બાવળ અને વનદેવી
બાવળ અને વનદેવી
એક જંગલમાં એક બાવળનું ઝાડ હતું. તેણે સીધી ડાળીઓ હતી. તેના દરેક પાંદડાના છેડે કાંટા હતા. એકવાર આ બાવળે બીજા વૃક્ષોના પાંદડા જોયા. બીજાના પાંદડા વિવિધ આકારના હતા. ગોળ, સાંકડા, પહોળા વિવિધ જાતના. આ જોઈ બાવળનું ઝાડ દુખી થયું.
‘મારા પાંદડા ખુબ નાના અને અનાકર્ષક છે. તે બીજા ઝાડ જેવા સુંદર નથી. અને હું મારા કાંટાને પણ ધિક્કારું છું.’
બાવળની આવી વેદના સાંભળી વનદેવી તેની સામે પ્રકટ થયા અને પૂછ્યું, ‘પ્રિય બાવળ કેમ તું ઉદાસ દેખાય છે?.’
બાવળ બોલ્યું, ‘હા, હું ઉદાસ છું!’
‘પણ શાં માટે?’ વનદેવીએ પૂછ્યું.
‘કારણકે મને મારા ઝીણા પાંદડા ગમતા નથી. મારે સોનેરી પાંદડા હોવા જોઈએ. અને કાંટા તો બિલકુલ ન હોવા જોઈએ.’ બાવળ બોલ્યું.
‘મને લાગે છે કે તારી પાસે પોતાનું રક્ષણ કરવા માટે પાંદડા અને કાંટાની જરૂર છે.’ વનદેવી બોલ્યા
‘’પણ હું સુંદર પણ તો દેખાવું જોઈને ને, મહેરબાની કરીને મારા કાંટા કાઢી નાંખો અને મને સોનેરી પાંદડાનું વરદાન આપો.’ બાવળે વનદેવીને ખુબ વિનંતી કરી.
વનદેવીએ પોતાની જાદુઈ લાકડી બાવળના થડને અડાડી અને બાવળ ઉપરના બધા જ કાંટા ગાયબ થઈ ગયા. તેના બધા જ પાન સોનેરી અને સુંદર બની ગયા. હવે બાવળનું ઝાડ સુંદર અને ખુશ દેખાતું હતું.
પણ તેની ખુશી લાંબો સમય ટકી નહિ. જંગલમાંથી પસાર થતા થોડા લોકોએ આ અદ્ભુત ઝાડ જોયું. વળી તેની પર કાંટા પણ ના હતા. એટલે તેમણે એ ઝાડના પાંદડા તોડવાની શરૂઆત કરી.
બાવળના ઝાડે ખુબ વિનંતી કરી, ‘મહેરબાની કરી આ સોનેરી પાંદડા ન તોડો. મને તે ખુબ જ ગમે છે.’ પણ પેલા લોકોએ જવાબ આપ્યો, ‘અમે આ સોનેરી પાંદડા વેચીશું અને ધન કમાઈશું.’ આમ કહી તે લોકો ઝાડ પરના બધા જ પાંદડા તોડીને ત્યાંથી ચાલ્યાં ગયા. હવે બાવળનું ઝાડ પાંદડા વિનાનું સાવ પાંખું અને કદરૂપું લાગતું હતું. પોતાનું આ રૂપ જોઈને રડવા લાગ્યું.
ત્રણ દિવસ પછી વનદેવી ફરીથી પ્રકટ થઈ અને બોલ્યા, ‘પ્રિય બાળક તું કેમ ફરી ઉદાસ દેખાય છે? તારા સોનેરી પાંદડા ક્યાં ગયા? મેં તને સોનેરી પાંદડાનું વરદાન આપ્યું હતું ને! તારા સોનેરી પાંદડા ક્યાં છે? ’
બાવળ બોલ્યો, ‘હા તમે મને સોનેરી પાંદડાનું વરદાન આપ્યું હતું. પણ મને લાગે છે કે મારે કાચના ચળકતા પાંદડા હોવા જોઈએ. અને હા, મારા કાંટા કાઢવાનું ભૂલશો નહિ.’
વનદેવી એ બાવળને સમજાવ્યું કે ‘કાચના પાંદડા તારા માટે સારા નહિ રહે. તે તારા માટે જોખમરૂપ બનશે.’
પણ બાવળનું ઝાડ જીદે ભરાયું, ‘ભલે જોખમરૂપ બનતું. પણ સુર્યપ્રકાશમાં મારા પાંદડા ચમકશે. હું પ્રકાશના રુક્ષ જેવું દેખાઇશ. મહેરબાની કરી મારા પાંદડા કાચના બનાવી દો.’
વનદેવી બોલ્યા, ‘સારું જેવી તારી મરજી.’ એમ કહી વનદેવી એ પોતાની જાદુઈ લાકડી ફેરવી અને બાવળના પાંદડા ચમકતા કાચના બની ગયા.
પણ અફસોસ આ વખતે પણ તેની ખુશી લાંબો સમય ટકી નહિ. જંગલમાં તોફાની પવન ફૂંકાવા લાગ્યો. પવન એટલો જોરથી ફૂંકાયો કે તેના કાચના બધા જ પાંદડા અથડાઈને ટુકડે ટુકડા થઈ ગયા. બાવળનું ઝાડ ફરી એકવાર પાંદડા વગરનું અને કદરૂપું બની ગયું. બાવળનું ઝાડ વળી પછી જોર જોરથી રડવા લાગ્યું.
તેને રડતું જોઈને વનદેવી ફરી પ્રકટ થયા અને પૂછ્યું, ‘બાવળ તું હવે કેમ રડે છે?'
ત્યારે બાવળે કહ્યું, ‘વનદેવી મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. મારા માટે માર ઝીણા પાંદડા અને કાંટા જ સારા હતા. તેનાથી હું સુરક્ષિત હતો. મહેરબાની કરીને મને ફરીથી પહેલાં જેવો હતો તેવો બનાવી દો.
વાનદેવીએ ફરી જાદુઈ લાકડી બાવળને અડાડી અને તેને પહેલાં જવો બનાવી દીધો. બાવળ પોતાનું મૂળ રૂપ જોઈને ખુશ ખુશ થઈ ગયો.
