Ranjana Bhagat

Inspirational Thriller

4  

Ranjana Bhagat

Inspirational Thriller

સમાધાનની રોશની

સમાધાનની રોશની

3 mins
633


પ્રજ્ઞેશ એક દિવસ રોશનીના ઘરે આવ્યો. રોશનીના પતિનો ખાસ મિત્ર, મિત્રો ગણો કે ભાઈ બંને વચ્ચે ખૂબ જ પ્રેમ અને ગાઢ મિત્રતા.

રોશનીએ પૂછ્યું," કેમ આજે મજનૂ જેવો વેશ કર્યો છે ? દાઢી કરવાનો ટાઈમ નથી કે તબિયત સારી નથી ?"

પ્રજ્ઞેશ અને રાખી, રોશનીના લગ્નના આગલા દિવસે તેઓની સગાઈ હતી. સગાઈ - લગ્નની વચ્ચેના સમયગાળામાં તેઓ હરવા ફરવા જતા, ફિલ્મો જોવા જતાં અને બાગ બગીચામાં બેસતા. પ્રજ્ઞેશ ખૂબ જ રોમેન્ટિક હતો. હંમેશા એના હોઠે ફિલ્મોના રોમેન્ટિક ગીતો રહેતા, જ્યારે રાખી પણ ખૂબ જ સુંદર હતી. એટલે જ તો પ્રજ્ઞેશ રાખી ને જોઈને એક ગીત હંમેશા વધારે ગાતો, "તેરી ઉમીદ તેરા ઈન્તજાર કરતે હૈ એ સનમ હમ તો સિર્ફ તુમસે પ્યાર કરતે હૈ." બંને બહુ ખુશ હતા બે વર્ષ પછી પરણી પણ ગયાં અને ટૂંક સમયમાં રાખી અને રોશની પાકી બહેનપણીઓ સાથે સાથે બહેનો પણ બની ગઈ.

રાખીનું સિમંત આવ્યું. પણ વિધિની વક્રતા તો જુઓ રાખીને મેલેરિયા થઈ ગયો સિમંતના આગલા દિવસે રાખીને ઘરે જ બાબાનો જન્મ થઈ ગયો. આમ તો રાખી અને બાબાની તબિયત ખૂબ જ સરસ હતી, બાબો પણ પૂરો દોઢ કિલોનો હતો. અઠવાડિયા પછી રાખીના મમ્મી આવ્યા. રાખી અને બાબાને પિયર લઈ જવાની જીદ કરવા લાગ્યા અને લઈ પણ ગયા. નવજાત શિશુને બહારનું વાતાવરણ માફક ન આવતા બાબાની તબિયત બગડી ગઈ અને હોસ્પિટલમાં બીજે દિવસે બાબાનો દેહાંત થયો. જાણ થતાં, પ્રજ્ઞેશ અને એના મમ્મી ત્યાં દોડી ગયા ત્યાં બંને મમ્મીઓ વચ્ચે બોલાચાલી થઈ.

 ઘણા દિવસો થઈ ગયા, રાખી પિયરમાં જ હતી પ્રજ્ઞેશને એના કોઈ સમાચાર મળતા નહોતાં. પ્રજ્ઞેશ પત્રો લખતો પણ રાખી એના પત્રોના જવાબ જ નહોતી આપતી.

એ દિવસે પ્રજ્ઞેશ રોશનીના ઘરે આવેલો, એનાં હાથમાં એક પત્ર હતો, જે રાખીના પિતાનો હતો, જેમાં પ્રજ્ઞેશ અને રાખીના છૂટાછેડાની વાત હતી. રોશનીને વિચાર આવ્યો, એણે કહ્યું," પ્રજ્ઞેશભાઈ, એવું પણ બને કે તમારા પત્રો રાખી સુધી પહોંચતાં જ નહીં હોય, એવું કરો હું તમને એક પત્ર લખી આપું છું, તમે રૂબરૂ રાખીને મળો અને મારો પત્ર વંચાવો, જો એ ખરેખર સમજદાર હશે અને તમને પ્રેમ કરતી હશે તો જરૂર મારો પત્ર વાંચી તમારી સાથે જ આવશે અને નહીં આવે તો હું પોતે એને લેવા જઈશ.

રોશનીનો પત્ર આ પ્રમાણે હતો,

પ્રિય સખી રાખી,

તું જેને ખૂબ જ પ્રેમ કરે છે, એવાં તારા પતિનાં હાલ તો જો તારા વગર મજનૂ જેવો થઈ ગયો છે. એ તને ખૂબ જ પ્રેમ કરે છે, એણે તને કેટલાં પત્રો લખ્યા પણ તેં એકનો પણ જવાબ નથી આપ્યો. હવે તું છૂટાછેડા લેવા ઈચ્છે છે ? તું બહુ મોટી ભૂલ કરે છે. આજના આધુનિક યુગમાં સીધો સાદો છતાં રોમેન્ટિક અને નિર્વ્યસની, પ્રેમાળ પતિ નસીબદાર છોકરીને જ મળે. તારી સાથે ખોટું થયું છે, તેં અને પ્રજ્ઞેશ બંનેએ બાળક ગુમાવ્યું છે, એમાં પ્રજ્ઞેશનો શો વાંક ! જે થઈ ગયું એ થઈ ગયું, તમારી ઉંમર જ શું છે ? શું પ્રજ્ઞેશ તને બીજું બાળક નહીં આપે ? શું તું ફરી મા નહીં બની શકે ? 

બીજી વાત, તારી બિમારીમાં તારી સાસુએ તારી વોમિટીન્ગ પણ સાફ કરી છે. તારી ઘણી સેવા કરી છે, એ વાત મારી નજર સામે છે, એને કેમ નકારાય ? તારા સાસુ ગમે તે બોલી ગયા, લાગણીના આવેશમાં, પૌત્ર પ્રેમને કારણે, તો શું થઈ ગયું ! ખોટું તો થયું જ છે ને ! એમની સાથે પણ. એમ ઘર અને પતિ ઓછા છોડી દેવાય ? ચાલ વિચાર,તું બીજા લગ્ન કરીશ, કોને ખબર બીજી સાસુ આનાથીયે વધુ ખરાબ મળી તો ! અને પતિ ! પતિ તો તને પ્રજ્ઞેશથી ચઢિયાતો નહીં જ મળે, એ હું તને પૂરી ગેરન્ટી સાથે કહી આપું છું. એ પ્રેમના દિવસો યાદ કર અને ચાલી આવ. પ્રજ્ઞેશની આંખમાં જો, તારા પ્રત્યેનો પ્રેમ નથી દેખાતો ? એકવાર એની આંખોમાં આંખો પરોવીને જોઈલે અને ચાલી આવ. પ્લીઝ !

લિ. તારી મોટી બહેન ગણે તો એ

નહીંતર, માત્ર સખી, રોશની.

બન્યું પણ એવું જ, રોશનીનો પત્ર વાંચી રાખીએ તરત બેગ ભરી તૈયાર થઈ અને મમ્મી પપ્પાને માત્ર "જય શ્રી કૃષ્ણ" કહી પ્રજ્ઞેશ સાથે ચાલી આવી.

આજે પણ રાખીએ રોશનીનો એ પત્ર એનાં લોકરમાં સાચવી રાખ્યો છે. રોશનીને એણે હંમેશને માટે મોટી બહેનનો દરજ્જો આપ્યો છે. આજે એ બે બાળકોની માતા છે અને બન્ને પતિ-પત્ની ખૂબ જ ખુશ છે. બંને પરિવારોનાં સંબંધ પણ સરસ થઈ ગયા છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational