માનસી પટેલ "માહી"

Inspirational

3  

માનસી પટેલ "માહી"

Inspirational

અંતરનાદ : પત્ર

અંતરનાદ : પત્ર

4 mins
510


વ્હાલી,

 કેમ શુ થયું ? ફરી નિરાશ થઈ ગઈ ? ફરી હારી ગઈ ? ના વિચાર ખોટું કે મને કેમ ખબર પડી ?

જાણે છે તું જેવી છે જેમ છે મેં તને જોઈ છે, અપનાવી છે, સ્વીકારી છે. તો કેમ મારાથીજ મોઢું ફેરવી નાખે છે ? આખી દુનિયાની ચિંતાઓ માથે લઈ ફરે છે. ક્યારેય ખરેખર અરીસા સામે ઊભા રહી અંદર જોયું છે ? યાદ કર ક્યારે મને દિલથી મળી તું ? સાવ નિરાંતે એક કલાક પણ આપી તે ? ક્યારે મુક્તમને હસી તું ? ખાતરી છે નહીં આવે યાદ. તારે બધે જ લડી લેવું છે. અશક્ય પણ બીજા માટે શક્ય કરવું છે. બધાના સ્વપ્નો, આશાઓ માથે લઈને ફરવું છે. પણ પોતાનો વિચાર આવે છે કદી ? પાંચ ફૂટ ત્રણ ઈંચમાં બેતાલીસ કિલોનું મશીન થઈ ઉભી છે તું એની દયા આવે છે ?

તારી પાસે ઘર, પરિવાર, મિત્રો, બધાજ છે પણ મારી પાસે તારા વિના કોણ છે ? તું સતત લડે છે, મથે છે, દોડે છે પણ મંજિલ વિચારી છે ? શા માટે ક્ષિતિજવીહીન થઈ ગઈ છે ? તારામાં ઘણું સારું ભર્યું છે તો ડરી કેમ ગઈ છે ? સ્વપ્નાઓ જુવે છે અને સાકાર થવાની અમુક પળોની દૂરીમાં એ વિખેરાઈ જાય છે. આવું વારંવાર બને છે ને ? જાકારો મળે, દગો મળે કે અકારણ ગેરસમજ અને નફરતનો ભોગ બની બેસે છે ત્યારે અવાજ કેમ નથી ઉઠાવી શક્તી ? ક્યાં જાય છે એ છોકરી જેનામાં ઝનુન છે , કાઈ કરી બતાવવાની તાલાવેલી છે, જેને ઉભું થવું છે, જેને તળાવની પાળે બેસી બસ એકાંત જીવવું છે, ભીખ માંગતા એ બાળક સાથે નાસ્તો કરી રમતો રમી બાળપણ જીવવું છે, મેટ્રોથી વધુ ગતિએ દોડવું છે, હાંફ ચડે તોય અટકવું નથી. એ છોકરી આજકાલ છટકી રહી છે ખુદની જાતથી ? કેમ ? 

આટઆટલી મથામણ પછી છેલ્લે મારા સીવાય કશું વધે છે તારી પાસે ? કોણ તને રડવામાં પણ મદદ કરી શકે છે ? કોણ તારા કરતા વધુ ખુશ તને ખુશ જોઈને થાય છે ? કોણ શારીરિક અને માનસિક યાતનાઓ વેઠે છે ? શરમથી માથું ન ઝુકાવી દેતી. 'હું' જ રહું છું તારી પડખે એવું કહીને મારે મહાન નથી બનવું. 

પણ હા એતો તારે પણ સ્વીકારવું રહ્યું કે તું હારે છે, બધેથી પછડાય છે, ચિંતાઓ ઘેરી વળે છે, પળ પળ તારો વિશ્વાસ તૂટે છે, અકારણ પરીક્ષાઓ લેવાય છે, આખી રાત ઓશિકા ભીના થતા જ વીતી જાય છે, આવતીકાલનું ધ્યેય નક્કી નથી કરી શકતી, કોઈ પૂછવા વાળું નથી હોતું ત્યારે જ ભીતર ડોકિયું કરે છે તું. ક્યારેક રાતના બે વાગ્યે અગાશી પર, ક્યારેક શાવરના પ્રવાહ નીચે, ક્યારેક તારા સામે રહેલ અરીસા સામે અને સૌથી વધુ એ કાગળ ને પેન સાથે. જ્યારે તું વલોવાય છે અને જે શબ્દો ટપકે છે એની ધાર મને વીંધે છે. તારી આંખના અશ્રુથી જે કાગળ પલળે છે એ મને ભીંજવી નાખે છે. તું લડવાનું છોડી દે છે ત્યારે ત્યારે હાર મારી થાય છે. ડોક્ટર જેને તારું માઈગ્રેન કહે છે એ મારી મનોસ્થિતિ છે. તારી અકળામણ વધે ત્યારે રગેરગ મારી તૂટે છે. 

શા માટે તું આટલી હારી ગઈ છે થાકી ગઈ છે? શબ્દો તો તારો શ્વાસ છે એનેય તરછોડી દે છે શા માટે મન પર તારો કાબુ નથી રહેતો ? કદાચ કોઈને ફેર નથી પડતો પરંતુ મને પડે છે ખબર છે કેમ ? કારણ કે તને મેં પારખી છે. આખી દુનિયા તારા જુઠા હાસ્ય પર તને ખુશ માની શકે પરંતુ હું નહિ કારણકે કરુણ ડૂસકું તો મારામાં જ દબાયેલું છે ને ? બધા તને અશક્ત, હારેલી કહી શકે પણ હું કોઈ પણ ભોગે નહિ. તને મહેનત કરતી, બધા પાછળ જીવ રેડતી, જોખમોથી લડતી, થાક્યા વિના ચોવીસ કલાક કામ કરતી, દરેકને સાચવતી, ખુદની ખુશીઓ ગજવામાં મૂકી મૌનના દોરાથી ટીભ ભરતી મેં જોઈ છે. તારા માટે બધું શક્ય છે બસ તે રચેલ નિરાશાનું કવચ તારે જ તોડવાનું છે. એક નીર્ધાર લઈ આગળ વધવાનું છે. વાવાઝોડું બની સફળતાનો શોર મચાવવાનો છે. જે હરખઘેલા પેટારા પર લાગેલા તાળા કટાઈ ગયા છે એ મારે ખોલવા જ છે. તને ખબર છે પાણીની નળીમાં ઘોડો પડી જાય એવું કહેવાય છે એટલે પાણી ત્યાંથી વહેતુ અટકી જાય. બસ તારી સાથે એવું જ થાય છે. સફળતા અને સકારાત્મકતા વચ્ચે જે ઘોડો પડી ગયો છે ત્યાં તારી હિંમત અટકી ગઈ છે. પાઇપ ગમે તેવી કોમળ હોય છતાં એ ઘોડો ટપોરવો જ પડે નહિતર એ છટકી જાય. મારે પણ તને શામ, દામ, દંડ, ભેદ અપનાવી ટપોરવી પડશે ગમે તે થાય આ જિંદગીમાંથી છટકવા નહિ જ દઉં. દુનિયા ગમે તેમ કહે અને તું પણ કદાચ હાર સ્વીકારી લે પરંતુ હું નહિ, કોઈ કાળે નહિ. 

બોલ કરીશને આટલું મારા માટે ? મનેય ફરી જીવંત કરીશને ?  આત્મવિશ્વાસ પૂર્ણ હકારાત્મક જવાબની મને આતુરતા રહેશે. જવાબમાં નિરાશ નહીજ કરે એ આશા સહ..

તારી અંદર વસેલ

આત્મનાદ.


Rate this content
Log in

More gujarati story from માનસી પટેલ "માહી"

Similar gujarati story from Inspirational