વિશ્વ માનવ - મહાત્મા ગાંધી
વિશ્વ માનવ - મહાત્મા ગાંધી


“વિશ્વ માનવ” અને સત્ય-અહિંસાના પૂજારી એવા ભારતના રાષ્ટ્રપિતા મોહનદાસ કરમચંદ ગાંધી-“બાપુ” ના જીવન વિશે આપણે તો શું વર્ણન કરી શકીએ? અગણિત માહિતિનો ભંડાર એમની જીવન યાત્રા પર દરેક ભાષામાં જોવા મળે છે. તા.૨-૧૦-૧૮૬૯ થી તા.૩૦-૧-૧૯૪૮ દરમ્યાન જીવાયેલું એમનું સમગ્ર જીવન જ અદભુત, અવિસ્મરણીય અને માનવજાતને એક નવો જ સંદેશ આપતું દૈદિપ્યમાન અને પરમવંદનીય છે. એમની જીવન યાત્રા એક મહાસાગર છે, મહાસાગરો એક બીજાને મળે તો છે, પરંતુ પૃથ્વી પર તેઓનું અસ્તિત્વ સદેવ અફાટ સમુદ્ર સમું જ રહે છે. એ જ રીતે મહાત્મા ગાંધીનું જીવન પણ, વિચારોનું, શબ્દોનું, સત્યતાનું, અહિંસાનું,સાદગીનું, પરોપકારનું, અચળ નિષ્ઠાનું,અદભુત શકિતનું, ઈશ્વર પર અટુત શ્રદ્ધાનું -આસ્થાનું -અને સૌથી વધું તો શ્રીમદ ભગવદ ગીતાજીના દરેક શબ્દોને ચરિતાર્થ કરીને જીવાયેલું અનંત વર્ષો સુધી જગતમાં આદરભર અમર રહેનારું છે.
“મારા પ્યારા બાપુ”-આ ત્રણ શબ્દોમાં જ જાણે કે ત્રણેય દેવોનો વાસ હોય તેવું લાગે છે. મારા=પોતાકી પણું,
પ્યારા=પ્રેમ અને લાગણી સભર વ્યવહાર અને બાપુ=પિતા-રાષ્ટ્રપિતા. સૌથી વધું આકર્ષણ પમાડે એવો શબ્દ મારે મન પ્યારા છે. એ સૌના છે, એમનું જીવન સૌના માટે એક આદર્શ જીવન બની જાય છે. વિશેષ આનંદની વાત એ છે કે, બાપુ બાળકોને સૌથી વધું પ્રેમ કરતાં હતાં. થોડીક નવાઈ લાગશે, પણ બાપુની જીવન-યાત્રામાં એવા ઘણાં પ્રસંગો છે, જેમાં વિશ્વ-માનવ બાળકોની સાથે બાળક જેવા બની, પોતાના ચહેરા યુક્ત અદભુત હાસ્યથી, અપ્રિતમ વ્હાલનું મીઠું ઝરણું વહાવતા દેખાય છે. નાના બાળક સાથે તેઓનો એક પ્રખ્યાત ફોટો જ આ બાબતની સાક્ષી પુરાવે છે. અદભુત . બાપુ માત્ર મારા કે આપના જ નહિં, પરંતુ સમગ્ર માનવ જાતને પ્યારા છે.
બાપુ ની જીવન યાત્રા વિશે અ સંખ્ય ભાષાઓમાં અને અનેક પ્રખ્યાત લેખકો/કવિઓ દ્વારા લખાયેલું છે અને હજુ પણ અવિરત પણે વિશ્વની અનેક ભાષાઓમાં લખાઈ રહ્યુ છે, તે બાબત જ બતાવે છે કે બાપુનું જીવન કેવું અદભુત અને પ્રભાવ શાળી છે. એમ કહેવાય છે કે વિશ્વના મોટા ધાર્મિક ગ્રંથો બાદ જો કોઈ પણ પુસ્તકનું પ્રકાશન થતું હોય તો મહાત્મા ગાંધીના જીવન પર આધારીત ગ્રંથો-પુસ્તકોનું છે. ભારત ના ઈતિહાસ માં અજર-અમર રહેનારી આ મહાન વિભુતિ માત્ર ભારત માટે જ નહિં પણ વિશ્વ માટે આદરની અને વંદનીય વ્યકિત છે. અમેરીકાના પ્રખ્યાત ટાઈમ્સ મેગેઝીન દ્વારા પણ વર્ષો અગાઉ મોહનદાસ કરમચંદ ગાંધી-બાપુ-ભારતના રાષ્ટ્રપિતાને પોતાના મેગેઝીનના મુખ પૃષ્ઠ પર આદર ભર્યુ સ્થાન આપી-“ મેન ઓફ ધ મીલેનિયમ“ તરીકે નવાજેલ અને એ રીતે પોતાની શ્રધ્ધાંજલી સાદર કરેલ હતી. આ સમયગાળા દરમ્યાન વિશ્વ નવી સદી તરફ પ્રયાણ કરી રહ્યુ હતું ત્યારે ફરીથી ગાંધી વિશે નવી પેઢીને જાણવાની ઉત્કંઠા વધી ગયેલ અને નવા કલેવર માં –વિડીઓ-દ્વારા પણ ગાંધીજી વિશે ઘણું બધું ઉમેરાઈ ગયું. બાપુની જીવન યાત્રા વધું ને વધું લોકો સુધી નવા રુપમાં પહોંચતી થઈ. વિશ્વમાં જો સૌથી વધું પ્રખ્યાત અને આદરપૂર્વકનું સન્માન હોય તો તે છે “નોબેલ પારિતોષિક”-અલગ-અલગ ક્ષેત્રે મેળવેલ અદભુત સિધ્ધિઓ માટે દર વર્ષે આ સન્માન આપવામાં આવે છે, એવું કહેવાય છે કે, જયારે ગાંધીજીને નોબલ પારિતોષિક આપવા માટે વિચારણાં થયેલ ત્યારે સન્માનીય ઝ્યુરીએ ગાંધીજી જેવી મહાન અને સન્માનીય વિભુતિ “નોબેલ પારિતોષિક”થી પણ વધું સન્માનીય ગણેલ અને એ રીતે ગાંધીજીને સન્માનનો એક વિશેષ દરજ્જો આપવામાં આવે છે. આ જ બાબત “ભારત રત્ન” આપવા બાબતે જોવા મળેલ છે-કોઈ હસ્તિ જ્યારે કોઈ માન સન્માનથી પણ વધું સન્માનીય બની જાય છે ત્યારે જ માનવ ઈતિહાસમાં ગૌરવપૂર્ણ ક્ષણોનો ઉલ્લેખ થતો હોય છે.
આ મહા-માનવ પોતાના માટે, પોતાના જીવન વિશે શું કહે છે એ જાણશો તો ખરેખર અચરજ પામશો. માત્ર એક જ વાક્ય માં-“ મારું જીવન એ જ મારો સંદેશ છે.”-કેવો અવિસ્મરણીય સંદેશ. ગાંધીજી દરેકને એટલું તો જરુર કહેતાં કે, સત્ય બોલવામાં જે આનંદ આવે છે, અને આ આનંદનું વિશેષ મહત્વ આપણા જીવનમાં હોય છે. નાનપણ, બાળ સહજ થયેલી ભૂલોનો લેખિતમાં પિતાજી પાસે સ્વિકાર કરનાર આ માનવીએ પછી ક્યારેય ખોટું ન બોલવાનું પ્રણ લઈને પોતાનું સમગ્ર જીવન સત્ય અને અહિંસાને સમર્પણ કરેલ. બાપુને મન તમારા વિચારો જ ત મારા જીવનને પ્રગતિ તરફ અથવા તો વિનાશ તરફ લઈ જવામાં કારણભૂત હોય છે અને એટલે જ વિચારોની શુધ્ધતા પર તેઓ એ ખુબજ ભાર આપ્યો છે. એક શબ્દાવલી અહિં લખવાનું મન થાય છે—વિ શ વ ટે મુ નિ---ગાંધીજીનું જીવન-મંત્ર ટૂંકમાં સમજીએ તો-તમારા વિચારો જ તમારા શબ્દો બને છે, જે પછી વર્તણુંક અને ટેવમાં પરિવર્તિત થાય છે, આ બધું જ તમારા જીવન મૂલ્યો બને છે જે તમને તમારી નિયતિ તરફ લઈ જાય છે.
ગાંધીજીમાં એવું તે કેવું વ્યકિતત્વ હતું કે, ભારતની આઝાદી અપાવવામાં મહત્વનો ભાગ ભજવી શકયા. આમ જુઓ તો ખાસ ક્શું જ નહિ -સાદગી ભર્યુ, સત્યતા યુક્ત, નિડરતા, મજબુત ઈરાદો અને અહિંસા થકી જ ગાંધીજી સામે વાળી વ્યકિતને નત- મસ્તક કરી દેવાની અજબ કુનેહ ધરાવતાં હતા. આપણા પ્યારા બાપુની જીવનયાત્રા ના એવા ઘણાં પડાવો છે જે વિશે ખુબજ ઓછું લખાયેલ હશે-ગાંધીજી ની હાજર જવાબી પણું અને વિનોદ વૃતિ. હા ગાંધીજી હાસ્યયુક્ત જીવન પણ માણતા અને લોકોને પણ તેમાં સહભાગી બનાવતાં. ગાંધીજી ને ક્યારેક કોઈ પ્રશ્ન કરે કે આપ ટ્રેનમાં ત્રીજા વર્ગમાં જ શા માટે મુસાફરી કરો છો? ત્યારે જવાબ હાજર જ હોય-કારણ કે ચોથા વર્ગનો ડબ્બો ટ્રેનમાં છે જ નહિ. ઈંગ્લેન્ડના તેઓના પ્રવાસ વખતે રીપોર્ટરે તેમને પૂછ્યું કે-આપની પાસે રાજાને મળવા માટે સારા કપડાં છે ને? જવાબ-હા રાજા પાસે બંને માટે પૂરતા કપડાં તો છે. આઝાદીના સંગ્રામ વખતે ક્યારેક તેઓ પોતાને- નોન-વાયોલેન્ટ આર્મીના વન મેન કમાંડર પણ કહેતા હતા. નિખાલસતા અને વિનોદ વૃતિ તેઓના જીવન ના અંગ સમાન હતા. તેઓ પોતેજ કહેતા કે “ જો મારા માં વિનોદ વૃતિ ન હોત તો મેં તો આત્મહત્યા કરી લીધી હોત”
મહા-માનવ ના જીવન પથ પર ચાલવું દરેક માનવીની હેસિયત નથી અને જો કોઈ પ્રયત્ન કરે તો કદાચ મધ્યાંતરે સુધી પણ ન પહોંચી શકે, એવું જીવન બાપુ જીવી ગયા. એમના સત્ય અને અહિંસાના માર્ગે ગતિમાન થઈએ એજ કદાચ આપણી સૌની સાચી શ્રધ્ધાંજલી ગણાશે. પ્રખ્યાત નોબેલ પારિતોષિક વિજેતા અને મહાન વિજ્ઞાની આલ્બર્ટ આઈન્સ્ટાઈનના શબ્દોથી મારી શ્રધ્ધાંજલી આપી પૂર્ણતા અનુભવીશ. “જનરેશન્સ ટુ કમ, ઇટ મે વેલ, વીલ સ્કેર, બીલીવ ધેટ સચ અ મેન એટ ધીસ વન ઓવર ફ્લેશ એન્ડ બ્લડ વોકડ અપોન ધીસ અર્થ." બાપુનું સમગ્ર જીવન જ આપણાં સૌ માટે જીવનની પાઠશાળા સમાન છે અને એમાં અભ્યાસ કરીને ઉત્તીર્ણ થવું એ આપણાં જ કર્મો અને કાર્યોને આભારી હશે. બાપુ ખુબજ પ્યારા છો આપ. આપના જીવનમૂલ્યો ને અનુસરવાની પ્રભુશક્તિ અર્પે એવી પ્રાર્થના સહ વંદન.