પ્રત્યક્ષ વિઘ્નહર્તા
પ્રત્યક્ષ વિઘ્નહર્તા


આપણા શાસ્ત્રોમાં ગણપતિ દાદાને વિઘ્નહર્તા કહેવામાં આવે છે. ભગવાનને તો બોલાવે ત્યારે આવે. પણ પિતા. પિતા વગર બોલાવ્યે, વગર કહ્યે, પડછાયો બનીને સતત આપણા વિધ્નો દૂર કરવા પાછળ જ ઉભા હોય.
એક જ વાક્યમાં સઘળું આવી જાય "પ્રત્યક્ષ વિઘ્નહર્તા "આનાથી વિશેષ શું લખાય ? દીકરી હોય કે દીકરો એ ગમે એટલાં મોટા થઈ જાય(ઉંમરમાં પણ અને લાયકાત/હોદ્દામાં પણ) જ્યાં સુધી બાપ હયાત હોય ત્યાં સુધી એને કોઈ વિઘન નડતાંજ નથી, કોઈ ગ્રહ પણ નડતાં નથી. કંઈજ અશુભ થતુંજ નથી. સિંહ સમાન પિતાની છત્રછાયામાં કોઈની મજાલ છે કે એના સંતાનો પર વક્ર દ્રષ્ટિ પાડી શકે ! પછી ભલે એ બાપ નેવું વર્ષે, લાકડીના ટેકે કેમ ન ચાલતો હોય !
દીકરી માટે તો દરરોજ જ ફાધર્સ ડે. પપ્પા બોલતાજ ગળે ડૂમો ભરાઈ આવે એ સંવેદના કેમ કરીને વર્ણવી શકાય ? કે શબ્દોમાં લખી શકાય? હું નહીં આ સંસારની તમામ દીકરી પાસે કોઈ જ શબ્દો નથી. પિતા ન હોય ત્યારે તો એ વેદના શબ્દો માં ન જ ઢાળી શકાય. એક પિતા પોતાની દીકરીને સાસરે વળાવી ને એને ખુશ જોઈને જીવી જાય. પણ એક દીકરી... દીકરી બાપને વળાવી ને કેમ કરી જીવતી હશે ?
જરુરી નથી કે પિતા હયાત ન હોય તો સંતાન અનાથ થઈ જાય. જ્યાં સુધી એમની મા જીવતી હોય ત્યાં સુધી એમનો કોઈ વાળ પણ વાંકો ન કરી શકે. એ મમતાના સાગરમાં પોતાના બાળકોને હંમેશા તરબોળ રાખે પણ જરૂર પડ્યે એમની પડખે ઉભી રહી આભ જેવડો ટેકો આપવામાં એને જરાય વાર નથી લાગતી.
એટલે મા પણ પ્રત્યક્ષ વિઘ્નહર્તા કહેવાય તો છે જ!
મા- બાપનું ઋણ કેમ કરીને ચૂકવાય ? ચોર્યાસી લાખ ફેરામાં પણ નહીં જ ! જરૂરી નથી કે ફાધર ફિગર કે ગૉડ ફાધર એકજ હોય. સ્ત્રીને જરૂર પડે ત્યારેજે પુરુષ એની પડખે આવી ઉભો રહે એ પુરુષ પણ પિતા સમાનજ હોય છે. પછી એ ભાઈ હોય, દીકરો હોય, મિત્ર હોય, પતિ હોય, પ્રેમી હોય કે પછી સંકટ સમયે કામ આવેલ કોઈપણ પુરુષ. એ પણ પ્રત્યક્ષ વિઘ્નહર્તાજ છે.
સૌથી મહત્વનું, વહુ જ્યારે પિતા વિહોણી થાય ત્યારે સસરા આંખમાં આંસુ સાથે વહુના માથે હાથ મૂકીને કહે કે," આજથી હું જ તારો બાપ અને આજ તારું પિયર" એનાથી મોટો બીજો વિઘ્ન હર્તા કોણ હોઈ શકે??? પોતાના સંતાનોને તો સૌ કોઈ પ્રેમ કરે પણ વહુને દીકરી તરીકે અપનાવવી ખૂબ અઘરી છે. જે સસરા, સસરાપણુ છોડી બાપ બની વહુને દીકરી માની પોતાના સંતાનોની જેમજ સંભાળ રાખે એનાથી વિશેષ પ્રત્યક્ષ વિઘ્ન હર્તા કોણ હોઈ શકે !