ચાર ચોર
ચાર ચોર
એક સમયની વાત છે. એક ગામ હતું. તે ગામમાં ચાર ચોર રહેતા હતા. તે દિવસે આખો દિવસ ઊંઘતા અને રાત પડે એટલે ચોરી કરવા આજુબાજુના ગામમાં જતા. હવે એક વખત આ ચાર ચોર રાત પડી એટલે ભેગા મળીને ચોરી કરવા નીકળ્યા. તેઓ પોતાના ગમાંમથી બાજુના ગામમાં ચોરી કરવા જતા હતા.
ત્યાં રસ્તામાં તેમને એક અડધો ગાંડા જેવો માણસ મળ્યો. તેણે આ ચોરોને પૂછ્યું, ‘તમે લોકો ક્યાં જાઓ છો ?’ ચોરે જવાબ આપ્યો ‘બાજુના ગામમાં ચોરી કરવા.” એટલે પેલા માણસે વિનંતી કરી, ‘મને પણ તમારી સાથે લઇ જાઓને !’ એટલે ચોરે કહ્યું ના ભાઈ તને કંઈ આવડે નહિ, અને તારા લીધે અમે ફસાઈ જઈએ.’ પણ પેલો માણસ માન્યો નહિ અને બહુ વિનંતી કરવા લાગ્યો. એટલે ચોર લોકોને દયા આવી અને તેને પોતાની સાથે લઇ ગયા.
ગામ આવ્યું એટલે પાંચેય જાણા એક ઘરમાં પેઠા. એ ઘર એક વાણીયાનું હતું. એટલે ચોરને એમ કે વાણિયાના ઘરમાં ખુબ જ માલધન હશે. આમ વિચારી તે લોકો એ ઘરમાં પેઠા. સંજોગોવસાત એ દિવસે વાણીયો અને તેની પત્ની ઘરે ન હતા. ખાલી વાણીયાની મા ડોસી એકલી જ ઘરે હતી. એટલે ચોર લોકોને ચોરી કરવ
ાની મજા આવી ગઈ. એ લોકો ચોરી કરીને નીકળતા હતા.
ત્યાંજ પેલા સાથે આવેલા માણસે કહ્યું, ‘આ જુવો રસોડામાં કેવી સરસ મજાની વસ્તુઓ પડી છે, ઘઉંનું ભૈડણ, ઘી, ઈલાયચી, ગોળ આમાંથી તો સરસ શીરો બને. ચાલો આપને શીરો બનાવી ખાઈએ.
આખી રાત ચોરી કરવામાં કાઢી હતી. એટલે બધાને ભૂખ પણ લાગી જ હતી. ઘરમાં કોઈ હતું પણ નહિ એટલે કોઈ ડર પણ ન હતો. પછી એ લોકો શીરો બનાવવા બેઠા.
શીરો મસ્ત બની ગયો. ઘીથી લચપચ. પછી બધા શીરો જમવા બેઠા. ડોસી બાજુના રૂમમાં ઊંઘી હતી. પણ તેનું મોઢું દાંત ન હોવાથી ખુલ્લું હતું. પેલા નવા આવેલા ચોરને એમ કે ડોસી બિચારી શીરો માંગે છે. એના ઘરની વસ્તુમાંથી શીરો બનાવીએ અને એને ન આપીએ તો કેમ ચાલે. આમ વિચારી એણે ગરમ ગરમ શીરો સુતેલી ડોસીના મોઢામાં નાખ્યો.
ગરમ લાય જેવો શીરો મોઢામાં આવવાથી ડોશી તો દાઝી ગઈ અને બૂમ પાડી ગઈ. એની બૂમ સંભાળીને આજુબાજુના લોકો આવી ગયા. અને બધા ચોર પકડાઈ ગયા. લોકે બધા ચોરોને પકડીને બાંધી દીધા. આમ એક મુર્ખ માણસનો સંગ કરવાથી હોંશિયાર માણસોને પણ ફસાવાનો વારો આવે છે.