વારસદાર
વારસદાર
એક રાજા હતો. તેનું નામ વિક્રમકુમાર હતું. તે દયાળુ અને પ્રજાવત્સલ રાજા હતો. તે રાજાને બે પત્નીઓ હતી. બંને રાણીઓને એક એક સંતાન હતું. બંને ને એક એક દીકરો હતો. મોટી રાણી ખુબ જ કંજૂસ અને લોભી હતી. જયારે નાની રાણી રાજાની જેમ દયાળુ અને સમજણી હતી. રાજકુમાર મોટા થવા લાગ્યા. એમ કરતા એક દિવસ તેઓ દસ વરસના થઈ ગયા.
એક દિવસ મોટી રાણીએ કહ્યું કે, ‘હું મોટી છું એટલે મારો દીકરો રાજગાદી પર બેસશે.’ જયારે નાની રાણીએ કહ્યું કે ‘ના, મારો દીકરો ગાદીએ બેસશે. આમ કરી બંને ઝઘડવા લાગી. બંનેને ઝઘડતી જોઈને રાજાને એક યુક્તિ સૂઝી. તેમણે કહ્યું, હું તમને બંનેને એક એક સોના મહોર આપું છું, મને જરૂર લાગશે ત્યારે પાછી માંગીશ. ત્યાં સુધી તમારી પાસે રાખો. પછી હું નિર્ણય કરીશ કે કોનો દીકરો રાજગાદી પર બેસશે.’ બંને રાણીઓએ આ શરત મંજૂર રાખી.
રાજા એ તે બંનેને એક એક સોના મહોર આપી. બંને રાણીઓ સોનામહોર લઈને પોતપોતાના કક્ષમાં ગઈ. મોટી રાણી પોતાના મહેલે જઈ સોનામહોર ઠેકાણે મૂકવા જતી હતી ત્યાં તેના રાજકુમારે ઘોડા પર બેસવાની જિદ્દ કરી. રાણી એ તેણે સમજાવ્યો કે બેટા તું હજી નાનો છે, અત્યારે ઘોડા પર ના બેસાય. ઘોડો પડે તો વાગી જાય. આ ધાંધલ ધમાલમાં મોટી રાની સોનામહોર મૂકવાનું ભૂલી ગઈ.
બીજી બાજુ નાની રાણીએ તે સોનામહોર પોતાના કપડાં સાથે બાંધીને સુરક્ષિત મૂકી દીધી. બે ચાર વરસ વીત્યાં બાદ રાજાએ તે બંને પાસે પોતાની આપેલી સોનામહોર પાછી માંગી. મોટી રાની પોતાના મહેલમાં જઈ સોનામહોર શોધવા લાગી. પણ તે ક્યાં મૂકી હતી તે ભૂલી જ ગઈ. તેને સોનામહોર મળી નહિ. જયારે નાની રાણી પોતાના મહેલમાં કપડા સાથે બાંધીને સાચવીને મૂકેલી સોનામહોર લાવીને રાજાને આપી. એટલે રાજા એ પોતાનો નિર્ણય જાહેર કર્યો કે જેની માતા કાળજીવાળી હોય તેનો દીકરો પણ કાળજીવાળો હોય, એટલે નાની રાણીનો દીકરો જ રાજા બનશે. મોટી રાણી વિલા મોઢે મૂંગી જોઈ રહી.
વરસો વીતવા લાગ્યા. એમ કરતા બંને રાજકુમાર વીસ વીસ વરસના થયા. વચન પ્રમાણે રાજા એ રાજગાદી નાની રાણીના કુંવરને આપી. તે કુંવરે પોતાના પિતાની જેમ જ રાજગાદીનો સારો વહીવટ કર્યો. એટલે રાજાની કસોટી ખરી સાબિત થઈ. એટલે જ કહેવાય છે કે સંતાન કેવું બનશે તેનો આધાર તેનો ઉછેર કરવાવાળી માતા પર હોય છે.
‘જે ઝૂલાવે પારણું તે જગ પર શાસન કરે.’