ટ્રાન્સજેન્ડર
ટ્રાન્સજેન્ડર
હૉલ ખીચોખીચ ભરાયેલો હતો પણ ધીમા ધીમા અવાજોમાં થતી વાતચીત તેના મનમાં થોડી અસમંજસ ઉભી કરતી હતી. સ્ટેજ ઉપરના ટેબલ ઉપર થોડી અગરબત્તીઓ મુકવામાં આવી હતી,જેની સુવાસ તીવ્રપણે નાકમાં ધસી આવતી હતી. પાછળની હરોળની સુંદર નકશીદાર ખુરશીમાં બેસતાવેંત જ તેણે હળવેથી પોતાનો બરછટ હાથ સાડીના પલ્લુંની નીચે છુપાવવાનો પ્રયાસ કર્યો. તેના હોઠ ઉપરની લાલ ચટ્ટાક લિપસ્ટિક તેના ગળાની જેમ જ સુકાવા લાગી હતી. તેણે પાણી પીવા માટે આજુબાજુમાં નજર કરી પણ પછી સંકોચવશ કશુંયે બોલ્યા વિના તેણે પોતાના ખોળામાં બેસાડેલા નાનકડા બાળકની સામે જોયું. એ નાનકડા નિર્દોષ ચહેરા પર સ્મિતની થોડી રેખાઓ ઉપસી ના ઉપસી ને ફરી પાછું તે બાળક ચારે બાજુ કુતુહલથી જોવા લાગ્યું. તે જોઈને ગઈકાલ સુધી સંભળાયેલા સવાલો ફરી તેના કાનમાં ગુંજવા લાગ્યા.
"તારે શું જરૂર છે આ બધું કરવાની ?"
"તને એવું લાગે છે કે તને ન્યાય મળશે ? કે પછી આ સમાજ તને અપનાવશે ?"
"તુલસી ! તું તારું અને આ કિશનનું બંનેનું જીવન ખોટી દિશામાં લઈ જઈ રહી છો. અમને તો એ જ સમજાતું નથી કે સરકારમાં આવા પ્રયત્નો કરીને તારે સાબિત શું કરવું છે ?"
"આપણને કોઈ સ્ત્રી ગણે કે પુરુષ શું ફરક પડે ?"
તુલસીના કપાળ ઉપરનાં પરસેવાના બિંદુઓ ગાલ પર ઉતરી રહ્યા. તેનો હાથ અચાનક જ માથા ઉપર ગયો ને મનોમન કંઈક અસહ્ય દુઃખવાથી જાણે તેનાથી ચીસ પડાઈ જશે તેવું થયું. એકાદ પળ તો તેને લાગ્યું કે તેના કપાળ પરના ટીપા, એ તેનું ગરમ લોહી છે જે હવે તેના આખા ચહેરા ઉપર રેલાઈને તેના હાથ અને કપડા ઉપર પણ પ્રસરી રહ્યું છે. તેની આસપાસના લોકો રાડો પાડીને અપશબ્દો બોલી રહ્યા છે, દરેકના હાથમાં કાંઈ ને કાંઇ હથિયાર છે. આવા પિશાચી ટોળાની વચ્ચે ફાટેલા વસ્ત્રોમાં નિઃસહાય, હાથ જોડીને ઉભેલી એક વ્યક્તિ છે, જે એક 'માણસ' છે એવું માનીને પણ કોઈ દયા કરવા તૈયાર નથી.
એ ટોળાને એક જ સમસ્યા છે કે તે લોકો જેને પુરુષ તરીકે ઘરમાં છુપાવી રાખવા ઇચ્છતા હતાં, તે વ્યક્તિએ એ લોકોની ઉપરવટ જઈને પોતાની જાતને 'સ્ત્રી'ના રૂપમાં ઓળખાવવાનું કેમ પસંદ કર્યું ? પોતાની જાતને 'તુષાર'માંથી 'તુલસી' બનાવી ચૂકેલ વ્યક્તિનાં સન્માન, મર્યાદા કે માનવતા સાથે જાણે એ ટોળાને કોઈ નિસ્બત જ નથી. પાગલપનની હદ વટાવી ગયેલા એ ટોળાએ તુલસીના વસ્ત્રો ફાડી, તેને બહાર બજારમાં ઢસડીને તેના વાળ કાપી નાખ્યા.
તુલસીએ જોરથી આંખો બંધ કરી દીધી. તેણે માથું પાછળ લઈ પોતાના એ સુંવાળા વાળને કશુંક ખંખેરતી હોય તેમ હાથથી હલાવ્યા, જાણે આજે તે પોતાની બધી જ પીડાઓને એકઝાટકે ખંખેરી નાંખવા માંગતી હોય !
થોડીવારમાં કાર્યક્રમ શરૂ થયો. સન્માન મેળવનાર દરેક પોતાના જીવનની કોઈને કોઇ પ્રેરણાની વાત કરતું હતું. તુલસીને થયું કે તે કઈ પ્રેરણાની વાત કરશે ? તેના દુઃખની ? તેની પીડાઓની ? કે તેને સમાજે આપેલા તિરસ્કાર અને ધિક્કારની ? શું કહેશે ? તુલસી શું એ 'શરમ'ની વાત કરશે કે જે તેના માતા પિતા તેને જન્મ આપવાના કારણે અનુભવતા હતા ? કે પછી એવી 'ભાઈબંધી'ની કે જે કિશોરાવસ્થામાં પગ મુકતાવેંત જ તૂટી ગઈ ? કે પછી એવા 'ઉપનામો' કે જે તેને અપશબ્દોના તીરની જેમ આરપાર વીંધી નાખતા હતા ?
એકાએક કાર્યક્રમનાં ઘોંઘાટથી અકળાઈને તુલસીનાં ખોળામાં બેઠેલો કિશન રડવા માંડ્યો ત્યારે તુલસી તેને લઈને હૉલની બહાર આવીને ઉભી રહી. તે કશુંક વિચારે તે પહેલા જ રસ્તા ઉપરથી પસાર થનાર એક કાર તેની પાસે સહેજ થોભી ને તેમાંથી દસ રૂપિયાની નોટ બહાર ફેંકાઈ. તુલસી સમસમી ગઈ. તેણે બાજુની નાનકડી દુકાનમાંથી બિસ્કિટ ખરીદ્યા અને કિશનને ખવડાવવા લાગી. કિશનના મુખ પરની બાળસહજ નિર્દોષતા જોઈને તેના ઉપર તુલસીને ખૂબ વહાલ આવ્યું. તેણે થયું કે તેના પ્રયત્નોની શરૂઆતનું કારણ ચાહે કાંઈ પણ રહ્યું હોય, પણ આ નાનકડા બાળનું તેના જીવનમાં આવવું તે જ ખરેખર તો તેની સાચી પ્રેરણા છે. જે નિરાધાર શિશુના પ્રથમ સ્પર્શથી તેના વાત્સલ્યને એક નવી દિશા મળી, તે કિશનને તેણે માત્ર 'નામ' જ નહીં પણ એક નવી 'ઓળખ' પણ આપવાની હતી અને એટલા માટે જ તો તેણે રાત દિવસ જોયા વિના 'અધિકાર' માટેની એક અનોખી લડત આરંભી હતી. સમાજ તરફથી 'દયા' નહીં પણ 'સ્વીકાર'ની અપેક્ષાએ જ તો તેણે જીલ્લાની કચેરીઓથી માંડીને પ્રધાનમંત્રી કાર્યાલય સુધી રજૂઆતો કરી હતી. આજે એ જ પ્રયત્નોનું તેને ફળ મળવા જઇ રહ્યું હતું .
થોડીવારે સ્ટેજ પરથી તેનું નામ બોલાયું ત્યારે તુલસી મક્કમ પગલે, પાંચ વર્ષના બાળકને આંગળીએ લઈને, ધીમી ચાલે સ્ટેજ તરફ આગળ વધી. તેને લાગ્યું કે તેના પગલાં હવે સાચે જ ખરી દિશામાં આગળ વધી રહ્યા છે. તુલસીએ હળવેથી એક હાથમાં કિશનને ઊંચક્યો ને આપવામાં આવેલું 'ઓળખપત્ર' તેને પકડાવ્યું. તુલસીએ સજળ આંખે ઓળખપત્રમાંના ફોટાની નીચે એકદમ અંગ્રેજી અક્ષરોમાં લખેલા એક નામ ઉપર પોતાની હથેળી ફેરવી, જ્યાં લખાયું હતુ, 'ટ્રાન્સજેન્ડર'
