સાચો સાથી
સાચો સાથી
અંજલિ ને આદિત્ય. . આહાહા. . . મારા જીવનમાં મેં જોયેલા સૌથી સુંદર યુગલ. મારી શેરીમાં મારા ઘરથી બે ઘર દૂર મફતભાઈનું ઘર. એમની દીકરી અંજલિ. એમના ઘરની બરાબર સામે બકુલભાઈનું ઘર. એમનો દીકરો આદિત્ય. અંજલિ ને આદિત્ય બંને નાનપણથી જ પાકાં ભેરૂ. ભણતાં, રમતાં, ઉઠતાં, બેસતાં બંને હંમેશાં સાથે જ હોય. બંનેનાં કુટુંબો વચ્ચે પણ સારો સંબંધ.
જોતજોતામાં બંને યુવાન થતાં ગયાં. કોલેજ પણ સાથે જ જતાં. કયારે બંને વચ્ચેની મિત્રતા પ્રેમમાં પરિણમી એનું એમને ભાન જ ના રહ્યું. બંને એકબીજાને પસંદ કરવા લાગ્યાં. બંને એ પોતપોતાના મનની વાત કહી દીધી. આખરે બંને એ લગ્નનાં બંધનમાં બંધાવા સહમત થયાં. બંને સંસ્કારી ઘરના. બંનેએ પોતપોતાના માતા પિતા ને લગ્ન માટે મનાવી લીધાં. લગ્નની તારીખ નક્કી થઈ.
પણ કહેવાય છે ને કે વિધાતાએ લખેલાં લેખ કોઈ બદલી ના શકે. અંજલિને ક્યાં ખબર હતી કે એના જીવનમાં કેવો હડકંપ મચી જશે કે જે એનું જીવન બદલી નાખશે. હવે બન્યું એવું કે એના લગ્નના બે દિવસ પહેલાં સવારે નાહી ને અંજલિ મંદિરમાં દર્શન કરવા જતી જ હતી કે એકાએક આસપાસ બધું ખખડવા લાગ્યું. અંજલિ કંઈ સમજે એ પહેલાં તો ધરતી હિલ્લોળે ચડી. ચાળણીમાં જેમ ઘઉં ચળાય તેમ જમીન ખસવા લાગી. અંજલિએ એકદમ જ બૂમ પાડી દરવાજા ભણી દોટ મૂકી. ચારેકોર બૂમાબૂમ અને ચીસાચીસ થવા લાગી. એટલામાં કોઈએ બૂમ પાડી, "ભાગો. ! આ તો ભૂકંપ છે."
આ સાંભળી અંજલિએ તુરંત દૂરંદેશી દાખવી ગભરાયા વગર ઘરના બધા સભ્યોને દરવાજાની બારસાખ નીચે એકઠાં થવા જણાવ્યું. કુટુંબીજનો એ કહ્યા પ્રમાણે જ કર્યું. બાકી રહી તો બસ અંજલિ. કરમની કઠણાઈ એવી કે અંજલિ જેવી કુટુંબના સભ્યો તરફ આગળ વધી કે અચાનક એક મોટો અવાજ થયો. જોતજોતામાં ઘરની છત ધરાશાયી થઈ ગઈ. ધૂળના ગોટેગોટા અને કાટમાળ વચ્ચે અંજલિ જાણે અલોપ જ થઈ ગઈ. ઘરના બધા સભ્યો અંજલિના નામની બૂમો પાડતાં રહ્યાં પરંતુ કોઈ પ્રત્યુત્તર ના મળ્યો.
થોડી વારમાં બધું શા
ંત થતાં અંજલિની શોધખોળ હાથ ધરાઇ. બીજીતરફ આદિત્યના ઘરના સભ્યો સૌ હેમખેમ ઘરની બહાર નીકળી ગયા. બહાર આવતાંની સાથે જ આદિત્યની નજર અંજલિના ઘર પર પડી. ધ્વસ્ત થઈ ગયેલા ઘરને જોઈ તેણે અંજલિના ઘર તરફ દોટ મૂકી. "અંજલિ...અંજલિ... "બૂમો પાડતાં તે ઘરમાં આવ્યો. ત્યાં પહોંચી એણે જોયું કે લોકો કાટમાળ હેઠળ દટાઈ ગયેલી અંજલિને બહાર કાઢવા મથી રહ્યા હતા. એ તરત જ તેમને મદદ કરવા લાગ્યો.
આખરે અંજલિને બહાર કાઢવામાં આવી. શ્વાસ ચાલુ હતો એટલે ઝડપથી એને દવાખાને ખસેડવામાં આવી. અંજલિ બેભાન જ હતી. તપાસ કરતાં ડૉકટરે જણાવ્યું કે અંજલિના બંને પગમાં ઇજા થવાથી લોહી ફરતું નથી તથા પગના તમામ હાડકાં ભાંગી ગયાં છે. એનો જીવ બચાવવા અંજલિના બંને પગ કાપી નાખવા પડશે. આ સાંભળી અંજલિના ઘરના સભ્યો તથા આદિત્યના પગ નીચેથી જાણે જમીન જ સરકી ગઈ. બધાં આઘાતથી ભાંગી પડ્યાં.
છેવટે મન મક્કમ કરીને નિર્ણય લેવામાં આવ્યો કે કોઈ પણ ભોગે જીવ બચાવવામાં આવે. ઓપરેશન ૪ કલાક ચાલ્યું. અંજલિના પગ કાપી નંખાયા અને તેને વોર્ડમાં ખસેડવામાં આવી. આ સમગ્ર કામગીરી દરમિયાન આદિત્ય અંજલિ ની પાસે જ હતો. અંજલિ ભાનમાં આવી. સૌ કુટુંબના સભ્યો તરફ જોઈ રહી . આદિત્ય સામે દયામણી નજરે જોઈ રહી. એ જાણે હજુ ભૂકંપના આઘાતમાંથી જ બહાર આવી ન હતી. બધા એ પ્રેમથી એની જોડે વાતો કરી. અચાનક એની નજર એના પગ તરફ ગઈ. એના પર તો જાણે આભ તૂટી પડ્યું. આંખોમાંથી દળદળ આંસુ વહી નીકળ્યાં. અવાક એવી અંજલિ ને આદિત્ય એ સંભાળી. આખી ઘટના કઈ રીતે બની એ વિસ્તારથી જણાવ્યું. મન મક્કમ રાખવા ખૂબ પ્રેમ પૂર્વક સમજાવ્યું.
આ ઘટના બાદ અંજલિ એ આદિત્યને લગ્ન માટે ના પાડી. એ આદિત્યનું જીવન બગાડવા નહોતી ઈચ્છતી. પરંતુ આદિત્યએ અંજલિ સાથે લગ્ન કરવાની વાતથી પીછેહઠ ન કરી. "જેવી છે એવી મારી છે." એવું કહી એણે બધાંના મોં બંધ કરી દીધાં. ધામધૂમથી બંને ના લગ્ન થયાં.રાજીખુશીથી સૌ રહેવા લાગ્યાં. આને કહેવાય સાચો સાથી.