પિતા...મારી છાયાનો પડછાયો
પિતા...મારી છાયાનો પડછાયો
સૌ પ્રથમ તો જગતના સર્વ પિતાને મારા હૃદયપૂર્વક વંદન..! માતાનો દરજ્જો તો ઊંચો છે જ અને રહેશે.પરંતુ પિતાનો મોભો પણ એટલો જ ભાગ ભજવે છે.જે ઘરમાં માતાનો ખોળો અને પિતાનો ખભો મળે છે.તે ઘરના સંતાનોમાં ચોક્કસ થી સંસ્કારોનું સિંચન થાય છે.એવું કહેવાય છે કે ગોળ વિના મોળો કંસાર અને માં વિના સુનો સંસાર પણ આ કંસાર માં ગળપણ નું કામ તો પિતા જ કરે છે.પત્નીની કુખે બાળક અવતરણ સાથે જ પિતાનો જન્મ થઈ જાય છે.પિતા શબ્દ એ આપણી ઓળખાણ....સ્વ ના નામ ની પાછળ વપરાતો માનવાચક શબ્દ એ પિતા છે.સંસ્કૃતમાં પિતા માટે એક સુંદર શ્લોક છે.
પિતા ધર્મ: પિતા સ્વર્ગ: પિતાહી પરમતપ:
પિતારી પ્રતિ માપંતે: પ્રિયંતે સર્વ દેવતા
અર્થાત્ ,પિતાનો ધર્મ નીભાવવાવાળા પિતા પાસે સ્વર્ગ છે. પિતા બનવું એ પરમ તપ છે તેની પ્રતિમા તો દેવોને પણ પ્રિય છે.
મિત્રો, એક વિચાર આવે છે કે ૨૫ - ૩૦ વર્ષનો એક ફક્કડ યુવાન...જે સરસ મજાના જિન્સ ટીશર્ટ અને ફેશનેબલ શૂઝ સાથે પરફ્યુમ લગાડે છે. પિતા બનતા જ ધીમે ધીમે વર્ષો જતા તેના શોખ ઓછા થઈ જાય છે.કારણ માત્ર એટલું કેવતે પિતા છે. તેના શોખ વહેંચાઈ જાય છે.... જવાબદારીઓમાં ધન્ય છે આવા પિતા ને...! પિતા શબ્દ પડતાં જ આંખ સામે એક અનુશાસન બદ્ધ ચહેરો ખડો થઈ જાય છે. એક બાળક દીકરો કે દીકરીના મનમાં ડર સાથે આનંદની લાગણી પણ અનુભવાય છે. પિતા પણ બાળક સાથે બાળપણ જીવે છે. તેમાં દીકરી પોતાના પિતાના હૃદયની અત્યંત નજીક હોય છે.
"ક્યાંક એવું નસીબ મળી જાય ,
જીવનની સૌથી સુંદર ક્ષણ મળી જાય ,
પિતા બને ઘોડો ને મારી સવારી બની જાય...!"
મિત્રો ,અમુક પળો પાછી નથી લાવી શકતા પરંતુ ચોક્કસ તેમને વાગોળી શકીએ છીએ. અહીં એક નાનકડી વાર્તા યાદ આવે છે.
સાંજના સાત વાગ્યા હતા અને શ્યામલી તેના પિતાનો ઈન્તજાર કરી રહી હતી. આજે તે ઘણી ખુશ હતી કારણ આજે સ્કૂલમાં લેવાયેલ ગણિતના ટેસ્ટમાં તેણે પૂરા ગુણ મેળવ્યાં હતા . આ ખુશખબરી તે પિતાને આપવાની હતી.અચાનક ડોરબેલ વાગી અને શ્યામલી દરવાજો ખોલે છે.પિતાને જોતા જ તેની ખુશીનું કારણ જણાવી દે છે. બાળકની નાની મોટી ખુશીમાં પિતા પણ ખુશ થાય. પોતાની દીકરી ને સારા ગુણ આવ્યા તે ખુશીમાં તેને રાત્રિનું ભોજન લીધા બાદ આઈસ્ક્રીમ ખવડાવવા લઈ જાય છે.
શહેરની ઝળહળતી રોશનીમાં પિતા અને દીકરી નાઈટ વોક કરવા નીકળી પડે છે. એક બગીચાના બાંકડે બેસીને શ્યામલી ને તેની મનપસંદ આઈસ્ક્રીમ ખવડાવે છે.
અચાનક શ્યામલીની નજર એક વ્યક્તિ પર પડે છે. સામાન્ય દેખાવ અને આર્થિક પરિસ્થિતિ યોગ્ય ન હોય તેવા તેના કપડા ચાડી ખાતા હતા. તેણે એક બાળકીને તેડી હોય છે.જોવા પર થી લાગ્યું કે તેના પિતા હશે.તે બાળકી આઈસ્ક્રીમ પાર્લરમાં લાગેલા લોભામણા ચિત્ર જોતી હોય છે. બાળકી એ પોતાના પિતાને એક આઈસ્ક્રીમ તરફ આંગળી ચીંધી. પિતા તે આઈસ્ક્રીમની કિંમત પૂછી પોતાના ખિસ્સાને ફફોળે છે. થોડીવાર બાદ પોતાની બાળકી ને કંઈક કહી સામે એક કુલ્ફીવાળાની લારી પાસે લઈ જાય છે. તે પિતા પોતાની બાળકીને લારી પરથી કુલ્ફી ખવડાવે છે. તે બાળકી પણ પોતાના પિતાને જોઈ ખુશ થતી હતી કે જેવી શ્યામલી ખુશ થતી હતી. ખરેખર ખુશી પૈસાથી નહીં પરંતુ લાગણીથી અંકાય છે. તેની મનપસંદ આઈસ્ક્રીમ કરતા નાનકડી કુલ્ફીનો સ્વાદ વધુ મીઠો હશે એવો અહેસાસ એ દિવસે શ્યામલી ને પણ થયો. એ નાનકડા પ્રસંગ બાદ શ્યામલી પોતાના પિતા પાસે કોઈ ખોટો ખર્ચ કરાવતી નથી અને પિતાની લાગણી ઓને પણ સમજવાનો પ્રયત્ન કરે છે.
" ભામણા લઈ નજર ઉતારી દીધી,
શાંતિની પળો મુજ પર વારી દીધી,
હોય જો પેટ ભૂખ્યું તો મુજ પિતા એ....
રાત આખી પરિશ્રમમાં ગુજારી દીધી.!"
પિતા એક એવો જીવ છે કે જે પોતાની શાંતિની પળો ત્યાગી આખી રાત ઉજાગરા વેઠીને પણ પોતાના પરિવારનું પાલનપોષણ કરે છે કહેવાય છે ભગવાન ભૂખ્યો ઉઠાડે પણ ભૂખ્યો સુવા ન દે તેમ પરિવાર માટે તો પિતા જ ભગવાન છે . માં ભલે સહનશીલતા ની મૂર્તિ કહેવાય પરંતુ ધરતી સમાન ધીરજ પિતા માં છે પિતા જે કામ કરે તે દીર્ઘદ્રષ્ટિ થી કરે છે. પછી તે પોતાના બાળકના ભવિષ્યની વાત હોય કે કોઈ પણ જીમ્મેદારી ભર્યું કાર્ય હોય....કોઈપણ ગંભીર બાબત નું નિરાકરણ પિતા ધીરજ થી લાવી શકે છે.તે હમેંશા આગળનું વિચારી ને નિર્ણય લે છે.
એક ઉદાહરણ કે એક દીકરાના પિતા ખૂબજ ધનવાન અને મોભાદાર વ્યક્તિ ....માં પણ વર્કિંગ વુમન...પોતાના બાળકના ભવિષ્ય માટે ઘણા સપના જોયેલા કે મારો દીકરો ડોકટર બને.ઈશ્વરની કૃપા થી દીકરો પણ ભણવામાં હોંશિયાર પરંતુ...દીકરાનું સ્વપ્ન સંગીતકાર બનવાનું હતું.અવારનવાર પુત્રની કારકિર્દીની ચિંતા થી ઘરમાં કકળાટ થતો..પરંતુ પિતા પોતાના બાળકની ઈચ્છા ને ધ્યાન માં રાખી પોતાના દીકરાને ગમતા ક્ષેત્રમાં જવાનો મોકો આપે છે.કારણ તે પિતા છે... એ પિતા જ છે જે પહેલા પોતાના દીકરાનો મિત્ર છે.જગતના પિતાને એટલું ચોક્કસ કહીશ કે પોતાના બાળક સાથે મિત્રતાભર્યું વર્તન કરશું તો તે પોતાના મન ની વાત જરૂર કરશે અને ક્યાંક સુસાઈડ ના કેસ પણ થતાં અટકશે. મિત્રો જીવનમાં પિતાનું હોવું જરૂરી છે. જે પુત્ર પિતાની છત્રછાયા નાની વયે ઘૂમાવે છે ત્યાં ખરેખર દુઃખ અનુભવાય છે.પિતા એક એવો ધર્મ છે જ્યાં જવાબદારી સર્વોપરી છે અને એમાં પણ લક્ષ્મીની અછત ધરાવતા..
" વજન છે સૌને સૌની જીમ્મેદારી નું,
સૌથી વજનદાર છે ખાલી ખિસ્સુ..
ચાલવું અઘરું જીવવું કપરું..!"
ખાલી ખિસ્સા વાળા પિતાના પગ એટલા ભરી હોય છે કે જીવન નિર્વાહ માટે આગળ વધવા કેટલીયે તકલીફોનો સામનો કરવો પડે છે.પિતા એક એવા મજબૂત ખભાનું સામર્થ્ય છે કે જે આખી દુનિયા થી ભીડીને પોતાના પરિવારને નાની મોટી ખુશી આપવાનો પ્રયત્ન કરે છે.
એક દિવસ ૨૪ વર્ષીય નેહા વિકેન્ડ મનાવવા પોતાની ફ્રેન્ડ્સ સાથે ગાડી લઈ નીકળી પડે છે.નાનપણથી જ માં ની છત્રછાયા ઘુમાવી ચૂકેલી નેહા થોડી સ્વતંત્ર મિજાજની હોય છે.જીવનમાં કોઈ કડવા અનુભવ તેને થયેલા નથી હોતા.પિતા પોતાની દીકરીને રોકી લે છે અને તેને તેની સાથે ચાર્જર, ટોર્ચ અને થોડી ખાવાની સામગ્રી જેવી નાની મોટી જરૂરિયાત વાળી વસ્તુ સાથે લઈ જવા કહે છે .સાથે સાથે રવિવારે ફાધર્સ ડે ના પાછા પરત આવવાનું કહે છે.
પિતાની આવી વાતો સાંભળી પોતે નાની નથી એવો ઉદ્ધત જવાબ આપી કોઈ પણ જરૂરી વસ્તુ લીધા વિના તે પોતાની ફ્રેન્ડ્સ સાથે નીકળી પડે છે.પિતા પોતાની નેહા માટે ખુબજ ચિંતિત હોય છે.નેહાની ફ્રેન્ડ્સ કહે પણ છે કે તારે તારા ફાધર સાથે એવું વર્તન ન કરવું જોઈએ.પરંતુ નેહા આ વાત ને ધ્યાનમાં નથી લેતી.
લોંગ ડ્રાઈવ ની શરૂઆત થાય છે...થોડો સમય પસાર થતા જ મોબાઈલ ની બેટરી બેસી જાય છે... આજુ બાજુ ક્યાંય હોટેલની સગવડ ન હોવાથી બધાને કડકડતી ભૂખ લાગી હોય છે.અંધારું થતાની સાથે જ નેહાની ગાડી નું ટાયર પંકચર થઈ જાય છે...કોઈ ની મદદ લેવાય એવો વિકલ્પ હોતો નથી. કોઈ ગાડી રોકતું પણ નથી.નેહા અને તેની ફ્રેન્ડ્સ ગભરાઈ જાય છે.
અચાનક પાછળ થી કોઈ ગાડીની બત્તી માટે છે...પડછંદ કાયાનો પડછાયો જોઈ બધા ગભરાઈ જાય છે ને ગાડીની બારીના કાચ બંધ કરી દે છે .પરંતુ બહારથી આવતા અવાજ માં કરુણતા હતી . " નેહા ,બેટા દરવાજો ખોલતા હું છુ તારા પપ્પા..!" એટલું સાંભળતાજ નેહા દરવાજો ખોલે છે અને વિસ્મય સાથે તેને જાણવા મળે છે કે પિતા તેની પાછળ પડછાયાની જેમ હતા. નેહાને પોતાની ભૂલ સમજાય છે અને તે સમયનો વિકેંડ તે પોતાના પિતા સાથે જ વિતાવે છે.
બાળકની છાયાનો પડછાયો એ પિતા છે..!મિત્રો ,ઘણી વખત પિતા પોતાના દીકરા કે દીકરી આગળ ભલે પાછી પાની કરતાં પરંતુ બાળક માં ભવિષ્ય અને ખુશી થી વધુ કંઈ જ નથી હોતું.જીવનમાં ઉતાર ચઢાવ તો દરેક પાસે આવે છે પરંતુ હસતા મુખે તેમાંથી કેવી રીતે નીકળવું તે ફક્ત પિતા જ કરી શકે. પિતા પર એક સુંદર કવિતાની રચના કરી છે તે ચોક્કસથી આપની સામે તેની બે પંક્તિ કહેવાની ઈચ્છા દર્શાવું છું...
પાછળ પડું કે આગળ વધુ ,
થોડો નમું કે થોડું વિરમું..
તું ઝાલી લે મારો હાથ...
તું ભરી લે મને બાથ...
પરિવારના માળાની બંદગી છે તું...
જિંદગીના રંગમંચનો શ્રેષ્ઠ કલાકાર છે તું...!
જીવનના ઉંમરની કોઈ પણ ઘડી હોય પિતા તેનું બાળક પાછળ પડે કે ઉત્સાહમાં આવી આગળ વધી જાય...ક્યાંક ગોથા ખાઈ કે થંભી જાય.. આ બધી પરિસ્થિતિમાં પિતા ઢાલ બની સાથે ને સાથે ઊભો રહે છે પોતાના પરિવાર ને ઉની અંચ પણ તેને મંજૂર નથી. તે ભલે કેટકેટલી યાતના ભોગવે અંતે તે યાતના સહન કરી પોતાના પરિવારનું રક્ષણ કરી તેને હસતો રાખવાનો પ્રયત્ન કરે છે કારણ તે પિતા છે.
આ મજબૂત ખભા પાછળ એક કોમળ હૃદય પણ છે. તે હતાશ થાય છે પણ રડી શકતો નથી. તે હારે છે પણ હાર માનતો નથી. કેટકેટલીય સંવેદનાઓ તેનામાં ધરબાયેલી છે તે અભિવ્યક્ત કરી શકતો નથી.સંવેદનાને અભિવ્યક્ત કરવામાં તે ખચકાટ અનુભવે છે.કારણ દુનિયાની નજરમાં મર્દ - પુરુષને આવા અધિકારો નથી.લાગણી વ્યક્ત કરતાં પુરુષ કે પિતા ને માવડિયો, રોતલ,વહુવડિયો કે કહ્યાગરો ઠરાવવામાં આવે છે.પરંતુ જ્યારે દીકરો કે દીકરી ખભેખભો મિલાવી ચાલતાં શીખે ને ત્યારે પિતાની છાતી ગજગજ ફૂલે છે. દીકરીને વળાવતા બાળક સમાન રડી પડે તે પિતા છે. પુત્રવધૂના ગૃહપ્રવેશથી હર્ષના આંસુ સરી પડે તે પિતા છે.
પિતાનો ઉંબરો એટલે હરખની ડેલી ,
બાળપણ હસે ને વરસે ખુશીની હેલી ..!!!
દીકરી પિતાની અનેવતેના હૃદયની અત્યંત નજીક હોય છે. ઘરે મોડા આવનાર પર માતા પછી રાહ જોતી એ દીકરી હોય....પિતાની કાળજી પુત્ર કરતા પુત્રીને વધુ હોય છે અને સામા પક્ષે પિતા પણ પોતાની દીકરી ને દુનિયાની બધી ખુશી આપવાનો પ્રયત્ન કરે છે.કારણ તે જાણે છે. કે પોતાની દીકરીની બધી જીદ અને ઈચ્છા સાસરીમાં પૂરી નહીં થાય, કદાચ નાની નાની વસ્તુ માટે તેને હાથ ફેલાવવા પડશે .તેથી દીકરીની ખુશી માટે તે બધું કરી છૂટવા તૈયાર થાય છે .દીકરીની વિદાય નો પ્રસંગ શબ્દોમાં વર્ણવો ઘણો અઘરો છે એમાં પિતાના હૃદયની વેદના કલ્પના બહારની વાત છે .આખું જીવન પરિશ્રમ કરી અને લાડકોડથી ઉછરેલી દીકરી ને જ્યારે બીજાના ઘરે મૂકવાનો સમય આવે તે સમય કેટલો કપરો હશે .તેમાં પણ જે દીકરી ને સારીમાં દુઃખ આપે અને તકલીફ મળતી હોય એવા પિતાનું કાળજું કેટલું દુખતું હશે.
સમાજમાં એવી દીકરીઓનો વર્ગ પણ છે જે પિતાની આબરૂ ની ચિંતા કર્યા વિના બે દિવસના આંધળા પ્રેમમાં પડી ભાગી જાય છે .ત્યારે એક બાપ પોતાની દીકરી અને ઈજ્જત ખાતર પોતાની પાઘડી પણ દીકરી ના પગ પર મુક્ત વર્વનાથી કરતો કારણ તે પિતા છે.આવી દીકરીઓને નમ્ર અરજ કેબેક વખત જીવનની ફિલ્મની થોડી રિલ પાછી ફેરવી જોજો પિતા એ તમારી માટે શું કર્યું છે અને તેમણે કેટલા પરિશ્રમ ને લાડકોડ થી મોટા કાર્ય છે તેનો ખ્યાલ આવી જશે.
તેથીજ, પિતા જિંદગીના રંગમંચ નો શ્રેષ્ઠ કલાકાર છે....! સર્વ પિતાને મારા કોટિ કોટિ વંદન...!
