STORYMIRROR

Gijubhai Badheka

Children Classics

2  

Gijubhai Badheka

Children Classics

આ તે શી માથાફોડ ! ૮

આ તે શી માથાફોડ ! ૮

2 mins
15K


પણ...?

મારા પડોશીની ઓશરી પરથી છોકરાના રડવાનો અવાજ આવ્યો. જઈને જોઉં તો ભાઈ છોકરાને મારીને નિશાળે લઈ જવાના પ્રયત્નમાં છે.

મેં પૂછ્યું "એલા આટલો બધો તે શીદને મારે છે ? ક્યાંક મરી જશે.”

જવાબ મળ્યોઃ "ભાઈ, મારું નહિ તો શું કરું ? રોજ ને રોજ આ હોળી ! નિશાળનો વખત થયો કે આ વટક્યો !”

“પણ કારણ શું છે ? નિશાળે જવામાં આડે શું આવે છે ?”

“આડે શું આવે ? માસ્તર તો બિચારો એટલો સારો છે ! પણ ઈ છોકરો જ લાડકો થઈ ગયો છે. એની માએ બગાડી મૂક્યો છે. ભાઈને ખવરાવે પીવરાવે, ઓઢાડે પહેરાવે ને ભાઈને નચાવે; ભાઈ જેમ કહે તેમ કરે. પછી ભાઈ શાના ગાંઠે ? મા પાસેથી આઘે જવું ગમે ત્યારે ના ?”

મેં જાણ્યું કે છોકરા દેખતાં વધારે વાત ન થાય તો ઠીક, એટલે કાંઈ બોલ્યો નહિ.

ભાઈએ છોકરાને બે તમાચા ધરી દીધા ને તેને ઘસડીને નિશાળે લઈ ચાલ્યા. હું પણ ચાલ્યો.

નિશાળે જઈ છોકરાને શિક્ષકના તાબામાં આપી દીધો. શિક્ષકે પણ યોગ્ય ગંભીરતાથી સમયોચિત અવાજ અને આંખની સખ્તાઈથી છોકરાને તાબામાં લીધો.

ભાઈને 'હાશ થયું હોય એમ દેખાયું પ્રસન્ન મોઢે બહાર આવ્યા. ઘેર આવતાં મેં કહ્યું "પણ મારવાથી શું વળે ?”

“પણ ત્યારે નિશાળે મોકલ્યા વિના કંઈ ચાલે ? અમથો તો એક ડગલુંયે ઉપાડતો નથી; વાણિયાનો દીકરો છે, કાંઈ ચોરી કરવા થોડો જ જશે ? નહિ ભણે તો બ્રાહ્મણ જેમ લોટ માંગવા યે થોડું જવાશે ?”

“પણ ભાઈ, જરાક તો દયા રાખો !” “ દયા ડાકણને ખાય છે. ઘણા દિ' ભાઈ બાપા કર્યું પણ ભાઈ કાંઈ માને એવા થોડા છે ? ઈ તો માર્યાના જ લાગના છે.”

“મારવાથી છોકરો ગાંજી જશે.”

“કાંઈ ગાંજતો નથી. અમે માર ખાઈ ખાઈને જ મોટા થયા'તા ! ઈ તો માર ખાઈને રીઢો થઈ ગયો છે. નાના હતા ત્યારે અમેય વટકતા, પણ બાપાએ એકવાર દાતણની સોટી મારેલી એટલે ઠેકાણે આવી ગયા.”

“પણ નિશાળે જઈને નહિ ભણે તો ?”

“નહિ કેમ ભણે ? ત્યાં તો ઓલ્યો આંખ કાઢે છે કે મૂતરી પડે છે ! ઈ તો ઘરમાં ફાવ્યું છે. પારકી મા કાન વીંધે. ત્યાં કાંઈ વેવલી વાણિયાણ નથી તે પોપાબાઈનું ચાલે ! ત્યાં તો મિયાંની મીંદડી જેવો થઈ જાય છે.”

“પણ ફોસલાવી પટાવીને લઈ જાને ભાઈ !”

“ફોસલાવીને ? અરે, ઈ તો તમને ને મને ને એના માસ્તરને અને બધાયને વેચીને દાળિયા ખાય એવો છે ! એ તો બગડી ગયો છે. કહ્યું કરતો હોય તો કાંઈ કહેવું યે ન પડે ને મારવો યે ન પડે. પેટના દીકરાને મારવામાં શો સ્વાદ આવતો હશે ? એની માને ક્યાં ખબર છે કે દીકરો નહિ ભણે તો રઝળશે ?”

મારે તો માથું ધુણવવાનું રહ્યું. માતાનાં આ લાડનું શું કરવું ?

શિક્ષક ડોળા કાઢીને છોકરાને સીધો કરે, ને આવા પિતા છોકરાને તમાચા ચોડીને તેનું ભાવિ સુધારવા માગે ! સૌ છોકરાનું હિત તો ઇચ્છે છે.

પણ....?

હું ખિન્ન મને ઘેર ગયો.

પણ....?


Rate this content
Log in

Similar gujarati story from Children