પ્રેમ
પ્રેમ
મોહિની આજે ખૂબ જ ખુશ હતી. તેનું પોતાનાં ઘરનું સ્વપ્ન પૂરું થયું હતું. આજની ઘડી રળિયામણી તેમ આજે વાસ્તુ પૂજા હતી. એટલે આજે તેના આનંદનો પાર ન હતો. મોહિની એક સાધારણ વ્યક્તિત્વ ધરાવતી સંસ્કારી પરિવારની સારું શિક્ષણ મેળવેલ દીકરી હતીં. તેનાં લગ્ન ગામડામાં રહેતા અને કંગાળ પરિસ્થિતિમાં જીવતાં એક નાનકડાં પરિવારમાં થયા હતાં. બે ભાઈઓ અને માતા પિતા એવું નાનકડું કુટુંબ હતું. જેમાં સ્વપ્નીલ સૌથી મોટો હતો સીધો સાદો. સ્વપ્નીલ સ્વભાવે ખૂબ જ ભોળો અને સરળ હતો. અને તેનું આજ વ્યક્તિત્વ મોહિનીના દિલને સ્પર્શયુ હતું. અને તેઓ લગ્ન ગ્રંથિથી બંધાઈ ગયાં. જયારે મોહિની લગ્ન કરી સાસરે આવી ત્યારે ઝૂંપડપટ્ટી જેવું માટીનું ઘર હતું. કયારેક પડી જાય તે કહેવાય નહીં. લોકોની દયા ભાવથી આ ઘરનો જીવનનિર્વાહ ચાલતો. દરેક નો સમય બદલાય છે તેમ આ પરિવાર ના દુ:ખના દિવસો પૂરા થયા. સ્વપ્નીલનો જેવો અભ્યાસ પૂરો થયો કે તેને સારાં પગારવાળી નોકરી મળી ગઈ. અને નોકરીના થોડાં સમય બાદ એક વડીલ દ્વારા મોહિનીની વાત આવી. સ્વપ્નીલ દેખાવે ખૂબ જ સુંદર અને સંસ્કારી પણ હતો જ. તેને કોઈ પણ જાતનું વ્યસન ન હતું. દેખાવથી પણ એટલો જ માસૂમ કે જેતા જ કોઈ ને પણ ગમી જાય
નાનપણથી જ ગરીબીમાં ઉછેર થવા ને કારણે તેને દુનિયા અને સંબધોને જીવી લીધા હતાં. જયારે બીજી બાજુ મોહિની એક શ્રીમંત પરિવારની શહેરના વાતાવરણમાં ઉછરેલી સારું શિક્ષણ મેળવેલ દીકરી હતીં. પરંતુ તે દેખાવે સાધારણ અને થોડો શ્યામવર્ણ ધરાવતી હતી. ખૂબસૂરતી ને જ સર્વસ્વ ગણતાં હોય તેવાં છોકરાઓએ મોહિનીને લગ્ન માટે ના પાડી હતી. એટલે મોહિની ને હંમેશા તેને મળેલી વાન પ્રત્યે અણગમો રહેતો. હવે સ્વપ્નીલ ને નોકરી મળતાં અને આ બાજું મોહિની માટે છોકરો શોધતા ધીરે ધીરે આ વાત વડીલો ધ્વારા મોહિની ના ઘરે પહોંચી. મોહિની ના પિતાજી દ્વારા સ્વપ્નીલ ના ઘરની પૂછપરછ કરતાં સારો પ્રતિસાદ મળ્યો એટલે ટૂંક સમયમાં મોહિની અને સ્વપ્નીલની મુલાકાત ગોઠવાઈ. બંને વચ્ચે થોડી પારંભિક વાતચીત થઈ. થોડું અનૂકુળતા આવતા બન્ને ની મુલાકાતો વધવા લાગી. મોહિની ને સ્વપ્નીલની સરળતા સ્પર્શી અને સ્વપ્નીલને મોહિનીની હોંશિયારી અને ચંચળતા. અને બન્ને નો જવાબ હા માં ભળી ગયો. અને લગ્ન પણ ગોઠવાઈ ગયા. મોહિની માટે સ્વપ્નીલ ના ઘરના વાતાવરણમાં પોતાની જાતને ઢાળવી ખૂબ અધરી વાત હતી. પણ સ્વપ્નીલ ના સાથે અને પ્રેમના કારણે તે આવા વાતાવરણમાં ગોઠવાઈ ગઈ. સ્વપ્નીલ હરહંમેશ તેની સાથે હોય તેનું ખૂબ જ ધ્યાન રાખે. તો બીજી બાજુ મોહિનીએ સ્વપ્નીલ બદલી નાંખ્યો હતો. સ્વપ્નીલ શહેર ના છોકરાઓ જેવો આકર્ષક બનાવી દીધો. તેનાં વાણી, પોષાક, અભિવ્યક્તિમાં તે ધીરે ધીરે બદલાવ લાવી રહી હતી !
સ્વપ્નીલ ને તેણે એવાં મુકામ પર લાવી દીધો હતો કે તે હવે રાજકુમાર અથવા હીરો જેવો દેખાવે આકષક લાગતો હતો. લોકો જયારે આ જોડી જોતાં ત્યારે હસતાં હસતાં કહેતાં પણ ખરાં. . . . છોકરો કેટલો સુંદર અને તેની પત્ની તો જો. શું જોઈને સ્વપ્નીલ ને આ છોકરી પસંદ કરી હશે વગેરે. . . . આવી ઘણી બધી ટીકાનો ભોગ મોહિની બની હતી. તેને મનથી ખૂબ દુ:ખ થતું. પણ સ્વપ્નીલ નો અપાર પ્રેમ તેની તાકાત હતી. જે તે મહેસૂસ પણ કરતી. અને આવી ટીકાઓ ને ભૂલી જતી. આજે તેનાં ઘણાં બધાં સ્વપ્નો પૂરાં થઈ રહ્યા હતા. અને આજે તેના નવાં ઘરની વાસ્તુ પૂજા હતી. પૂજા માં બેસવા માટે તે પોતાની જાતને સોળે શણગારો થી સજાવી રહીં હતી. મોહિની ની બાજુમાં એક ઉચ્ચ જ્ઞાતિ નું મોભાદાર ઘર હતું. અને પરિવાર માં એક જ દીકરી ઉપેક્ષા. પૈસાની છોળોમાં ઉપેક્ષા નો ઉછેર થવા થી તે ખૂબ જ સ્વછંદી હતી. સ્વપ્નીલના પરિવારની ખરાબ પરિસ્થિતિ વખતે આ પરિવાર તેમને મદદ કરતો. તેમની કૃપાદ્ષ્ટી રહેતી. એટલે ઘણી વાર આ પરિવારની સ્વછંદી પણ સહન કરવી પડતી. . મોહિની માટે આ ઉપેક્ષા એક નંણદનો રોલ નિભાવતી. તેને પણ તેનાં ઘણાં કડવાં અનુભવો થયાં હતાં. પણ તે સાસરી હોવાં ના કારણે મર્યાદા માં રહી કહેતી ન હતી. પણ તે સ્વપ્નીલને એકાંત માં ખૂબ ફરિયાદ કરતી. સ્વપ્નીલ બધું સમજતો હોવા જતા તે વાતને હસવામાં કાઢી નાખતો. કારણ તે પણ પરિસ્થિતિ સામે લાચાર હતો. મોહિની આ પરિવાર સાથે ખૂબ જ ઓછી બોલચાલ રાખતી. બસ પૂછે તેનો જવાબ. અને કયારેય તે પોતાનું ઘર છોડીને કયાંય જતી નહીં. ખૂબ જ ઉત્સાહ થી મોહિની વાસ્તુ પૂજા માટે શણગાર સજી રહી હતી. તો સ્વપ્નીલ મોહિની ને બોલાવતો હતો. . "મોહિની જલ્દી કર પૂજા નું મોડું થાય છે. પૂજારી બોલાવશે હમણાં જ. . . . .
પણ મોહિની નું પૂરું ધ્યાન પોતાને સજાવવામાં જ હતું. અને તે જ ઘડી એ ઉપેક્ષા મોહિની ના રૂમમાં આવી ચડી. . . મોહિનીને જોતાં જ તે કટાક્ષ માં બોલી. . "ભાભી ગમે તેટલું કરો પણ જેવાં હોઈએ તેવાં જ લાગીએ " અને ચાલવા માંડી. . અને આ શબ્દો જેવા તેનાં કર્ણપટલ પર પડ્યા કે ત્યા જ તેનો બધો જ ઉત્સાહ ઓસરી ગયો. તે નિ:શબ્દ બની ગઈ. તે જ સમયે સ્વપ્નીલ બૂમ પાડી. . મોહિની જલ્દી આવ પૂજાનું મોડું થાય છે. . આ શબ્દ સાંભળતાં મોહિની હોશ માં આવી. . અને ખૂબ જ ભારે મનથી પૂજા રૂમમાં આવી. સ્વપ્નીલ તો તેને જોતાં જ ખુશ થઈ ગયો. અને જ્યા મોહિની સ્વપ્નીલ ની બાજુના પૂજા ના પાટલા પર બેસવા જાય છે ત્યા જ સ્વપ્નીલ તેનાં કાનમાં ઘીમેથી કહ્યુ. . . તું આજે ખૂબ જ સુંદર લાગે છે. . . . . .
અને આ શબ્દો સાંભળતા જ મોહિની ના શરીર એક આનંદ વ્યાપી ગયો. તેનાં માં એક ચેતના આવી ગઈ. અને બમણી ખુશીથી આ રામ સીતાની છોડી વાસ્તુ પૂજામાં તલ્લીન થઈ ગયું.

