પ્રભુદર્શન
પ્રભુદર્શન


એક વખત એક ગુરુજી પોતાના શિષ્યો સાથે એક કારમાં બેસીને જઈ રહ્યા હતાં. ત્યાં રસ્તામાં એક મોટું મંદિર આવ્યું. મંદિરની બહાર લોકોની ભારે ભીડ હતી. અને લાંબી લાંબી લાઈનો હતી. તેમાંથી કેટલાક લોકો તો પગમાં કઈ પહેર્યા વગર જ લાઈનમાં ઉભા હતાં. વળી એ મંદિરનો મહિમા ઘણો હોવાથી કેટલાક લોકો તો ચાલીને ત્યાં આવ્યા હતાં. કેટલાક લોકો તો શરીરે અલોળતા આવ્યા હતાં. લોકો કલાકોથી લાઈનમાં ઉભા રહીને દર્શન માટે પોતાનો વારો આવાની રાહ જોઈ રહ્યા હતાં.
આ બધું જોઈને એક શિષ્યે ગુરુજીને પૂછ્યું, ‘ગુરુજી, ભગવાનના આ ભક્તો આટલું આટલું કષ્ટ વેઠે છે.છતાં ભગવાન પોતાના ભક્તોને દર્શન આપવામાં આટલી વિલંબ કેમ કરે છે ? ઈશ્વર આવા નિર્દયી કેમ બને છે ?
ગુરુજીએ એ શિષ્યની વાતનો કોઇજ જવાબ ન આપ્યો. પણ ગાડીના ડ્રાઈવરને ગાડી બાજુમાં ઉભી રાખવાનું કહ્યું. ગાડી ઉભી રહી એટલે ગુરુજીએ જેણે સવાલ કર્યો હતો તે શિષ્યને આજ્ઞા કરી, કે ‘તું જા અને એ લોકોને લાઈનમાં કેમ ઉભા છે એમ પૂછી આવ ?’
શિષ્યને થોડી નવાઈ લાગી. તેને કહ્યું ‘ગુરુજી એ લોકો દર્શન માટે જ તો ઉભા છે. એમાં પૂછવા જેવું શું છે !’ છતાંપણ ગુરુજીએ કહ્યું જ તું પૂછી આવ, કે તમે લોકો આમ લાઈનમાં કેમ ઉભા છો ?’ પોતાના ગુરુની આજ્ઞા માથે ચડાવી શિષ્ય ગાડીમાંથી નીચે ઉતર્યો. મંદિરની બહાર જે લાઈન હતી તેમને જઈને પૂછવા લાગ્યો. ‘ કે તમે આટલી તકલીફ વેઠીને મંદિરની બહાર લાઈનમાં કેમ ઉભા છો ? ત્યારે બધા લોકોએ પોત પોતાની રીતે જવાબ આપ્યો.
એક જાણે કહ્યું, ‘મારે માનતા હતી દર્શન કરવાની એટલે દર્શન કરવા લાઈનમાં ઉભો છું, બાકી મારે ટાઈમ નથી લાઈનમાં ઉભા રહેવાનો !’ આમ શિષ્યે એક પછી એક એમ ઘણા લોકોને પૂછ્યું પણ બધાનો આ જ જવાબ હતો. બધા કોઈને કોઈ માનેલી મનાતા પૂરી કરવા માટે જ લાઈનમાં ઉભા હતા. શિષ્ય પોતાના ગુરુ પાસે પાછો આવ્યો અને કહ્યું, ‘ગુરુજી લોકો કોઈને કોઈ દુઃખમાંથી મુક્તિ માટે અથવા પોતાનું હાલનું સુખ સચવાઈ રહે તે માટે લાઈનમાં ઉભા છે.
ગુરુજીએ શાંત ચિત્તે શિષ્યને જવાબ આપ્યો, ‘આ લોકોને ઈશ્વરના દર્શન જોઈતા નથી. આ લોકો તો માત્ર પોતાના સ્વાર્થની પુરતી માટે માનેલી માનતા માટે લાઈનમાં ઉભા છે. એટલે એમણે ઈશ્વરના દર્શન ક્યાંથી થાય ! જોકે ઈશ્વરે પણ આવા લોકોને દર્શન આપવાની જરૂર નથી. કેમ કે આ લોકોને ઈશ્વર સામે જોવાનો સમય પણ નથી.