Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mital Patel

Inspirational Tragedy

0  

Mital Patel

Inspirational Tragedy

અંઝાન

અંઝાન

8 mins
176


 અંઝાન

“ભાઈ, હું કૉલેજ જાઉં છું.”

તાશીના શબ્દોએ બારીની બહાર અનંતમાં તાકતાં એની તંદ્રા તોડી.

“ચાલ, હું પણ સાથે આવું છું.”

આંખના ખૂણે આવેલા આંસુને તાશીની નજરથી છુપાવવાનો નિરર્થક પ્રયાસ કરતા એ બોલ્યો.

“ભાઈ, આજે પાછાં તમે...

કેટલા વર્ષો થઈ ગયા એ દુર્ઘટનાને, મને પણ એટલું જ દુઃખ છે પણ જીવનમાં આગળ તો વધવા પડે ને? ચાલો આજે આપણે ફરવા જઈએ. આખો દિવસ બંને ભાઈ બહેન મજા કરશું. કૉલેજ કૅન્સલ. પહેલા આપણે એક પિક્ચર જોવા જશું પછી કોઈ સરસ જગ્યા પર જમશું. અને આખરે તમે મને મારી મનપસંદ ભેટ લઈ આપજો. હું ઈશિતાને પણ સાથે લઈ લઈશ. એને પણ એક વીંટી લઈ આપજો.”

આંખ મારી તાશી મસ્તીભર્યું હસી અને ભાઈને હસાવવાની નિરર્થક કોશિશ કરી.

ઈશિતા તાશીની મિત્ર હતી જે મનોમન એના ભાઈને ખૂબ જ ચાહતી હતી અને એ વાત તાશીથી છૂપી નહોતી. પરંતુ ભાઈના મનમાં શું છે એ જાણવાની તાશીની અને ઈશિતાની પણ બધી કોશિશો અત્યાર સુધી તો વ્યર્થ જ ગઈ હતી.

“ચાલ હવે નૌટંકી, હું ઠીક છું, ચુપચાપ કૉલેજ જા, તને રજા મળશે પણ મારે તો પુસ્તકાલય જવું જ પડશે.”

પુસ્તકો એને બાળપણથી જ અતિ પ્રિય અને હવે એ જ એના માતા, પિતા અને ગુરુ. પુસ્તકોમાંથી જ જીવનને સમજ્યો, જીવ્યો અને પોતાની એક નાનકડી દુનિયા વસાવી બહેન તાશી સાથે. જેને એ જીવનમાં સૌથી વધારે ચાહે. એનું જીવન તાશીથી શરુ થઈ તાશી પર જ ખતમ.. એના જીવનનું હવે એક જ ધ્યેય તાશીને સારામાં સારી કેળવણી આપવી અને એના નામની જેમ એના જીવનમાં પણ સમૃદ્ધતા લાવવી.

પોતાના પુસ્તક પ્રેમના કારણે જ એણે પુસ્તકાલયમાં કામ કરવાનું પસંદ કર્યું. જ્યારે એ પુસ્તકોની વચ્ચે હોઈ એને લાગે જાણે એ પોતાના માતા પિતાની છાયામાં છે. એ આખો દિવસ લાઈબ્રેરિયનનું કામ કરે, સમય મળે ત્યારે અવનવા પુસ્તકો વાંચે અને રાત્રી શાળામાં પોતાનો આગળનો અભ્યાસ પૂરો કરે.

“હા, મારા લાઇબ્રેરિયન ભાઈ.”

કહી હસતી તાશી ત્વરાથી બહાર નીકળી ગઈ પણ આંસુનું એક બુંદ એની આંખના ખૂણેથી રેલાઈ એના ગુલાબી ગાલને ચૂમતું હથેળીમાં શોષાઈ ગયું.

“અરે પાંચ મિનિટ મને આવવા તો દે આપણે બંને સાથે જ જઈએ.“

કહેતો એ ટિફિન લેવા ગયો.

કૉલેજમાં પ્રવેશતા જ એમની મુલાકાત ઈશિતા સાથે થઈ. પોતાના ભાઈને જોઈને ઈશિતાની આંખોમાં આવેલી અનેરી ચમક તાશીથી છૂપી ના રહી.

“ચાલોને આપણે બધા કેન્ટીનમાં કૉફી પીવા જઈએ?”

ઈશિતા થોડો સમય સાથે વિતાવવા માંગતી હતી.

“તમે લોકો જાવ મારે થોડું કામ છે.”

ઈશિતા કંઈ કહેવા માંગતી હતી પરંતુ એના બોલવા પહેલા જ એ નજર ચોરાવી ત્યાંથી પુસ્તકાલય તરફ ચાલ્યો ગયો.

“તારા ભાઈને તકલીફ શું છે. હજુ અડધા કલાકની વાર છે પણ નહિ સાહેબને તો અત્યારે જ જવું છે અને કામ કરવું છે. એ મારાથી કાયમ દૂર કેમ ભાગે છે?”

“યે ઇશ્ક નહિ આસન બસ ઇતના સમજ લીજિયે એક આગકા દરિયા હે ઔર ડૂબ કે જાના હે..”

તાશીએ ઈશિતાને હેરાન કરવા માટે મસ્તી કરી..

“ચાલ હવે નૌટંકી આપણે તો જઈએ. તારા આ વિશ્વામિત્ર ભાઈની તપશ્ચર્યા ભંગ કરવા કંઈક તો કરવા જ પડશે. ચાલને જરા જોતા જઈએ એ શું કરે છે.”

ઈશિતા અને તાશી પુસ્તકાલય ગયા તો એ હાથમાં એક ગોલ્ડ મેડલ લઈને એકીટસે એને તાકી રહ્યો હતો. તાશી આ જોઈ દુઃખી થઈ ત્યાંથી કંઈ પણ બોલ્યા વગર અને ઈશિતા તરફ જોયા વગર ચાલી ગઈ.

“તાશી શું થયું?”

ઈશિતાના શબ્દો પણ એણે નહિ સાંભળ્યા. ઈશિતા તાશીનું વર્તન જોઈ અચંબિત થઈ અંદર ગઈ.

“ગોલ્ડ મેડલ.. વાહ, તો તમે ગોલ્ડ મેડલિસ્ટ છો. અને અમને ખબર પણ નથી. શું હું જાણી શકું તમને આ કઈ સિદ્ધિ બદલ મળ્યું છે?”

એણે નજર ઊંચી કરી તો એની આંખોના ઊંડાણમાં અતિશય દર્દની ઝલક જોઈ ઈશિતા અવાક થઈ ગઈ. એની પીડાની તીવ્રતા ઈશિતા પોતાના હ્રદયમાં અનુભવી રહી. સ્વસ્થ થઈ ઈશિતાએ એનો હાથ પોતાના હાથમાં લીધો જાણે એનું દુઃખ પોતે લઈ લેવા માંગતી હોઈ. હંમેશા પોતાને અવગણતા અને પોતાનાથી દૂર ભાગતા એણે પ્રથમ વખત એના આવું કરવા પર ના તો વિરોધ કર્યો કે ના તો હાથ છોડાવ્યો.

“શું થયું, મને નહિ કહે, આ કોનો ગોલ્ડ મેડલ છે? તમે કેમ આજે આટલાં બધા ઉદાસ છો?”

એ એક પણ શબ્દ નહિ બોલ્યો, ના એણે ઈશિતાનો હાથ છોડયો. એ એક બેન્ચ ઉપર બેસી ગયો અને ઉભેલી ઈશિતાના કમર ફરતે બંને હાથ વીંટાળી પોતાનું માથું એના પર ઢાળી દીધું.

આજે એનું મન અતિશય વ્યગ્ર અને ઉદાસ હતું કારણ.. આજની તારીખ સોળ નવેમ્બર ૨૦૧૬,

મન એને ભૂતકાળમાં લઈ ગયું,

વીસ વર્ષ પહેલાની એ સુંદર રોજિંદી સવારમાં..

“અંઝાન..ઓ અંઝાન, જલદી આવ બેટા, તાશીને પણ લઈ આવ.”

મમ્મીની બૂમ સાંભળી નાનકડો અંઝાન રમવાનું છોડી મમ્મી પાસે દોડી આવ્યો.

અંઝાનની નજર સામે એનું સુંદર બાળપણ તરી આવ્યું,

અંઝાન.. મતલબ ‘શાંત પર્વત’, પણ એ, નામથી એકદમ વિપરીત. હંમેશા ગદર મચાવતો અહિં - તહીં ભાગતો રહેતો. એનું મન એટલું ચંચળ એક જગ્યાએ પાંચ મિનિટ પણ બેસી ના શકે. એને એક જગ્યા પર બેસાડી શકવા એક જ વસ્તુ સક્ષમ પુસ્તક. જ્યારે એના હાથમાં પુસ્તક હોઈ એ ચુપચાપ એને જોતો રહે.

માં બોધી, પિતા અભય અને બહેન તાશી સાથેની નાનકડી અંઝાનની દુનિયા. લેહ શહેરમાં  એનો આશિયાનો. પ્રાકૃતિક સૌંદર્ય જેના કણ કણમાં. પૃથ્વી પરનું સ્વર્ગ એવું હિમાલયની તળેટીમાં આવેલું અપ્રતિમ નગર લેહ, લદાખનું સૌથી મોટું શહેર. અહિં મોટાભાગની વસ્તી મુસ્લિમ અને તિબેટિયન બુદ્ધિસ્ટની. અંઝાન પણ તિબેટિયન બુદ્ધિસ્ટ પરિવારનો હતો. મા બોધી સાક્ષાત્ મમતાનું રૂપ હતી. અપાર સ્નેહની દેવી. એનું અસ્તિત્વ જ એમના સ્વર્ગસમા ઘરનો આત્મા હતો. અને પિતા અભય નામ પ્રમાણે જ નીડર વ્યક્તિત્વના સ્વામી હતા.

અંઝાન એના માતા –પિતાનો લાડકો દીકરો, જોતા જ હેત ઊભરી આવે, માસૂમ નિર્દોષ ચહેરો, ગોરો ભીનો વાન, તેજસ્વી આંખો. એની આંખોમાં એક અજબનું આકર્ષણ હતું જે બધાને પોતાની તરફ ખેંચતું. કોઈ એનાથી વધારે સમય ગુસ્સે રહી જ ના શકે. એનું નિર્દોષ હાસ્ય બોધીનો ગુસ્સો ક્ષણમાં મિટાવી દે.

દરરોજ બોધીએ એની ફરિયાદ સંભાળવા તૈયાર રહેવું પડે. એ એને સમજાવતી,

“અંઝાન હવે તું મોટો થઈ ગયો છે તારે તારી નાની બહેન તાશીનું પણ ધ્યાન રાખવાનું છે.”

તાશી, અંઝાનથી બે વર્ષ નાની, રતુંમડા ગાલ, નિર્દોષ આંખો અને માસૂમ ચહેરો. એ જ્યારે ખીલખીલાવીને હસતી ત્યારે લાગતું જાણે ખળખળ વહેતી કોઈ નદીનો નાદ કાનમાં ગુંજે છે. આ ચાર વ્યક્તિનો પરિવાર ધરતી પર સ્વર્ગમાં જીવતો હતો.

અંઝાનની સૌથી પ્રિય જગ્યા હતી એના આંગણાનો હીંચકો જે એના પપ્પાએ એના અને તાશીના રમવા માટે બાંધ્યો હતો, એ મોટેભાગે ત્યાં જ રમતો રહેતો..

અંઝાનને બીજી વધુ ગમતી જગ્યા હતી એની શાળા અને પુસ્તકો, એને વાંચતા નહિ આવડતું પણ એ ચિત્રો જોઈ પોતાની કલ્પનાના રંગો પૂરી તાશીને અને બોધીને અવનવી વાર્તાઓ કહેતો. એનું સૌથી પ્રિય પાત્ર સુપરમેન.

“હું પણ સુપરમેન, દુનિયાને તબાહીથી બચાવવા આવ્યો છું.”

કહી હાથ ઉંચો કરી અંઝાન દોડાદોડ કરતો ત્યારે બોધીની આંખોમાં એક ચમક અને સંતોષનો ભાવ છલકાઈ જતો.

હસતા રમતા નાનકડા એ નિર્દોષ બાળકને ક્યાં કલ્પના પણ હતી કે એનું જીવન અણધારી એક કરવટ લેશે અને આખી જિંદગી બદલાઈ જશે. છ વર્ષની ઉમરમાં ઝંઝાવાતનો સામનો કરવા પડશે.

અંઝાન કેટલીય વખત સુધી ઈશિતાને વળગીને બેસી રહ્યો. આખરે એનું મસ્તક પ્રેમથી પસરાવતાં ઈશિતાએ ધીમેથી ફરી પૂછ્યું,

“શું થયું અંઝાન, ક્યાં ખોવાઈ ગયો? કહી દે મનનો ભાર હળવો થઈ જશે.”

“હું સુપરમેન, દુનિયાને તબાહીથી બચાવવા આવ્યો છું.”

કહેતો અંઝાન દર્દ ભર્યું હસ્યો,

“આ ગોલ્ડ મેડલ મને મારી વીરતા અને હિંમત બદલ રાષ્ટ્રપતિના હાથે મળ્યું છે. ફક્ત છ વર્ષની ઉંમરે મેં ઘણા બાળકોને બચાવવામાં મદદ કરી હતી.”

સોળ નવેમ્બર ૧૯૯૬નો એ ગોઝારો દિવસ..

સવારથી વાતાવરણમાં અજબનો અચંબો હતો અને અચાનક ધરતી ધ્રૂજી ઊઠી..

મમ્મી મને અને તાશીને લઈ બહાર તરફ ભાગી, અમારા ઘરનાં આંગણામાં ઘણી ખુલ્લી જગ્યા હતી. બધા માણસો ગભરાઈને ઘરની બહાર ભાગ્યા.

“મમ્મી મને ડર લાગે છે. આ શું થાય છે?”

હું ડરીને માને વળગી પડ્યો.

“અરે તું તો મારો સુપરહિરો છે, તું ડરશે તો તાશીને કોણ સંભાળશે.”

મમ્મી મને હિંમત અપાવતા દોડતી રહી.

અમારા ઘરની સામે જ શાળાનું મકાન હતું, ઘણા બાળકો ત્યાં ફસાયેલા હતા.

“અંઝાન બેટા, તું તાશીનું ધ્યાન રાખજે અને કંઈ પણ થાય આ ખુલ્લી જગ્યાથી હટીશ નહિ.”

કહેતા મારા માતા પિતા અભય અને બોધી બાળકોને બચાવવા ત્વરાથી શાળાના મકાન તરફ ભાગ્યા..

અચાનક ધરતી ફરી એકદમ ઝટકા સાથે ધ્રૂજી ઊઠી, હું તાશીને વળગીને બેસી રહ્યો. શાળાનું મકાન પણ ધ્રૂજી ઊઠ્યું, પડી જશે એવા ડર સાથે બધા હેબતાઈ ગયા. ધરતીકંપનો બીજો આંચકો જોરદાર હતો અને ઘર અને શાળાની વચ્ચે મોટો મલબો ખડી દીધો એની નીચે કેટલાય લોકોને દટાઈ જતા જોઈ બચેલા લોકો હેબતાઈ ગયા. 

હું અને તાશી માતા – પિતાને જિંદગીથી ઝઝૂમતા સેંકડો બાળકોને બચાવતા વિસ્ફારિત નજરે જોઈ રહ્યાં.

અચાનક પિતાજીનો અવાજ આવ્યો,

”અંઝાન જલદી જા. એક જાડી મોટી દોરી લઈ આવ.”

હું તાશીને સુરક્ષિત જગ્યા પર બેસાડી ભાગીને ઘરમાં ગયો. અમારું ઘર ઘર નહિ અમારા તૂટેલા સ્વપ્નોને સમાવતો ભંગાર બની ગયું હતું. નસીબજોગે મને જલદી એક જાડી મજબૂત દોરી મળી ગઈ જે મારી મા કૂવામાંથી પાણી કાઢવા માટે ઉપયોગમાં લેતી હતી. મારા પિતા જેમ તેમ આવ્યા અને એક છેડો અમારા ઘરના બચેલા થાંભલા પર અને બીજો શાળાના પહેલા માળે થાંભલા પર બાંધી દીધો, મારા પિતા બાળકોને શાળાના ઓરડામાંથી એક પછી એક કાઢી મા બોધી પાસે મોકલતા અને મા એમને દોરી પકડાવી સાચવીને મલબાના ઉપરથી થઈ આંગણાની ખુલ્લી જગ્યામાં મોકલવા લાગી. હું દોરીના બીજા છેડે બાળકોને સુરક્ષિત આંગણામાં ઊતરવામાં મદદ કરતો હતો. કેટલાય બાળકોને આ રીતે સુરક્ષિત ખુલ્લા મેદાનમાં પહોચી ગયા.

અચાનક એક ભયંકર અવાજ આવ્યો સાથે શાળાનું મકાન ધરાશાઈ થઈ ગયું..

આટલું બોલતા અંઝાન જાણે નજર સામે એ દ્ગશ્ય તાદશ થતું જોતો હોઈ એમ શુન્યમયસ્ક થઈ ગયો. ઈશિતા પણ એની વાત સ્તબ્ધ બની સાંભળતી નિ:શબ્દ બેઠી રહી.

ફરી આજે અંઝાનની આંખો એ છ વર્ષના અંઝાનની આંખોમાં તાકી રહી..

છ વર્ષનો એ નિર્દોષ પોતાની માંને આંખોની સામે મલદામાં દબાઈ જતા જોઈ રહ્યો, અને એક મા પોતાના નાનકડા પુત્રના નાજુક હાથમાં કેટલાય બાળકોની જીવાદોરી જોતી ગર્વ અનુભવતી ધરતીમૈયાની ગોદમાં સૂવા જઈ રહી..

બોધીની આંખોમાં સુપરહિરોની અદામાં દોડતો અંઝાન અને.. અંઝાનની આંખોમાં એક ભય અને એક બૂમ.. માં..

અચાનક સન્નાટો છવાઈ ગયો, શાળાનું મકાન કેટલાય બાળકો, અભય અને બોધીની સમાધિ બની ગયું.

આંખો સામેનું દ્ગશ્ય જોઈને અંઝાનનું મન મગજ સુન્ન થઈ ગયું, કંઈ જ બચ્યું નહોતું, ના માતા પિતા, ના શાળા, ના પુસ્તકો.

બચ્યું હતું તો ઘરના નામે બસ થોડી તૂટી ફૂટી દીવાલો..

અચાનક એની નજર તૂટેલા હીંચકાના પાટિયા પર પડી અને જાણે માંના ખોળામાં બેસતો હોઈ એમ નાનકડી તાશીને વળગીને એ પાટિયા પર બેસી રહ્યો, શુન્યમયસ્ક ક્યાંય સુધી..

અચાનક એના અંતરમાં માના શબ્દો પડઘાયા..   

“અરે તું તો મારો સુપરહિરો છે તું ડરશે તો તાશીને કોણ સંભાળશે..“

અને અચાનક એ નાનકડી તાશીનો ભાઈ મટી માં-બાપ, સર્વસ્વ બની ગયો.

હસતો રમતો અલ્લડ છોકરો એના નામ અંઝાનને સાર્થક કરતો ધીર, ગંભીર, અડગ મજબૂત પર્વત જેવો બની ગયો.

“માં, તારા અંઝાનને આજે પણ એના સુપરમમ્મી અને સુપરપપ્પાની જરૂર છે.”

આંખમાં અશ્રુ સાથે પરમવીરચક્ર પંપાળતો એ સ્વગત: બોલ્યો અને પોતાના મસ્તક પર બે અદ્રશ્ય હાથ ફરતા અનુભવી રહ્યો.

 

મીતલ પટેલ

 

*Tashi means prosperity,

*Anzan means quite mountain,

*Abhaya means fearless


Rate this content
Log in

Similar gujarati story from Inspirational