HETA CHUDGAR

Inspirational Children

4.8  

HETA CHUDGAR

Inspirational Children

પ્રેરણા પરબ

પ્રેરણા પરબ

6 mins
380


આજે સવારથી જ એક પછી એક એમ ત્રણ ત્રણ મિટિંગો ઉપરા ઉપરી કરીને થાકીને બપોરે આસરે ૩:૩૦ વાગ્યે હું ગરમ કોફીની મઝા લઈ રહ્યો હતો, ત્યાં અચાનક મોબાઇલમાં રીંગ વાગીને મારું ધ્યાન ડિસ્પ્લે પર ગયું. નંબર જોઇને મારો થાક જાણે ગાયબ જ થઈ ગયોને એક ખુશીની લહેર મારા ચહેરા પર આવી ગઈ. ફોન હતો વડોદરાની મારી પ્રાથમિક શાળા એમ.કે.ગાંધી વિદ્યાસાગરમાંથી. વાતની શરૂઆત “જય શ્રી કૃષ્ણ” શાળાની પરંપરાથી જ થઈ. હું રશ્મિબેન એમ.કે.ગાંધી વિદ્યાસાગરના નિરીક્ષક વાત કરું છું. તમે વનરાજ શાહ જ વાત કરો છો? મેં હકારમાં જવાબ આપ્યો. ને તેમણે આગળ વાત કરી કે, આ વર્ષે ૫મી સપ્ટેમ્બર શિક્ષકદિનની ઉજવણી શાળા શરૂ થઈ તે વર્ષના “ગુરૂજનોના સન્માન સમારોહ”થી કરવાનો નિર્ણય કર્યો છે તો એના ભાગરૂપે પ્રથમ વર્ષના શિષ્યો ગુરુજનોનું સન્માન કરશે આ માટે શાળાએ આપણી પસંદગી કરી છે. ને આપને આ સન્માન સમારોહનો હિસ્સો બનવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવીએ છીએ. વનરાજ એક પણ મિનિટ બગાડ્યા વગર ઉત્સુકતાથી આ આમંત્રણને વધાવી દે છે ને રાજી રાજી થઈ જય છે. ને વાત પણ એ જ પરંપરા “જય શ્રી કૃષ્ણ”ના સંવાદ સાથે પતે છે.

   ફોન પત્યા પછી વનરાજ એના બાળપણમાં પહોંચી જાય છે. ઈ.સ. ૧૯૮૦નો એ.કે.ગાંધી વિદ્યાસાગરનો પ્રથમ વર્ગ વનરાજ, મહેશ, રમેશ, દિનેશ, નરેશ, પ્રવીણ, નીલા, રમીલા, હીના જેવા તોફાની વિદ્યાર્થીઓથી શરૂ થયો હતો ને અમાં પણ વનરાજનો તોફાનમાં પહેલો નંબર આવે. કે જયારે એ લોકોને પા પા પગલીનાં ડગલાં પણ ભરતાં બરાબર આવડતા ન્હોતા, પરંતુ શાળાના શિક્ષકોના અથાગ પ્રયત્નો ને કેળવણીના લીધે જ આજે તમને જીવનમાં આવનાર તમામ પહાડ જેવી કોઈ પણ મુશ્કેલીને હસતાં હસતાં ઓળંગી શકે એવા બની ગયા હતાં.

   વનરાજની ખુશીનો પાર ન્હોતો કે જે શિક્ષકોના લીધે આજે પોતે જે જીવન જીવે છે તે એના માતા-પિતાના સંસ્કાર ને ગુરૂજનોની કેળવણીના કારણે જ છે. જોત જોતામાં ૫મી સપ્ટેમ્બર આવી ગઈ ને વનરાજ આજે સવારથી જ ખૂબ ખુશમાં હતો ને જેવો એને એમ.કે.ગાંધી વિદ્યાસાગરમાં પગ મુકયો કે પોતાની શાળાની યાત્રાના દ્રશ્યો આંખ સામે આવી ગયા. એ જ બધા તોફાનો, મસ્તી, શિક્ષકો સાથેના વાર્તાલાપ જાણે બધું એ આજે પણ અનુભવી શકતો હતો.

   એમ.કે.ગાંધી વિદ્યાસાગરનાં બધાં જ શિક્ષકો એકદમ કર્મનિષ્ઠ, સત્યવાન, નિયમિત, પ્રમાણિક. એમાં પણ વિદ્યાર્થીઓનાં જીવન ધડતર માટે હંમેશા તત્પર એવા મંજુબેન કે જે શિક્ષકના રૂપમાં માતા સમાન હતાં. માતા-પિતા બાળકને જન્મ આપે છે પરંતુ જેમ શિલ્પકાર પથ્થરમાંથી કોતરીને સુંદર શિલ્પ બનાવે છે, હીરાઘસુ હીરાને ઘસી ઘસી ને આકર્ષિત આભૂષણ બનાવે છે. તેવી જ રીતે મંજુબેને તમામે તમામ વિદ્યાર્થીઓના જીવન ઘડતરનું ભગિરથ કાર્ય આજીવન કર્યું હતું ને આવા ગુરૂજનના સન્માનનું શુભ કાર્ય કરવા માટે વનરાજ ખૂબ જ ઉત્સુક હતો.

વિતી ગયું બાળપણ ને યૌવન કેરો ગુલમહોર,

જીવનકેરા ચૈત્ર-વૈશાખ, માર્ગમાં બન્યા આપ વનરાજી,

શીતલ છાંવમાં, અમ બન્યા ન્યાલ,

આપની કૃપા અવિરત રહે એવી અમ અભિલાષા.

   જેમ ખાલી કોથળો ઊભો રહી જાય તેનું કારણ તેમાં ભરવામાં આવેલ અનાજ છે. ખાલી ફુગ્ગો આસમાનમાં ઊડી જાય તેનું કારણ તેમાં ભરવામાં આવેલ હવા છે. નીચાણ તરફ વહેનાર પાણી ૧૫માં માળે પહોચી જાય તેનું કારણ તેમાં ગોઠવેલ પંપ છે. એવી જ રીતે ભણવામાં નબળા વિદ્યાર્થી ઉચ્ચતમ શિખરો સર કરે તેનું કારણ તેમને પૂરી પાડવામાં આવતી પ્રેરણા જ છે. આ જ જન્મ સિધ્ધાંત મંજુબેનનો રહ્યો હતો ને મંજુબેનના પ્રેરણાપીયૂષથી વનરાજ આજે એક સફળ કંપનીનો માલિક બની શક્યો હતો. જ્યાં છે ત્યાં મંજુબેનની આ કેળવણીના લીધે જ પહોચી શક્યો હતો.

   વર્ગમાં તોફાની વિદ્યાર્થીઓમાં વનરાજનું નામ પ્રથમ આવે. તે અંદરોઅંદર બધા વિદ્યાર્થીઓ સાથે લડતો ઝઘડતો. પ્રિન્સિપાલ પાસે રોજ કોઈ ને કોઈ વાલી વનરાજની ફરિયાદ લઈને આવે. બધા શિક્ષકો પણ એની ફરિયાદ કરે. પ્રિન્સિપાલ સામે એના આવા વર્તનથી વર્ગમાં અશિસ્તતાનો પ્રશ્ન સર્જાતો હતો. અનેકવાર બધા શિક્ષકો અને પ્રિન્સિપાલ તેને બોલાવીને સમજાવતા કે વર્ગખંડમાં શાંતિ જાળવે, હળીમળીને સહકારથી વર્તન કરે, ધ્યાન આપીને મન દઈ અભ્યાસ કરે પરંતુ તેના વર્તનમાં કંઈ ફેરફાર થયો ન્હોતો. આનો આ જ ઘટનાક્રમ રોજ જ ચાલુ રહ્યો હતો.

        હવે આ શાળામાં મંજુબેનની નિમણૂંક થઈ. તેમને બધા જ શિક્ષકોએ વનરાજ તોફાની છે અને તેમાં તોફાન વિશે વાત કરી ચેતવ્યા હતાં, પરતું મંજુબેન તો એમ જ માનતા હતાં કે “વિદ્યાર્થીને કેળવે તે કેળવણી” ને આ કેળવણી શિક્ષક જ આપી શકે. માટે તે ખૂબ જ શાંત થઈ એ વર્ગમાં પ્રવેશ્યાં. વનરાજ ને બીજા વિદ્યાર્થીઓ તો એક બીજા સાથે તોફાન કરવામાં વ્યસ્ત હતાં. મંજુબેન પર કોઈનું ધ્યાન ગયું જ નહીં. થોડીવાર મંજુબેન આ બધું જોઈ રહ્યાં ને પછી બધાં પુસ્તકો બાજુ પર મૂકી વિદ્યાથીઓને કહે, “ મારા વ્હાલા ભૂલકાઓ, હું તમારી નવી શિક્ષક મંજુબેન છું. તમારે આજે ભણવાનું નથી પરંતુ આપણે આજે એક રમત રમીશું.” આ સાંભળીને બધાં વિદ્યાથીઓ એકદમ શાંત થઈ ગયા ને જે વર્ગમાં હંમેશા ધોંધાટ રહેતો ત્યાં આજે નિરવ શાંતિ છવાઈ ગઈ. આ પરિવર્તન જોઈ બધા શિક્ષકો ને પ્રિન્સિપાલ વિસ્મય પામ્યા.

   મંજુબેને વિદ્યાર્થીઓ ને કહ્યું, તમારે બધાંએ એક એક કાગળ લેવાનું છે તેમાં તમારે પોતાના માટે એક એક વાક્ય લખવાનું રહેશે પછી એ કાગળ તમારે તમારા બધાં વિદ્યાર્થી મિત્રોને વારા ફરતી આપવાનું રહેશે ને તમારી પાસે તમારા બધાં જ વિદ્યાર્થી મિત્રોના કાગળ પણ આવશે જેમાં તમારે બધાંએ એક એક વાક્ય તમારા મિત્રો માટે લખવાના રહેશે ને એ વાક્ય સામે તમારું નામ લખાવનું રહેશે. બધાંનાં કાગળ મારી પાસે આવી જશે પછી હું પણ તમારા માટે એમાં એક એક વાક્ય લખીશ ને તમને આપીશ. ગણતરીના સમયમાં તો મંજુબેન પાસે બધાં જ વિદ્યાર્થીઓના કાગળ આવી જાય છે ને મંજુબેન એ કાગળ વાંચવાની શરૂઆત કરે છે. અત્યાર સુધી જે બધાં જ બાળકો એકબીજા સાથે લડતા, ઝઘડતા, અપશબ્દો વાપરતાં, ધમાલ-મસ્તી કરતાં એવા બધા જ ભૂલકાઓ માટે મંજુબેન હવે એક એક વાક્ય લખે છે. તેમણે બધાં જ કાગળમાં લખ્યું, “ તમે હોશિયાર છો, તમે પ્રેમાળ છો, તમે દયાળુ છો, તમે તંદુરસ્ત છો, તમે પરોપકારી છો, તમે મળતાવડા છો, તમે ભલા છો, તમે સુંદર છો..” વગેરે વગેરે જેવા પ્રેરણાદાયક વાક્યો લખીને જે તે વિદ્યાર્થીઓને આપી દીધાં. પોત પોતાનાં કાગળમાં પોતાનાં માટે લખેલ લખાણ વાંચીને વનરાજનો ને બીજા તોફાની વિદ્યાર્થીઓનો દ્રષ્ટિકોણ જ બદલાઈ ગયો. કહેવાય છે ને ક્ષણને સાચવતા શીખવે તેનું નામ શિક્ષણ. ને મંજુબેન માટે એમનો વર્ગ એ સ્વર્ગ સમાન બની ગયો. તેમની આ કેળવણીથી વનરાજનો અભિગમ બદલાઈ ગયો. જે વનરાજને બધાં દુશ્મન જેવા માનતા હતાં તે હવે મિત્રો બની ગયા હતાં. શિક્ષકો સાથેની તેની વર્તણૂક પણ બદલાઈ ગઈ હતી. બધાં જ શિક્ષકો માટે આ એક ચમત્કાર જ હતો.

   મંજુબેન માનતા હતાં કે શિક્ષકના શબ્દોનો બાળકો પર ખૂબ જ પ્રભાવ પડે છે. શિક્ષકના ડ્રેસ અને એડ્રેસ બાળકોને પ્રભાવિત કરે છે. “ તું ભણવામાં નબળો છે, તું ડોબો છે, તું ઠોઠ છે, તું નકામો છે, તને આવડતું નથી, તારાથી કશું થશે નહીં, તારામાં બુદ્ધિ નથી, તારાથી આ નહીં થાય, તું ક્યારેય નહીં સુધારે...” વગેરે વગેરે જેવા નકારાત્મક શબ્દોથી બાળકના કુમળા માનસ પર નકારાત્મક અસર થાય છે. બાળકો વચ્ચે સરખામણી કરવી પણ યોગ્ય નથી. “પ્રત્યેક બાળકએ ઈશ્વરનું સર્જન છે અને ઈશ્વરના સર્જન બધાં જ ખાસ હોય છે.”

   મંજુબેન આ વાતનું હંમેશા ધ્યાન રાખતા હતાં. ક્યારે પણ એ બાળક સાથે નકારાત્મક અભિગમ રાખતા નહીં. હંમેશાં તેઓ એમ જ સંબોધતા કે , “ ચાલો બાળકો આપણે સમયનો સદુપયોગ કરીએ, ચાલો આપણે વર્ગખંડમાં શાંતિ જાળવીએ, ચાલો આપણે પર્યાવરણની કાળજી કરીએ, તમે બધા જ ખાસ છો ને બધા જ હોશિંયાર છો....” આવા પ્રભાવશાળી વાક્યોથી જ વિદ્યાર્થીઓને સંબોધતાં હતાં.

      મંજુબેન વિદ્યાર્થીનીઓની કેળવણી માટે પણ અથાગ પ્રયત્નો કરતા. તેઓ એવું માનતા કે વિદ્યાર્થીનીઓને સિંહણ જેવી જ બનાવવી કે જીવનમાં ક્યારે પણ કોઈ પણ પરિસ્થિતિમાં ડરી કે કોઈથી પાછળ પડવી જોઈએ નહીં. છોકરીઓને પણ સમાન હક છે તેમને પણ શ્રેષ્ઠ કેળવણી આપવી જોઈએ જેથી ભાવી પેઢી, સમાજ ને રાષ્ટ્રને ચલાવનાર સત્પુરુષ જન્મે.

   મંજુબેન હંમેશાં વિદ્યાર્થીઓને હકારાત્મકતા વિશે સમજાવતા ને પ્રોત્સાહન આપતા હતાં. “ú  કાર”માં જેટલું મહત્વ “હકાર”નું છે તેવી જ રીતે “હકાર”ને આપણે આપણા વ્યવહારમાં સ્વીકારી લઈએ તો બધા સાથેના તકરારથી બચી શકીએ અને સૌનો સહકાર મળી શકે છે. આમ કરવાથી સર્વત્ર આપણને આવકાર મળે છે ને જીવનમાંથી અંધકાર દૂર થાય છે. મંજુબેને “બી પોઝિટિવ” નામનો જીવનમંત્ર વણી લીધો હતો ને વિદ્યાર્થીઓને પણ આજ જીવનમંત્ર આપતા હતાં. આ જીવનમંત્રના લીધે તેમનો વ્યવહાર બધા સાથે એકદમ તંદુરસ્ત હતો. તેઓ એવું પણ સમજતા કે “ફરગીવ એન્ડ ફરગોટ” યાદ રાખીએ તો આપણો બધા સાથે શ્રેષ્ઠ જ વ્યવહાર રહે.

ગુરુ:બ્રહ્મા ગુરુ:વિષ્ણુ ગુરુ:દેવો મહેશ્વર:,

ગુરુ:સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈશ્રીગુરવેનમ:.

   “વિદ્યા દદતિ વિનાયમ્” અર્થાત વિદ્યા વિનય આપે છે. માનવી જેટલો વિદ્વાન હશે એટલો જ નમ્ર પણ હશે. શિક્ષાથી જ માનવ જીવનનું કલ્યાણ શક્ય છે. શિક્ષા વગરના માનવીની સફળતાની કલ્પના અશક્ય છે. તેથી જ મંજુબેનના આવા પ્રેરણાદાય વ્યવહારથી વનરાજ જેવા અનેક વિદ્યાથીઓ પોતાના જીવનને સાર્થક કરી શક્યાં હતાં. જેના પરિણામના ભાગરૂપે આજે વનરાજના હાથે મંજુબેન જેવા ગુરૂજનનું સન્માન થવાનું હતું. આજે પણ વનરાજ પાસે મંજુબેનના હાથેથી લખેલું એ લખાણ પોતાની પાસે જ છે જેનાથી વનરાજને હંમેશાં શક્તિ ને આગળ વધવાની પ્રેરણા મળે છે.


Rate this content
Log in

More gujarati story from HETA CHUDGAR

Similar gujarati story from Inspirational