુ જનરેશનનું હાજરી પત્રક ગણાય એવી બાયો મેટ્રિક એટેન્ડન્ટ સિસ્ટમમાં પોતાનો અંગૂઠો કે ચહેરો બતાવવાની ઉતાવળ હોય. એના બાળક ને વ્હાલથી માથે હાથ ફેરવી એ એનું કપાળ ચૂમી ને પ્રેમના બાળગીતો ગાતા ગાતા એના બાળકને સવારે ઉઠાડવું એતો કદાચ એનું સપનુ જ હશે. અલબત્ત એતો એવુજ વિચારી ને ઝડપભેર રસોડા માં કામ પતાવતી હોય કે એનું બાળક સુતું જ રહે. તો જલદી આ કામ પતે. કદાચ બાળક ઉઠે ત્યારે એની મોર્ડન માં એના કામ ના સ્થળ પર જતી પણ રહી હોય. ઍટલે બાળક ને એની માં નો ચહેરો સીધો સાંજે એ ઓફિસથી આવે ત્યારે જોવા મળતો હોય.
આ પરિસ્થિતિ માટે ઉદાહરણ શોધવાની કદાચ જરૂર જ નથી. આપનો અને એમાંય શહેરી વિસ્તાર કે જ્યાં સ્ત્રીનું વર્કિંગ વુમન હોવું એ પહેલાં શોખ હતો હવે કદાચ જરૂરિયાત બની ગઈ છે એ સમાજ તો કદાચ આ જ રૂટીનથી ટેવાયેલ છે.
મારા બાળક ને એટ એટલા રમકડા, અગણિત ભાવતી વાનગીઓ, કપડાં ચપ્પલ તો કદાચ જેનો કોઈ પાર ન હોય એટલું અપાવવા છતાંય બાળકમાં કંઇક અંદરથી અજંપો હોય એવું સતત મને લાગ્યા કરતું.. એ હું ઓફિસથી ઘરે આવું એટલે ચીડચીડિયું રહેતું જે ને હું હંમેશા નોટિસ કરતી. અલબત્ત હું જાણતી હતી કે માં ના પ્રેમનો કોઈ વિકલ્પ નથી પણ છતાંય મારાથી ક્યાંક કચાશ રહેતી હોય એવું મને હંમેશ લાગ્યા કરતું.
સાંજ પડ્યે હું ઘરે આવું એટલે મારી બાળકી દરવાજા પર જ હોય એ કહેવા કે ચાલો મને ગાર્ડન લઇ જાવ. પણ હું આખો દિવસના થાકના લીધે થોડો આરામ અને ઘરના થોડા નાના મોટા કામ ની લાલચ માં ક્યારેક ના પણ પાડતી.. તો ક્યારેક લઈ જાતી.પણ અફસોસ સાથે લખવું પડે છે કે એ પણ ઘરે પાછા ફરવાની ઉતાવળ સાથે.
એમ જ એક દિવસ એ જ પબ્લિક ગાર્ડન મા હું મારી બાળકીને હિચકાવતી હતી. ત્યાં મારી નજર એક ભિખારણ અને તેના એકદમ કુપોષિત જ કહી શકાય એવા બે બાળકો પર પડી. એકદમ મેલાં ઘેલા કપડાં અને એ પણ અડધા જ. અને મેડિકલ લાઈનમાં હોવાના લીધે બાળકની ઉંમર સાથે તેની ઊંચાઈ અને વજન અનુરૂપ છે કે નહિ એ ધ્યાન પહેલાં જ જાય. તો સાવ એટલે સાવ ગ્રોથ ઓછો હોય એવા બંને બાળકો દેખતા હતા..પણ મજાની વાત એ છે કે એ ત્રણેય એટલા મસ્તી કરી આનંદથી હસતા હતા કે ખરું કહું મને બે મિનિટ ઈર્ષ્યા આવી ગઈ કે આં લોકો આટલા ખુશ કેવી રીતે રહી શકે??
નથી એની પાસે કપડાં, રહેવા ઘર, જમવા ના પણ કાઈ નક્કી નહિ કે સાંજે શું જમશે? અને છતાંય એના એ ખિલખિલાટ કરતા હાસ્ય?? એમાં ક્યાંય મને દંભ કે જે આજના જમાના ની જાણે એક રીત પડી ગઈ કે એવું હાસ્ય કે જેમાં ફક્ત હોઠ જ હસતા હોય ચહેરો નહિ એવું દેખાયું નહી.. હું સતત એનું નિરીક્ષણ કરતી હતી.. એ ખિલખિલાટ કરતા ત્રણ ચહેરા પણ મારી નજર સમક્ષ એટલા જ તાજા છે જેટલા
બે વર્ષ પહેલાં હતા.
મે મારા બાળક સામે જોયું. અને ગાર્ડન મા રમત દરેક બાળક કે જે બે વરસ ની આજુ બાજુ ના હતા એની સામે જોયું. મને એવી ખુશી એકેય બાળક માં ન દેખાણી. મે કારણમાં માં ને માં માં શોધવા માંડ્યું. વધારે વાર ન લાગી મને કારણ શોધવામાં. અફસોસ સાથે લખવું પડે છે કે એનું કારણ એ દરેક મોર્ડન માં ના હાથમાં રહેલો મોબાઈલ હતો. કે જે પેલી ભિખારણ પાસે ન હતો. જેનો ઉપયોગ માં પોતાના કામ ના સ્થળે કે ઘરે વધારે કરી શક્તિ ન હતી કે કદાચ પોતાના મોબાઈલ વપરાશના સમય ને એ નિયંત્રિત કરી શકતી ન હતી એટલે એ દરેક મમ્મી જ નહિ પપ્પા અને દાદા પણ બધા એ ગાર્ડન મા મોબાઈલમા વ્યસ્ત હતા. કોઈ સોશ્યલ મીડિયામાં તો કોઈ લાંબા લાંબા ફોન કોલ્સ પર વાતો કરવામાં અને કદાચ બાળક રમવાની જીદ કરે તોય મોબાઈલમાંથી એક જ નજર નાખી ખાલી હમમમમમ કે હા એટલું જ બોલતા. એની સાથે બાળક બની જઇ રમવાનું તો કદાચ એને કે મે પણ ક્યારેય વિચાર્યું પણ નહી હોય. એ મને પેલી ભિખારણ શીખવી ગઈ.
બસ એ જ ઘડીએથી મે મારામાં ગાંઠ વાળી લીધી કે ઘરમાં કે ગાર્ડનમા મારું બાળક જ્યારે મારી સાથે હોય ત્યારે મોબાઈલ ઇમરજન્સી ફોન કોલ સિવાય ઉપયોગ ન કરવો. કદાચ હું સોશ્યલ મીડિયાનો ઓછો ઉપયોગ કરીશ તો મારું કાઈ નુકશાન નહી જવાનું. અને મે એ જ દિવસ એ જ ઘડીએથી મારા બાળક સાથે ગાર્ડનમા એને ગમે એમ રમવાનું શરૂ કર્યું. મારા બે વરસ ના બાળક ની એ વખતની હસતી આંખ મને હજી પણ યાદ છે કે એ જાણે કહેતી હોય કે મમ્મી મને આ જ તો જોઈતું હતું. થેંક યુ મમ્માં..
બસ ત્યારથી જ મે હું ગમે એટલા તણાવ મા હોવ કે થાકેલ હોવ પણ મે મારા બાળક માટે હંમેશ અસરકારક સમય વિતાવવા નું શરુ કર્યું. હું એને રોજ રોજ નજીક ના ગાર્ડન મા લઇ જવા માંડી. અને ફક્ત લઇ જવા પૂરતું સીમિત ન રાખતા પૂરી એનર્જીથી એની સાથે બાળક બની જઇ રમવાનું અને હીંચકા પણ કોઈ બાળગીત ગાતા ગાતા ખવડાવવા માંડી. મોબાઇલ તો ફક્ત પર્સમાંજ રાખવો એને ઇમરજન્સી કોલ માટે જ વાપરવા નું રાખ્યુ.. માની નઈ શકો પણ ગાર્ડનના આજુ બાજુમાં રમતા બાળકો પણ અમને મમ્મી દીકરી ને રમતા જોઈ એની મોબાઈલ મા વ્યસ્ત મમ્મી, પપ્પા કે દાદા સામે જોતા. જાણે એની આંખ કહેતી હોય કે " મમ્મી તમારા મોબાઈલ ને બદલે મને તમારો સમય આપો ને??"
પછી તો હું બાજુના હિંચકામાં એકલું બાળક હિચકતું હોય કે જે ની મમ્મી, પપ્પા કે દાદા જે એની સાથે આવ્યા હોય એ મોબાઈલ મા વ્યસ્ત હોય તો હું એને પણ હિંચકા નાખતી અને અલગ અલગ ફેઈસ બનાવી હસાવતી. અનેરો આનંદ મળવા લાગ્યો મને. જાણે મને સમજાઈ ગયું કે ખુશ હોવાને અને પૈસા હોવાને કાઈ લાગતું વળગતું નથી. હા અલબત્ત એનો અર્થ એ બિલકુલ નથી કે તમે અર્થોપાર્જન તરફ બેપરવાહ રહો પણ તમારા બાળક માટે સમય ફાળવો એ પણ એક પ્રકારનું અર્થોપાર્જન જ છે.
એ દરેક માતા પિતા અને દાદા દાદી ને એટલો સંદેશ કે "તમારા મોબાઈલ કરતા તમારા બાળક ને તમારા સમયની વધારે જરૂર છે.."