અવિનાશી અલગારી

Inspirational Others

3.0  

અવિનાશી અલગારી

Inspirational Others

વડલો કે પીપળો

વડલો કે પીપળો

8 mins
131


અદિતિને મે ક્યારેય આટલી ઉદાસ અને શાંત જોઈ જ ન હતી. આખા ઘરમાં બધા સાથે તોફાન મસ્તી કરતી બાળકો સાથે અને પપ્પા-મમ્મી સાથે પણ. ઘરની બધી અને બધાની કેર કરવામાં એને કોઈ ના પહોંચે. સમજદારી એવી કે વહુ છે કે ઘરની દીકરી એ ખબર પણ ના પડે મમ્મીને એ પહેલેથી જ તુંકારે બોલાવે અને પપ્પા સાથે પણ દીકરી જેમ જોહુકમી કરે અને લાડ પણ.

બંને દીકરીઓ સાથે પણ એવી રીતે રહે કે દીકરીઓ ને મા અને ટીચર બેય એક સાથે મળી ગઈ.

દીકરીઓ એક બે દિવસ પણ ક્યાંય પણ જાય તો પપ્પા છાના ખૂણે રડી લ્યે ને પૌત્રીઓની ગેરહાજરીમાં સાવ નુરહીન દેખાય મમ્મી થોડી સહનશીલ કે બહાર ના દેખાડે અંદર શું થાય છે તે પણ અદિતિ બંને વડીલો ને પણ કહે કે એમાં શું હમણા આવી જશે.

એક વખત બંને દીકરીઓ સ્કૂલમાંથી લાંબા પ્રવાસમાં ગઈ હતી ૧૫ દિવસનો પ્રવાસ અને સિંગાપુર, શ્રીલંકાની દૂરની ટુર એટલે સ્વાભાવિક ઘરના દરેક ને ચિંતા થાય. પપ્પા એના સ્વભાવ મુજબ દિવસમાં છ થી આઠ વખત અદિતિ અને મમ્મીને પૂછ પૂછ કરે કે છોકરીઓના શું સમાચાર ? આજે કેમ હજુ વિડીઓ કોલ ન આવ્યો ? આજે એ લોકો ક્યાં પહોંચ્યા ? શું ખાધું આજે ? ઓલી ટીચર ધ્યાન તો રાખે છે ને ? વળી મમ્મી ચિંતામાં ઉમેરો કરે મને કહે તે બરાબર સમજાવી તો છે ને બેય ને ? ક્યાંય છૂટી ના પડે કોઈની વાતોમાં ના આવી જાય. 

આમ મમ્મી પપ્પા બેય અતિશય ચિંતા કરે એવા વખતે પણ અદિતિ જ બંનેને સમજાવે કે ચિંતા ના કરો ઈ બેય તમારી દીકરીઓ છે. એમ કાંઈ જ નહી થાય બેય બહેનો જલ્સા કરે છે ને આમ કરશો તો એ કેમ તૈયાર થાશે ? અને આમેય તમે બંને એ અમને એવા તૈયાર કર્યા છે કે તમારા દીકરા કરતા અમે ત્રણેય વધારે હિંમતવાળા છીએ હો. આમ કહી ને બધા મારા પર હસતા  હોય.

પરંતુ આ જોમ આ જુસ્સો અને આ હિંમત અદિતિમાં આજે ગાયબ થઈ ગઈ હતી. સતત આનંદમાં રહેવાવાળી અને એના પપ્પાના અચાનક અવસાન વખતે પણ ખુબ જ ઝડપથી સ્વસ્થ થઈ જનારી અદિતિને એવું તે શું થઈ ગયું કે એકદમ મૂંગી થઈ ગઈ અને છોકરીઓને કદી ગુસ્સો ન કરનાર વાતે વાતે બુમ બરાડા કરતી થઈ ગઈ.

આ હાલત એની છેલ્લા એક અઠવાડિયાથી થઈ ગઈ હતી અને છેલ્લા બે દિવસથી તો ક્યારેય માંદી ન પાડનાર અદિતિ ને સખત તાવ અને પહેલી વખત બ્લડ પ્રેશર પણ આવ્યું. રીપોર્ટ બધા જ નોર્મલ હતા. ડોક્ટર નું કહેવું હતું। કે આ કોઈ ટેન્શન ના કારણે હશે. મને પૂછ્યુ કે ઘરમાં કાંઈ અણબનાવ કે કશું ? તમારી સાથે કે વડીલો સાથે કે બાળકો બાબતે કાંઈ ચિંતા ? મે કહ્યું કશું જ નથી ને અમારા ઘરમાં તો ક્યારેય આવુ થઈ શકે એમ પણ નથી. ડોક્ટરે દવા આપી ધ્યાન રાખવા તાકીદ કરી.

હું પણ વિચારે ચડી ગ્યો કે એવુ તે શું બન્યું કે અદિતિ ના માનસ પર આવડી મોટી અસર થઈ પણ અદિતિને આ અવસ્થામાંથી બહાર કાઢવા નો મેં સંકલ્પ કર્યો જેણે પરિવારના બધાની માવજત કરી એની માવજત કરવાની મારી ફરજ બને. મે અદિતિ સાથે આ મુદ્દે વાત કરવાનું નક્કી કર્યુ.મે આજે ઓફિસમાં રજા રાખી ને બંને દીકરીઓ સ્કૂલે જાય પછી અદિતિ સાથે નિરાંતે વાત કરવાનું ગોઠવ્યું. મે સવારથી જાહેર કરી દીધું કે આજે મને જરા સુસ્તી જેવું છે મને ઓફીસ જવાનું મન નથી એટલે આજે હું નહી જાવ. એણે મને પૂછ્યુ કંઈ વધારે તકલીફ જેવું લાગતું હોય તો ડોક્ટર ને બતાવીએ મે કીધું ના ના આરામ કરીશ એટલે સરસ થઈ જાશે. બંને દીકરીઓ સ્કૂલે ગયા બાદ મે અદિતિ ને કહ્યું સરસ મસાલાવાળી ચા બનાવ ચાલ આપણે રેઝ ગાર્ડન માં ઝુલ્લા પર બેસી ને ચા પીએ. ચા એનો રસ નો વિષય એટલે તરત એણે હા કહીને ચા તૈયાર કરીને લાવી. અમે બંને સામસામા ગોઠવાયા ચા હાથ માં લઈ મે વાત શરૂ કરી. અદિતિ, આ શું હાલત બનાવી છે તારી શું વાત મગજમાં ભરીને બેઠી છો ? તારૂ શરીર અને મન કેમ અસ્વસ્થ છે ? અમારી કાંઈ ભૂલ થઈ છે ? છોકરીઓ એ કાંઈ કર્યું ? મારાથી કાંઈ થયુ છે ? મારા સવાલો સાંભળી ને એ થોડી વાર ચૂપ થઈ ને પછી ઊંડો શ્વાસ છોડી ને બોલી ના ના કશું જ કારણ નથી ને તમે લોકો તો મારા કારણે દુ:ખી થાવ છો એ પણ હું જાણું છુ મને પણ સમજાતુ નથી કે શું થઈ ગયું છે મને ? આમ બોલતા બોલતા ગળગળી થઈ ગઈ. મે એની પીઠ પર હાથ ફેરવી ને આશ્વાસન આપતા કહ્યું તારી જાત ને સંભાળ અદિતિ. પપ્પા- મમ્મી હોત તો કેટલા દુ:ખી થાત કે ?

આ સાંભળતા જ એના હૈયામાં રોકી રાખેલું તોફાન એકાએક બહાર ઉછળી ને હૈયાફાટ રુદન સ્વરૂપે બહાર આવી ગયું. ધ્રુસકે ધ્રુસકે રડતા એ બોલી એ લોકો હોત તો તો આ હાલત જ ના હોત ને એ લોકો ને કેમ આપણે જવા દીધા ? આપણને કેમ આવી હિંમત ચાલી ? એ લોકો પણ મને છોડી ને કેમ જતા રહ્યા ? જીવથી પણ વ્હાલી છોકરીઓનો પણ એમને વિચાર ન આવ્યો ? અદિતિ એકધારી બોલતી ગઈ અને ચોધાર આંસુ એ રડતી જતી હતી. શા માટે તમે એને ના રોક્યા ? શા માટે મે એમને જવા દીધા ? અદિતિ બોલતી જ જતી ‘ તી અને હિબકા ભરી ને રડતી જતી હતી. મે એને કહ્યું પણ એમને જવું હતું અને આપણે પણ પહેલા ખુબ જ ના પાડી ‘ તી ને ? પણ અંતે આપણે જ નિર્ણય કર્યો હતો કે હા એમણે પોતાના આધ્યાત્મિક ધ્યેયની પૂર્તિ માટે જવું જોઈએ આપણે એનો માર્ગ ના રોકવો જોઈએ. આ તું જ બોલી ‘તી ને ?

એ બોલી હા હું જ બોલી' તી ને હજુ પણ માનું છું કે, પપ્પા મમ્મી ના રસ્તામાં ન આવવું જોઈએ એમની સ્પીરીચ્યુલ જર્ની મા બાધક ન જ બનવું જોઈએ પણ મને થોડી ખબર હતી કે એમના આપણાથી આટલા દૂર થવા માત્ર થી આપણા જીવનમાં મોટો શૂન્યાવકાશ સર્જાશે એમના વગર નું જીવન સાવ સૂકા ઝાડ જેવું બની જશે ?

એ બોલી માલવ, તને ખબર છે પપ્પા મમ્મીનું મારા જીવનમાં શું સ્થાન છે ? એ ભલે તારા માતા પિતા રહ્યા પણ મારા અને છોકરીઓ માટે પણ એ જાણે જનમદાતા માતા પિતા હોય એવા છે. માલવ મે તને ક્યારેય પણ કીધું નથી આ જ બધુ કહેવું છે, પપ્પા મમ્મીએ મને જે આપ્યું છે એ કદાચ મારા મમ્મી પપ્પા પણ મને નથી આપી શક્યા. તું વહુ નહી પણ બેટી છો એવું બોલ્યા વગર મને ડગલે પગલે અનુભવાયુ છે મમ્મી એ મને જે સંસ્કાર સિંચન નાની વાતોથી કર્યુ છે એ કદાચ મારા ઘરમાં પણ નથી થયું, પરણી ને આવી ત્યારે મારી અણ આવડત ને ઢાંકવા જ નહી પણ મને સક્ષમ બનાવવા મારા સાથે રહી ને બંને લોકો એ મને ખુબ પ્રેમપૂર્વક મારૂ સંવર્ધન કર્યુ છે જ્યારે પણ તમારી સાથે કાંઈ પણ થાય તો દીકરા નો પક્ષ ન લેતા મારે પડખે ઊભા રહ્યા છે. અરે પપ્પા ૭૪ વર્ષ ની ઉંમરે પણ શારીરિક જ નહી આર્થિક અને સામાજીક રીતે પણ આત્મનિર્ભર રહ્યા છે અને સિનીયર સિટીઝન હોવાનું ક્યારેય મમ્મી કે પપ્પા એ આપણને જતાવ્યુ નથી ખાન પાન કે હરવા ફરવામાં છોકરીઓ સાથે તદન નાની ઉંમર ના અને જુવાન બની ને ક્યારેય પોતાની ઉમંરની મર્યાદા આગળ ધરી નથી તમે આટલું સારૂ કમાતા હોવા છતાં દીકરા ને ઘણી જવાબદારી છે એના પર ભાર ન નખાય કહી ને ઘર ના અને પોતાના ખર્ચા કાયમ કરતા રહ્યા છે મમ્મી એ ક્યારેય પણ ઘરના કામમાં પોતે સાસુ છે એટલે ઓછું કામ કરવું જોઈએ એવુ કર્યું નથી, અરે છોકરીઓને આપણા કરતા પણ સારી રીતે જીવનની આદતો પાડી છે. માલવ મને યાદ છે કે છોકરીઓ જ્યારે કોઈ કામમાં એમ કહે કે મને એમ કે કામવાળા બેન આવશે ઈ કરશે જ ને ? તો તરત પપ્પા કહેતા ઘર કોનું છે ? તારૂ ને તો કામવાળા બેન કરે કે ના કરે તારૂ ઘર છે તો તારે જ ધ્યાન રાખવું પડે ને ? હું પરણી ને આવી ત્યારે મમ્મી એ કહેલું કે તું ચિંતા ન કરતી પુષ્ટાવેલી પૂજા નથી અમે કરી છીએ એટલે તારે કરવું જ એવુ નથી. હા તને એ રસ્તો સાચો લાગે તો કરજે, ને તમે જુઓ આજે હુ નહી મારી છોકરીઓ પણ ચુસ્ત વૈષ્ણવ બની ગઈ છે. આપણા માતા પિતા છે એટલે નથી કે’ તી પણ આજના સમયમાં આચરણથી સમજપૂર્વક આવા સંસ્કારો કોણ મા બાપ આપેછે ? તમે જ્યારે જ્યારે પણ પપ્પા ને ભત્રીજાઓ ભાણેજો ને મદદ કરતી વખતે ટોકતા ત્યારે એ શું જવાબ દેતા યાદ છે ને ? કહેતા કે તારી છોકરીઓ એક બીજાના સંતાનોને ભવિષ્યમાં મદદ કરે તેવું તું ઈચ્છશ ? તો તું પણ બદલાની અપેક્ષા વગર કે મૂર્ખ બનાવી જાય છે એ લપ માં પડ્યા વગર થાય તેટલી મદદ સૌ ને કર.

મને યાદ છે કે પપ્પા મને મશ્કરી માં કે’તા કે પાણી પા ચાલ પછી તારે કે માલવે,પીપળે પાણી પાવવા આવવું નહી. ત્યારે હુ પણ કહેતી કે પપ્પા તમે ને મમ્મી બેય ને અમારે પીપળે પાણી જ નહી પાવું પડે કેમકે તમે બંને તો તમારા સંતાનો જ નહી પરંતુ આસપાસ ના સગા સ્નેહીઓ, મિત્ર વર્તુળ ને અને દરેક ને આ કઠીન તાપવાળા જીવન માં ઠંડક આપનારા વડલા છો જો તમારી માફક દરેક માતા પિતા જીવે તો વયસ્ક નહી પણ વડલા બની ને જીવી શકે. માલવ આજે તને પણ ખાલીપો લાગે છે પણ તું મનમાં તારૂ દર્દ ધરબી ને બેઠો છો મને ખબર છે તું પણ જ્યારથી મમ્મી પપ્પા આશ્રમમાં રહેવા ગયા છે ત્યારથી સતત એના રૂમ સામે આવતા જતા, જમતી વખતે જોતો રહે છે પપ્પાની સ્ટાઈલમાં જ છોકરીઓ સાથે વાતો કરે છે. પણ તું પણ જાણ કે તું પપ્પા કે હુ મમ્મી ની જગ્યા છોકરીઓ પાસે નહી લઈ શકીએ. તેઓ ક્યારેય સિનીયર સિટીઝન થયા જ નથી ચાલ આપણે એમને પાછા ઘેર લઈ આવીએ અને ઈશ્વર ને પ્રાર્થના કરીએ કે આ લોકો એતો અહીં જ અમારા માટે સ્વર્ગ ઊભું કરી દીધું છે એમની મુક્તિ કો નક્કી જ છે. માલવ બહુ બધુ યાદ આવે છે પપ્પા નું મને રસોઈમાં મદદમાં આવવું મમ્મીની મારી બંને ડીલીવરી વખતેની સેવા જે મારી મા પણ નો’તી કરી શકી પપ્પાનું ને મમ્મીનુ કાયમ પોતાનું અસ્તિત્વ ઓગાળી ને આપણને મોટા કરવાની કળા.

હવે બહુ થ્યુ જલ્દી દઈએ ને આપણા વડલા ને બથ ભરીને વળગી પડીએ જીવતા જ પ્રેમનું પિતૃ તર્પણ કરીએ ચાલ છોકરીઓ સ્કૂલથી આવે તે પહેલા એ લોકો ને તેડી આવીએ ને છોકરીઓને સરપ્રાઈઝ આપીએ અને હા હેમંતકાકાની ચિંતા ના કર એમને કહીશું કે, કાકા જુઓ આમ સિનીયર સીટીઝન થાવુ હોય તો સંતાનોની અસ્કયામત બનો જવાબદારી નહિ.

અદિતિ જાણે માંદી જ ન હતી એટલી ફ્રેશ લાગતી' તી મને પણ ભાવતું ‘તું ને વૈદ્યે બતાવ્યું જેવો ઘાટ હતો તુરંત જ અમે “ પ્રભુ પ્રશ્નદાસજી આશ્રમ” તરફ ગાડી હંકારી.


Rate this content
Log in

More gujarati story from અવિનાશી અલગારી

Similar gujarati story from Inspirational