ભાઈબંધીની વાતું : ૨
ભાઈબંધીની વાતું : ૨


કાઠીયાવાડની આ વાત છે. કાઠીયાવાડનાં ખોળે પંખીનાં માળા જેવડું ગામ આવેલું છે. ગામ નાનું પણ ત્યાં ત્રણ ભેરૂઓની ભાઈબંધી એ ગામની સુવાસને આખાયે પંથકમાં ફેલાવી દીધી છે. આ ગામનાં ત્રણ ભેરૂ પણ સગાં ભાઈઓને પણ ભોંઠા પાડે એવાં હો… કોણ જાણે ક્યાં ભવની લેણાદેણી બાકી હશે કે આ ભવે પુરી કરવા પાછાં ભેળાં થયાં હશે !
એક ક્ષત્રિય, એક બ્રાહ્મણ અને એક કણબી; એક કુંવરસિંહ, એક કુમાર અને ત્રીજો કમો; ત્રણ દેહ પણ જાણે એક હૃદય. એક શબ્દને બોલાવે, એક શબ્દને સજાવે અને એક શબ્દને હસાવે. ત્રણેય ભેરૂઓ પર જાણે મા શારદાનાં ચાર-ચાર હાથ હતાં.
જે દી' ગામને પાદર ઉભેલાં વડલાના ઝાડ નીચે ત્રણેયની ભાઈબંધી બંધાઈ તે દી'થી કોઈએ આ ત્રણેયને નોખાં ભાળ્યાં નથી. અને આ વડલો પણ રોજે ત્રણેય ભેરૂઓની વાતો સાંભળતો, એનાં સુખે સુખી થતો, એનાં દુઃખે દુઃખી થતો, એની હારે હસતો, મજાક-મસ્તી કરતો પોતે આ ત્રણેય ભેરૂઓની ભાઈબંધીનું થાનક બન્યો છે એ વાત પર ગર્વ કરતો, પોતાની જાતને વાહ વાહ કરતો આખાય જગતનાં ઝાડવાઓને ઈર્ષ્યા કરાવે છે. જેમ જગતનાં ઝાડવાં એ વડલાની ઈર્ષ્યા કરે છે એમ કેટલાક લોકો પણ આ ભાઈબંધોની ઈર્ષ્યા કરે છે. આખાયે પંથકમાં ત્રણેયની મિત્રતાનાં દાખલા દેવાઈ, ત્રણેયની કલાઓનાં અને પરાક્રમોનાં વખાણ થાય, ત્રણેયની વાહવાહી થાય એ ઘણાયને ખટકતું.
બાજુનાં ગામમાં જ માણેકસિંહ અને વિજયરાજ નામનાં બે મિત્રો રહે. બેય ભેરૂઓએ એકલાં એક વખત અઢીસો ઘોડેસવારો ગામનું ધણ વાળવા આવ્યાં હતાં ત્યારે બેયે ધણને છોડાવ્યું હતું અને એટલું જ નહિ પણ અઢીસોએ અઢીસો શત્રુઓનાં કટકા કરીને પરાક્રમ કર્યાં હતાં પણ આજ. આજ એની વાહવાહી થવાનાં બદલે ગામમાં ઓલા ત્રણ જણાનાં વખાણ થાય ? ઈર્ષ્યાની આગ એવી લાગી કે હવે ઓલા અઢીસો ચોરોની જેમ આ ત્રણેય ભેરૂઓનાં કટકા કરીને પછે જ કસુંબા પીવાં.
વૈશાખનાં આકરાં તાપથી ત્રાહિમામ પોકારી ઉઠેલા માનવીઓને શિતળતા આપવાં ચંદ્ર આભમાં ગોઠવાઈ ગયો છે. ગામ સુવાની તૈયારીમાં છે એવે ટાણે ગામનું પાદર કુંવરસિંહ, કુમાર અને કમાની વાતોથી ગુંજી રહ્યું છે. વડલો પણ જાણે એકે-એક પાંદડું હલાવીને ત્રણેયને વીંજણો નાખી રહ્યો છે. પણ વડલાને શું ખબર એને આ સુખ ફરી ક્યારેય મળવાનું નથી. થોડી ઘડીઓમાં જ એણે આ દોસ્તોથી વિખૂટાં પડવાનું ટાણું આવવાનું છે.
એવામાં કુંવરસિંહે દુહો લલકાર્યો -
અમરતથી એ મીઠડાં, ભેરૂ તમરાં હેત,
સ્વર્ગનાં સુખડાં મારે, થાશે કડવાં ઝેર…
(હેં ભેરૂઓ ! તમારાં હેત અમૃતથી પણ મીઠાં છે, આથી સ્વર્ગનાં સુખ તો મારે માટે કડવાં ઝેર જેવાં બની જાશે…)
"હં ! હં ! હં ! ભાઈ કુંવર, કો' દી' નહિં ને આજ કાં આવો દુહો કીધો બાપ…?"
"હા બાપ, આપડે આ જ ઠેકાણે હારે જીવવા-મરવાનાં વચને બંધાણા છીએ અને આજ તે એકલાં જવાની વાત કાં કરી બાપ…?"
"ભાઈ કુમાર ! ભાઈ કમા ! મુંને કેમ એમ લાગે કે આજ મારો કાળ આવ્યો…"
"અરે હોતાં હશે. અમે બેઠાં હોય ત્યાં લગી કાળની તેવડ કે તુંને અડી પણ શકે…"
ભર જુવાનીમાં ઝુલતાં અને મૂછોનાં હજી તો દોરા ફૂટ્યાં છે એવાં આ ત
્રણ ભેરૂની આવી વાતો સાંભળી જાણે પવન પણ થંભી ગયો, વડલો પણ જાણે પથ્થર બની ગયો, આભમાં ઝગારા મારતાં આભલાં પણ જાણે સ્થિર થઈ ગયાં. કુંવરે આજ આવી વાત કાં ઉંચ્ચારી એની ગતાગમ કુમાર અને કમાને હજી પડતી નથી ત્યાં તો બે જણાં કુમાર અને કમાની પીઠ પાછળથી ઓચિંતા આવી માથે તલવારનાં ઘા કરવા જાય ત્યાં તો એક સાથે જાણે સડેડાટટટ…. કરતી સો-સો ભુજાઓ ઉચ્ચી થઈ હોય એમ કુંવરની ભુજાઓ ઉચ્ચી થઈ અને તલવારોને ઝાલી અને એક ઝટકે બેયને હેઠા પાડી દીધાં…
અને સીધો જ શત્રુની માથે કુદકો માર્યો ત્યાં તો પેલા એ આડી રાખેલ બરછી સીધી જ કુંવરનાં પેટમાં ઘુસી ગઈ, પણ તોય કુંવરની તલવાર શત્રુનાં ગળાં સોંસરવી નીકળી જમીન સાથે જડાઈ ગઈ. બીજી બાજુ કુમારની તલવારે બીજા શત્રુનું માથું નોખું કરી નાખ્યું. ત્રણેય ભેરૂનાં કટકા કરવાં આવેલાં માણેકસિંહ અને વિજયરાજ નાં જ કટકા થઈ ગયાં. ત્યાં તો કુમાર અને કમો કુંવરનું માથું ખોળામાં લઈને કે'વા માંડ્યાં,
"બાપ કુંવર ! આ શું કર્યું બાપ ! અમારાં મોતને તે આડે લઈ લીધું બાપ ?!"
"હા બાપ, આપણે હારે જીવવા-મરવાનાં વચને બંધાણા હતાં ને…"
"અરે ભેરૂ ! તમારાં આંખમાં આજ આંસુડાં ? અરે મારા લીધે તમારી આંખમાં આંસું આવે તો તો મારૂં મોત બગડે બાપ ! શીદને મારાં મોતને બગાડવા ઉભા થયા છો ? અને વાત મોતની, તો ભેરૂ સાટું મરવાનાં અવસર આવે ઈ મૂકાતાં હશે. હાલો બાપા… રામરામ… હવે તો સ્વર્ગાપુરમાં મળ્યાં..."
બેય ભેરૂનાં હાથ હાથમાં લઈને આટલું બોલી કુંવરે દેહ છોડી દીધો. ત્યાં તો કુમાર બોલ્યો,
"કમા ! હું કે'તો નહોતો આ આપણને આંબવા નહિં દે. જોયું આજ આપણી પે'લા સ્વર્ગમાં પહોંચી જાહે ને આપણે મોઢામાં આંગળા નાંખતા ઉભા રેશું…"
"હા બાપ… અને હમણાં નહોતો કે'તો આપણી વગર.
આપણી લીધે એને સ્વર્ગનાં સુખ પણ કડવાં થઈ જાહે ? ના બાપ ના આપડી લીધે આપણાં ભેરૂને આવું તો નહિ જ થવા દઈએ…"
"તો હાલ બાપ… એને આંબી જાઈએ. જીવન-મરણનાં કોલને પાળીએ નક્કર કાલ ઉઠીને આ જ પંથક કેહે કે, મોતને જોઈ આપણે બેય પાછા ખસી ગયાં."
એમ કહીને કુમાર અને કમાએ તલવારો કાઢી, પોતાની હાથે જ પોતાના માથા ધડથી અલગ કરી દીધા અને પોતાનાં ભેરૂની પાછળ હાલી નીકળ્યા. વડલાએ જાણે ત્રણેયનાં લોહીનાં છાંટાથી સ્નાન કર્યાં હશે ત્યાં તો જગતનાં બધાય ઝાડવાં ઈર્ષ્યાની આગમાં સળગી ગયાં હશે. ત્રણેયનાં લોહી પણ આજે એક થઈને વહેવા લાગ્યાં.
જય હો બાપ…! જય હો…! રંગ છે તમને અને તમારી ભાઈબંધીને. ભાઈબંધી તો તમારી જેવી જ હજો બાપ, એકે ભેરૂનાં મોતને આડે લઈ લીધું તો બીજા બેયે ભેરૂને સ્વર્ગમાંય તકલીફો ન થાય એટલે એની પાછળ દોટ મૂકી. ધન્ય હો બાપ ! તમારી ભાઈબંધી તો જુગોજુગ સુધી વખણાશે, તમારી ભાઈબંધીનાં દાખલા દેવાશે બાપ ! ધન્ય હો ધન્ય હો બાપ !
જે થાનકે ભાઈબંધી બંધાઈ, એ જ થાનકે ભાઈબંધી નિભાવી જાણી. વાહ કુંવર સિંહ…! વાહ કુમાર…! વાહ કમા…! ધન્ય હો બાપ… ધન્ય હો…
ત્યારે વડલાએ પણ રોતાં રોતાં દુહો લલકાર્યો હશે કે,
મિત્રો એવાં કરીએ, બોલ નિભાવી જાય,
જીવન-મરણ સાથ રહે, ને ભવ તારી જાય.