સાચી ઊંઘ
સાચી ઊંઘ
રોડની બાજુમાં જ કપચીનો ઢગલો હતો અને તેની બાજુમાં જ રેતીનો ઢગલો હતો કારણ કે ત્યાં ફ્લેટ બનવાનું કામ શરુ હતું. આ રેતીનાં ઢગલાની બાજુમાં ખાટલો ઢાળેલો હતો. ખાટલો મજબૂત લાગ્યો કારણ કે લાકડાના બદલે લોખંડની પાઈપનો બનેલો હતો.
આ ખાટલાની એક નાની પાઈપ કે જ્યાં માથું રાખવાનું હોય ત્યાં નીચેની બાજુમાં સાડીના બન્ને છેડા વડે હીંચકો કહો તો હીંચકો અથવા ઘોડિયું કહો તો એમ. જે કહોતે બનાવેલું હતું. આ સાડીનાં ઘોડિયાંમાં એક બાળક સૂતું હતું. ખાટલાની ઉપર આ બાળકના માતાપિતા બેઠાં હતાં કે ત્યાં જ પગીપણું (ઘર કે ફ્લેટ બનતું હોય ત્યારે જે ધ્યાન રાખે તે) કરતાં હશે. બહુ મોટી ઉંમર નહીં હોય એમની નવયૂગલ હોય એવું લાગ્યું. બન્ને વાતો કરતા હતાં અને સાથોસાથ દાતણ કરતાં હતાં.
થોડુંક અજીબ લાગ્યું કે રાત્રિના નવ વાગ્યે કોઈ દાતણ કરતું હશે પછી અચાનક જ વિચાર આવ્યો કે મોટા માણસો સૂતી વખતે બ્રશ કરે જ છેને. થોડીક દૂર મોટી લાકડી જમીનમાં ખુચાડેલી હતી જેની ઉપરના ભાગ પર બલ્બ ટીંગાયેલો પ્રકાશિત થતો હતો. એનો આછો એવો પ્રકાશ આ સાડીમાં ઝુલતા બાળક પર પડતો હતો. એકબાજુ આકાશમાં વીજળી થતી તો એક બાજુ તમરાનો અવાજ તો એકબાજુ રોડ પર ચાલતી ગાડીઓના અવાજ હતા તો એકબાજુ મચ્છરનો ત્રાસ, પણ એની અસર બાળક પર નહોતી દેખાતી, શાંતિથી સૂતું હતું. થયું કે આવી ઊંઘ બધાંને કેમ નહીં આવતી પરંતુ એક વાત તો ચોક્ક્સ છે કે રૂમ ભલેને ગમે તેટલો સારો હોય, ભલેને તેમાં એર - કનડ઼િશનર મુકાવ્યું હોય, ભલેને મચ્છરને દૂર રાખવા મચ્છરદાની કે અગરબત્તી વાપરીએ તો પણ ઊંઘ નથી આવતી.
એ બાળકને અંદરથી જ સંતોષી છે એને એ પણ નથી ખબર તે રોડ અને બાવળીયાની બાજુમાં સૂતું છે. સારો રૂમ કે સારુ વાતાવરણના હોય તો પણ ઊંઘ આવી જતી હોય છે તો ક્યારેક ઘણું બધું હોય તો પણ સારી ઊંઘ આવતી હોતી નથી એની પાછળ તો ઘણાં બધાં કારણો છે. વધુ પડતાં સુખી થવામાંને થવામાં આજનો માણસ સારી ઊંઘ લઈ શક્તો નથી. સંતોષી જીવન જીવતો નથી, બધું આજને આજ કરી લેવું છે.
આપડું તો એવું માનવું છે કે જેનાં ઉપર 'ભગવાનની મહેર' છે એજ સારામાં સારી ઊંઘ લઈ શકે છે, આવી મહેર ફક્ત સંતોષી જીવનવાળાઓ ને જ મળતી હોય છે.
