ઉનાળાની વાદળી
ઉનાળાની વાદળી


તે પોતે ઉનાળા જેવો જ હતો ને ! વર્ષોની કાળી મજૂરી અને કોન્ટ્રાક્ટરો સાથેની રકઝકે તેને શરીરે ખડતલ ને સ્વભાવે આકરો બનાવેલો. જેમ ઉનાળાનો એમ તેનોય તાપ સહન કરવો અઘરો.
ને એક દિવસ તેના જીવનમાં તે આવી. પ્રેમનો વરસાદ બનીને. વર્ષોની સૂકીભઠ્ઠ બનેલી તેના હ્રદયની ધરતીને ભીંજવીને તેમાં પ્રેમ ઉગાડવા.
ચોમાસા જેમ તે આવી અને ગઈ. પાછળ મૂકતી ગઈ એક નાનકડી વાદળી જેવી દીકરી. ન બોલે, ન સાંભળે; બસ પ્રેમભર્યું જોયા કરે. તેણે જ આ ઉનાળાને ઠંડો રાખ્યો હતો.
ચાર દિવસ પહેલાં ભીડમાં હાથ છૂટી ગયો ત્યારથી દીકરીનો કોઈ પત્તો ન્હોતો. ધોમધખતા તડકામાં તે ખૂબ ભટક્યો. ભૂખ્યો-તરસ્યો લગભગ આખું શહેર ખૂંદી વળ્યો.
સાંજે બગીચાની લોનમાં બેભાન થઈને પડ્યો હતો. મોઢા પર પાણીની છાલક વાગતાં તે ઉઠ્યો ને સામે જોતાં જ પોતાની વાદળીને વળગી પડ્યો.