પરમેશ્વરને પત્ર
પરમેશ્વરને પત્ર


પૂજનીય પરમેશ્વર,
વંદન તો તને દરરોજ કરું છું પણ આજે ખાસ પત્રથી સંવાદ કરવાની ઈચ્છા થઈ. કુશળ મંગળ તો તારે અમને બધાને રાખવાના હોય માટે એ બાબતે તો પૂછાય જ નહીં. નામ લખું તો કોનું લખું એક ધર્મ નું લખું તો બીજાને ખોટું લાગે. અને બધાના લખું તો પત્રના શબ્દોની મર્યાદા ખૂટી જાય પણ તારા નામ ના ખૂટે. બધા તને અલગ અલગ સ્વરૂપે પૂજે છે પણ હું તો તને એક જ માનું છું.
આજકાલની પરિસ્થિતિ મુજબ તને યાદ કરવાવાળાતો ઘણા વધી ગયા છે જે કોઈ દિવસ યાદ નોહતા કરતા એ કોરોના ના કહેર ને કારણે તેને દિવસ - રાત યાદ કરતા થયા છે. હે પ્રભુ ! એવું ના બને કે જેમ અનેક રાક્ષસો ના વધ કર્યા એમ કોરોના ના વધ માટે આપ અવતરણ પામો ? પણ પ્રભુ આં વખતે આવો તો ડિજિટલ સ્વરૂપમાં આવજો. કેમ કે હવેની આં આધુનિક પેઢી ચમત્કાર કે સુદર્શન ના કામમા નથી માનતી. આધુનિકતા નો નશો તો એટલો ચડી ગયો છે કે મનુષ્ય અધર્મી થતો જાય છે. તો આ પેઢીને ડિજિટલ ઢબે પરચો આપજો. અને હા પ્રભુ અતિ મહત્વની વાત એ કે આવો તો પહેલાની જેમ કૃષ્ણ કે ઈશુ ના વેશે ના અવતરશો નહીતો ધર્મના નામે પાછું યુધ્ધ શરૂ થઈ જશે. આવીને આં ધર્મને નાત - જાત ને જ્ઞાતિના બાધને દૂર કરો. પ્રભુ તમારા નામ પર તો હવે આંતરરાષ્ટ્રીય કંપનીઓ પોતાના ધંધા ચલાવે છે. ધાર્મિક સંસ્થાઓના નામે કરોડો રૂપિયાનું કાળું નાણું સફેદ થાય છે. હું પણ કેટલો ગાંડો છું નહીં ! તને આ બધી કહેવાની શી જરૂર ? તું તો અંતર ની વાતો પણ જાણે છે. તને તો બધી ખબર જ હોય ને.
મને ઘણી વાર એ વિચારો આવે જ્યારે હું પૌરાણિક વાતો વાંચતો હોઉં ત્યારે કે પે'લા ના સમય માં જ્યારે વસ્તી ઓછી હતી ત્યારે એમાંથી પણ મીરાબાઈ કેં નરસિંહ મહેતા જેવા ભક્તોને તું દર્શન આપતો પણ હવે જ્યારે વસ્તી અબજો એ પહોંચી છે ત્યારે એમાંથી એક પણની ભક્તિમાં એ શ્રદ્ધા નથી રહી કે તને જોઈ શકે? હશે તારી મરજી મારું તો કામ હતું તને આમંત્રણ આપવાનું હવે તારી મરજી તારે ક્યારે આવું ને કયા સ્વરૂપે આવવું. પણ પ્રભુ માનવતા ના મરણને તો વર્ષો થયા પણ હવે તો માનવો પણ કીડીઓની જેમ મરવા લાગ્યા છે. માટે હવે તારી હાજરી આધુનિકતા ના અંધાપાને દૂર કરવા માટે જરૂરી છે.
તારા ચરણો ને સ્પર્શવા તલપાપડ અને કાયમ તારા આશીર્વાદ નો ભૂખ્યો તારો પ્રિય ભક્ત.
લી.
તારો પ્રિય ભક્ત