હાથને ચીરો તો ગંગા નીકળે
હાથને ચીરો તો ગંગા નીકળે
હાથને ચીરો તો ગંગા નીકળે,
છેવટે એ વાત અફવા નીકળે.
બૉમ્બની માફક પડે કાયમ સવાર,
એ જ કચ્ચરઘાણ ઘટના નીકળે.
કોઇ સપનું છીછરું વાગ્યું હતું,
ને જનોઇવઢ સબાકા નીકળે.
સ્તબ્ધ આંખોની કરો ખુલ્લી તપાસ,
ભોંયરાઓ એના ક્યાં ક્યાં નીકળે ?
એ શું ક્બ્રસ્તાનનું ષડયંત્ર છે ?
મુઠ્ઠીઓ ખૂલે ને મડદાં નીકળે
દાબડીમાં એક માણસ બંધ હોય,
ઢાંકણું ખોલો તો લાવા નીકળે.
વક્ષની ખંડેર ભૂમિ ખોદતાં,
કોઇ અશ્મીભૂત શ્રધ્ધા નીકળે.
માર્ગમાં આવે છે મૃત્યુની પરબ;
જ્યાં થઇ હરએક રસ્તા નીકળે.
‘ર’ નિરંતર મેશ-માં સબડે અને,
સુર્ય પણ નીકળે તો કાળા નીકળે.