સોનેરી સવાર
સોનેરી સવાર
સવારની વાત જ કંઈ અલગ હોય છે. સૂર્યની પહેલી કિરણો પૃથ્વીની ધરા પર પડતા જ સવારનો જન્મ થાય છે ! અને પોતના જન્મની સાથે નવીઉર્જા પ્રદાન કરે છે. સવારનુ અસ્તિત્વ થતા જ પૃથ્વી પર નયનરમ્ય વાતાવરણ સર્જાય છે. સૂરજની પ્રથમ કિરણ પડતા જ જાણે નવી નવી પરણેલી દુલ્હન પ્રથમ રાત્રિના પ્રિયતમ સાથેના મિલન બાદ અંગડાઇ લઇને જાગે અને ત્યારે જેવુ એનુ ખીલેલુ મુખ હોય અને જેવુ એનુ અહલાદક સ્મિત હોય તેમ જ આખી ધરતી સવાર પડતા જ ખીલી ઉઠે છે.
કુકડાઓ જાણે કોઇ ચક્રવર્તી સમ્રાટને આવકારતા હોય તેમ કુકડે કુક કરીને સવારને આવકારે છે. એજ અવાજની સાથે પશુ પંખીઓ ગાઢ નિંન્દ્રામાંથી જાગી ઉઠે છે, જાગતાની સાથે જ પંખીઓ, જાણે કોઇ ઉત્સવ મનાવતા હોય તેમ કલરવ કરીને સવારને આવકારે છે અને આખુય વાતાવરણ મધુરમ બનાવી મુકે છૅ. નદીઓ, ઝરણાઓ, દરિયાના ખલખલ અવાજથી આખુય વાતાવરણ ગુંજી ઉઠે છે. અને એમાય ધીમો ધીમો સોમ્ય અને ઠંડો પવન મદમસ્ત કરી દે છે. વૃક્ષો પર નવી કુપણો ફુટે છે. ફુલો જાણે ગાઢ તન્દ્રામાથી ઉઠતા હોય તેમ ખીલી ઉઠે છે. અને એ ફુલોને ખીલેલા જોઇને ભમરાઓ જાણે પોતાની છૂટી પડેલી પ્રિયતમા પાછી આવી હોય તેમ ગેલમા આવી જાય છે. અને જાણે પોતાની પ્રીયતમાને મનાવતા હોય તેમ ફુલોની આસપાસ ભ્રમણા કરતા કરતા ગુંજન કરે છે. જાણે એના મનમાં એક આસ હોય કે આ ગીત ગુંજનથી પ્રીયતમા પીગળી જશે અને પાછી પરત નહી જાય !
સવારનુ આ મનમોહક રુપ ઘણુ બધુ શીખડાવે છે,
ઘણુ બધુ સમજાવે છે, જીવન જીવવાની કળાનો પરીચય કરાવે છે. સવાર પોતે તો સંતોષ સિવાય કઇ પામતી નથી પણ દરેક સજીવ, નિર્જીવને કઇને કઇ સમર્પીત કરતી જાય છે. કોઇને જીવન, કોઇને પ્રેમ , કોઇને, સંદેશ કોઇને વિશ્વાસ, કોઇને સ્મરણો, તો કોઇને તાજગી આપતી જાય છે !
કોઇ પણ જાતના સ્વાર્થ વગર કેમ આ સવાર આવે છે, કેમ આવી રીતે મેહકે છે આ સવાર, કેમ આવુ નયનરમ્ય અને આહલાદક વાતાવરણ સર્જે છે આ સવાર, કેમ બનાવે છે આ વાતાવરણને કર્ણપ્રીય બનાવે છે. જ્યારે એ પોતે જ જાણે છે કે એને વળતરમાં કશુય મળવાનુ નથી, જ્યારે એ પોતે જ જાણે છે કે એનુ આ જીવન થોડા સમય માટે જ છે. એ પોતે જ જાણે છે કે સુર્યની સૌમ્ય પ્રથમ કિરણથી શરુ થયેલુ એનુ આ જીવન , સુર્યના વિકરાળ અને ધકધકતા તાપથી થોડી જ પળોમાં સંકેલાઈ જવાનુ છે.
છતા પણ એ હાર માનતી નથી અને એ મેહકે છે, ચહેકે છે. અને પોતાના જીવનને ઉત્સવની જેમ ઉજવે છે. કોઇ પણ જાતના પૃથ્વીઅને પૃથ્વી પરના દરેક દરેક સજીવો અને નિર્જીવોને સમર્પિત કરે છે. ખબર છે એને કે એનુ જીવન ખુબ જ ટૂંકું છે, એનો અફસોસ મનાવવાને બદ્લે એ હમેશા ખિલખિલાટી રહે છે. એના હકરત્મક વલણના લિધે કુદરત પણ એની સામે ઝૂકે છે અને સુર્યના કાળઝાળ કિરણોથી મૃત્યુ પામેલી સવાર, સૂર્યની પ્રથમ કિરણે વારંવાર ફરી પાછી જન્મે છે, ફરી પાછી ઉઠે છે, ફરી પાછી પોતાની જીવન યાત્રા ચાલુ કરે છે. અને આખી સૃષ્ટિને પોતાની સુંદરતા અને સૌમ્યતાથી ભરી દે છે.