STORYMIRROR

Mital Patel

Others

3  

Mital Patel

Others

દિવ્યતાની સીમા

દિવ્યતાની સીમા

7 mins
28.3K


ડોરબેલના અવાજથી અર્ધબેહોશ મીરાંની આંખો ફરકી..

મૃત્યુશય્યા પર બધી યાદો ધૂંધળી થઈ ગઈ પણ મીરાંને સમીર યાદ અને યાદ જીવનની સૌથી અણમોલ ક્ષણ. વરસો પહેલાની ચૌદ ફેબ્રુઆરીની સવાર.. 

એણે દરવાજો ખોલ્યો એક ચિરપરિચિત ચહેરો પણ આંખો પર વિશ્વાસ નહિ આવ્યો, મન સાથે સંઘર્ષ કર્યો. સમીર.. હા એ સમીર જ હતો,  આટલાં વર્ષો પછી અચાનક, ક્ષણભર જોતી રહી ગઈ અપલક..

આવ.સ્વસ્થ થઈ એણે આવકાર આપ્યો,

સમીરે એક કાર્ડ અને લાલ ગુલાબ આપ્યું, મીરાંએ પોતાની બુકમાં ત્વરાથી છૂપાવી દીધું. પરંતુ મમ્મીની નજરથી ન છૂપાવી શકી. બંને થોડીવાર વાતો કરતાં રહ્યાં. ભણતરની, જુના મિત્રોની. મીરાંના મનમાં ખુશી, ડર, આશ્ચર્ય કેટલાય ભાવોનું ઘોડાપૂર ઊમટ્યું હતું. આજે એની રાહનો અંત આવ્યો હતો.

મીરાં અને સમીર પ્રથમ વખત શાળામાં મળ્યાં ત્યારે બંને બીજા ધોરણમાં સાથે ભણતાં. આટલાં બધાં બાળકોની વચ્ચે એકબીજા સાથે અદ્રશ્ય તંતુથી જોડાયેલા. સાથે રમતા, સાથે ભણતાં અને સાથે જ બેસતાં હંમેશા, જાણે બે નહીં એક જ વ્યક્તિત્વ હોય.

ધીરે ધીરે જેમ - જેમ મોટા થતાં ગયાં લોકોની નજરમાં એમનાં સંબંધની પરિભાષા બદલાતી ગઈ. પણ એમનાં માટે તો એ સૌથી પ્રિય સંબંધ મિત્રતા જ હતો. લોકોની શકરી નજરો અને સવાલોના જવાબો આપવું એમનાં માટે મુશ્કેલ થઈ ગયું અને ન ચાહવા છતાં ધીરેધીરે એકબીજાથી દૂર થતાં ગયાં. ક્યારેક અજાણતાં વાતો પણ કરી લેતા તો લોકો એમ જ સમજતાં કે એમનાં સંબંધો મિત્રતાથી વધુ છે અને શરૂ થઈ જતી લોકોની પ્રશ્નાર્થભરી નજરો અને શબ્દો પણ. કદાચ એ બધા લોકો એમની આંખોમાં એ પ્રેમ જોઈ લેતા જે એ બંને પોતે જોઈ અને સમજી નહિ શક્યા. આખરે બીજાની નજરોમાં પોતાની મિત્રતાની ગરીમા બચાવવા એકબીજાથી દૂર રહેવું બંને માટે મજબૂરી બની ગઈ. એક અસહ્ય મજબૂરી..

પછી સમીર ભણવા મુંબઈ ગયો. બંને વચ્ચે પ્રત્યક્ષ સંપર્ક તૂટી ગયો,  મીરાં હર ક્ષણ સમીરને યાદ કરતી.  ક્યારે પ્રેમ હોવાનો અહેસાસ થયો ખબર જ નહિ પડી. ક્યારેક તો સમીર મળી જાય, એની નજરો હંમેશા આસપાસ સમીરને જ શોધતી રહેતી. દરરોજ ઈશ્વરને એક જ પ્રાર્થના કરતી એનો સમીર એને મળી જાય. વર્ષો વીતતાં ગયા મીરાંનું ગ્રેજ્યુએશન પણ પૂરું થઈ ગયું. પરંતુ સમીર.. 

એમ ને એમ પાંચ વર્ષ થઈ ગયા. આટલાં વર્ષોમાં ઘણું બધું બદલાઈ ગયું હતું. મીરાં એક મુગ્ધ બાળામાંથી એક સમજદાર યુવતી બની ચૂકી હતી. મીરાં કરતા ત્રણ વર્ષ મોટી બહેનના પ્રેમ સંબંધનો ઘરમાં અસ્વીકાર અને બહેનની બગાવતના કારણે ઘરના પ્રત્યેક વ્યક્તિએ અનુભવેલી તાણ અને દુઃખ એણે પ્રત્યક્ષ જોયું. આ આખી ઘટના મીરાંના મનમાં એક અમીટ છાપ છોડી ગઈ. મીરાંએ અનુભવ્યું કે જીવનમાં પ્રેમને પામવું જ સર્વસ્વ નથી હોતું. પ્રેમ તો એ પોતાના માતા પિતાને પણ ખૂબ કરે છે. કોઈને ચાહવું કે નહિ ચાહવું આપણા હાથમાં છે. પરંતુ એને પામવાનો દુરાગ્રહ રાખીને સ્વજનોને દુઃખ આપવું એને અયોગ્ય લાગ્યું.

શું સાચું છે, શું ખોટું છે અને યોગ્ય અયોગ્યના વિચારોના વમળમાં મીરાંનું મન અને મગજ ગોથા ખાવા લાગ્યું.

હવે ધીરજ જવાબ આપવા લાગી અને અનાયાસે એની પ્રાર્થનાનો પ્રકાર બદલાઈ ગયો, “મારો સમીર મારા સિવાય કોઈને ચાહે એ હું નહિ સહન કરી શકું એ ભલે મને નહીં મળે પણ ચાહે તો ફક્ત મને અને મને જ, હંમેશા.. હંમેશા..

મીરાંને થતું એ શા માટે આવું વિચારે છે, શું એને પોતાના પ્રેમ પર વિશ્વાસ નથી કે પછી સ્વજનો નહિ સ્વિકારશેના નામ પર પોતાનામાં પ્રેમને પામવા માટે સંઘર્ષ કરવાની હિંમતનો અભાવ છે, જેને એ છાવરવાનો પ્રયત્ન કરે છે કે પછી સમીરે આવવામાં એટલું બધું મોડું કરી દીધું કે પોતાની ચાહત જ બદલાય ગઈ કે પછી પહેલા સમીર એની સાથે જ રહે એવું ચાહતી મીરાંનો પ્રેમ એ દિવ્યતાની સીમા પર પહોંચી ગયો કે એના માટે સમીરનું એના જીવનમાં એની સાથે હોવું ગૌણ બની ગયું અને એનો પ્રેમ જ એના માટે સર્વસ્વ બની ગયો. એ હવે ચાહતી તો ફક્ત એટલું કે સમીર આત્માના ઊંડાણથી ફક્ત અને ફક્ત એને જ ચાહે હંમેશા.

અને આજે એ ક્ષણ આવી ગઈ. એની પ્રાર્થના કબૂલ થઈ ગઈ. સમીર પણ આટલાં વર્ષોથી એને જ ચાહતો રહ્યો છે. જે રીતે મીરાં રોજ એને યાદ કરતી સમીર પણ.. જે રીતે એને પ્રેમ થયો સમીરને પણ...

પણ અચાનક આ રીતે પ્રેમનો એકરાર..

કાર્ડ પર લખ્યું હતું,

મારા હદયના મધ્યમાં તું એક અનેરું સ્થાન ધરાવે છે, હું તારા માટે જીવું છું, હું ફક્ત તને જ ચાહું છું.

મીરાંના સમગ્ર જીવનમાં આ શબ્દો ઘૂમરાતાં રહ્યાં. એના અસ્તિત્વનો આભાસ બનીને.

કોઈને ચાહવું ચાહતાં રહેવું અથવા કોઈની ચાહત હોવું એનાથી મોટી ધન્યતા આ પૃથ્વીલોકમાં બીજી શી હોઈ શકે.ક્યાંક વાંચેલા આ શબ્દો એ જીવી રહી. અને મીરાં સમીર તો આ બંને પ્રાપ્ત કરી ધન્ય થઈ ગયાં. એકબીજાથી આટલાં વર્ષો દૂર રહેવા છતાં હંમેશા જોડાયેલા મનથી, આત્માથી, અનન્ય શ્રદ્ધાથી.

બે દિવસ પછી સમીરનો ફોન આવ્યો, પરંતુ મમ્મીની નજર વાત કરતી મીરાં પર અને મીરાંએ એને ક્યારેય ફોન નહીં કરવાનું કહ્યું.

મીરાંનાં માતાપિતા જુનવાણી કે નિષ્ઠુર ન હતાં પણ એમની પુત્રી આવું કંઈ કરે એ સહેવું એમના માટે અસહ્ય હતું. મીરાં હંમેશા વિચારતી હું સમીરને દુઃખી કરીશ તો એ સમજી જશે. એને દુઃખ આપવાનો હક છે મને. અને એ હક આપ્યો છે અમારા પરસ્પરના નિઃસ્વાર્થ પ્રેમે. પણ માતાપિતા એમને દુઃખ ન આપી શકું.  પોતાના વિચારો અને મનોમંથન સ્પષ્ટ થતા જ મીરાંને અનુભવ થયો કે એનો પ્રેમ દિવ્યતાની સીમાઓ આંબી ચૂક્યો છે.

મીરાંના વેવિશાળ હિરેન સાથે થયા. એક ખૂબ જ સરળ વ્યક્તિત્વ. સુંદર, વફાદાર અને પ્રેમાળ જીવનસાથી.

લગ્નનાં બે દિવસ પહેલા સમીર આવ્યો, મીરાંના મનમાં એક દ્વંદ્વ ચાલતું હતું. એ સમીરને જણાવવા માંગતી હતી કે એ પણ એને એટલો જ ચાહે છે પણ મહેમાનો અને મિત્રોની વચ્ચે..

એણે કંકોત્રીમાં સમીરનો આપેલો કાર્ડ મૂકીને આપતાં કહ્યું આને ઘેર જઈને ખોલશો.મીરાંને થયું સમીર સમજી જશે, પોતે પણ એને ચાહે છે અવિરત હંમેશાથી. સમીરને વિશ્વાસ હતો કે મીરાં એને જ ચાહે છે પણ મીરાંના સ્વીકારે એને અવર્ણનીય સંતોષ આપ્યો.

મીરાં અને સમીર પોતાની સુખી વિવાહિત જિંદગીમાંથી થોડી ક્ષણો ચોરી એકબીજા સાથે વાતો કરી લેતાં ક્યારેક મળી પણ લેતા. ફક્ત પોતાના માટે જીવી લેતાં.

દૂર પણ હંમેશા સાથે. સમય અને અંતરની સીમાઓથી પરે, શરીરથી નહીં મનથી જોડાયેલા. શબ્દોના સહારાની ક્યારેય જરૂર જ નહોતી પડી. મીરાં ઉદાસ કે દુવિધામાં હોય અને સમીરનો ફોન આવી જ જાય અને મીરાં બધું ભૂલી ખીલી ઊઠે.

મારા જીવનનો એક પણ દિવસ એવો નથી ગયો, જ્યારે મેં તને યાદ નહીં કર્યો હોય અને જશે પણ નહીં.

હું પણ મીરાં તને યાદ કર્યા વગર મારું પણ જીવવું શક્ય નથી તને યાદ કરવું એક આદત બની ગઈ છે મારા માટે. રાત્રે સુવા માટે આંખ બંધ કરું અને તું સમરે છે. સવારે ઊઠું તો પહેલા તારી યાદ આવે છે. જાણે તને યાદ કરવી એક નિત્યક્રમ થઈ ગયો છે.

મીરાં અને સમીર ઈશ્વરીય પ્રેમના સાક્ષી સમાન હતા. પોતાના પ્રેમના કારણે એમણે ક્યારે પણ પોતાના જીવનસાથી સાથે કોઈ દગો નહિ કર્યો કે ના ક્યારેય હિન ભાવનાનો અનુભવ. એમનો પ્રેમ આ સીમાડાઓથી ક્યાંય પરે હતો.

સમીર વચન આપ, મરવા પહેલા એક વખત તું મને મળવા જરૂર આવશે.

મીરાં સમીરને કાયમ કહેતી.

સમીર, તારું હોવું મને મારા અસ્તિત્વનો અહેસાસ કરાવે છે. તારું હોવું એટલે જ મારા શ્વાસ મારા ધબકાર. જ્યારે મારી આસપાસના લોકોનો વ્યવહાર મને અનુભવ કરાવે, હું ખરાબ વ્યક્તિ છું ત્યારે વિચારતી કે એવું હોય તો કોઈ મને આટલો નિશ્વાર્થ પ્રેમ નહીં કરે. તેં મારાં જીવનમાં હંમેશા એક દીપ પ્રજ્વલિત રાખ્યો છે સ્વાભિમાનનો, આશાનો, પ્રેમનો. તારા પ્રેમના સહારા વગર મારું અસ્તિત્વ ક્યાંય વિખેરાઈ જતે. મારા જીવનની પ્રત્યેક વિષમ ક્ષણોમાંથી હેમખેમ બહાર આવવામાં તારી આ અપ્રત્યક્ષ હાજરી અને અતૂટ પ્રેમ હંમેશા મારો તારણહાર બંને છે. જીવનમાં કેટકેટલી નિષ્ફળતાઓ પચાવ્યાં પછી એક સફળ લેખક બની શકી છું એની પાછળ જે અદ્રશ્ય શક્તિ મને બળ આપે છે એ તારો પ્રેમ જ છે. સારું છે તેં મારી સાથે લગ્ન નહિ કર્યા નહીંતર હું મારી શક્તિ અને મિત્ર હંમેશા માટે ખોઈ દેતે. સંસારની જવાબદારીઓ આપણા આ નિસ્વાર્થ પ્રેમને ભરખી જતે.

રીયાએ દરવાજો ખોલ્યો, “મારે મીરાંને મળવું છે.

હાથમાં એક લાલ ગુલાબ અને કાર્ડ સાથે ઊભેલા અજાણ્યા આધેડ વ્યક્તિને રીયાએ આવકાર આપ્યો અને પોતાની મા પાસે લઈ ગઈ.

સમીરે જઈને મીરાંનો હાથ પકડ્યો અને અર્ધચેતન શરીરે તરત પ્રતિભાવ આપ્યો. રીયા આશ્ચર્યચકિત બની જોતી રહી.

યાદ છે મીરાં, વર્ષો પહેલાનું ગુલાબનું ફૂલ એની મહેક હજુ પણ અકબંધ છે. હું આજેય તને એટલી જ ચાહું છું.

પણ તેં કદી કહ્યું કેમ નહીં કે તું મને ચાહે છે. આટલાં વર્ષો પછી આવ્યો સીધો ઘેર..

મીરાં મૃત્યુશય્યાની તંદ્રામાં ફરી વેલેન્ટાઈન ડેની સવાર જીવી રહી, વરસો પહેલાની એ અણમોલ ક્ષણ. આઠ દિવસ પછી મમ્મીના મુખમાંથી નીકળેલા શબ્દો સાંભળી રીયા આશ્ચર્યચકિત થઈ ગઈ. સમીરે પ્રેમથી મીરાંના ગાલોને સહેલાવ્યા અને કપાળ પર હળવું ચુંબન કર્યું. હાથ પકડી બેસી રહ્યો કેટલીયે ક્ષણો.

મીરાં સમીરે એક જન્મ જીવી લીધો. કેટલીય વાતો એમનાં મૌનમાં થતી રહી. રીયા પણ જાણે આ ક્ષણોની અલૌકિકતાને મંત્રમુગ્ધ થઈને જોતી રહી. ઘરની હવામાં એક અકળ્ય વાતાવરણ એ અનુભવી રહી.

કેટલીય ક્ષણો પછી મીરાંએ કહ્યું, “હવે હું જાઉં સમીર?” સમીરે પ્રેમથી મીરાંના ગાલોને સહેલાવ્યા, કપાળ ચૂમ્યું.

અત્યારે નહિ, મારા ગયા પછી, મારી સાથે. એક વખત તને એકલી જતા જોઈ છે, લગ્નમંડપમાં. એનું દુઃખ આટલાં વર્ષો પછી પણ લગીરે ઓછું નથી થયું. હવે નહિ, મેં તને ફરી બહુ રાહ જોવડાવીને? હવે ક્યારેય મોડો નહિ પડીશ.અને ગુલાબ આપી રવાના થયો. રીયા વિસ્મયતાથી એમને જતાં જોઈ રહી.

રીયાએ મીરાં તરફ નજર કરી,

મમ્મીઈઈઈઈઈઈ...

બીજા દિવસે રીયા બે પ્રેમભર્યાં હૈયાંના પાર્થિવ દેહની ઊઠેલી અર્થીની સાક્ષી બની.


Rate this content
Log in