વડીલોની વાત માનો
વડીલોની વાત માનો
એક મોટું જંગલ હતું. તેમાં એક સિંહ અને સિહણ રહેતા હતા. તેમને બે બચ્ચા હતા. સિંહ અને સિંહણ પોતાના બચ્ચાઓને ગુફામાં છોડી ભોજનની શોધમાં શિકાર માટે જતાં હતા. જતી વખતે તે બચ્ચાઓને સમજાવીને જતા કે ભૂલથી પણ ગુફાની બાહર નીકળશો નહિ. પણ સિંહના બચ્ચાઓએ માતા-પિતાની આ સલાહ માની નહિ.
એકવાર મોટા બચ્ચાએ નક્કી કર્યું, ‘ચાલો ગુફાની બહાર થોડું ફરી આવીએ. ત્યારે નાનું બચ્ચું બોલ્યું, ‘ના, પિતાજીએ આપણને એકલા ગુફાની બહાર જવાની ના પડી છે.’ ત્યારે મોટા બચ્ચે કહ્યું, ‘જંગલના બધા જ પશુ આપણાથી ડરે છે. પછી આપણે ડરવાની શી જરૂર છે !’ ત્યારે નાના બચ્ચે સમજાવ્યું, ‘ના આપણે એકલા બહાર ના જવાય. આપણે મમી પપ્પાની વાત માનવી જ જોઈએ. હું તો બહાર નહિ જ આવું.‘ પણ મોટું બચ્ચું ના માન્યું તે ના જ માન્યું. સારું તું નહિ આવે તો કંઈ નહિ, હું તો જઈશ જ.’ એમ કહીને મોટું બચ્ચું ગુફાની બહાર જંગલમાં નીકળી ગયું.
પછી મોટું સિંહબાળ જંગલમાં ફરવા લાગ્યું. ફરતા ફરતા તે એક ઝરણાં પાસે ગયું. ત્યાં જઈને પાણી પીધું. પછી જંગલના નાના નાના પ્રાણીઓ સસલા અને હરણોને ખુબ ડરાવ્યા. તેને તો ખુબ જ મજા આવી. બધા પ્રાણીઓ તેનાથી ખુબ જ ડરતાં હતા.
પણ એ જ સમયે એક બીજી વાત બની. તે જ દિવસે એ જંગલમાં કેટલાક શિકારીઓ પણ આવ્યા હતા. સિંહબાળને એકલું ફરતું જોઈ તેમને વિચાર્યું, ‘આ સિંહબાળને પકડીને સરકસમાં વેચી દઈએ તો ખુબ જ પૈસા આવશે.’ આમ નક્કી કરી શિકારીઓએ તે સિંહબાળને ચારે બાજુથી ઘેરી લીધું. અને તેની પર જાળ નાખીને તેને ઘેરી લીધું. અને પકડી પાડ્યું. સિંહબાળ તો બચવા માટે બુમો પાડવા લાગ્યું.
તેની બુમ સંભાળીને નજીકમાં જ ભોજન શોધવા ગયેલા તેના માતા-પિતા સિંહ અને સિંહણ આવી પહોચ્યા. તેમણે જોરજોરથી ગર્જનાઓ કરી. તેમની ગર્જનાઓ સંભાળીને શિકારીઓ પોતાનો જીવ બચાવીને નાસી ગયા. અને સિંહબાળ માંડમાંડ બચી ગયું.
નાના સિંહબાળને સમજાઈ ગયું કે, મોટા વડીલોની સલાહ આપણા હિત માટે જ હોય છે. આપણે મોટા વડીલોની સલાહ માનવી જોઈએ. તેણે ફરી ક્યારેય આવી ભૂલ નહિ કરવાનું વચન આપ્યું.
