STORYMIRROR

Gijubhai Badheka

Children Classics

2  

Gijubhai Badheka

Children Classics

આ તે શી માથાફોડ ! ૧૧૦

આ તે શી માથાફોડ ! ૧૧૦

2 mins
15.2K


ચંપાનો નિશ્ચય

ચંપા પાંચ વર્ષની બાળા. દિવાળી ઉપર ફટાકડા ન ફોડાય એવું વાતાવરણ ચારે કોર છે. આસપાસનાં બાળકો કોઈ ફોડતાં નથી. ચંપાના મુરબ્બીઓએ પાંચ ફટાકડા ઘરમાં આણેલા હશે.

ચંપાની સાથે વાત કરતાં વાત કાઢી : "જો ચંપા, ઓણ ફટાકડા ફોડાતા નથી, ખબર છે ને ? ઓણ તો ગામેગામનાં છોકરાંઓએ જ નક્કી કર્યું છે કે "અમારે ફટાકડા નથી ફોડવા." ફટાકડા ફોડીએ એટલે તો ફટફટ થાય, ધુમાડો થાય ને પૈસા પાણીમાં જાય. ફટાકડાને બદલે ગળ્યું ગળ્યું ખાવાનું ન ખાઈએ ?"

ચંપા સામે જોઈ રહી. તે વિચારમાં પડી ગઈ હતી. તે કહે : "હેં ! સાચે જ બધાં બાળકોએ એમ કર્યું છે ? ફટાકડા ફોડવા જ નહિ ?"

મેં કહ્યું : "હા, છોકરાંઓએ એમ કર્યું છે."

ચંપા કહે : "પણ એ ખોટું નહિ બોલતા હોય ?"

મેં પૂછ્યું : "એમ કેમ પૂછ્યું ?"

ચંપા કહે : "ઘણા બાળકો ખોટું બોલે છે."

મેં કહ્યું : "પણ આ બાળકોએ તો બરાબર નક્કી કરીને કહ્યું છે."

ચંપા કહે : "તો પછી મારા ફટાકડા હું નહિ ફોડું આપણે એકલાં કાંઈ ફોડાય ?"

થોડી વાર ચંપાએ વિચારી કહ્યું : "પણ કોઈ દિ‘ ફોડાય કે નહિ ?"

મેં જોયું કે ચંપાને ફટાકડા ફોડવાનું મન છે અને સાથે સાથે બીજાંઓ ફોડતાં નથી માટે ફોડવું ગમતું પણ નથી. બાલસ્વભાવનું આ સાદું દર્શન જોઈ મને વાતમાં રસ પડતો હતો.

મેં માર્ગ કાઢ્યો : "ફોડાય ફોડાય. મહાત્મા ગાંધી જેલમાં છે તે છૂટે ત્યારે ફોડાય. ત્યારે તો રાજી રાજી થઈ જવાનું ને કૂદાકૂદ કરવાની ને ફટાકડા પણ ધમધમ ફટફટ ફોડવાના."

ચંપાના મનને અત્યંત સમાધાન થયું. તે કહે : "ત્યારે તો હું મારા ફટાકડા કબાટમાં મૂકી રાખું. ગાંધીજી છૂટશે ત્યારે ફોડીશ."

મેં કહ્યું : "ઠીક"

ચંપાએ નિશ્ચય કરી લીધો. તેણે તે બાને ને ફોઈને જાહેર પણ કર્યો : "ગાંધીજી છૂટશે ત્યારે ફટાકડા ફોડીશ."

બાળકોના અભ્યાસીઓને આ અનુભવ ઘણો ઉપયોગી થશે.


Rate this content
Log in

Similar gujarati story from Children