Kirit trivedi

Others

3.0  

Kirit trivedi

Others

આત્મચિંતન, આત્મખોજ, આત્મ-નિર્ભરતા, આધ્યાત્મિકતા અને કરુણાનું વર્ષ-ઈ.સ.૨૦૨૦

આત્મચિંતન, આત્મખોજ, આત્મ-નિર્ભરતા, આધ્યાત્મિકતા અને કરુણાનું વર્ષ-ઈ.સ.૨૦૨૦

7 mins
349


વિશ્વ-ઈતિહાસની તવારીખો પર આપણે જ્યારે નજર કરીએ ત્યારે, ઘણી-બધી યાદગાર બાબતો અને વિશ્વ-માનવને હર-હંમેશા હેરત પમાડનાર અદભૂત ઘટનાઓ મનોચક્ષુઓ પર ચરિતાર્થ થતી અચુક જોવા મળશે.-એનું અનેરુ મહત્વ-મૂલ્ય પણ કદાચ હોઈ શકે છે. નરી વાસ્તવિકતા તરફ જોઈએ તો મનુષ્ય-બલિદાનની અવિસ્મરણીય ઘટનાઓ તો હજુ પણ આંખોને ભિનાશ આપવા સમર્થ છે.

        માનવ-જીવનના વિકાસની સાથે અને નવી ટેકનોલોજી-નવા વૈજ્ઞાનિક આવિષ્કારોથી થયેલ અનુકુળતા ભરેલ સમયની સાથે કરુણામય પ્રસંગો પણ માનવ-જીવનનો અનિચ્છિનય ભાગ બનતા આવેલ છે, તે પછી આરોગ્ય ક્ષેત્રે હોય કે સામાજીક ક્ષેત્રે કે પછી અગ્મય કારણોસર રાજકીય ક્ષેત્રે થતી દુખ-દાયક ઘટનાઓ કેમ ન હોય. માનવ વિકાસ ઘણીવાર એવા સમીકરણોનું સર્જન કરે છે જેને સમજવું સામાન્ય માનવી માટે ખુબજ જટીલ બાબત બની જતી હોય છે. વિશ્વ-ઈતિહાસના છેલ્લા ૨૦૦-૨૫૦ વર્ષની થોડીક યાદગાર ઘટનાઓમાં અબ્રાહમ લિંકન, જહોન એફ.કેનેડી અને વિશ્વ માનવ એવા મહાત્મા ગાંધીજીની હત્યાએ સમગ્ર વિશ્વને દિગ્મુઢ બનાવેલ એમ કહીએ તો અતિશ્યોકિત નહિં ગણાય. માનવ-જીવનને વિનાશક બિમારીનો ભોગ બનાવનાર મહામારીઓ હજુ પણ પોતાનું બિહામણા સ્વરુપે નજર સમક્ષ લઈ આવવા સક્ષમ છે. ભૂતકાળમાં સ્પેનીશ ફિવર,પ્લેગ, ટીબી જેવી અનેક મહામારીની સામે માનવી નત મસ્તક બનેલ, એ પણ વિધિની વક્રતા નહિં તો બીજું શું? 

        વિશ્વ ઈતિહાસના પૃષ્ઠો પર મહાશક્તિ હોવાનો પરચો આપવામા અભરખામાં અને એક-મેકના અહમના ટકરાવને કારણે થયેલ બે-બે વિનાશક વિશ્વ-યુધ્ધોને અને તેના થકી થયેલ વિનાશક તારાજીને, લાખો લોકોના બલિદાનને હજુ પણ લોકો ભૂલ્યા નથી, કારણ કે બીજા વિશ્વ-યુધ્ધનો અંત લાવવા અણુશક્તિનો-અણુ બોંબનો માનવ-વિનાશ માટે સૌ પ્રથમ વખત ઉપયોગ કરવામાં આવેલ-જે માનવ અંહકારની પરાકાષ્ઠા સમાન ગણી શકાય-લાખો લોકોના બલિદાનના અંતે દરેક દેશોને સમજાઈ ગયું કે વિશ્વે વિકાસની સાથો-સાથ શું ગુમાવ્યુ છે, પણ ત્યારે ખુબજ મોડું થયું એવું હવે લાગે છે-આ બધાના ફલસ્વરુપે જ વિશ્વ-ના કલ્યાણ હેતુસર 'યુનાઈટેડ નેશન્સ' નો જન્મ થયો અને બાદમા વિવિધ અન્ય વિશ્વ-સંસ્થાઓનું નિર્માણ થતું ગયું.

        ત્યાર બાદનો ઈતિહાસ અવનવી અને રોમાંચક ઘટનાઓ સમાન પણ હતો, માઉન્ટ એવરેસ્ટનું આરોહરણ અને અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે મેળવેલ સિધ્ધિઓના કારણે માનવીએ ચંદ્ર પર અવતરણ કર્યુ-હા, માનવામાં ન આવે એવી અને વિશ્વ-માનવ ને અચરજ પમાડે એવી વિરલ ઘટના જાણે કે સાકાર થઈ. વૈજ્ઞાનિક વિકાસની અને અવકાશને માપવાની અજીબ એવી હોડમાં જમીન પરની સચ્ચાઈ ભૂલાતી ગઈ અને નવી બિમારીઓ-જેવી કે-કેન્સર-જીવલેણ બિમારીઓ ક્યારે મનુષ્યના શરીરમાં પ્રવેશી ગઈ એની જાણે કે ખબર જ ન રહી-લોકો માટે તો કેન્સર-કેન્સલ-જીવનનો અંત. આજે પણ કેન્સરને વિશ્વ-મહામારી સમાન ગણી શકાય, એવો એનો પ્રભાવ છે.

        આવી તો ઘણી સુખ-દુખ ની ઘટનાઓનું નિર્માણ થતું ગયું, જેમાં મનુષ્ય દ્વારા અને કુદરત દ્વારા થયેલ અનેક આફતોનો સમાવેશ કરી શકાય-સિર મોર એવી ઘટના-અમેરિકા જેવા શકિતમાન દેશ માં વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર અને ભારતની સંસદ પર પણ થયેલ આંતકી હુમલો. મોરબી જળ હોનારત અને કચ્છ ભૂકંપને તો ગુજરાત કેવી રીતે ભૂલી શકે.-આમ વિતેલા વર્ષોમાં દુનિયા ભરમાં ઘણી-બધી યાદગાર અને દુખની ક્ષણો સાથે આનંદ પમાડે એવી અનેક ઘટનાઓ બનેલ છે-જેના આપણે સાક્ષી પણ કદાચ સાક્ષી બન્યા હશું. વિશેષ ઉલ્લેખ કરવાનું મન થાય એવી ઘટનાઓમાં વિશ્વમાં સૌથી ઉંચી મુર્તિ-'સ્ટેચ્યુ ઓફ યુનિટી'-નું નિર્માણ અને લોકોનું આ વિશ્વ અજાયબી સમા શિલ્પ પ્રત્યેનું અજીબ આકર્ષણ અને મહાન સપુત માટેનો આદર અને પ્રેમ.

        અને છેલ્લે એક ક્રાંતિકારી શોધ ને તો કેવી રીતે ભૂલી શકાય-મોબાઈલ ની દુનિયા-'કર લો દુનિયા મુઢ્ઢી મેં'. આજે અને ખાસ કરીને વર્ષ-૨૦૨૦ માટે તો એ વિશ્વ-માનવ માટે તો એ જીવન-સંજીવની સમાન ગણી શકાય તેમ છે-માનવીનું સમગ્ર જીવન હવે તેના આધિન છે એમ કહી શકાય.

        જીવનની ઘટમાણ સાવ સામાન્ય રીતે અને કોઈ મોટા દુખ વિના નિરંતર ચાલ્યા કરે એવું તો કુદરતને ક્યાંથી ગમે-એનો એહસાસ વિશ્વ-માનવને વર્ષ-૨૦૨૦ માં ચોક્કસ પણે થયો છે-એવું હવે વર્ષની વિદાય વેળાએ કબુલ કરવાનું મન સહજ થાય જ. આ વર્ષ એટલે કે, સમગ્ર માનવ જાતિ માટે કષ્ટદાયક, કરૂણાજનક, હ્દ્રય દ્રાવક, અક્લ્પનીય અને એક અલગ જ ઈતિહાસની રચના કરનાર. કોવીડ-૧૯ ની મહામારીએ વિશ્વ ફલક પર જે ભયાવહક દ્ર્શ્યો સમાજના લગભગ દરેક માનવીઓને દેખાડયા છે તે અતિશય દારુણ અને હ્ર્દયને દ્રવિત કરવા શક્તિમાન છે અને તેનું કારણ છે, માત્ર એક નાના એવા વિષાણુ –“કોરોના”-કોવીડ-૧૯. આ મહામારીના પ્રભાવ હેઠળ વિશ્વની મહાસતાઓ પણ તેની સામે ઘુંટણ ભેર થયેલ જોવા મળેલ અને ભારત જેવા વિકાસ પામતા અને વસ્તીની સાપેક્ષે બીજા ક્રમે આવતા દેશની શું પરિસ્થિતિની તો કલ્પના જ કરવી રહી. વિતેલા સમગ્ર સમયમાં કોરોનાએ કેવું વિકરાળ સ્વરુપ ધારણ કરેલ હતું? તેના આપણે સૌ પ્રત્યક્ષ દર્શન કર્તા છીએ અને કોઈ એવો દિવસ નથી આવ્યો જ્યારે વિશ્વે નિરાંતનો શ્વાસ લીધો હોય, અને એટલે જ આક્રંદના ભયાવહ એવા વર્ષ-૨૦૨૦ ના અંત સમયે હવે જ્યારે કોરોના સામે રક્ષણ આપનાર વિવિધ 'વેક્સીન' ની સફળતાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ત્યારે સમગ્ર વિશ્વ માનવી 'કોમા' માં સરી ગયેલા આ વિશ્વને ફરીથી ઓજસમય અને ઉલ્લાસમય બનવાના શુભ સંકેતો પણ પ્રાપ્ત કરી રહ્યુ હોય એમ લાગ્યા વિના નથી રહેતું. વર્ષ-૨૦૨૦ એ દુનિયાને એકાંત પણે વિચારવાનો એક અલગ જ માર્ગ ચિંધ્યો છે એમ કહીએ તો સહેજ પણ ખોટું નહિં ગણાય. 

        માનવીય અભિગમ તરફ માનવ વિચારતો થયો છે, એને સુંદર અવસર મળ્યો છે, એક બીજાને સમજવાની સાથો સાથ પોતાના પરિવાર સાથે પણ સારી રીતે સમય પસાર કરવાની અદભૂત અને અકલ્પનીય તકનું નિર્માણ આ વર્ષ દરમ્યાન થયેલ છે-એ સૌથી વધું આનંદ ની વાત છે-જેના કારણે કદાચ હવે ધીમે-ધીમે સ્વજનની મૃત્યુની દુખદ પળોને સહજ રીતે સ્વિકારવાની શક્તિ માણસ કેળવતો થયો છે. આત્મ-ખોજ અને આત્મ મંથનથી શરુ થયેલ એક વિચારધારાએ માનવીને ઈશ્વર-પ્રભૂ-જીસસ-કે અન્ય ઈષ્ટ દેવતાઓની માયાને સારી રીતે ઓળખવાની શકિત આપી છે.કુદરત સામે વિશ્વ-માનવ કેવો લાચાર બની જાય છે એનું જીવંત ઉદાહરણ વર્ષો બાદ આપણે અનુભવ્યુ છે.

        એક રીતે જોઈએ તો ઈશ્વરે જ કદાચ અજાણતા જ માનવીને તેના પોતાની અંદર છુપાયેલ અદમ્ય શક્તિને સારી રીતે ઓળખવાની તક આપેલ છે.દુખ તો આવે અને દુખના કારમા કાળમાં પણ મનુષ્ય પોતાનું સમગ્ર જીવન પરમ કૃપાળુ પરમાત્માને સર્મપિત કરતો થયો છે-એ નરી વાસ્તવિકતા છે. કોરોના કાળમાં ભલે થોડોક સમય ઘણી બધી મુશ્કેલી ભર્યો બન્યો હોય-લગભગ-૬૮ દિવસનો 'સ્વગૃહ-નિવાસ' -'કોમા' માં સરી ગયેલ મનુષ્ય જેવું જીવન હશે,પણ આ સમયગાળામાં ઘણાં એવાય હશે જેઓને ભારતની આઝાદીની લડાઈ દરમ્યાન હંસતા મુખે કાળ-કોટડી, કાળા પાણીની સજા-આંદામાનની જેલમાં મહીનાઓ-વર્ષોની યાતના સભર જેલવાસ કર્યો હતો-તેઓના બલિદાનને પોતાની નજર સમક્ષ જોયું હશે અને અનુભવ્યુ હશે કે આપણી લોક-ડાઉનની કેદ તો કશી વિસાતમાં જ નહોતી.સૌ પોતાના ઘરમાં તો આઝાદ હતા-જેઓએ આ અનુભવ્યુ તેઓનું જીવન પાવન થયું છે. એકાંતવાસ જ મનુષ્યને પોતાની ભિતર ઝાંખવાની સુંદર તક આપે છે. જીવન મુલ્યોનું દર્શન થાય છે.

         ૨૦૨૦-નું વર્ષ આપણા સૌ માટે આત્મચિંતન, આત્મખોજનું વર્ષ તો બન્યુ છે પરંતુ તેની સાથોસાથ આત્મ-નિર્ભરતાનાનું વર્ષ પણ બનેલ છે, એ પણ એક ભારતીય તરીકે સૌ માટે આનંદની અને ગૌરવની બાબત છે. કોરોના કાળની મહામારીએ અંગ્રેજીની કહેવત-'Necessity is the mother of invention' -જરુરીયાત જ આવિષ્કારની જનની છે,એને શબ્દસહ ચરિતાર્થ કરેલ છે. ભારત જેવા દેશે પોતાના દેશના લોકોની સુખાકારી માટે અને આરોગ્ય ની જાળવણી કાજે નવા જ સિમાચિંહનો પણ સ્થાપ્યા છે, જ્યાં વેન્ટીલેટર મળવા મુશ્કેલ હતાં ત્યાં દેશમાં નવીન અને આવિષ્કારીક એવા વેન્ટીલેટર બનાવ્યા, પીપીઈ કીટ નહોતા, ત્યાં હજારોની સંખ્યામાં તે બનવા લાગ્યા, “માસ્ક” માટે તો ગામે-ગામ કુટીર ઉધ્યોગ સ્થાપીત થતો ગયો. દવાઓ-વિગેરેનો પુરવઠો, નવી હોસ્પીટલ્સ, વિગેર કેટલું બધું. વિશેષ કરીને હવે ભારત પોતાના દેશમાં કોવીડ-૧૯ સામે રક્ષા આપનાર વેકસીન બનાવવાની દિશામાં અગ્રેસર બનેલ છે અને ભારતના લોકોને 'વેક્સીન' સમય બધ્ધ રીતે અને આરોગ્યના તમામ માપદંડોના પાલન સાથે આપવાની સિસ્ટમને આખરી ઓપ અપાઈ રહ્યો છે, ત્યારે આપણે મહા આફતને અવસરમાં પલટાવી દીધી છે, એમ કહીએ તો અતિશ્યોકિત નહિં ગણાય. કોરોના કાળમાં ભારતની સૌથી મોટી ઉપલબ્ધિ-આત્મ નિર્ભરતા છે. 

જે જન્મ પામે તેનું મૃત્યુ હોય જ-એ જ સત્ય, એમ એ તો સહેલાઈથી સમજી શકશે, પણ મૃત્યુ બાદ જીવન નું શું? અહીં જ મૃત્યુના ભેદ વિશે જ્ઞાનના મહાસાગરમાંથી મેળવવાનું છે. ભગવદ ગીતાજી ના બીજા અધ્યાયમાં મૃત્યુ નિશ્ચિત છે અને મૃત્યુ પામનાર નો જન્મ પણ નિશ્ચિત છે એ બાબતે જણાવેલ છે.

           जातस्य हि ध्रुवो मृत्युर्ध्रुवं जन्म मृतस्य च |

          तस्मादपरिहार्येऽर्थे न त्वं शोचितुमर्हसि || 27||

સામાન્ય માનવી પણ હવે પોતાના પૃથ્વી પરના પોતાને મળેલ મનુષ્ય જીવનની સમજ આધ્યાત્મિક રીતે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે સમય ફાળવી શકેલ છે. આત્મનિર્ભર ભારતની સાથોસાથ આધ્યાતમિકતા તરફ પણ આપણે હવે વધું વિચારત થયાં છીએ એ પણ સત્ય છે- સ્વજનના મૃત્યુ પ્રસંગે તેના જ સ્વજનોનું નજીક ન હોવાપણાંની કરુણતાનું સત્ય સમજાયું છે, આ સંસાર ઈશ્વરને આધિન છે અને રહેશે અને ઈશ્વર જે રીતે આપણને જીવવાનો માર્ગ બતાવે છે એને જ શ્રેષ્ઠ માનવાનું લોકો સહજ પણે કોરોના કાળમાં શીખી ગયા છે.

         મનોમંથન અને આત્મખોજની અદભૂત જીવન યાત્રા તરફ ગતિમાન થયેલ આ વિશ્વ-માનવીઓને ઈ.સ.-૨૦૨૦ ની યાદો ચિરંજીવી રહેશે એવું હવે પછી લખાનારા ઈતિહાસના પૃષ્ઠો પોતે જ કહેશે. એતિહાસિક પૃષ્ઠ ભૂમિ પર આ વર્ષનું ખુબજ મહત્વ છે-માત્ર ઈતિહાસની રુએ નહિં, પરંતુ, આરોગ્ય અને વૈજ્ઞાનિક દ્રષ્ટીએ પણ. આપણી ભવિષ્યની પેઢી ૫૦-૧૦૦ વર્ષ બાદ કહેતા હશે અરે જુઓ તો ખરા ઈ.સ.૨૦૨૦નું વર્ષ કેવું પીડાદાયક, કષ્ઠદાયક અને કરુણાનું વર્ષ હતું, કેવી ભયાનક મહામારી ભર્યુ હતું અને મેડીકલ ક્ષેત્રે કેવી પ્રગતિ પણ થયેલ હતી, જેમ આપણે આજે ભૂતકાળ ને યાદ કરી છીએ એમજ ભવિષ્ય કહેશે-વંચાશે.

        નવા વર્ષ-૨૦૨૧ ના આગમનની આપણે સૌ રાહ જોઈ રહ્યા છીએ ત્યારે દુખ-દર્દ ભર્યા વર્ષની કરુણ યાદો પણ આપણા મન-મસ્તિક પરથી હમેંશા માટે દૂર થાય,આધ્યાત્મિક ચેતનાનું નિર્મળ વાતાવરણનું પણ સર્જન થાય એવી પ્રાર્થના. માનવી આ કોવીડ-૧૯ ની મહામારી માંથી જેમ બને તેમ ઝડપથી મુક્તિ પામે, સમગ્ર વિશ્વ ફરીથી ઓજસ-મય અને ઉલ્લાસ-મય બને અને માનવીય સંવેદનાઓ વધું પ્રેમાળ બને એવી પરમ કૃપાળુ ઈશ્વર પાસે પ્રાર્થના. વિજય નિશ્ચિત છે. એ પણ પરમ સત્ય જ છે. અસ્તુ.


Rate this content
Log in