બે મિત્રો
બે મિત્રો
અમરપુર નામનું એક મોટું ગામ હતું. ગામ ખુબ જ સુંદર હતું. પણ એ ગામમાં ગરીબીનું પ્રમાણ વધુ હતું. તે ગામમાં હર્ષદ નામનો એક છોકરો પણ રહેતો હતો. તેના માતા-પિતા તેને નાનો મુકીને જ મૃત્યુ પામ્યા હતા. તે અનાથ હતો. તે પોતાના કાકા-કાકી સાથે રહેતો હતો.
તેના ઘરની સ્થિતિ ખુબ જ ખરાબ હતી. હર્ષદને ભણવાની ખુબ જ ઈચ્છા હતી. પણ ઘરની ખરાબ સ્થિતિને કારણે તે ભણી શકતો ન હતો. તેનેઘરના કામકાજમાં મદદ કરવી પડતી હતી. તેના કાકી તેને નાની નાની વાતમાં ખુબ ટોકતા. એણે વઢતા પણ ખરા અને કોઈવાર મારતા પણ ખરા. એક વખત તેની કાકીએ તેણે માર્યો. એટેલે તે રડતો રડતો ઘરથી નીકળી ગયો. તે રડતો રડતો સીમ તરફ ગયો.
તે રડતો રડતો જતો હતો. ત્યાં રસ્તામા તેને બીજો એક છોકરો મળ્યો. તે હર્ષદ જેવડો જ હતો. તેણે હર્ષદને રડતો જોઈ તેની પાસે ગયો. તેના ખભે હાથ મૂકી તેને પૂછ્યું, ‘તું કોણ છે ? અને કેમ રડે છે.’ હર્ષદે તેને બધી વાત કરી. પેલો બીજો છોકરો હર્ષદને પોતાની સાથે પોતાના ખેતર લઇ ગયો. ત્યાં એક લીમડા નીચે જઈને બેઠા. ત્યાં પેલા બીજા છોકરાએ હર્ષદને પોતાનો પરિચય આપ્યો. મારું નામ રાજેશ છે. હું આ ગામના મુખીનો દીકરો છું. તું ચિંતા ના કર. આજથી હું તારો મિત્ર.
બંને જણા વાતો કરતાં રહ્યા. રાજેશે હર્ષદને પૂછ્યું, ’તને હવે ભુખ લાગી હશે !' હર્ષદે કહ્યું 'હા ભુખ તો લાગી છે. પણ મારી પાસે પૈસા નથી.’ રાજેશે કહ્યું, ‘તું પૈસાની ચિંતા ના કર. તારે શું ખાવું છે બોલ ? તને જે ભાવતું હશે તે હું નાસ્તાની દુકાનથી લઇ આવીશ.’ હર્ષદે કહ્યું, ‘મને તો જલેબી ખુબ જ ભાવે છે.’ પછી રાજેશ હર્ષદને પોતાના ખેતરે બેસાડી ગામમાં નાસ્તાની દુકાને જલેબી લેવા ગયો. બંને જણાએ પેટભરીને જલેબી ખાધી.
પછી રાજેશ હર્ષદને પોતાના પિતાજી પાસે લઇ ગયો. તેણે પોતાના પિતાજીને હર્ષદની બધી વાત કરી. હર્ષદ ભણવા માંગે છે તમ પણ કહ્યું. રાજેશના પિતા ગામના મુખી હતા. તેમણે હર્ષદને કહ્યું, ‘હું ગામની શાળાના માસ્તર સાહેબને વાત કરી દઉં છું. એ તારો દાખલો શાળામાં કરી દેશે. તારો ભણવાનો બધો ખર્ચો હું આપીશ. અને તારે પણ હવે અહીજ રાજેશની સાથે જ રહેવાનું છે.’ આ સાંભળી હર્ષદ ખુશ ખુશ થઈ ગયો. હવે રાજેશ અને હર્ષદ સાથે સાથે નીશાળ જવા લાગ્યા. હર્ષદ ભણવામાં હોંશિયાર હતો. તે રાજેશને પણ ભણવામાં મદદ કરતો હતો. તેનાથી મુખી પણ ખુશ હતા.
સમય જતાં હર્ષદ અને રાજેશ ભણી ગણીને મોટા સરકારી નોકરીયાત બન્યા. આ જોઈને મુખી ખુબ જ ખુશ થયા. હર્ષદ હંમેશા રાજેશને કહેતો કે ‘રાજેશ તે બાળપણમાં મને સહારો ન આપ્યો હોત તો હું આજે કંઈ ન બની શક્યો હોત. અને હું ગરીબ જ રહેત. ગામના લોકો પણ મિત્રતા માટે હર્ષદ અને રાજેશનો દાખલો આપતા. કે મિત્રો હોય તો રાજેશ અને હર્ષદ જેવા.
