Vijaya Lakshmi

Inspirational Romance

4  

Vijaya Lakshmi

Inspirational Romance

અંતિમ વળાંક

અંતિમ વળાંક

10 mins
696


જીવન ચિત્ર-વિચિત્ર વળાંકોનું સરવૈયું છે; ક્યારેક તમને પીંછું બનાવી ઉચ્ચ શિખરો પર વિહાર કરાવે તો ક્યારેક વળી કોઈ મોટા ખડક માફક કોઈ પણ ચેતાવણી વગર સાવ તળીએ પટકી નાખે. કોલેજે કોરીડોરમાં ચાલતા ચાલતા અનેક યાદો નેહાના જીવનની કારમી વાસ્તવિકતાને ઘેરી રહી હતી. નેહા પોતાના યારી-દોસ્તી, પ્રેમ, સપનાઓના દિવસો યાદ કરવા લાગી. નેહા ખૂબ જ મહત્વાકાંક્ષી છોકરી હતી; એને દુનિયામાં પોતાનું એક અલગ નામ કરવું હતું. ખુબ જ ખ્યાતનામ સંસ્થામાંથી અભ્યાસ પૂર્ણ કરીને તે સફળતાની બધી જ ક્ષિતિજો ઓળંગવા તૈયાર જ હતી કે ‘સેન્સરી એલીસ્પી’ નામની એક જૂજ અને ભયાનક બીમારીએ તેને સકંજામાં લીધી જેમાં માણસને ખૂબ જ પીડા અને ઈન્દ્રિયોનું અસંતુલન અનુભવાય છે. વળી, કોઈને એ દુઃખ દેખાય પણ નહીં.

આજે દસ વર્ષ પછી પણ તે વ્યક્તિગત અને વ્યાવસાયિક જીવનમાં દરેક સ્તરે સંઘર્ષ કરી રહી હતી.

એના વિચારોની ટ્રેનને પ્રિયંકાના આગમનથી ધક્કો લાગ્યો.

એક સમય હતો જયારે પ્રિયંકા નેહા માટે ઓફીસના સમય પહેલા જ લગભગ ૮:૪૦ પોતાની કેબીનમાં રાહ જોયા કરતી. એ કહેતી,

“નેહા, આ કોન્સેપ્ટ માટે લીનક્સ પ્રોગ્રામિંગ કેમ કરવાનું? મને શીખવાડને.” જે કામ કરવામાં પ્રિયંકાને અઠવાડિયું લાગે તેને નેહા ૧૦ મિનિટમાં કરી નાખતી. પ્રિયંકા નેહાની બેસ્ટ ફ્રેન્ડ બની ગઈ અને બંને સખીઓ ‘હેરપીન’થી ‘બોયફ્રેન્ડ’ સુધીનું બધું જ એક બીજાને કહેતી.

થોડાક દિવસ થયા હશે કે નેહાએ પ્રિયંકાને વાત કરી,

“મે નક્કી કરી લીધું છે. ગૌરવે મને પ્રપોઝ કર્યું અને મે એને ‘હા’ પાડી દીધી.”

“મને લાગે છે કે એને હા પાડીને તે જીવનની સૌથી મોટી ભૂલ કરી છે. મે જોયેલા ચરિત્રહીન માણસોમાંથી એ સૌથી ખરાબ છે. એ દરેક છોકરી સાથે ફલર્ટ કરે છે; અરે એને માટે તો વસ્તુ હલવી જોઈએ એટલે એ ચાલુ થઇ જાય! એ બધી જ છોકરીઓને ઈમ્પ્રેસ કરવાની કોશિશ કરે છે અને માત્ર સફળ વ્યક્તિ સાથે જ સબંધ રાખે છે. એને માટે તો તારી સાથે મેરેજ કરવા એટલે કુબેરનો ખજાનો હાથ લાગવા બરાબર છે.” પ્રિયંકાએ કહ્યું.

“પણ, હું એને પ્રેમ કરું છું. હું જયારે એની સાથે હોઉં છું ત્યારે મને આત્મ-તૃપ્તિનો અનુભવ થાય છે.” નેહાએ કહ્યું.

“જેવી તારી ઈચ્છા. આખરે તો તારું જીવન છે. તું જીવનમાં સરસ સેટલ થાય તો મને ખૂબ ગમશે.”

અત્યારે નેહા પ્રિયંકાને ઉમળકાભેર રીસીવ કરવા આગળ વધી રહી છે; પણ આ શું? નેહાને આવતી જોઇને પ્રિયંકાએ મો ફેરવી લીધું.

“હેલ્લો પ્રિયંકા, કેમ છે દોસ્ત?” નેહાએ પૂછ્યું.

પ્રિયંકાએ જવાબ ન આપ્યો. નેહાને તરત જ પ્રિયંકાના વર્તનમાં ફેરફાર લાગ્યો. એ માનવું ખૂબ જ મુશ્કેલ હતું કે એક સમયે જે ખૂબ જ અંગત દોસ્ત હતી એ આજે આવું વર્તન કરી રહી છે. પૈસા નામની બલાએ બંને વચ્ચે ચીરો પાડી દીધો હતો. નેહાએ નોધ્યું કે પ્રિયંકા BMW કારમાંથી ઉતરી છે અને તેના કપડાં પણ ખૂબ જ મોંઘા દેખાય છે. અત્યારે એ લાખોમાં કમાય છે પણ ગૌરવને પ્રિયંકા સાથે જોઇને નેહાને આંચકો લાગ્યો. તેની આંખોમાં અશ્રુ-પહાડો બંધાવા લાગ્યા કેમ કે ગૌરવ તેનો એક્સ-બોયફ્રેન્ડ હતો. ગમે તેમ કરીને નેહા આ સ્થળેથી નાસી જવા માંગતી હતી. ભૂતકાળની યાદોનો જાણે કે મોટો બ્લાસ્ટ થયો અને પીડાના વાદળો નેહાને ઘેરી વળ્યા.

૧૨ જાન્યુઆરી ૨૦૦૬ના રોજ નેહા અને ગૌરવ પહેલી વખત મળેલા. લગભગ એક વર્ષ સુધી એ લોકોનો સંબંધ પાંગર્યો જ્યારે નેહા પોતાની કારકિર્દીના ઉચ્ચતમ શિખરો સર કરી રહી હતી. એ સમયે નેહા પ્રોજેક્ટ હેડ હતી અને ગૌરવ તેનો જુનીયર. એ સુંદર મજાના દિવસો રેસ્ટોરાં, થીએટર, પીકનીક અને ઓફીસ કામથી છલકાતા હતા. તેમનો સગાઇનો દિવસ નક્કી હતો. નેહા સુવર્ણ રંગની સાડીમાં ખૂબ સુંદર લાગી રહી હતી. ગૌરવે નેહાને કહ્યું, “તું કાયમ માટે મારી જ થઇ જઈશ એ માન્યામાં નથી આવતું!”

“આઈ લવ યુ, ડાર્લિંગ! મે તને જોયો એજ ક્ષણે મારું દિલ દઈ બેઠેલી. મને સમજાતું નથી એ કયું રસાયણ છે જે આપણને બાંધી રહ્યું છે.” નેહાએ ખૂબ જ ભાવસભર એને ચૂમી લીધો. “બસ હવે તું મારો જ છે. તારી ખૂશી માટે હું ગમે તે કૂરબાની આપવા તૈયાર છું.”

ગૌરવે કહ્યું, “તું કુરબાની આપવાની વાત ન કરીશ. તું તો ખૂબ જ પ્રતિભાશાળી છે અને બધાં માને છે કે બહુ જલ્દી તું કોઈ કંપનીમાં CEO બની જઈશ.”

“સોફ્ટવેર કંપની શરુ કરવી એ મારું સપનું હતું પણ હવે મારા માટે તું વધારે મહત્વનો છે. મારાં જીવનની પ્રાયોરીટી હવે બદલાઈ ગઈ છે. મારે હવે તારી સાથે વધુ સમય પસાર કરવો છે.” નેહાએ જવાબ આપતાં કહ્યું.

“આપણે સાથે મળીને એક કંપની શરુ કરીશું જેની તું એકલી માલિક હઈશ. મે તો એનું નામ પણ વિચારી રાખ્યું છે; “નેહા”.

સગાઇ પુરી થઇ. જ્યારે નેહા ફંક્શનમાંથી જઈ રહી હતી ત્યારે અચાનક તેની દાઢી જમણી બાજુ નમી ગઈ અને તેની આંગળીઓ મરડાઈ ગઈ. એક આંચકી સાથે એ બેભાન થઈને ઢાળી પડી અને બીજે દિવસે હોસ્પિટલમાં ભાનમાં આવી. લગભગ બધા જ સગા સંબંધીઓ એને ઘેરીને ઊભા હતાં. પણ ગૌરવ ક્યાંય દેખાતો ન હતો. જયારે એ આવ્યો ત્યારે નેહાએ કહ્યું, “મારો હાથ પકડને, મારે તારો હુંફાળો સહવાસ જોઈએ છે.” પણ “તું આરામ કર, હું હમણાં આવું” એમ કહીને તે નીકળી ગયો. થોડા દિવસો બાદ નેહાને હોસ્પિટલમાંથી રાજા આપી દીધી. એ ખૂબ જ અશક્ત બની ગઈ અને એ હવે બધું ભૂલી જવા લાગી. એક વખત ગૌરવ એને મળવા આવેલો પણ માત્ર અડધો કલાક. નેહાએ હવે પોતાની કારકિર્દીમાંથી બ્રેક લીધો. હવે ગૌરવની રૂબરૂ મુલાકાત ઘટીને ફોન સુધી આવી ગઈ. નેહાએ નક્કી કર્યું કે એ ઓફિસે જઈને ગૌરવને સરપ્રાઈઝ આપશે.

નેહાના મિત્રો અને સહ-કાર્યકરો એને જોઇને ખૂબ જ ખૂશ થયા.

“ગૌરવ ક્યાં છે?” નેહાએ પૂછ્યું.

“મને લાગ્યું કે તું ગૌરવને આવજો કહેવા માટે આવી છો. એ એક વર્ષ માટે USA જઈ રહ્યો છે.” સાક્ષીએ જવાબ આપ્યો.

“અમે તને ખૂબ જ મિસ કરીએ છીએ. તું ક્યારે પાછી આવે છે?” કુનાલે પૂછ્યું.

નેહા ગૌરવની ઓફિસમાં ગઈ જે એક સમયે પોતાની હતી. એ ચિંતામાં બેઠો હતો. નેહાએ કહ્યું, “તારા પ્રમોશન માટે કોન્ગ્રેટ્સ!”

“મને માફ કર નેહા પણ મારે ચેન્જ જોઈએ છે. એટલે...”

બસ આ છેલ્લી વખત તેણે ગૌરવને જોયો હતો. ઘેર આવીને નેહા પડી ભાંગી અને આ વખતે તેને સાજા થતાં ત્રણ મહિના લાગ્યા. તેના મનમાં ચિત્ર-વિચિત્ર આકારો દેખાવા લાગ્યા. તેને ગૌરવના અવાજો સંભળાવા લાગ્યા, “આઈ લવ યુ, મને છોડીને ન જા!” પણ આ બધું જ એના મનનો વહેમ હતો. બીમારીને તેને ગૌરવે આપેલા ગુલાબની સુગંધ આવતી અને દાળ-પનીરનો સ્વાદ પણ આવતો. પણ આ બધું જ ક્ષણિક હતું. હવે એ કલ્પના અને વાસ્તવિકતા વચ્ચે આવીને ઊભી રહી ગયેલી. તેને જીવનને જેવું છે એવું સમજવામાં ત્રણ મહિના લાગ્યા. તેને લાગ્યું કે હવે બધું જ ખતમ થઇ ગયું છે એટલે બાળપણના સપનાઓથી ભરપુર યાદોના પૂર આવવા લાગ્યા.

“નેહા, મારી પરી, મને તારા પર ખૂબ જ ગર્વ છે!” તેના પપ્પાએ કહ્યું. “આ તારી ત્રીજું ડબ્બલ પ્રમોશન છે. માત્ર ૧૧ વર્ષની ઉમરે તું ૧૨માં ધોરણમાં છો. બહુ જલ્દી તું સ્નાતક થઇ જઈશ. આપણા આખા પરિવારમાં તું આ સ્પીડે સ્નાતક થનાર પહેલી વ્યક્તિ હઈશ.”

“થેંક યુ પપ્પા! પણ તમારા સપોર્ટ વગર આ શક્ય જ નહોતું. તમે મારી સૌથી મોટી પ્રેરણા છો. તમે મારા માટે તમારી નોકરી છોડી દીધી. તમને જે દિવસે ખબર પડી કે હું સ્પેશ્યલ છું તે દિવસથી તમે મને એક અલગ વ્યક્તિ તરીકે ઉછેરી છે. હું ખૂબ જ લકી છું. થેંક યુ પપ્પા.”

નેહાના પપ્પાનો ગર્વ અને આનંદ એના ચેહરા પર ચમકતો હતો. તે પોતાની દીકરીને એક સફળ વ્યક્તિ તરીકે જોઈ શકતા હતાં એટલે એમને બાહ્ય અને આંતરિક એમ બધી જ પ્રકારની શાંતિ હતી.

સબંધો તુટવા માટે બંધાતા હોય છે. નેહાને જે અનુભવ થયો એ એના આત્માને સમૃદ્ધ કરનારો હતો. જીવનમાં એક જ વખત થાય એ પ્રેમ બંને પક્ષે સરખો હોવો જોઈએ. પણ ગૌરવ તેની અપેક્ષા પ્રમાણેનો વ્યક્તિ ન હતો. ગૌરવના પ્રેમનો મિજાજ પુષ્પ-લાલમાંથી રક્ત-રાતો બની ગયો હતો જેના લીધે માણસને નફરત અને સ્પર્ધા તેની લાગણીઓ પર હાવી થઇ જાય. નેહાનું દુર્ભાગ્ય લાગણી અને પ્રેમનો છેદ કરીને નિષ્પલક તેની સામે આવી રહ્યું હતું. ગૌરવના એક સંબંધી નેહાના મમ્મી-પપ્પાને મળવા આવ્યા અને કહ્યું કે ગૌરવના પરિવારને હવે આ સગાઇ તોડવી છે.

ભવિષ્ય માટે ભૂતકાળનું ભૂલાવું જરૂરી છે.

ખૂબ જ હિમત સાથે નેહાએ કહ્યું, “આજે મારી પાસે કાર નથી, હું પરણિત નથી કે નથી મારા કપડા સારા.”

નેહાની ગરીબી અને તેના સીંગલ હોવાના સમાચાર પવન વેગે ફેલાવા લાગ્યા. કોઈ તેની સાથે વાત કરવા રાજી નહોતું. પણ ધીમે ધીમે નેહા ટેવાઈ ગઈ અને તેને આ બાબતનું દુઃખ લાગતું બંધ થઇ ગયું. સમય સાથે બધું જ બદલાય છે, લોકો પણ.

ગૌરવ તેને મળ્યો અને કહેવા લાગ્યો, “નેહા, હું જેને દસ વર્ષ પહેલા ઓળખાતો હતો એ નેહા તું નથી. મે ખૂબ જ પ્રગતિ કરી છે. આજે મારી પાસે મારી પોતાની સોફ્ટવેર કંપની છે. તે અમારી બ્રાંડ “પ્રિયંકા સોફ્ટવેર” નું નામ સાંભળ્યું જ હશે.”

“એના માટે અભિનંદન!”

બોસ જેવા અંદાજમાં ગૌરવે તેને કહ્યું, “શું હું તને મદદ કરી શકું? અમારે અમારી કંપનીમાં એક જુનીઅર સોફ્ટવેર એન્જીનીયરની જરૂર છે. આમ તો હું એમને ૪૦,૦૦૦ આપું છું પણ તારી પરિસ્થિતિ જોઇને હું તને થોડી વધારે સેલરી આપીશ. બોલ, શું કહેવું છે? તું મારા માટે કામ કરીશ?”

“ના.” નેહાએ તરત જવાબ આપ્યો.

“મે કંઇક ખોટું સાંભળ્યું હોય એવું લાગે છે. શું તે ‘ના’ કહ્યું?”

“તે બરાબર સાંભળ્યું. મે “ના” જ પાડી છે.”

“તે કેમ ના પાડી? તને એમ લાગે છે કે તું હજુ પેલા જેવી સ્ફૂર્તિવાળી યુવતી છે અને કંઇક ચમત્કાર થશે?”

“મારે તારા કોઈ પ્રશ્નનો જવાબ આપવો નથી.”

“શું તને મારામાં હજુ રસ છે? જો તારે જોબ ન કરવી હોય તો તું મને ગેસ્ટહાઉસમાં કંપની આપી શકે છે!”

નેહાને પોતાનું સ્વમાન ઘવાતું હોય એમ લાગ્યું અને પ્રિયંકાએ એક વખતે ગૌરવને “ચરિત્રહીન” કહેલો એ શબ્દો યાદ આવ્યા. હવે તો ગૌરવ માટે જે કાંઈ થોડું ઘણું માન હતું એ પણ પરપોટા માફક ફૂટીને જતું રહ્યું.

તેઓ આગળ વાત ન કરી શક્યા અને એવોર્ડ ફંક્શન શરુ થયું.

યુનિવર્સીટીના વાઈસ-ચાન્સેલર કાર્યક્રમના પ્રમુખ હતા. પણ જયારે એવોર્ડ માટે નામ બોલાયું ત્યારે બધાં જ ડઘાઈ ગયા, એ નામ હતું નેહા શ્રીવાસ્તવ! જેવી એ એવોર્ડ લેવા માટે આગળ વધી, કોઈએ તાળી ન પાડી. બધાં હતાશ થયા અને કેટલાક તો વળી ઊભા થઈને જવા લાગ્યા. નેહાએ સ્ટેજ પર જઈને બોલવાનું શરુ કર્યું: “મને લાગે છે કે હું આ એવોર્ડની હકદાર નથી. જયારે હું આ ખ્યાતનામ યુનિવર્સીટીમાંથી સ્નાતક થઇ ત્યારે, આમાંથી કેટલાકને યાદ હશે કે જે પાંચ લોકો દુનિયાભરની મોટી-મોટી કંપનીઓમાં સિલેક્ટ થયેલા તેમાં હું પણ હતી. પહેલા ત્રણ વર્ષ સુધી બધું જ બરાબર ચાલતું હતું પણ પછી અચાનક હું એક બીમારીનો શિકાર બની. હું વસ્તુઓ ભૂલી જવા લાગી અને મારું મગજ ધીમે ધીમે ખવાવા લાગ્યું. હું એટલી બીમાર થઇ ગઈ કે મે મારી નોકરીમાંથી રાજીનામું આપી દીધું.

મને સમજાયું કે જ્યાં સુધી તમે આશા ન છોડો ત્યાં સુધી જિંદગી નિરાશ થતી નથી. હું કોઈ પણ કામ વગર એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકવા લાગી. ધીમે ધીમે મે મારી આસપાસના લોકોને ઓળખવાના શરુ કર્યા. એ એવા લોકો હતા કે જેઓ શારીરિક અને માનસિક રીતે દિવ્યાંગ હતા પણ તેઓ જિંદગીને તહેવાર બનાવી બેઠાં હતા. મારે મારું સપનું કોઈ પણ ભોગે જીવવું હતું. ત્યારે હું શિવાનીને મળી. તેનાં બંને પગ કપાયેલા હતાં અને એ વ્હીલ-ચેર પર આવી ગઈ હતી. મને જ્યાં સુધી ખબર નહોતી કે એ ખૂબ જ સારી ચિત્રકાર છે ત્યાં સુધી મને એના પર ખૂબ દયા આવતી. એણે મને કહ્યું, “હું અત્યારે ખૂબ ખૂશ છું. હું પહેલાં એક ડાન્સર હતી અને ડાંસ નહીં કરી શકવાની વાસ્તવિકતાએ મને શારીરિક અને માનસિક ખૂબ દુઃખ આપ્યું. એટલે મે પેઇન્ટિંગ કરવાનું શરુ કર્યું અને બાકી બધી જ વસ્તુઓ ગૌણ બની ગઈ.” બસ એ જ એ ક્ષણ હતી જયારે મને સમજાઈ ગયું કે ‘હું’ અને ‘મારી જાત’નું મહત્વ કેટલું છે! મે મારી એક વર્ષની કમાણી દાનમાં આપી દીધી – મારી જિંદગીભરની કમાણી એવા લોકો માટે વાપરાવી જોઈએ કે જેઓ શારીરિક કે માનસિક રીતે દિવ્યાંગ છે એવા સપના સેવવા લાગી. મે લીઝ પર એક મકાન રાખ્યું, આવા લોકોની સારવાર લેવા માટે ડોક્ટર અને અન્ય સ્ટાફની ભરતી કરી. આ નાનકડું સપનું “સ્વેક્ષા” નામની NGO બની ગયું. ધીમે ધીમે એમાં લોકોની સંખ્યા વધવા લાગી; એમના ઘણા બધા સાજા પણ થયા. પણ દુઃખની વાત તો એ છે કે એમને ન તો પરિવાર કે ન સમાજ મદદ કરે છે. તેઓ પાછા આવીને કહે છે “સ્વેક્ષા” સ્વર્ગ છે. મારા કેસમાં તો મારા ફીયોન્સે અને અંગત મિત્રોએ મને તેમના જીવનમાંથી બહાર ફેંકી દીધી. પણ મે મારી લડાઈ ચાલું રાખી અને હું સાજી થઇ. હવે હું એવું ઈચ્છું છું કે હું ખૂબ લાબું જીવું અને આવા લોકોની સેવા કરું. દુનિયામાં આવા હજારો લોકો છે જેને તમારી મદદની જરૂર છે. જો તમે તેઓને મદદ ન કરી શકો તો કંઈ નહીં પણ એમને ક્યારેય ઉતારી પાડશો નહીં. સમાજના આ ૧૭% દિવ્યાંગ લોકોને સ્વિકારવાની કોશિશ કરજો કેમ કે તેમની શક્તિઓનો કદાચ ખ્યાલ ન હોય.

તમે સૌએ મને મારા વિચારો વ્યક્ત કરવાની તક આપી એ માટે આપ સૌનો આભાર!”

દુર્ભાગ્ય કોઈની પણ સાથે ગમે ત્યારે અથડાઈ શકે. જીવનનું મુલ્ય સમજાયું ત્યાં સુધી નેહાનું જીવન અધૂરું હતું. જીવન ક્યારેક બીજી તક આપે છે. એ આપણા ઉપર છે કે આપણે એ સમસ્યાઓ અને મુશ્કેલીઓને કેવી રીતે લઈએ છીએ કેમ કે સમસ્યા વગર જીવન શકય નથી. જે માણસ ‘સ્થળ’ અને ‘સમય’ ઓળંગવાની હિંમત કરે છે અને મુશ્કેલીઓને તકમાં ગોઠવી જાણે છે એ જ ઇતિહાસમાં પોતાની હસ્તિ ઉજળી કરી જાય છે. બધાએ ઊભા થઈને તાળીઓ દ્વારા નેહાનું અભિવાદન કર્યું અને તેને સન્માનની નજરે જોવા લાગ્યા, સૌને નેહા પર ખૂબ ગર્વ હતો.

***


Rate this content
Log in

Similar gujarati story from Inspirational