Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Zaverchand Meghani

Inspirational Others

0  

Zaverchand Meghani

Inspirational Others

છાલિયું છાશ

છાલિયું છાશ

12 mins
481


"લ્યાં, તમે બે જણાં છો તોય ભાળતાં નથી ?" એમ બોલતાં બોલતાં ઘણી જ ચાલાકીથી પોતાના પૂરપાટ દોડતા ઘોડાની લગામ ખેંચીને પ્રવીણચંદ્રે બગી થોભાવી લીધી.

"ભાળે તે ક્યાંથી, ભાઈ ! હવે કાંઈ વાંક છે આંખ્યુંનો !" એમ કહીને ડોસો ને ડોશી પાછાં પોતાની ધૂળ ખંખેરતાં ભોંય પરથી ઊભાં થયાં. 'તમને વાગ્યું તો નથી ને ?" એમ કહેતો ડોસો ડોશીનાં શરીર ઉપર ઝાપટ દેવા લાગ્યો.

"ના-ના રહી ગઈ. તમને કેમ છે ?" ડોશીએ પણ ડોસાને પંપાળતાં-પંપાળતાં પૂછ્યું; ડોસાના ખભા ઉપર હાથ મૂક્યો. જેઓ આંખો વિનાનાં હોય તેને હૈયે હજાર નેત્રો ફૂટે છે.

"અરે વાહ !" જુવાન પ્રવીણચંદ્ર જોઈ રહ્યો: માળાં બુઢ્ઢાં પ્રણય કરતાં લાગે છે ! અલ્યાં, હવે તો કોરે ખસો."

બગીની પછવાડેની જગ્યા ઉપર ફરાસ બેઠો હતો, તે ક્યારનો ઊતરીને ઘોડાની લગામ ઝાલી ઊભો હતો. ઘોડો હજુ નવો જ રુખડિયાના કાઠી-દરબાર કનેથી પ્રવીણચંદ્રે વેચાતો લીધેલો. પોતાની બંકી ગરદન ધનુષ્ય માફક મરોડીને સફેદ ઘોડો કાનસૂરી રમાડતો હતો. એના બે કાન વચ્ચે પ્રવીણે વીજળીની ત્રિરંગી બત્તીઓનું ઝૂમખું ગોઠવેલું. ઘોડાના શરીર પરનો ચકચકિત સરંજામ એ તેજના બિંબો ઝીલતો હતો. ફરાસના હાથની ચમરી ઘોડાના પેટાળ પર ફરતી હતી.

આજે પહેલી વાર જ બગી કાઢતાં પ્રવીણને ભાન થયું કે, ગામના રસ્તા અતિ સાંકડા છે, અને રાહદારીઓને ડાબી બાજુએ ચલાવવા તેમ જ નિયમમાં રાખવા કોઈ પોલીસનો બંદોબસ્ત નથી. વીસ વર્ષની ઉમ્મર પ્રવીણે એ જ રસ્તાની માટીમાં પાળા ચાલીને કાઢી હતી; છતાં આ સરત એને નહોતી રહી.

"ડોસા, હવેથી ડાબી બાજુએ ચાલવાનું રાખવું, હો કે !" પ્રવીણે ખૂબ લહેકો કરીને કહ્યું.

"ભાઈ, એ તો રતાંધળાં છે." ટોળે વળેલ લોકોમાંથી કોઈએ ફોડ પાડ્યો.

"રતાંધળાં ? બન્ને જણાં ?"

"હા, બેય જણાં. સાંજ પડી, ને અંધારું થાય, એટલ હાઉં: ચકલ્યાં જેવું, ધબાય નમઃ !"

"શું કરે છે ?"

"ખેતરમાં મજૂરી કરે છે."

"પણ રાતે બેઉ જણા શી રીતે રહે છે ?"

"અઠે-ગઠે રોડવે. પણ, ભાઈ, એમાં આ એકની દયા ખાવા જેવું નથી. એવાં તો આ ગામડાંઓમાં સેંકડો નીકળશે."

"સેંકડો ? કેમ, કંઈ રોગ છે અહીં ?"

"રોગ શેનો ? ઈ તો ચાળીસ કે બહુ બહુ તો પચાસ વરસ વળોટ્યાં, એટલે ખેડુ ને વસવાયાં માતરને રાતનો અંધાપો: કુદરતી જ એવું, લોકો ઘણુંખરું રતાંધળું જ."

વધુ વાતચીતની વેળા નહોતી. પ્રવીણની બગી પાણીના રેલાની માફક અવાજ કર્યા વગર સરી ગઈ. આંહી ડોસો ને ડોશી પાછાં ડગુમગુ ઘર ભણી ચાલી નીકળ્યાં. રસ્તે ડોસીએ ડોસાને ફોડ પાડ્યો: "આને ઓળખ્યો ? ઊજમ વહુનો દીકરો પરવીણ: દેશાવરથી અઢળખ માયા રળીને આવ્યો છે."

"ઊજમ વહુ ? કઈ ?"

"લે'રચંદની ઘરવાળી: રાંડીરાંડ. મોરુકા કાળમાં બહુ કઠણાઈ હતી. જુઓને: આપણે ચોખામાં પાણીની છાશ કરતાં, તે બોઘરું ભરી જાતી."

ડોશીએ જરક ડોસાના કાનની નજીક મોઢું કરીને ઉમેર્યું: "બચાડીને કેવા વખા હતા ને, તે..."

*

બગીને રૂપનગર તરફની સડકે ચક્કર ખવરાવી પ્રવીણ રાતના અંધારામાં રસ્તો ધમધમાવતો પાછો ફરતો હતો. વાંક વાળવા માટે ગાડી ધીરી પડી, તે વખતે એક રબારીએ પાસે જઈ કહ્યું: "ભાઈ, બાપા, જરીક થોભાવશો ? એક વાત કહેવી છે."

પ્રવીણે ઘોડાને રોક્યો. ગોવાળે પડખે ચઢીને કાનમાં કહ્યું: "ત્યાં ઝાંપે ઓલ્યા ભાભાને તમારીએ ગાડીનો ટોચો થયો, ભાળ્યું ?"

"હા."

"એ જ ભાભાને ઘેર છપનિયા મોર્ય ત્રણ ભેંસ્યું મળતી; ચોખામી છાશ ફરતી. વાણિયા-બામણ પણ લેવા જાતાં. તમારી માની એ બહુ કઠણાઈ વેળા, ભાઈ ! તમે તો તે દિ' ઘોડિયે. બા જાતાંને, એટલે આ જ ડોસાની ડોશી બાની દોણીને ઘરમાં લઈ જઈ, ઘાટી છાશ ભરી, માલીકોર અક્કેક દડબું માખણનું રોજ છાનુંમનું મેલતી, ભાઈ !"

"છાનુંમાનું ?"

"હા, છાનુંમાનું. છતરાયું દીધ્યે તમારી મા લ્યે એમ નો'તાં. કુળવાન ઘરની રંડવાળ્ય હતાં, ભાઈ ! લાખેણું માણસ ! આ ઈ છાશે ને ઈ માખણે તમારી આંખ્યું આજ રતન જેવી ઝગે છે, પરવીણભાઈ ! તમારી વેળા વળી છે, પણ એ ભાભાની ખેડ ભાંગી ગઈ. રતાંધળો ન થાય ? ઉઘાડે માથે ને અડવાણે પગે ખેતરમાં લા બળતી હોય ત્યારે મજૂરી કરે; ને ખાવામાં રોટલા ભેળી ઘૂંટડોય છાશ ન મળે. આંધળા ન થાય ? બાપા, બગી હળવા હાંકીએ. ધોખો કરશો મા: લે'રાબાઈના દીકરાને કે'વાનો હકદાર છું."

"પણ મને સમજાવો તો ખરા: રતાંધળા થવાનાં શું કારણો છે ? કોણ રતાંધળા છે આ ગામમાં ?"

"કાલ્ય સાંજે સીમાડે આવજો; વાત કરશું. ભૂગળી પીશું, બે ઘડી હૈયાં ખોલશું. છાતીમાં ઘણું ભરાણું છે, ભાઈ !"

પ્રવીણ ઘેર ગયો; પણ એની રાત કંઈક વ્યાકુળતાભરી વીતી. રંગૂન શહેરના પાંચ જ વરસના વેપારમાંથી એની સ્થિતિ બંધાઈ હતી. નાનપણમાં એણે એવી ગરીબી વેઠેલી કે મોટાભાઈના વિવાહમાં વરઘોડિયાંને પહેલે દિવસે કંસાર જમાડવા માટેનો ગોળ પણ પાડોશીને ઘેરથી માગી લાવવો પડેલો. નવી લક્ષ્મી તો એક જાદુની માફક ઘરમાં આવેલી પડેલી. આવેલી માયા પાછી ક્યાંય રખેને તણાઈ જાય એ બીકે પ્રવીણ વેપાર સંકેલીને પોતાના ગામમાં બેસી ગયેલો. આશા હતી કે, પડ્યાં પડ્યાં મોજ માણશું. મોજ એટલે બીજું તો શું ? એક બંગલો, એક બગી, ઘરમાં કાચનાં બારણાવાળા કબાટ, કબાટમાં રમકડાં, વહુને માટે હેમ-હીરાના પાંચ વધુ દાગીના, અવાર નવાર મુંબઈ ના હલવા, મેવા કે હાફૂસ કેરી અને એક 'ફેમિલી-ડૉક્ટર'ની સગવડ.

પણ પહેલે કોળિયે જ માખી આવી. પ્રવીણને ફરીવાર બગીમાં ફરવા નીકળવાનો વિચાર થઈ શક્યો નહિ. એને પેલાં રતાંધળાં ડોસા-ડોસી યાદ આવ્યાં: અને, 'બાપુ ! લોક ઘણુંખરું તો રતાંધળું જ સમજવું !' એ વચન એને બરછી જેવું લાગ્યું. બીજે દિવસે સાંજ પડી, એટલે વહુએ જીવતરમાં પહેલી જ વાર લહાવો લેવો હોય તેવી જાતની તૈયારી બગીમાં ફરવા જવા માટે કરી. વડીલો, કુટુંબીઓ અને પોતાનાં ગામ-લોકોની લાજના કિલ્લામાંથી નીકળીને આજ પહેલી જ વાર એને પતિ સાથે સે'લગાહ કરવાની હતી.

"હું તો નહિ આવી શકું; તમારે જવું હોય તો જાવ." એમ જ્યારે પ્રવીણે કહ્યું ત્યારે વહુનું મોં પડી ગયું. છતાં એ તો બગી કઢાવીને એકલી-એકલી ગઈ.

પ્રવીણ એકલો પગપાળો સીમમાં નીકળી પડ્યો. એને પહેલો જ મેળાપ થોડે આઘે ભીમા રબારીની સાથે થયો. ભીમો ઊભોઊભો પોતાની ભેંસોને વાંભ કરતો હતો. એને ઉઘાડે શરીરે ત્રાંબા જેવો ચળકાટ હતો. એવી વાંભનો અવાજ અરધા ગાઉની સીમ ઉપર દેવળની કોઈ મોટી ઝાલર જેવો પથરાતો હતો. આજ પહેલી વાર પ્રવીણનું ધ્યાન આ રબારીની વાંભ ઉપર ગયું: શો કંઠ ! ભલભલા ગવૈયા પણ પાણી ભરે તેવું બુલંદ, મીઠું ગળું.

"ભીમાકાકા !આવું ગળું કેવી કરામતથી કરી શકાય ?"

"ઠેકડી કરો છો ને, પરવીણભાઈ ! અમારે તો પશુડાંની હારે વાતું કરવી રહી."

"ના, કાકા, હું સાચું પૂછું છું."

"કાંઈ ઈલમ નથી. ભાઈ ! અમારો આહર જ દૂધનો; અમે આચરકૂચર ખાવામાં સમજીએ નહિ. અને ફોગટ-ફોગટની વાતું ન કરીએ; બોલવાનો રસ હોય ત્યારે જ બોલીએ. શા સારુ ગળાની નરવાઈ ન હોય !"

"ભીમાકાકા, રબારીમાં રતાંધળાં કેવાંક ?"

"રબારી રતાંધળો કોઈ દિ' હોય જ નહિ. અમાસની અધરાતે પણ અમારી નજર અધગાઉને માથે પોગે."

"અને આ બીજાં લોક ?"

"લોક ઘણુંખરું રતાંધળું."

"એમ કેમ !"

"જાણે... જો, ભાઈ: એક તો અમે સાત વરસની ખોરી જાર ખાયેં ઈ કબૂલ, પણ બાજરાને બહુ ન અડીયેં. દૂધ-ઘી ઠીકઠીક હોય તો જ બાજરો ખાવો પરમાણ; નીકર બાજરાની ગરમી એવી દોયલી છે કે ભલભલાંને ઢાળી દિયે."

પ્રવીણચંદ્રે આ લોક-વિજ્ઞાન પહેલી જ વાર જાણ્યું.

"બીજું એમ છે, ભાઈ, કે જ્યારે અમારી ગાય-ભેંસ વિંયાય, ત્યારે ઘરે હોંઈ તો ઘરે ને સીમમાં હોઈં તો સીમમાં અમે ખાખરનાં પાંદના પરડિયામાં ખીરું દોહીને કાચું ને કાચું પી જાઈએ."

"તમે ખીરું પીઓ ? કાચું ખીરું ?"

"હા. તમે એની રાંધેલી બળીએ ન પચાવી શકો, અને અમે નર્યું ખીરું પીયેં. પણ ખીરું પીધા પછી બે દા'ડા સુધી પાણી કે અનાજ ન લઈએ. જો લીધું, તો ઝાડા હાલ્યા જાય. આ ઈ ખીરાનાં હાડ છે અમારાં. ખીરું અમને દીપડા સામાં બથોડાં લેવાની તાકાત આપે છે. ઈ તમારી દવાયુંથી ન થાય. ખીરું તમને જરે જ નહિ."

"કેમ ?"

"ઈ લોઢા જેવું અજર છે. પે'લવેતરી ભેંસનું ખીરું અમે લાકડાની ભૂંગલીમાં દોઈને ભરી લઈએ, અને એ સુકાઈ ગયા પછી ભૂંગળું તોડીને કાઢીએ. પછી એમાંથી ચાકુએ કરી-કરીને કાપીએ: માળાના પારા બનાવીએ. એવું વજ્જર તમને પચે ? તમારા કોઠા ક્યાં ! અમારા કોઠા ક્યાં !"

"ત્યારે તમારે રતાંધળા નહી - એમ ?"

"ના, રતાંધળું લોક-વરણ. એને દિ' આખો ઉઘાડે પગે ખેતર ખૂંદવાનાં: આંખ્યું ને કપાળ ઉપર તાપ વરસે. ન મળે ઘેર દૂઝાણાં: છાંટો છાશેય તમારા શેઠીયાઓના પ્રતાપમાં પામે છે કંઈ લોક ? નકર દૂધ-ઘીની શી સાડીબાર ! છાશની તાંસળીયે પેટ ભરવા મળતી હોયને, ત્યાં સુધી આંખ્યુંનાં રતન ઝગારા કેમ ન કરે? પણ તમારી શેઠાણીઉં..." ભીમાએ હાથ જોડ્યા.

"કાં, તોબા કેમ ન કરો છો અમારી શેઠાણીઓથી? હાથજોડ્ય કેમ કરો છો ?"

"એ ભાઈ ! આમ જુઓ તો દેરાં પૂજે. કીડી-મકોડી ન મારે, લાંઘણ્યું કરે; ને આમ જુઓ તો છાશને સાટે દળણાંપાણી કરાવીને વસવાયાંનો જીવ લઈ જાય. વાણિયો હાટડે બેસીને ચૂસે, ને વાણિયાણ્યું ઘરે વૈતરાં કરાવે એક દોંણી પાંખી, મોરના આંસુડાં જેવી છાશ સારુ. નીકર લોકના શરીર ! જ્યાં સુધી રોટલો ગળે ઉતારવાની છાલિયું છાશ જડે, ત્યાં સુધી મહેનતુ અને કઠણ બાંધાના લોકોનાં શરીર કાંઈ કથળે કે' દિ' ? અટાણે જુઓ તો હજાર રોગ આંખ્યુંના જ ફાટી નીકળ્યા છે લોકોને."

"દવા -"

"હવે તમારી દવાયું ને તમારાં ધરમાઉ દવાખાનાં ને તમારી આખુંમાં સૂયા-ચાકુ ઘાલવાની વાતું રે'વા જ દઈએ: એમાં માલ નથી. સાવી વાત તો ઘેર-ઘેર દૂઝણાંવાઝણાંની છે. પણ ઈ તો લાંબો રોગ: એના ઇલમી તો વળી કાળાન્તરે કો'ક જાગશે. અટાણે તો છાલિયું છાશની વાત આવીને ઊભી રહી છે."

ધણ ઘોળીને ભીમો રબારી ગામભણી આવ્યો. તેની સાથે પ્રવીણચંદ્રે પાછા વળીને આવીઆવી વાતો કઢાવી. બીજે દિવસે એણે બળબળતા બપોરે સીમમાં ભ્રમણ કર્યું. પૈસાનો મદ હજુ ચડેલો નહિ, એટલે સાચી હાલત એની આંખો જોઈ શકી. કોઈ ઉઘાડે માથે, કોઈ કે માથા ઉપરના ફાળિયાના લીરા લપેટેલ, કોઈએ વળી આકડાના પાકલ પાંદ અથવા આવળની ડાળખીઓ માથા પર બાંધેલ - એવા સેંકડોને એણે ખોદતાં, સૂડતાં, વાઢતાં, છાણાં વીણતાં, પાણી વાળતાં, હળ હાંકતાં દીઠાં. પોતાનો પ્રકશ હજુ જાણે ઓછો પડતો હોય તેવી દાઝથી સૂર્ય પોતાનાં કિરણોની નળીઓ મૂકી-મૂકીને આ પ્રત્યેક કંગાળ આંખની રોશની શોષી રહ્યો હતો.

બપોરે ખેતમજૂરો ખાવા બેઠાં. ખોઈમાં એક્કેક લૂખો રોટલો બાધેંલો તે પેટમાં ઉતારીને સહુ પાસેની વાવમાંથી મીઠું કે ભાંભળું - જેવું હોય તેવું - પીતાં હતાં.

'આ લોકોને યુરોપની હેટો ઓઢાડી હોય ! ચીનાઓ સાદડીની મોટી છત્રીઓ જેવી ટોપીઓ ઓઢે છે, તે આંહીં દાખા કરી હોય ! મિસરીઓની પાઘડીઓ પછવાડે બોચી ઉપર લટકતા પડદાનો છાયો હોય છે, તેવું કંઈક...'

તરત જ એને ભીમા રબારીનો એક ઉદ્ગાર યાદ આવ્યો: "ઈ રોગ બહુ ઊંડો છે, ભાઇ; બહુ લાંબો છે, એનો ભેદુ તો કોઈ કાળાન્તરે જાગશે, અટાણે તો છાલિયું છાશ..."

હા, છાલિયું છાશ: આભ ફાટ્યું ત્યાં થીગડું દેવા જેવું, થીગડું તો થીગડું. પ્રવીણ આથી વધુ ઊંડુ સમજે તેમ નહોતો: એનું ગજું કેટલુંક? એને એકજ વાતની રામતાળી લાગી ગઈ ! છાલિયું છાશ.

એણે ત્રણ ભેંસો ખરીદી. ઘેર સાથી રાખ્યા. દૂધ પોતે જમાવે. સવારે ચાર વાગ્યે જાગીને છાશનું વલોણું પોતે ઘુમાવે. સવારે સહુ લેવા આવનારાંને બોઘરાં ભરી ભરી પોતે આપે. એના જીવનમાં રસ રહ્યો ફક્ત -છાલિયું છાશનો.

છાશની પરબ બંધાઈ ગઈ. મજૂરમૂલીના લૂખા રોટલા ભીના થયા. પણ સાથોસાથ પ્રવીણની સ્ત્રીનાં નેત્રો પણ અણસૂક અશ્રુ-ધારા વહાવતાં થયાં: માંડ માંડ ઈશ્વરે દિ' વાળ્યો, દળણા-વાસીદામાંથી માંડ છૂટ્યાં, મોજ કરવાની માંડ વેળા મળી ત્યાં ધણીને આ શો ધંધો સૂઝ્યો ! બહુ થતું હોય તો પાંચ નોકરો રાખીને છાશ ક્યાં નથી કરાવી શકાતી ?

ના, ના પ્રવીણના અંતરનો ઘા ઊંડો હતો. એણે બધું નોકરને હાથે ન છોડી દીધું. એ તો ભેંસોના છાણ-વાસીદામાં પણ પોતે જ રગદોળાઈ ગયો. રાતે એનો ખાટલો કોઢ્યમાં પડતો. ત્યાં સૂતોસૂતો પ્રવીણ નિયમિત ભેંસોને નીરણ કરતો, પાવડી વતી છાણ વાળતો, ભેંસોની ઘાસ-પથારી કરતો, પ્રભાતે પાણી પાતો.

પ્રવીણ ઢોર ભેળો ઢોર બન્યો. પહેરવા ઓઢવાના એના શોખ ગયા. ગામતરાંની સે'લગાહ ગઈ. મિત્ર-મહેમાનો આવે તો પણ આ નિત્ય-કર્મ છૂટે નહિ. ગામને પ્રવીણે છાશથી તરબોળ બનાવ્યું. માખણ ઊતર્યા વિનાની જ છાશ વહેંચાતી.

ને એની કોડભરી વહુ રડતી જ રહી.

*

પંદરેક વર્ષોથી ચાલેલો છાશનો અમી-પ્રવાહ હજુ અટક્યો નથી. અખંડ ધારા વહી રહી છે.

ભેંસો પછી ભેંસો એ વધારતો ગયો. વેતર પણ વધ્યાં. લગભગ એક નાનું-શું ખાડું બની ગયું. એને ચારવા પણ પ્રવીણ પોતે જ જવા લાગ્યો. ગૌર-વરણો એનો દેહ ધીમે ધીમે ત્રાંબાનો રંગ પકડતો ગયો. પણ એને સુખ હતું: આરસીમાં જોવાનો મોહ ટળ્યો હતો. છાશની ગોળીમાં એ પોતાનું ભૈરવરૂપ પ્રતિબિંબ ક્યારેક ક્યરેક નિહાળી લેતો.

પણ લોકો છાની-છાની વાતો કરતાં હજુ: "બહુ મોટો ત્યાગી ! માયા તો હજુ એવી ને એવી બૅન્કમાં પડી છે: ઈ કાં નથી વે'ચી દેતો આ લો'કું ને !"

'હા, સાચું' પ્રવીણને છૂપું-છુપૂં ખટકતું. પણ મોહ મુકાતો નહોતો.

એક દિવસ કુદરતે જ એનો અવાજ સાંભળ્યો: રાજપલટાનો એક એવો કડાકો બોલ્યો કે પ્રવીણના હાથમાં કાગળના કટકા જ રહ્યા; માયા હતી તે ગેબમાં ચાલી ગઈ.

પ્રવીણે રાજી થઈને એ કાગળીયાના લાલ-લીલા રૂપાળા કટકા બંગલાનાં બારણા ઉપર ચોંટાડીને શોભા કરી. પેટમાં ઉકળાટ થયો, તે છાલિયું છાશ પીને શાંત પાડ્યો.

પણ પ્રવીણે તમામ માયા કાગળિયામાં નહોતી રોકી: સોનાની લગડીઓએ રાજ-પલટાના વાયરા ન ઉપાડી જઈ શક્યા. એક દિવસ સાંજ પછી અંધારું ઊતર્યાં પછી લગડીનું એક પરબીડિયું વાળી, બગલમાં દબાવી પ્રવીણ બહાર નીકળ્યો. તે દિવસવાળાં જ ડોસો-ડોસી ડગુમગુ ઘેરે જતાં હતાં, તેની પાછળ-પાછળ લપાઈને પોતે પણ ચાલ્યો. રસ્તે તો એકબીજાને ખભે હાથ રાખીને બુઢ્ઢાં ધીરે સ્વરે વાતો કરતાં હતાં:

"આજ તો રોટલો ભાવે એવું રહ્યું નથી. કૂરજીની ગા તરફડી-તરફડીને મૂઈ, એ નજરે દીઠા પછી ધાન ગળા હેઠે નહિ ઊતરે."

"કાલ આપણે સીમાડે સંધી ગાયનું ધણ હાંકી નીકળેલો. પચાસેય ગાયું શીતળામાં ગેગી ગઈ. રૂંવે-રૂંવે માતાના દાણા પરોવાઈ ગયા'તા. કાળી લૂ વાતી'તી. ન મળે ઝાડવાની છાંયડી, પાણીની બહોળપ. આંહીં પાદરમાં કોઇએ ઊભાં રે'વા દીધાં નહિ. સાંજ પડ્યે પચાસ દૂઝણી ગાયું સીમાડે ઢળી પડી. મોરલા જેવી વાછડિયું ભાંભરડા દિયે છે."

"અને સંધીનું ફટકી ગયું - કે' છે."

"હા. સંધીની ડાગળી તો સાવ ખસી ગઈ છે. બીજું કાંઈ નથી કરતો; પણ તાંબડી અને નોંઝણું લઈને ઊભો રે' છે: જાણે ગાયોને દો'વી હોય ને, એમ વાંભ ઉપર વાંભ કરી કરી, નામ દઈ દઈ બોલાવે છે: ને પછી બેસી, ગોઠણ વચ્ચે તાંબડી દબાવીને કેમ જાણે દો'તો હોય, એમ હાથના ચાળા કરતો કરતો ગાય છે. સામે જ ગાયુંને તો સમળાઓ ને ગીધડાં ઠોલી રહેલ છે."

"અરેરે ઠાકર ! શો કોપ છે !"

"કોપ તો કાંઈ ન કે'વાય. શીતળાના રોગ કાંઈ ન મટે એવું થોડું છે ? પણ જ્યાં માણસુની દવાએ કોઈ પોગતું નથી, ત્યાં પશુનાં દવાદારૂ કરવાની કોને પડી છે ?"

"હા, રાજ તો જીવતાં-મૂવાં તમામ ઢોરની પાન-ચરાઈ મેલાવે છે. વાછરુ પેટમાં હોય એનીયે ચરાઈ છોડતાં નથી. નથી મૂવાંના ચામડાંની ભામ લેવાનું ભૂલતાં. પણ દવાદારૂ થોડાં કરે છે !"

"મા'જનનેય એવું સૂઝતું નથી."

"મા'જનની તો પોતાની પાંજરાપોળું જ મડદાંથી ઊભરાય છે ને રોજરોજ !"

"અહોહો ઠાકર ! દયાવંતો ને દાનેશ્વરીઓ દેરાં-દેવલાંમાંથી નવરાં થાતાં નથી. નત્ય-નત્ય કાંઈ ઓછાં કેસર-ચંદણ ઘસાય છે ! કાંઈ થોડી રસોયું રધાય છે ! કે' છે કે મુંબઈમાં મૂરખ્યાં હવેલીએ ગાયુંને જલેબી-લાડવા ખવરાવે છે !"

"હેં-હેં-હેં-હેં..." ડોસો દુઃખની દાઝમાં હસી પડ્યો.

ત્યાં તો ખોરડું આવી ગયું. ખડકીથી માંડીને માયલી કોરના ઓરડા સુધી હાથ ફેરવી-ફેરવીને બેઉ જણાં અંદર પહોંચ્યાં. અંધારે-અંધારે પાણી પીધું. બેઠાં.

ડોસો બોલ્યો:" ઠાકરે આખ્યું લઈ લીધી... અરજણ ને જાદવ જેવા દીકરાય ખેંચી લીધા... પણ આ હાથને એવા સજીવન રાખ્યા છે, કે જાણે ચાર દીકરા: બે મારા ને બે તમારા !"

"અરેરે !" ડોશીએ કહ્યું: "સંજ્યા ટાણે અરજણ ને જાદવ ક્યાંથી સાંભર્યાં વળી તમને ? રાત આખી નીંદર નહિ આવે. નજર સામે તરવર્યાં કરશે."

"ના. એમ નહિ; પણ આ તો બેમાંથી એક બેઠો હોત ને, તો એને આપણે પરવીણચંદરભાઈની પાસે મોકલત."

"શા સાટુ ? આપણે શી ભીખ માગવી છે વળી ?"

"ના, ના; તમે મૂંઝાવ મા. આપણે એની એક રાતી પાઈયે ન ખપે.

તમે જુઓ છો ને ગામ આખું છાશ લઈ આવે છે: આપણો પગ હજુ ઊપડ્યો છે ત્યાં જાતાં ?"

"ત્યારે ?"

"બીજું કાંઈ નહિ... પણ આ છાશની હડેડાટની હારોહાર એકાદ ઢોરનું દવાખાનું અને દાગતર રાખવાનું કે'વરાવત. આપણને કાંઈ કે'તાં થોડું આવડે છે ? ઈ મોટા માણસની પાસે તો આપણો અરજણ હોત તો કડકડાટ વાતું કરી આવત. દીકરા વિનાનું તો એવું છે: હેં-હેં-હેં-હેં... ! ડોસો પોતાના કંઠમાં ભરાયેલા ડૂમાને એ રીતે હસીને હડસેલવા મથી રહ્યો.

પ્રવીણચંદ્ર ત્યાં ઊભોઊભો આ બધું સાંભળતો હતો. એ સાદી વાતોની અસરથી એના ગળામાં પણ જે ખરેડી પડી હતી, તેને ખંખેરવા માટે એનાથી ખોંખારો થઈ ગયો.

"કોણ ઈ ?" ડોસાએ અવાજ કર્યો.

"બાપા !" કહેતો પ્રવીણ પાસે ગયો. "મને ન ઓળખ્યો ? તે દિ' ઘોડાઘાડીની ઠોકર; લગાડી તને બેઉને પછાડેલાં તે."

"કોણ - પરવીણચંદરભાઈ !"

"હા, જેની છાલિયું છાશ હજી તમે નથી સ્વીકારી તે અભાગી હું."

"તમે અટાણે આંહીં ક્યાંથી, ભાઈ ? આહીં આવો; બેસો"

"પાસે આવીને બેસું તો મને ફરી વાર માખણનું દડબું આપશો, માડી ?"

"માખણનું દડબું !" દોશી કંઈ સમજ્યાં નહિ.

"હા, એ માખણના દડબા જેવો જ સુંવાળો હાથ ફેરવશો મારા મોં ઉપર ?"

"આવ, બાપ; ઊજમ વહુનો દીકરો ઈ તો મારો જ દીકરો: મારો અરજણ અને જાદવ !" ડોશીએ પ્રવીણને ગાલે, કપાળે ને ગળે હાથ ફેરવી પંપાળ્યો.

"ઈથીય વધુ;" ડોસો બોલ્યો: "કેમકે તુંને-મુંને તો દીકરા પાળત, પણ આખા ગામને પાળવા કાંઈ અરજણ-જાદવ થોડા જાત !"

"બાપા !" પ્રવીણે કહ્યું: "મને અરજણભાઈ હમણાં જ આખી વાત કહી ગયો."

"કોણ ? અરજણ ! શેની વાત ?"

"ઢોરના દવાખાનાની. આમ જુઓ: આ શું છે ?"

પ્રવીણે પરબીડિયામાં બુઢ્ઢાનો હાથ મૂક્યો.

"આ શું ? હેમ !"

"આ મારી છેલ્લી મૂડી. એમાંથી દવાખાનું ઊભું કરીશ. અને તમે બેય જણાં હવે ખાશો ? હું જાઉં છું એ ગાંડા થઈ ગયેલ સંધીને ગોતવા."

ડોસા-ડોસી એકબીજાંના હાથ ઝાલીને કેટલી વાર સુધી મૂંગા બેઠાં રહ્યાં !


Rate this content
Log in

Similar gujarati story from Inspirational