શ્રદ્ધા
શ્રદ્ધા
મીતા, ગીતા અને નીતા તથા મહેશ આ ચાર મિત્રો હતા. હંમેશા સાથે જ રહે. પાડોશી પણ ખરા. તેઓ હંમેશા બાલમંદિરથી કોલેજ સાથે ભણ્યા. ત્યારબાદ વેકેશનમાં તેમણે નક્કી કર્યું કે ચાલો આપણે ક્યાંક ફરવા જઈએ. દૂર જંગલ વિસ્તારમાં ટ્રેકિંગ કરવું અને સાપુતારા જવું. ત્યાંથી સાતપુડાની ગીરી માળાઓમાં ફરવું. ધોધ નિહાળવા એ માટે તેમણે નક્કી કર્યું.
ચારેય મિત્રો કારમાં નીકળી પડ્યા. તેમાંથી મહેશ નામ પ્રમાણે શંકર ભગવાનનો ભક્ત હતો. તેણે બીતા બીતા કહ્યું," મને ખૂબ બીક લાગે છે કારણ કે બે દિવસ બે રાત તંબુમાં રહેવું ઉપરથી આ વીજળી પડે, વરસાદ પડે."
ત્યાં તો બીજા મિત્રો બોલ્યા," કશું ના થાય."
મહેશ કહે," હું તો ભગવાનનું નામ લઈ આવું છું."
ત્રણે મિત્રો હસી રહ્યા," અરે, ભગવાન શું કરવાનો હતો ?" ચારેય જણા નીકળ્યા. પહેલા દિવસે તો ખૂબ નિર્વિઘ્ન પ્રવાસ થયો પણ રાત્રે તેઓ જંગલમાં તંબુ બાંધી રહ્યા મહેશ તો ભગવાનનું નામ લઈ માળા જપી રહ્યો હતો. અચાનક કેટલાક લૂંટારૂ જેવા માનવીઓનો અવાજ આવ્યો. ત્યાં જ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો. તંબુમાં દીવો હોલવાઈ ગયો. મોબાઈલની બેટરી ચાલુ થઈ. વાતાવરણ બિહામણું હતું. કોઈકના ધીમા પગરવ સંભળાતા હતા. જાણે નજીક કોઈ આવી રહ્યું હોય ! મહેશે બધાને મોબાઈલ બંધ કરવા કહ્યું બેટરીનો પ્રકાશ બંધ થયો. ચારેય શ્વાસ રોકીને બેસી રહ્યા હતા. વીજળીના ચમકારા થતા હતા. તેમાં તેમણે જોયું પોલીસનો વેશ પહેરેલ બે વ્યક્તિઓ નજીક આવી રહી હતી તેમણે તંબુ જોયો. અને બૂમ પાડી ,"કોણ છે ?"
હવે બધાનો જીવ હેઠો બેઠો. માંડ માંડ નીતા બોલી," અમે મિત્રો છીએ અને ફરવા આવ્યા છીએ. પોલીસોએ માહિતી આપી, "અનરાધાર વરસાદ છે, વીજળી છે ,અને એમાં તમે કેમ આવ્યા ? "
મહેશે સૂર પૂરાવ્યો. "હા ,સાચી વાત છે."
પોલીસોએ કહ્યું," સારું, તમે આવ્યા છો તો શાંતિથી તમારો પ્રવાસ કરજો. અમે તમારા મિત્રો છીએ. કોઈપણ કામ હોય તો કહેજો. પોતાનો મોબાઈલ નંબર પણ આપ્યો. તેઓ વિદાય થયા. બધાએ નિરાંતનો શ્વાસ લીધો. નિશ્ચિંત બન્યા. ત્યાં જ મહેશે કહ્યું," મેં નહોતું કીધું ભગવાન પર ભરોસો રાખો, તે આપણને મદદ કરશે જ. જુઓ, ખરા સમયે આવી ગયો ને ?" બીજા મિત્રોએ પણ કહ્યું,"સાચી વાત છે મહેશ. હવેથી અમે પણ ભગવાનમાં શ્રદ્ધા રાખીશું. ભગવાને આજે અમને પાઠ ભણાવી દીધો". ત્યાં જ વીજળીના ચમકારા બંધ થઈ ગયા હતા વરસાદ મન મૂકીને વરસી રહ્યો હતો અને બીજા દિવસની સણોલી સવાર દેખાઈ રહી હતી.
